લોકો કેવા કેવી વિડિયોથી, કેવી કેવી કિસ્મતથી ઇન્ટરનેટ સ્ટાર બની શકે એનું કાંઈ કહેવાય નહીં. એમેઝોનથી એમએક્સ સૌ ફિલ્મો, વેબ સિરીઝ વચ્ચે ટૂંકા વિડિયોને સિરિયસલી લે છે. કારણ એટલું જ કે એની બજાર એવી ફાટી છે કે વાત ના પૂછો

 

મુંબઈની લોકલ ટ્રેન અને માણાવદરથી મહેસાણા જતી જીએસઆરટીસીની બસમાં સામ્યતા શી છે? બેઉમાં અઢળક પ્રવાસીઓ એમના મોબાઇલમાં જબ્બર ઓતપ્રોત હોય છે. બચ્ચા હો યા બુઢા. ભારતીયો રોજ સરેરાશ 38 મિનિટ જેટલો સમય રીલ્સ અને શોર્ટ્સ જોવામાં ખર્ચી રહ્યા છે. આવું હોય એટલે આવાં દ્રશ્યો સર્વત્ર હોય. નિષ્ણાતોની ધારણા મુજબ 2025 સુધીમાં 60 કરોડ ભારતીયો (સ્માર્ટફોન વાપરતા આપણામાંના 67% લોકો હોં) ટૂંકી અવધિના વિડિયોઝના પાક્કા અને પૂરેપૂરા એક્ટિવ યુઝર્સ થઈ જવાના છે. આમ તો આવું થવમાં બાકી પણ શું છે હવે? આટઆટલી પ્રચંડ સંખ્યામાં લોકો જે પ્રવૃત્તિમાં ડૂબે એના લીધે એ પ્રવૃત્તિ ગંજાવર વેપાર બની જાય. દર્શકોના આ વિડિયોપ્રેમને લીધે 2030 સુધીમાં આ ઉદ્યોગનું મૂલ્ય 19 બિલિયન અમેરિકન ડોલર આંબી જવાનું. આપણા ચલણમાં એ થાય આશરે 15,66,46,45,00,000 રૂપિયા. આ ઉદ્યોગને નામ મળ્યું છે ક્રિએટર્સ ઇકોનોમી.

કોઈક રાક્ષસની જેમ દિવસે ના વધે એટલો રાતે અને રાતે ના વધે એટલો દિવસે આ ઉદ્યોગ વિકસી રહ્યો છે. બોલે તો, ઓનલાઇન કમાવાની તકે સૌને બઘવાવી નાખ્યા છે. ચૌરે ને ચોટે એણે શોર્ટ્સ અને રીલ્સ બનાવનારા ઊભા કર્યા છે. એમાંના અમુક ઝાઝા નસીબવાળા છે. સાવ અનાયાસે એમના વિડિયોઝ ગામ, શહેર, રાજ્ય અને દેશની સરહદો આળંગીને અપરંપાર દર્શકો સુધી પહોંચી ગયા. અમુક એવા પણ છે જેમના વિડિયો બીજા કોઈકે અપલોડ કર્યા અને લાગી લોટરી. એકવાર લોટરી લાગી પછી સ્ટાર બનનારા સફાળા બેઠા થયા અને વિચારવા માંડ્યા, “લે! આ તો માળું મોઢું ખોલ્યું ને પતાસું પડ્યું. હવે કાંઈક કરવું પડશે.”

એ સાથે એમણે અથવા એમના લાગતાવળગતાઓએ આદરી મહેનત. લક્ષ્ય એક જઃ ઇન્ટરનેટ સેન્સેશન થનારને સ્ટાર બનાવો અને આવક ઊભી કરો. એનાં ઉદાહરણ આખી દુનિયામાં છે. અન્યથા જેમને કદાચ કોઈ ક્યારેય ઓળખતા ના હોત એવા આ નસીબના બળિયા સ્ટાર્સ વાઇરલ વિડિયોઝથી ધનાઢ્ય પણ થયા છે.

 

એ પણ સમજી લો કે યેનકેન વાઇરલ થયેલા બધા વિડિયો રિયલી ઇન્ટરેસ્ટિંગ હોય એ જરાય જરૂરી નથી. જરૂરી એ પણ નથી જ કે એવા વિડિયો યુનિક, હટ કે અથવા કાબિલેદાદ હોય. ટૂંકા વિડિયોની દુનિયામાં એક અથવા બીજા કારણસર કોઈ પણ વિડિયો વાઇરલ થઈ શકે છે. બેશક, માર્કેટિંગ, એલ્ગોરિધમ (વિડિયોને મહત્તમ લોકો સુધી પહોંચાડવાની કોડિંગ વગેરેની ડિજિટલ ટ્રિક) વગેરે મદદરૂપ થઈ શકે છે પણ એ વાઇરલ થવાની પૂર્વશરત બિલકુલ નથી. વાઇરલ વિડિયોનું વૈવિધ્ય આશ્ચર્ય પમાડે એવું છે. આઠેક અબજ માણસોની દુનિયામાં આ જે થાય છે એને સચોટ રીતે વાયુપુરાણના એક શ્લોકના આ શબ્દોથી સમજી શકાયઃ મુંડે મુંડે મતિર્ભિન્ના કુંડે કુંડે નવં પયઃ – અર્થાત્ જેટલા મનુષ્યો એટલા વિટાર અને અલગ અલગ કૂવાના પાણીનો સ્વાદ અલગ અલગ.

સરસ ઉદાહરણ જોઈએ. 23 વરસનો એક ફુટડો યુવાન ખાબી લામે છે. તમે વાઇરલઘેલા હશો તો શક્ય છે એનું નામ અને એના વિડિયોથી પરિચિત હશો. નથી તો આજે જાણી લો. એ મૂળ પશ્ચિમ આફ્રિકાના દેશ સેનેગલના શહેર ડકારનો. સેનેગલની અડધાથી વધુ વસતિ ગરીબીની રેખાતળે જીવે છે. ખાબી વરસએકનો હતો ત્યારે એનો પરિવાર ઇટાલીના શિવાસો શહેર નજીક ટ્યુરિનમાં વસ્યો. ત્યાં જ એક ફેક્ટરીમાં ખાબી મામૂલી મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો. કોવિડે ઝપાટો બોલાવ્યો ત્યારે વિશ્વની અનેક કંપનીઓમાં બરતરફીનો સપાટો બોલ્યો. એમાં નોકરી ગુમાવનારા કમભાગીઓમાં એક ખાબી પણ થયો. કામધંધો નહીં, લૉકડાઉનમાં ક્યાંય જવાનું નહીં, તો કરવાનું શું? ખાબી પણ અગણિત લોકોની જેમ ટિકટોકિયો થઈ ગયો અને મૂકવા માંડ્યો ઓનલાઇન વિડિયો. ટિકટોકના ડ્યુએટ અને સ્ટિચ ફીચર્સનો ઉપોગ કરીને એ લાઇફ હેક્સના વિડિયો બનાવતો. લાઇફ હેક્સ એટલે એ કળા જેનાથી રોજિંદા જીવનનાં કામ વધુ અસરકારક રીતે, ઝડપી રીતે થઈ શકે. ખાબીના વિડિયો ઉપડ્યા. લોકોને મજા પડવા માંડી. એની લોકપ્રિયતા એવી વધી, એવી વધી કે અજ્ઞાત જણમાંથી એ જાણીતો ટિકટોકર થયો, પછી ટોપ 100માં, ટોપ 10માં આવતાં આજે નંબર વન ટિકટોકર છે. એના ફોલોઅર્સ ઓલમોસ્ટ 16 કરોડ છે.

2012માં જન્મેલી, નાશિકની એક ઢીંગલી જેવી છોકરી શિવાંજલિ પોરજે છે. એના ભાઈએ એકવાર એનો એક ક્યુટ વિડિયો અમસ્તો જ ઓનલાઇન મૂક્યો. એ વિડિયોને સારો પ્રતિસાદ મળ્યો. ભાઈને થયું, હાલો, રેગ્યુલર વિડિયો મૂકીએ. એવામાં જૂન 2021માં પણ એક વિડિયો ઇન્સ્ટા પર અપલોડ થયો. એણે તરખાટ મચાવ્યો અને કરોડો વખત જોવાયો. 1.17 કરોડ લોકોએ તો એને લાઇક કર્યો છે. 10 સેકન્ડથી ટૂંકા એ વિડિયોમાં શિવાંજલિ આંખોને અનોખી અદામાં રમાડતાં છેલ્લે મીઠડું સ્મિત આપે છે. 2022માં વિશ્વમાં ઇન્સ્ટા પર સૌથી વધુ જોવાયેલા વિડિયોમાં એણે સ્થાન મેળવ્યું. આજે તો શિવાંજલિ ઇન્ટરનેટ સેન્સેશનથી માંડી એકટ્રેસ પણ છે.

ઇન્સ્ટા પર જ કોચીન એક્વાટિક્સ નામે અકાઉન્ટ છે. એમાં હેપીનેસ શબ્દ સાથેનો વિડિયો છે. એમાં એક યુવતી કેરળના પેરુમ્બવૂર સ્થિત એટલાન્ટા ફિશ ફાર્મમાં છે. એ પાણીના હોજમાં હાથ ફેરવે છે અને સેંકડો રંગીન માછલી આવી જાય છે. આ વિડિયો 91 લાખથી વધુ લાઇક્સ મેળવી ચૂક્યો છે. પશ્ચિમ બંગાળમાં અલીપુરદ્વાર નામના જિલ્લામાં, ભુતાન સરહદ નજીક જયગાંવ નામનું ગામ છે. એના વિશે ભાગ્યે જ લોકોએ સાંભળ્યું હશે. ત્યાંના 19 વરસના રિયાઝ અલી નામના યુવાનને લીધે એ જાણીતું થયું છે. ટિકટોક આપણે ત્યાં પ્રતિબંધિત હોવા છતાં રિયાજ એમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સમાં 30મા નંબરે છે. એના ફોલોઅર્સ સાડાચાર કરોડથી વધુ છે. ઇન્સ્ટા પર છે 2.80 કરોડ ફોલોઅર્સ. તરેહતરેહના વિડિયોઝ મૂકતો રિયાજ હવે ફેશન ઇન્ફ્લુએન્ઝર છે.

1.56 લાખ કરોડથી મોટો ઉદ્યોગ થવા તરફ આગળ વધતી ટૂંકા વિડિયોની બજારમાં ઝંપલાવનારા કોણ સફળ થશે એ કહેવું અઘરું છે. પ્રયત્ન સાથે પ્રારબ્ધ સાથ આપે તો કોઈની પણ સાથે કંઈ પણ થઈ શકે છે અહીં. એટલે જ નહીં નહીં તો આઠ કરોડ ભારતીયો જાતજાતના શોર્ટ્સ અને રીલ્સ બનાવ બનાવ કરી રહ્યા છે. એમાંથી નોંધપાત્ર આવક રળવા સુધી પહોંચનારાની સંખ્યા આશરે દોઢ લાખ છે. આ લોકો મહિને રૂ. 16,000થી રૂપિયા બે લાખ વચ્ચે કમાય છે.

ટૂંકી અવધિના વિડિયોના દેશી દર્શકોમાંના 60%થી વધુ મહાનગરો બહાર વસે છે. એમને પોતાની ભાષામાં કોન્ટેન્ટ જોવું ગમે છે. અર્થ એ થયો કે આ કામ ભાષાનું મોહતાજ નથી. અર્થ એ પણ થયો કે લોકો સુધી પોતાની લાગણી સચોટ રીતે પહોંચાડવી અહીં ટેક્નોલોજી કે પરફેક્શન કરતાં વધુ જરૂરી છે. સૌથી જરૂરી એ સમજવું છે કે એકવીસમી સદીમાં, એટ લીસ્ટ હાલપૂરતું, શોર્ટ વિડિયોઝ ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જતો માર્ગ છે. જ્યાં સુધી એના ઉબકા નથી ચડતા. જ્યાં સુધી એનો અતિરેક લોકોને એનાથી વિમુખ કરવામાં સફળ નથી થતો. ત્યાં સુધી એની ગાડી વંદે ભારત તો ઠીક, આવનારી બુલેટ ટ્રેન કરતાં ઝડપથી દોડતી જ રહેવાની છે.

 

નવું શું છે?

  • બીજી અને 16 સપ્ટેમ્બર વચ્ચે ક્રિકેટનો એશિયા કપ રમાશે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સ્પર્ધકો છે. ઓક્ટોબર-નવેમ્બરમાં 10 ટીમ વચ્ચે ક્રિકેટ વન ડે વિશ્વ કપ રમાશે. બેઉ ટુર્નામેન્ટ ડિઝની પ્લસ હોટસ્ટાર પર મફતમાં જોઈ શકાશે, પણ માત્ર મોબાઇલ અને ટેબલેટ પર.
  • મોંગોલિયા, વાનુઆતુ, લેબનન અને ભારત, આ ચાર દેશ વચ્ચે ફૂટબોલનો ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ ભુવનેશ્શ્વરમાં રમાઈ રહ્યો છે. ફાઇનલ રવિવારે છે. માણવા જિયોટીવી ઓન કરજો.
  • પ્રિયંકા ચોપરાની ‘સિટાડેલ’ની દેશી આવૃત્તિ બની રહી છે. વરુણ ધવન અને સામંથા રૂથ પ્રભુ એમાં લીડમાં છે. શૂટિંગ જારી છે. વાતો એવી સંભળાઈ રહી છે કે સિરીઝ માટે સામંથાએ રૂ. 10 કરોડ જેવી અધધ ફી માગી અને મેળવી છે. જ્જે બાત!
  • નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની ફિલ્મ ‘ટિકુ વેડ્સ શેરુ’ ફાઇનલી પ્રાઇમ વિડિયો પર આવતા શુક્રવારે સ્ટ્રીમ થવા માંડશે. ફિલ્મ સાંઈ કબીર શ્રીવાસ્તવે ડિરેક્ટ કરી છે. ક્રિએટિવ પ્રોડ્યુસર કંગના રનૌત છે.
  • રકુલ પ્રીત સિંઘ અને પવૈલ ગુલાટીને ચમકાવતી ‘આઈ લવ યુ’ ફિલ્મ આજથી જિયો સિનેમા પર આવી છે. નામ ભલે જે હોય પણ ફિલ્મ છે થ્રિલર ટાઇપ. ડિરેક્ટર નિખિલ મહાજન છે.
  • એમએક્સ પ્લેયર પર ‘લવ એટ નાઇટ’ ડબ્ડ ચાઇનીઝ સિરીઝ આવી છે. લગ્નભંગ પછી અન્ય પુરુષ સાથે જેના દિલના તાર જોડાય છે એવી શુ ક્વિંગ યુની એમાં વાત છે. ભૂતપૂર્વ પતિના એને પાછા પામવાના ઘમપછાડા અને જે હવે મનમાં વસ્યો છે એ પુરુષ વચ્ચે પીસાતી શુ છેવટે શું કરે છે એ જોવા એમએક્સ પ્લેયપર ઓન કરજો.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.16 જૂન, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/16-06-2023/6

Share: