બે કલાકારોએ ઓટીટી પર જાદુ કર્યો છે. એક એવા જેમણે સફળતાના નવા શિખરનાં દર્શન વીસ વરસની મહેનત પછી કયાંર્ છે. બીજાં એવાં જેમણે કોલેજ દરમિયાન માત્ર એક મુદ્દો સાબિત કરવા બ્યુટી કોન્ટેસ્ટમાં ઝંપલાવીને નવું વિશ્વ મેળવ્યું. બેઉ આજે લોકોના હૈયામાં બિરાજે છે અને બેઉ માટે બીજી અનેક સિદ્ધિઓ રાહ જોઈ રહી છે

કલાકારોને સિતારા શાને કહેતા હશે? અમુક ચહેરા સાવ અજાણ્યા હોય અને અચાનક પ્રસિદ્ધિના આકાશમાં ચમકવા માંડે એટલે? એકવાર નામ થયા પછી અમુક શુક્રતારાની જેમ સતત ઝણહળતા રહે અને અમુક ખરી પડે, એટલે? કોને ખબર, પણ જે રીતે ઓનલાઇન મનોરંજનની દુનિયામાં સદંતર અજાણ્યા ચહેરા આવીને છવાઈ જાય છે એ જોઈને કલાકારોને સિતારા કહેવું એકદમ વાજબી લાગે.

અજાણ્યા ચહેરામાંથી સિતારા થનારાં બે કલાકારો એટલે શોભિતા ધુલિપાલા અને સુવિન્દર વિકી. શોભિતા હવે ખાસ્સું જાણીતું નામ છે. સુવિન્દર ‘કોહરા’ વેબ સિરીઝથી છવાઈ ગયા છે. ‘કોહરા’ પંજાબી સિરીઝ છે. હિન્દી સહિતની ભાષાઓમાં માણી શકાય છે. એની શરૂઆત રસપ્રદ છે. ધુમ્મસિયાળી એક સવારે એક યુવક અને યુવતી ખુલ્લા ખેતરમાં કામુક પળો માણી રહ્યાં છે. એકાએક કર્મ વચ્ચે પડતું મૂકીને યુવક સતત ભસ-ભસ કરી રહેલા કૂતરાને ભગાડવા જાય છે… અને એના હોશ ઊડી જાય છે, કારણ કે એની નજર પડે છે એક શબ પર!

આવે છે પોલીસ. એમાં એક છે બલબીર સિંઘ ઉર્ફે સુવિન્દર. કારકિર્દીનાં અનેક વરસો પછી પણ બલબીર મામૂલી સબ ઇન્સ્પેક્ટરથી વિશેષ કશું નથી. ‘કોહરા’માં બલબીરના પાત્રએ બેહદ પ્રશંસા અંકે કરી છે. ક્રાઇમને કેન્દ્રમાં રાખીને આવેલી અનેક વેબ સિરીઝ પછી પણ કોહરાએ તરંગો સર્જ્યાં છે. એનું એક સશક્ત કારણ સુવિન્દરનો અભિનય છે. શી ખાસિયત છે એમના અભિનયની?

કલાકારના હાથમાં હોય છે પાત્રને સાકાર કરવાનું મહા અઘરું કામ. લખાણ એક વાત છે અને દિગ્દર્શન બીજી વાત. કલાકારે એ બન્નેને પાર કરીને આગળ જવાનું હોય છે. એણે પાત્રને સૂઝબૂઝથી સમજવાનું અને જીવંત કરવાનું હોય છે. એ કામ સુવિન્દરે એટલી બખૂબી કર્યું છે કે ‘કોહરા’ સમગ્રપણે એમની સિરીઝ લાગે છે. એવું કરવામાં એમણે આંખો અને મૌનનાં શોનો ઉપયોગ કર્યો છે. બહુ ઓછા કલાકારોએ આ કળા આત્મસાત કરી હોય છે. વીતેલા સમયના અમુક કલાકારોમાં આપણે એ ખૂબી હતી. જેમ કે ગુરુદત્ત, સંજીવ કુમાર. બીજાં નામ પણ છે જ છતાં, વાત અત્યારે સુવિન્દરની છે.

‘કોહરા’ના શરૂઆતી એપિસોડમાં દર્શક તરીકે થાય કે અચ્છા, ઓછાબોલું લાગે છે બલબીરનું પાત્ર, આગળ કદાચ ફાટશે ત્યારે નવો રંગ આવશે. એવું કશું થતું નથી. એનાથી ઊલટું, સિરીઝ આગળ વધે છે એમ બલબીર મૌન રહીને એટલો બોલકો થાય છે કે એની આંતરપીડા, એના મનમાં ચાલતી કશ્મકશ વગર શબ્દોએ વીંધવા માંડે છે. સુવિન્દરનું પાત્ર એના વાસ્તવિક, મધ્યવયસ્ક કરતાં મોટી વયનું છે. છતાં એ પાત્ર જીવી ગયા છે.

સુવિન્દર મૂળ હરિયાણાના સિરસાના છે. ચંદીગઢમાં મોટા થયા છે. પિતાને પ્રયોગાત્મક રંગભૂમિ કરતા જોઈને સુવિન્દરને અભિનયમાં રુચિ જાગી હતી. આઠમા ધોરણમાં ભણતાં એમણે ‘અંધેરી નગરી ચૌપટ રાજા’ નાટકમાં અભિનય કર્યો હતો. પંજાબી ફિલ્મોમાં કારકિર્દી શરૂ કરી હતી છેક ૨૦૦૨માં, ‘દેશ હો યા પરદેશ’ ફિલ્મથી. એમાં લીડમાં હતાં ગુરુદાસ માન અને જુહી ચાવલા. ત્યાંથી ‘કોહરા’ પહોંચતા એમને બે દાયકા લાગ્યા. ઓવર ધ ટોપ કોમેડી માટે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણીતી છે. એ માહોલમાં ખાસ્સો સમય કાઢવા છતાં બલબીરને ન્યાય આપવો એ પોતાનામાં એક કમાલ છે. ‘કોહરા’ પહેલાં નાનાં નાનાં પાત્રો કરતાં એમણે સંઘર્ષ ખેડયો છે. ‘પાતાલલોક’ નામની સફળ સિરીઝના એક એપિસોડમાં ક્ષુલ્લક પાત્રમાં એ હતા. શાહિદવાળી ‘ઊડતા પંજાબ’માં કાકુ તરીકે આવ્યા અને ભુલાઈ ગયા. અક્ષયની ‘કેસરી’માં નાયક લાલ સિંઘ તરીકે પણ ખાસ નોંધ નહોતી લેવાઈ. હવે વાત બદલાઈ ગઈ છે. આઈએમડીબીના કલાકારોના રેટિંગમાં દીપિકા પદુકોણ પછી તેઓ હાલમાં બીજા નંબરે સૌથી લોકપ્રિય કલાકાર છે. ગજબ અચીવમેન્ટ. વાહ, સુવિન્દર!

શોભિતા ધુલિપાલા પણ એવી જ રીતે પોતાનું સ્થાન બનાવીને અત્યારે કરિયરના શ્રે કાળમાંથી પસાર થઈ રહ્યાં છે. એકત્રીસ વરસની આ અભિનેત્રી હિન્દી, મલયાલમ, તામિલ, તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે. દસ વરસ પહેલાં મિસ ઇન્ડિયા અર્થનો ખિતાબ એમણે જીત્યો હતો. ૨૦૧૬માં અનુરાગ કશ્યપે એમને તક આપી હતી ‘રમણ રાઘવ ૨.૦’ ફિલ્મમાં. બ્યુટી કોન્ટેસ્ટ જીતનારી ઘણી યુવતીઓ અભિનયના વિશ્વમાં છવાઈ છે અને ઘણી, આ તો સાવ પ્લાસ્ટિક છે, એમ બદનામ પણ થઈ છે. શોભિતા બેમાંથી કોણ છે એ સિદ્ધ થયું ‘મેઇડ ઇન હેવન’ સિરીઝથી. એમાં તારા ખન્નાનું પાત્ર એમણે ભજવ્યું અને બસ, ત્યારથી પાછા વળીને જોયું નથી. એ પાત્ર ભજવવા મળ્યા માટે શોભિતાએ સોનમ કપૂરનો પણ આભાર માનવો જોઈએ, કારણ પાત્ર સૌથી પહેલાં ઓફર થયું હતું સોનમને. એમણે એ નકાર્યું અને મેકર્સે વિચાર્યું કે આ પાત્રમાં નવો ચહેરો લઈએ. બસ, શોભિતાનું નસીબ ખુલી ગયું.

શોભિતા તેલુગુભાષી છે. માતૃભાષાની ફિલ્મમાં એમને ‘મેઇડ ઇન હેવન’ પછી તક મળી, ૨૦૧૮માં. પછી તો એ સતત રહી વ્યસ્ત છે. હાલમાં ‘ધ નાઇટ મેનેજર’ સિરીઝમાં પણ એમને કાવેરી જેવું સરસ પાત્ર મળ્યું છે.

શોભિતા કોલેજમાં હતાં ત્યારે એમની એક ફ્રેન્ડ મિસ ઇન્ડિયા સ્પર્ધાની ઓફિસમાં ઇન્ટર્ન હતી. એણે શોભિતાને સ્પર્ધામાં ઝંપલાવવા ભલામણ કરી હતી. એ પણ માત્ર એટલે કે જેઓ એને નીરસ માનતા હતા એ મિત્રો સામે, પહેલા રાઉન્ડને પાર કરીને, એટલું સિદ્ધ કરી શકાય કે અપને મેં ભી કુછ દમ હૈ. એમાં તો એ વિનર બનવા સુધી પહોંચી ગયાં. ગાજેલી સિરીઝ ‘બાર્ડ ઓફ બ્લડ’માં પણ શોભિતાએ ઈશા ખન્નાનું પાત્ર ભજવ્યું હતું. મણિરત્નમની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘પીએસ-વન’ અને ‘પીએસ-ટુ’માં ખૂબ બધા કલાકારોની વચ્ચે પણ શોભિતાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે તેઓ દેખાઈ રહ્યાં છે ‘મેઇડ ઇન હેવન’ની બીજી સિરીઝમાં.

કલાકારોને સ્ટાર્સ બનતા જોવા, જાણવા અને સમજવા એ પણ એક લહાવો છે. સૌથી અગત્યની વાત એટલે એક વ્યક્તિમાં કલાકાર તરીકે આગળ વધવાની ધગશ અને પોતાનું લક્ષ્ય સાકાર કરવા સુધી લડી લેવાની જીદ. જેમનામાં એ હોય એ વ્યક્તિ બહેતરીન અભિનય કરે કે ના કરે, પણ આગવી સમજણથી પોતાની ઇમેજ સર્જી શકે છે, કામ કરતાં કરતાં અભિનયની, શો બિઝનેસની આંટીઘૂંટી શીખી શકે છે અને છવાઈ શકે છે મનોરંજન જગત પર.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.11 ઓગસ્ટ, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/11-08-2023/6

Share: