રિમોટ હાથમાં લીધા પછી મનમાં થાય કે ઝટપટ અને ઓછા સમયમાં કંઈક જોવું છે પણ શું… તો ચિંતા નથી. ઘણું એવું છે જે કલાકો નથી માગતું, જે ટૂંકું ને ટચ છે અને માણવા જેવું પણ છે. એમાં પસંદગીનો વ્યાપ પણ વિશાળ છે અને પસંદગીઓ ઘણીવાર રિફ્રેશિંગ પણ છે

કાજલના હાથમાં રિમોટ હતું. મનમાં હતો ઉચાટ. કલાકેકમાં એને ફોન આવવાનો હતો અને જવાનું હતું કશેક બહાર. એ પહેલાં એ કંઈક તો જોવા માગતી હતી પણ આખેઆખું જોવાય તો. ઇન્સ્ટા અને ટ્વિટર અને એફબી વગેરે કરીકરીને એ કંટાળી ગઈ હતી. ડાબા હાથમાં મોબાઇલ અને અંગૂઠાથી સ્વાઇપ કરકર કરીને હવે એનું માથું ભમી રહ્યું હતું. ભંગાર મેસેજિસ, નક્કામા શોર્ટ્સ… એને થયું કેવું એડિક્શન છે સોશિયલ મીડિયાનું. જોકે થાય પણ શું? ફિલ્મ કે વેબ સિરીઝ લગાડે તો કલાકમાં એ ખતમ ના થાય તો? એણે તેમ છતાં રિમોટનાં બટન્સ દબાવ્યે રાખીને વિચાર્યે રાખ્યું, “મળ યાર, કંઈક તો એવું મળ જે મારા આ બોરિંગ કલાકને એન્જોયેબલ બનાવી દે.”
તમારી પણ ક્યારેક કાજલવાળી થતી હશે, રાઇટ? ડિજિટલ એડિક્શન એવું છે કે હાથમાંથી પુસ્તકો સરી ગયાં છે, અમસ્તા ગીતો ગણગણવાનું ગાયબ થઈ ગયું છે, બાલકનીમાં સાવ અકારણ ઊભા રહીને બહારનાં દ્રશ્યો જોતાં જોતાં પણ મન પ્રફુલ્લિત થઈ શકે છે એ હવે તડકે મુકાઈ ગયું છે. બચ્યાં છે તો નર્યાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ. ઘડીકમાં મોબાઇલ તો ઘડીકમાં રિમોટ. એમાં પણ ઓછા સમયમાં, આખેઆખી સિરીઝ કે ફિલ્મ પતાવી નાખવાનો મનસૂબો પૂરો ના થઈ શકે ત્યારે, અને લોકોની નિરર્થક પોસ્ટ્સ જોઈ, વાંચી, સાંભળી કે લાઇક કરીને ધરવ થઈ જાય ત્યારે શું કરવું?
છે, ઘણી પસંદગીઓ છે ભાઈ (અને બહેન પણ). ચાલો ચાલો, થોડીક તપાસીએ.

મિની સિરીઝ માણો છો તમે? ક્યારેય ના માણી હોય તો અખતરો કરવા જેવો છે. ચાર-પાંચ એપિસોડ્સની એકાદ સિરીઝ ચોક્કસ શોધી શકાશે કોઈક ઓટીટી પ્લેટફોર્મ પર. જેમ કે એમએક્સ, એમેઝોન મિની, ડિઝની પ્લસ હોટસ્ટાર, નેટફ્લિક્સ, યુટ્યુબ… મિની સિરીઝ સામાન્યપણે ચાર-પાંચ એપિસોડ્સની હોય. એના દરેક એપિસોડની અવધિ પણ ઓછી હોય, લાઇક દસથી પંદર મિનિટ.
એક રસપ્રદ વાત પણ જાણી લો. આપણે ત્યાં આ ઓટીટીઝની મોસમ સરખી જામી નહોતી એ દિવસોમાં, એટલે કે ઓનલાઇન મનોરંજનની દુનિયા ભાખોડિયાં ભરતી હતી ત્યારે, સૌથી વધુ જે અખતરા થતા હતા એ મિની સિરીઝ ટાઇપ્સના અને શોર્ટ ફિલ્મ્સના હતા. હમણાંની જાણીતી નિર્માણ કંપની ટીવીએફ, પછી પોકેટ ફિલ્મ્સ નામની કંપની વગેરે ઓછા સમયમાં માણી શકાય એવી ફિલ્મો અને સિરીઝના નિર્માણ કે વિતરણમાં હતી. કદાચ એ વખતે કોઈએ ધાર્યું સુધ્ધાં નહોતું કે એક એવો દિવસ આવશે જ્યારે ટેલિવિઝનની બાદશાહિયત સામે મગરૂરીથી પડકાર ફેંકીને ઓટીટી એને પછાડી દઈ શકે એવી તોસ્તાન તાકાતમાં પરિવર્તિત થઈ જશે. સમય જેનું નામ, એણે ટેક્નોલોજીની ક્રાંતિ, દરેક હાથમાં મોબાઇલ, કોરોનાના લૉકડાઉનકાળ અને બાકી હતું તે ફાઇવ-જીની પધરામણી સાથે પૂરું કરી નાખ્યું. આજે ટીવી ઓટીટી સામે થરથરી રહ્યું છે. એ દિવસો હવે સૌને સામે દેખાઈ રહ્યા છે જ્યારે ઓટીટી ટીવી કરતાં ક્યાંય વધુ શક્તિશાળી હશે.
તો, વાત શોર્ટ ફિલ્મ્સ અને મિની સિરીઝની હતી. એમાં ખેડાતા વિષયો બહુધા યુવાલક્ષી અને જીવનની સરળ બાબતો આસપાસ ફરતા હોય છે. જબરદસ્ત પ્રોડક્શન વેલ્યુ, અનેક લોકેશન્સ, મોટા સિતારા વગેરે નહીં, બસ ઇઝી, ફીલ ગુડ એન્ટરટેઇનમેન્ટ. એમાં અપવાદ ચોક્કસ હોઈ શકે છે પણ એ મળશે ઓછા.
શોર્ટ ફિલ્મ્સ માણવી એ પોતાનામાં એક અલગ મોજ છે. દસેક મિનિટથી લઈને ક્યારેક અડધો કલાક આસપાસ લાંબી એવી શોર્ટ ફિલ્મ્સમાં પણ એકએકથી ચડિયાતા વિષયો હોય છે. શોર્ટ ફિલ્મ્સના મામલે એવું છે કે એ લગાતાર બનતી રહે છે. ખાસ કરીને એટલે કે ઘણા ઊભરતા, આશાસ્પદ મેકર્સ કે જે મોટી અને મોંઘી ફિલ્મ બનાવી શકતા ના હોય, એ શોર્ટ ફિલ્મથી પોતાની સર્જનાત્મક સૂઝબૂઝ પેશ કરવા એ બનાવે છે. એનો વિશાળ ખજાનો યુટ્યુબ પર છે. શોર્ટ ફિલ્મ્સને પ્રોત્સાહન આપવા અમુક કંપનીઓ પણ એનું નિર્માણ કરાવે છે. જેમ કે સારેગામા અને ઓફિસર્સ ચોઇસે શોર્ટ ફિલ્મો માટે આજથી છએક વરસ પહેલાં એક અલાયદું સાહસ શરૂ કર્યું હતું. એની ઘણી શોર્ટ ફિલ્મો ઓનલાઇન જોઈ શકાય છે. ક્યારેક કિસ્મત જોર કરે તો કોઈક એવી શોર્ટ ફિલ્મ જોવાનો લહાવો પણ મળી શકે છે જેમાં આજના કોઈક સ્ટારની હાજરી હોય જે ફિલ્મના મેકિંગ વખતે ઓછા જાણીતા કલાકારોમાંના એક હોય. ક્યારેક વળી મોટા સિતારા સાથેની મસ્ત શોર્ટ ફિલ્મ મળે અને માણી શકાય કેમ કે ઘણા સ્ટાર્સને હટ કે શોર્ટ ફિલ્મ કરવી ગમતી હોય છે.
શોર્ટ ફિલ્મ્સની બીજી એક અલગ વાત વિષય વૈવિધ્યની પણ છે. એમાં એવા એવા વિષયો મળી શકે છે જે અન્યથા મેઇનસ્ટ્રીમ ફિલ્મોમાં જોવા ના મળે. ક્યારેક સામાજિક મુદ્દા, ક્યારેક દેશનો કોઈક અગત્યનો પ્રશ્ન, ક્યારેક સાવ વિચિત્ર વાત તો ક્યારેક બીજું કંઈક. જોકે શોર્ટ ફિલ્મ્સ જોવા તાલાવેલી જાગે એ પહેલાં એ યાદ રહે કે ઘણી શોર્ટ ફિલ્મ બોરિંગ, ભદ્દી, ગુણવત્તાની દ્રષ્ટિએ નબળી પણ હોય છે. એવી ફિલ્મ્સથી બચવા અને સમયનો કચ્ચરઘાણ નીકળતો અટકવા થોડી ઓનલાઇન કસરત કર્યા પછી જોવા બેસજો.
ફાઇનલી, એક ચોઇસ હજી ઉમેરી દો યાદીમાં, ખાસ ત્યારે કે જ્યારે તમે દૂરદર્શનના સુવર્ણકાળના શોઝના સાક્ષી રહ્યા હોવ. એ સમયના ઘણા યાદગાર શોઝ આજે ઓટીટી પર ઉપલબ્ધ છે. એ શોઝની સારી વાત એ હતી કે એમના કોન્ટેન્ટમાં ખરેખર દમ હતો. નોસ્ટાલજિક ફીલિંગ વત્તા સાચે જ કંઈક સારું માણવા માટે આવા શો જોઈ શકાય. એમાં એવા વિકલ્પો પણ ખાસ્સા છે જેમની વાર્તા દરેક એપિસોડ નવી હોય. એટલે, એક એપિસોડ જોઈને બ્રેક લો તો પણ ચાલે.
ઓનલાઇન આવું કાંઈ જોવા ટીવી પણ એક સાધન છે એ પણ ખ્યાલમાં રહે. આપણી મોબાઇલ કંપનીઓથી લઈને લોકલ કેબલ ઓપરેટર્સ સુધી ટીવી ચેનલ્સનો ધોધ જેઓ આપણા ઘર સુધી પહોંચાડે છે તેઓ પાસે પણ આગવી ચેનલ્સ હોય છે. એમાં પણ કંઈક જુદું માણી શકાય છે.
નવું શું છે?
  • આ લખાઈ રહ્યું છે ત્યારે એક ન્યુઝ ઝડપભેર સર્વત્ર ફરી રહ્યા છે. એ છે ધ કેરલા સ્ટોરીને ખરીદવા કોઈ ઓટીટી પ્લેટફોર્મ આગળ આવ્યું નથી. એ માટેનું કારણ એ જણાવાઈ રહ્યું છે કે કોઈ પ્લેટફોર્મ એ ફિલ્મને હાથ લગાડવા ઉત્સુક નથી જે રાજકીય રીતે સંવેદનશીલ ગણાઈ છે. અરે પણ એમ તો ઘણી એવી ફિલ્મો પહેલાં પણ આવી અને આગળ પણ આવશે, તો શું?
  • કંગના રનૌતે પ્રોડ્યુસ કરેલી ટિકુ વેડ્સ શેરૂ તમે જોઈ? પ્લીઝ, કહો કે નથી જોઈ, કેમ કે એમાં જોવાયોગ્ય કશું નથી. ખરું કહો તો સવાલ એ ઊભો થાય છે કે શું વિચારી, ધારીને કંગનાએ આ ફિલ્મ બનાવી? સવાલ એ પણ થાય છે કે નવાઝુદ્દીને ફિલ્મ સાઇન કરી હશે ત્યારે એ ભાનમાં હશે કે ઊંઘમાં? હે ભગવાન…
  • સુધીર મિશ્રા દિગ્દર્શિત અફવાહ ફિલ્મ પાંચમી મેએ થિયેટર્સમાં આવી હતી છતાં, શક્ય છે એનું નામ તમે ના સાંભળ્યું હોય. હવે એ આજથી નેટફ્લિક્સ પર આવી છે ત્યારે એ નક્કી કે દર્શકોને એની હયાતીની જાણ થશે, નવાઝુદ્દીન સિદ્દીકી, ભૂમિ પેડણેકર, શારીબ હાશમી, સુમીત વ્યાસ જેવાં કલાકારોની આ ફિલ્મ ઘેરબેઠા માણી શકાય એટલી તો સારી હશે જ.
  • સોની લિવ પર આજથી વિક્ટર મુખર્જી દિગ્દર્શિત ફિલ્મ લાકડબઘ્ઘા પણ આવી છે. એ પણ ક્યારે થિયેટરમાં આવી અને ગઈ એની કોઈને ખાસ જાણ નથી. આ એક્શન થ્રિલર ફિલ્મમાં આયુષ્માન ઝા, રિદ્ધિ ડોગરા, પરેશ પાહુજા, મિલિંદ સોમણ જેવાં કલાકારો છે.
Share: