ગયા વરસે બે-ત્રણ એવી સિરીઝ આવી હતી જેણે અપાર સફળતા મેળવી હતી. આ વરસે એવી સિરીઝનો જાણે દુકાળ પડ્યો છે. વિષયોની એકવિધતા અને ફોર્મ્યુલામાં સરી જતી મેકિંગની સ્ટાઇલ એના માટે જવાબદાર હોઈ શકે છે. નજર ફેરવીએ વરસની ચુનંદા સિરીઝ પર

 

2023નું વરસ પૂરું થવાને છે. ઢગલાબંધ વેબ સિરીઝ દર્શકો સામે એણે મૂકી. ફિલ્મો પણ. વરસનું વિહંગાવલોકન કરવાનો સમય આવ્યો છે ત્યારે બે તબક્કે વાત કરીએ. આજે કરીએ વેબ સિરીઝની વાત. કોણ ચમકી અને કોણ મોળી પડી એની વાત.

વરસ દરમિયાન આવેલી સિરીઝમાંથી જેણે દર્શકોને જીત્યા એમાં હંસલ મહેતાની સ્કૂપ અને ‘સ્કેમ 2003’ ટોપ પર છે. ગયા વરસે રાજ અને ડી.કે.એ દર્શકોને મોહી લીધા હતા આ વરસે મહેતાસાહેબે. ‘સ્કેમ 2003’માં વાત સ્ટેમ્પ પેપર કૌભાંડના કિંગ તેલગીની છે. હર્ષદ મહેતાના શેર બજાર કૌભાંડવાળી ઓરિજિનલ સિરીઝની આમ એ સિક્વલ પણ સાવ સ્વતંત્ર અને વેગળી વાર્તાવાળી. ગગન દેવ રિયાર નામના અભિનેતાને આ સિરીઝે પ્રથમ પંક્તિના કલાકારમાં સ્થાન અપાવ્યું. દસ એપિસોડવાળી સિરીઝ સોની લિવ પર જોઈ શકાય છે. છે એ લાંબી અને ક્યાંક ક્યાંક કંટાળાજનક પણ. છતાં, વિષયની મૌલિકતા અને મેકરની કલ્પનાશીલતા એના પ્લસ પોઇન્ટ છે.

‘સ્કૂપ’ને ખાસ્સા એવોર્ડ્સ મળ્યા છે. કરિશ્મા તન્ના એમાં પત્રકાર જાગૃતિ પાઠકનું પાત્ર ભજવે છે. પત્રકારત્વ આસપાસ ફરતી આ સિરીઝ પહેલાં ગયા વરસે ‘ધ બ્રોકન ન્યુઝ’ સિરીઝ ઝીફાઇવ પર આવી હતી. વાસ્તવિક ઘટના પર આધારિત આ સિરીઝમાં છ એપિસોડ્સ છે. વરસની અન્ય સિરીઝની સરખામણીમાં એ બેશક વધુ મનોરંજક છે.

સ્પેનિશ વેબ સિરીઝ ‘એલિટ’ પર આધારિત આઠ એપિસોડવાળી ‘ક્લાસ’ વરસની શરૂઆતમાં આવી હતી. દિલ્હીની પોશ સ્કૂલમાં ભણતા શ્રીમંત નબીરાઓ વચ્ચે સાધારણ પરિવારના વિદ્યાર્થીઓ ભણવા પહોંચે પછી શું થાય એની એમાં વાર્તા છે. સફળ અને ગાજેલી સિરીઝનો પાયો મળવા છતાં ‘ક્લાસ’ કોઈ એન્ગલથી ક્લાસિક સિરીઝ નથી બની.

શાહિદ કપૂરને લીડમાં ચમકાવતી, રાજ અને ડી.કેની સિરીઝ ‘ફર્ઝી’ પણ વરસની શરૂઆતમાં આવી. એ સફળ રહી એમ કહીએ તો પણ એટલું નક્કી કે ‘ધ ફેમિલી મેન’ સામે એ ફીકી છે. આ સર્જકોની આ વરસની વધુ એક સિરીઝ ‘ગન્સ એન્ડ ગુલાબ’ તો ‘ફર્ઝી’ કરતાં નબળી રહી. એમાં રાજકુમાર રાવ જેવા પ્રતિભાશાળી અભિનેતાની હાજરીથી પણ કોઈ જાદુ સર્જાયો નહીં.

અર્શદ વારસીને ચમકાવતી ‘અસુર’ સિરીઝની નવી સીઝન જૂનમાં આવી હતી. પહેલી સીઝને ખાસ્સી ચર્ચા જગાડી હતી. બીજી સીઝન ‘ધ રાઇઝ ઓફ ધ ડાર્ક સાઇડ’ ઘણાને ગમી છતાં, એમાં એવો મેજિક નથી જેવો પહેલી સીઝનમાં હતો.

સોશિયલ ઇન્ફ્લુએન્ઝર ટર્ન્ડ એક્ટર ભુવન બામે જાન્યુઆરીમાં છ એપિસોડની સિરીઝ ‘તાઝા ખબર’ સાથે અભિનયના મોરચે મોટી છલાંગ મારી હતી. સિરીઝનો વિષય મજેદાર પણ એ બની છે ખૂબ સાધારણ.

ફેબ્રુઆરી અને જૂનમાં બે તબક્કે રિલીઝ થયેલી ‘ધ નાઇટ મેનેજરે’ પણ ખાસ્સી ઉત્કંઠા જગાડી હતી. એ હતી એક ઇંગ્લિશ સિરીઝનું હિન્દી સંસ્કરણ. અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, શોભિતા ધૂલીપાલા સહિતનાં સિતારાઓ છતાં એનાં ગાજ્યાં મેહ વરસ્યાં નહી.

વિષયની દ્રષ્ટિએ જુદી અને સારી રીતે નિર્મિત ‘ધ રેલવેમેન’ ગયા મહિને આવી. યશરાજના બેનર વાયઆરએફ એન્ટરટેઇનમેન્ટની ચાર એપિસોડવાળી આ સિરીઝમાં આર. માધવન, કે. કે. મેનન, દિવ્યેન્દુ, બાબિલ ખાન વગેરે છે. ભોપાલ ગેસ ગુર્ઘટના પર આધારિત આ સિરીઝ દર્શકોને ગમી છે.

મોના સિંઘ, આશુતોષ ગોવારિકર, અમેય વાઘ, વિકાસ કુમાર વગેરે કલાકારોવાળી ‘કાલા પાની’ સિરીઝ ઓક્ટોબરમાં આવી. આંદામાન અને નિકોબાર ટાપુઓ પર અકળ બીમારી ત્રાટક્યા પછી જીવ બચાવવા સંઘર્ષરત પાત્રોની એમાં વાત છે. સાત એપિસોડવાળી આ સિરીઝે પણ ઉત્કંઠા જગાડ્યા પછી દર્શકોનાં દિલ ધાર્યાં પ્રમાણે જીત્યાં નથી.

‘પરમાનન્ટ રૂમમેટ્સ’ છેક 2014થી ચાલી રહેલી સિરીઝ છે. એની ત્રીજી સીઝન આ વરસે આવી. પહેલાં એ વિષયના નાવીન્યથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. હવે એમ લાગી રહ્યું છે જાણે વાતનું પુનરાવર્તન ચાલી રહ્યું છે. એટલે જ સિરીઝે ખાસ તરંગો સર્જ્યાં નથી.

ક્રાઇમ સિરીઝના નિરંતર પ્રવાહમાં આ વરસે ‘સુલતાન ઓફ દિલ્હી’નો ઉમેરો થયો. નવ એપિસોડવાળી સિરીઝ મિલન લુથરિયા અને સુપર્ણ વર્માનું સર્જન છે. તાહિર રાજ ભસીન, મૌની રોય, વિનય પાઠક વગેરે એમાં મુખ્ય પાત્રમાં છે. અંડરવર્લ્ડ વિશેની અનેક ફિલ્મો અને સિરીઝ પછી લોકોનો એમાં રસ કદાચ ઓછો થયો છે. પ્રમાણમાં ઠીકઠીક એવી આ સિરીઝ એટલે જ એવરેજ રિસ્પોન્સ મેળવી શકી છે.

2021ની સિરીઝ ‘મુંબઈ ડાયરીઝ’ની બીજી સીઝન આ વરસે આવી. કટોકટીના સમયમાં હોસ્પિટલમાં સર્જાતા પડકારો આસપાસ એની બેઉ સીઝન ફરે છે. પહેલી સીઝનમાં કેન્દ્રસ્થાને મુંબઈ પર 2008માં થયેલા આતંકવાદીઓના હુમલા વખતની વાત હતી. બીજી સીઝન એના છ મહિના પછી શહેરમાં અનરાધાર વરસાદથી સર્જાતા પૂરની વાત છે. મોહિત રૈના, કોંકણા સેન શર્મા, મૃણમયી દેશપાંડે, સત્યજીત દુબે, શ્રેયા ધનવંતરાય વગેરે કલાકારોવાળી આ ગંભીર સિરીઝ ટ્રીટમેન્ટને લીધે નોખી તરી આવે છે. એ ધીમી છે પણ જેમને આવી સિરીઝ ગમે એમને માટે ઉપયુક્ત છે.

આઠ એપિસોડવાળી, જિમી શેરગિલ, આશીમ ગુલાટી, વિક્રમ કોચર, નમીત દાસ, ચંદન રોય વગેરે કલાકારોવાળી ‘ચૂના’ સિરીઝ સપ્ટેમ્બરમાં આવી હતી. એ કોમેડી સિરીઝ છે. અર્શદ વારસી સૂત્રધાર છે. ચોરીના કિસ્સા આસપાસ ફરતી આ સિરીઝ ખાસ ગાજી નથી.

ક્રાઇમ આધારિત સિરીઝ ‘બમ્બઈ મેરી જાન’ પણ આ વરસે આવી. 1960ના દાયકાના મુંબઈનું ગુનાખોરીનું વિશ્વ એમાં દર્શાવાયું છે. કે. કે. મેનન, અવિનાશ તિવારી, કૃતિકા કામરા, નિવેદિતા ભટ્ટાચાર્ય, અમીરા દસ્તૂર જેવાં કલાકારોની આ સિરીઝ પણ જાણે આ પ્રકારની ફિલ્મો અને વાર્તાઓનું પુનરાવર્તન છે.

આ સિવાય પણ અનેક સિરીઝ આ વરસે આવી છે. એમાં વિદેશી સિરીઝ ઉમેરી દો તો સંખ્યા હજી વધે છે. વરસનો ક્યાસ કાઢીએ તો એમ કહી શકાય કે આ વરસે એવી સિરીઝ ભાગ્યે જ આવી જે આવતાં થોડાં વરસો સુધી યાદ રહે. સારામાં સારા કલાકારો અને તોસ્તાન બજેટ પછી પણ જ્યારે સિરીઝનું સર્જન આ રીતે સામાન્ય રહે ત્યારે સર્જકોએ નવેસરથી વિચારણા કરવાની રહે છે કે થાપ ક્યાં ખાધી. રહી વાત દર્શકોની તો ઓટીટી પર તેઓ કાયમ હાજર છે. ઘેરબેઠા સારું મનોરંજન માણવા દર્શકો આતુર ના હોય એવું બનવું શક્ય નથી. સવાલ બસ એટલો કે એમને રીઝવવા માટે પીરસાય છે શું.

નવું શું છે?

 

  • ટેલિક્યમુનિકેશન સર્વિસમાં જ ઓટીટી આવે કે નહીં? કેન્દ્ર સરકાર આ વિશે વિચારણા કરી રહી છે. ટેલિકોમ બિલ નામના ખરડાની જૂની આવૃત્તિમાં ઓટીટીને સેવા એમાં સામેલ કરવામાં આવી હતી। આ અઠવાડિયાની શરૂઆતમાં સંસદમાં રજૂ થયેલી સુધારિત આવૃત્તિમાં ઓટીટી શબ્દની બાદબાકી થઈ હતી. એનો અર્થ એવો કે એના પર સરકારના ટેલિકોમ સંબંધિત નિયમો અને નિયંત્રણો લાગુ થશે નહી.
  • અમેરિકન એક્શન થ્રિલર ફિલ્મ ‘ફીઅર ધ નાઇટ’ લાયન્સગેટ પર બાવીસમી ડિસેમ્બરથી જોઈ શકાશે. મેગી ક્યુ, કેટ ફોસ્ટર, ટ્રેવિસ હેમર વગેરે કલાકારોવાળી આ ફિલ્મના દિગ્દર્શક નીલ લાબ્યુટ છે.
  • ઘણાને હતું કે ઓટીટી પર ‘એનિમલ’ ફિલ્મ આવશે ત્યારે એમાં એ દ્રશ્યો પણ જોવા મળશે જે સેન્સર બોર્ડે થિયેટર્સમાં દર્શાવવા દીધા નથી. સેન્સરની કાતર ફર્યા પછી પણ અમુક ફિલ્મોએ ઓટીટી પર અનકટ વર્ઝન રિલીઝ કરી હતી. જોકે ‘એનિમલ’ના મામલે એવું નહીં થાય. ઓટીટી પ્લેટફોર્મ્સ કદાચ એવા પ્રયાસમાં છે કે ભારતમાં કામકાજ કરતા ભારતીય સત્તાધીશોની ખફગી વહોરવી નથી.
  • ‘બાર્બી’ આજથી એમેઝોન પ્રાઇમ પર આવી છે. આ પેન્ટસી કોમેડી ફિલ્મમાં મેર્ગોટ રોબી બાર્બીના પાત્રમાં છે. વિશ્વસ્તરે એણે બોક્સ ઓફિસ પર 1.44 બિલિયન ડોલરની એટલે રૂ. 1,19,58,86,160ની કમાણી કરી હતી. ફિલ્મ થિયેટરમાં આવી હતી જુલાઈમાં.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.22  ડિસેમ્બર, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ https://epaper.gujaratsamachar.com/chitralok/22-12-2023/6

Share: