
“પણ તારે તારાં માબાપ સામે કેસ શા માટે માંડવો છે?” બાર વરસના ટેણિયા ઝૈન એલ હાજને અદાલતમાં ન્યાયાધીશ પ્રશ્ન કરે છે. શૂન્ય આંખે એ સણસણતો જવાબ આપે છે, “કારણ કે (એમના પાપે) હું જન્મ્યો…” બાળકને સાચવવાની ત્રેવડ નહીં છતાં એક પછી એક બાળક જણ્યે જતાં માબાપ વિરુદ્ધ એક બાળકનું એ સણસણતું તીર છે.
લેબનીઝ ફિલ્મ ‘કાપરનોમ’ (કે ‘કાપરનાહુમ’) બાર વરસના ટેણિયા ઝૈનની કથા છે. એના વિષાદ અને એના નિર્ણયોની કથા છે. સંજોગવશાત્ જેલમાં ગોંધાયા પછી ત્યાં એ એક જણને ચાકૂ ભોંકી દે છે. એમાં કેસ થાય છે. એ સમયે અદાલતમાં એનાં માબાપ હાજર છે. ત્યાં ઝૈન માબાપ વિરુદ્ધ કેસ કરવાની વાત મૂકે છે.
એનાં માબાપ, સૌઆદ અને સેલીમે, દીકરાના જન્મ પછી એનું બર્થ સર્ટિફિકેટ લેવાની દરકાર કરી નહોતી. એમણે આવી દરકાર એમનાં અન્ય સાત-આઠ સંતાનો માટે પણ કરી નથી. એમને મન બાળક જણવું એ શારીરિક ભૂખ સંતોષવાનું નૈસર્ગિક કૃત્ય છે. જણ્યા પછી બાળકના ઉછેરની ઔકાત કે તમન્ના તેલ પીવા જાય. લેબનીઝ શહેર બૈરતના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા આ પરિવારની ભીંતો અને છત પર જાણે શબ્દ કોતરાયેલો છેઃ સંઘર્ષ.
આવા પરિવારનું ફરજંદ ઝૈન ઘરથી ભાગીને પોતાની રીતે જીવનની લડાઈ લડે છે. એનું ઘર છોડવાનું કારણ છે. માબાપ એની વહાલસોયી, અગિયાર વરસની બહેન સેહરને, ત્રીસીમાં આવેલા પુરુષ અસાદને વેચી નાખે છે, માત્ર બે મરઘીઓ માટે. અસાદ આવડી નાની છોકરીને ગર્ભવતી કરે છે જે બને છે સેહરના મૃત્યુનું કારણ.
સેહરના મૃત્યુ પછી ઘર છોડીને જતો રહેલા ઝૈનનો ભેટો ઇથિયોપિયન મહિલા રાહિલ સાથે થાય છે. એની દશા ઝૈન જેવી છે. એની પાસે એના વજૂદનો કોઈ પુરાવો નથી. છોગામાં એને ધાવણો દીકરો યોનાસ છે. રાહિલ એમ્યુઝમેન્ટ પાર્કમાં નોકરી કરે છે. એ ઝૈનને આશરો આપે છે જેથી એ એના દીકરાને સાચવે અને પોતે કામ કરી શકે, બૈરત છોડવા, અસ્તિત્વનો પુરાવો મેળવવા પૈસા ભેગા કરી શકે. ઝૈન અને રાહિલનું શું થાય છે એ છે ફિલ્મની વાત.
એકદમ અસલ માહોલમાં પડદે કંડારાતી ‘કાપરનોમ’ ઘણી જગ્યાએ ડોક્યુમેન્ટરી જેવી વાસ્તવિક છે. એનાં દ્રશ્યો અને શોટ ટેકિંગ અસંબદ્ધ લાગે એટલી હદે સરળ અને અટપટાં છે. ઝૈન તરીકે ઝૈન અલ રાફિયા, રાહિલ તરીકે યોર્ડાનોસ શિફેરો અને યોનાસ તરીકે બોલુવતિફ ટ્રેઝર બેન્કોલ ગજબ છે. સેહર તરીકે સેડ્રા ઇઝ્ઝામ ઉત્તમ છે.
‘કાપરનોમ’ સિનેમેટિક માસ્ટરપીસ છે. એનાં દિગ્દર્શકા નાદીન લાબાકી છે. ફિલ્મ રિલીઝ થઈ હતી 2018માં. પ્રથમવાર દર્શાવાઈ હતી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં. ત્યાં એ પામ ડી’ઓર એવોર્ડ માટે મેદાનમાં ઊતરીને જ્યુરી પ્રાઇઝ જીતી હતી. એને પંદર મિનિટ સુધી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. ઓસ્કરમાં એ શ્રેષ્ઠ લેબનીઝ ફિલ્મના નાતે એણે વિદેશી ફિલ્મની કેટેગરીમાં નોમિનેશન પટકાવ્યું હતું. ગોલ્ડન ગ્લોબમાં પણ એ નોમિનેશન પામી હતી. મિડલ ઇસ્ટ અને આરબ ફિલ્મોની પોતાની એક દુનિયા છે. એમાં આ ફિલ્મ આજ સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. ભારતમાં એ મોટા પડદે રિલીઝ નહોતી થઈ. પ્રાઇમ વિડિયો પર જોઈ શકાય છે.
નાદીન લાબાકીએ ‘કાપરનોમ’નું સર્જન લેબનનના વસતા સાચુકલા લોકોની વ્યથાસ્થિતિથી પ્રેરાઈને કર્યું હતું. ફિલ્મનો બાળનાયક ઝૈન વાસ્તવમાં બૈરતની ઝૂંપડપટ્ટીમાં વસતો સિરિયન શરણાર્થી હતો. ફિલ્મની રજૂઆત પછી એને અને એના પરિવારને નૌર્વેએ નાગરિકત્વ આપ્યું હતું. રાહિલ બનતી શિફેરોની જિંદગી પણ એના પાત્ર જેવી હતી. લાબાકીએ એ બેઉ સહિત આવાં ઘણાં ત્રસ્ત લોકોના જીવનના ઊંડા સંશોધનથી મળેલી વિગતો, ઘટનાઓને વણીને રિયલિસ્ટિક ફિલ્મ બનાવી. એમાં એમણે શરણાર્થીઓની સમસ્યાઓ, બાળક પેદા કરીને એની ઘોર ઉપેક્ષા કરતાં માબાપ, બાળલગ્ન સહિતના ગંભીર મુદ્દા બખૂબી વણી લીધા.
આપણે લેબનીઝ કે આરબ ફિલ્મ જગતથી ખાસ પરિચિત નથી. વીસેક દેશોની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સામુહિક ધોરણે આરબ ફિલ્મ જગત કહેવાય છે. એ બધી એકતાંતણે એટલે બંધાયેલી કે આ તમામ દેશોની ફિલ્મોમાં ભલે વાત સ્થાનિક હોય પણ પાત્રોની ઓળખ, ધર્મ જેવી બાબતો પરસ્પર મેળ ખાનારી હોય છે. આરબ ફિલ્મ જગતમાં શક્તિશાળી ગણાય છે ઇજિપ્તનો ફિલ્મ ઉદ્યોગ. આ દેશના કૈરોને ક્યારેક મધ્ય-પૂર્વના હોલિવુડનું સન્માન પ્રાપ્ત હતું. મોરોક્કો, ટ્યુનિશિયા અને અલ્જેરિયા જેવા દેશોની ફિલ્મોનું પણ આગવું માન છે.
લેબનીઝ ફિલ્મો ભારતમાં ભાગ્યે જ જોવાય છે. ત્યાં ફિલ્મો બનવાની શરૂઆત તો છેક 1920ના દાયકામાં થઈ હતી. જોકે ફિલ્મ બનાવવાની પ્રવૃત્તિમાં ગંભીરતા આવી છેક 1970ના દાયકાથી. પછી આંતરિક યુદ્ધે લેબનનને એવો ત્રસ્ત કર્યો કે ફિલ્મ ઉદ્યોગ ઠેરનો ઠેર રહી ગયો.
અત્યાર સુધીમાં આ દેશમાં બનેલી ગણીગાંઠી નોંધપાત્ર ફિલ્મોમાં એક ‘વેસ્ટ બૈરત’ છે. બીજી, લાબાકીના ડિરેક્શનવાળી, ‘કેરેમલ’ છે. જોર્ડનની 2014ની ફિલ્મ ‘થીબ’ને ઓસ્કારમાં નોમિનેશન સહિત દોઢેક ડઝન ફેસ્ટિવલ્સમાં સન્માન મળ્યાં હતાં. ફિલ્મોની દુનિયામાં નવાસવા પ્રવેશેલા સાઉદી અરેબિયાની 2012ની ફિલ્મ ‘વદજદા’ કોઈ મહિલાએ દિગ્દર્શિત કરેલી એ દેશની પ્રથમ ફિલ્મ હતી. નોંધનીય છે કે આ બેઉ ફિલ્મોની કથા પણ ‘કાપરનોમ’ની જેમ બાળકની આસપાસ ફરે છે.
‘કાપરનોમ’નાં દિગ્દર્શકા લાબાકીના પિતા એન્જિનિયર છે. લાબાકીએ સળગતા સામાજિક મુદ્દાઓને પોતાની ફિલ્મોના મુદ્દા બનાવ્યા છે.
લાબાકીની ફિલ્મનું શીર્ષક ‘કાપરનોમ’ પણ ઊંડો અર્થ ધરાવે છે. બાઇબલમાં આ શબ્દ એવા નગરનું નામ છે જ્યાં ઈશુ ખ્રિસ્તે ચમત્કાર કર્યા હતા. છતાં, ત્યાંના લોકો ઈશુ ખ્રિસ્તની બદબોઈ કરતા રહ્યા હતા અને એમના પ્રત્યે નિષ્ઠુરતા દર્શાવતા રહ્યા હતા. ફ્રેન્ચ બોલચાલમાં કાપરનોમ શબ્દનો ઉપયોગ અંધેરરાજના સમાનાર્થી તરીકે થાય છે. ઝૈનની કથા એવી જ છે.
છેલ્લે એક વાત. લાબાકી ઉત્તમ દિગ્દર્શિકા સાથે અભિનેત્રી પણ છે. પોતાની ફિલ્મોમાં તેઓ એકાદ પાત્ર ભજવવાનો આગ્રહ રાખે છે. ‘કાપરનોમ’ પણ તેઓ એક નાનું પણ અગત્યનું પાત્ર ભજવે છે. ફિલ્મના અદાલતનાં દ્રશ્યો જોતા એમને શોધી લેજો.
નવું શું છે?
- ટીવીએફની સફળ સિરીઝ ‘પંચાયત’ના ડિરેકટર દીપક કુમાર મિશ્રાની નવી કોમેડી સિરીઝ, ‘ગ્રામ ચિકિત્સાલય’ આજથી પ્રાઇમ વીડિયો પર આવી છે. પાંચ એપિસોડવાળી સિરીઝમાં અમોલ પરાશર, વિનય પાઠક અને આકાંક્ષા રંજન કપૂર વગેરે છે.
- ડિરેકટર પાબ્લો લારેનની ફિલ્મ ‘મારિયા’ પણ આજથી લાયન્સગેટ પ્લે પર આવી છે. એન્જલિના જોલી એમાં ઓપેરા લિજન્ડ મારિયા કેલાસની ભૂમિકામાં છે.
- સત્યઘટના પર આધારિત જોન અબ્રાહમની થ્રિલર ફિલ્મ ‘ધ ડિપ્લોમેટ’ પણ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા માંડી છે.
- રોમાન્ટિક કોમેડી સિરીઝ, ‘ધ રોયલ્સ’ પણ હવે નેટફ્લિક્સ પર જોઈ શકાય છે. સિરીઝમાં ભૂમિ પેડણેકર, ઇશાન ખટ્ટર અને સાક્ષી તન્વર છે.
Leave a Comment