એક છેડે મુંબઈમાં એકલવાયાપણાનો ભોગ બનેલા વૃદ્ધો અને બીજા છેડે ગરીબ, સ્ટ્રગલર્સની કથાઓ વણી લેતી આ ફિલ્મમાં ઘણી નબળાઈઓ છે. છતાં એક હદ સુધી એ ઓકે ઓકે છે. ખાસ તો જેકી શ્રોફ, નીના ગુપ્તા, અભિષેક ચૌહાણ અને મોનિકા પનવરના અભિનયને લીધે.
ફિલ્મની વાર્તા બે ટ્રેક પર ચાલે છે. એક છે વૃદ્ધ મુંબઈગરા વી. એસ. કામત (શ્રોફ) અને કેનેડાથી આવતી પ્રકાશ કૌર (ગુપ્તા) વચ્ચે થતી દોસ્તીનો. બીજો ટ્રેક છે સ્ટ્રગલર નન્હે (ચૌહાણ) અને બહુવિધ કળાઓથી (વારાંગના તરીકે પણ કામ કરતાં) મુંબઈમાં ટકી રહેનારી રાની (પનવર) વિશેનો છે. કામતે છેલ્લાં 12 વર્ષમાં સમ ખાવા પૂરતી પણ કોઈ મહિલા સાથે વાત કરી નથી. એ અકસ્માતે કૌરને મળે છે અને વિકસે છે સંબંધ. કથામાં આ ડેવલપમેન્ટ મોડે અને બિનજરૂરી વિલંબ પછી આવે છે.
દરજી તરીકે નન્હે અને તેની મિત્ર-પ્રેમિકા તરીકે રાનીનો ટ્રેક આશાસ્પદ રીતે પર શરૂ થાય છે. છતાં, એ જોઈએ તેવી સાતત્યતા સાથે રસાળ રહેતો નથી. એટલું જરૂર નોંધવું રહ્યું કે બેઉ અભિનેતાઓ પોતપોતાના પાત્રોમાં એવો જ રંગ રાખે છે જેવો મુખ્ય કલાકારો.
બિલ્કિસ તરીકે રાખી સાવંતનો નાનકડો સબપ્લોટ પણ છે, જે નન્હેના ટ્રેકને એક હદ સુધી આગળ વધારવામાં મદદ કરે છે.
કામત અને પ્રકાશની નિકટતા વધ્યા પછી ફિલ્મ કેટલાક રસપ્રદ વળાંક લે છે. એ પહેલાં ખાસ્સો સ્ક્રીન-ટાઇમ ઓછી મહત્વની બાબતોમાં ખર્ચાઈ જાય છે.
ફિલ્મની પરાકાષ્ઠા પણ અધરાંધેલી અને કલ્પનાશીલતાના અભાવને લીધે નબળી લાગે છે. પ્રકાશના દીકરા રણધીર (મશહૂર અમરોહી)ને વાર્તામાં લાવવાની જરૂર જ નહોતી.
એકંદરે, ઘણા દર્શકો માટે એ નક્કી કરવું મુશ્કેલ થશે કે મસ્ત મેં રહને કા ગમી કે નહીં.
ફિલ્મની તરફેણમાં એટલું કહી શકાય કે એ વૃદ્ધાવસ્થાની સમસ્યાઓને હળવી શૈલીમાં ઉજાગર કરવાનો એક સારો પ્રયાસ છે. એમાં મુંબઈનાં કેટલાંક લોકેશન્સ સરસ રીતે દર્શાવાયાં છે. અને હા, કલાકારોનો અભિનય દર્શકને ફિલ્મ જોવાનું બંધ કરતા અટકાવી રાખે એટલો સારો છે.
મસ્ત મેં રહને કા એમેઝોન પ્રાઇમ પર ઉપલબ્ધ છે.

– સંજય શાહ

Share: