ભારત અને બાંગલાદેશ વચ્ચે બંગાળી ભાષા સેતુનું કામ કરે છે. આ સેતુએ બેઉ દેશનાં ઓટીટી પ્લેટફોર્મ્સને સંયુક્ત કામ કરવા પ્રેર્યાં છે. એના લીધે માત્ર આ ભાષા નહીં, અન્ય ભાષાના દર્શકોને પણ ભવિષ્યમાં ગુણવત્તાસભર કાર્યક્રમો મળી શકે છે

બાંગલાદેશ અને ભારતને જોડતી બે મજબૂત કડી છે. એક અખંડ ભારતનો સમયકાળ. બીજી, બંગાળી ભાષા. દેશના ભાગલા પાડવા અંગ્રજોની મેલી મથરાવટીને સફળ કરવામાં અખંડ બંગાળનો ઇતિહાસ અગત્યનો હતો. ધર્મના નામે અખંડ ભારતમાં પહેલીવાર બંગાળના કટકા થયા હતા. વરસ 1905નું હતું. મુસ્લિમ બહુમતીવાળો ભાગ ત્યારે પૂર્વ બંગાળ બન્યો હતો. પછીના વરસે ઢાકામાં, ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગનો જન્મ થયો હતો. જોકે, પ્રજાના આક્રોશને લીધે સન 1911માં બંગાળનું ફરી વિલીનિકરણ કરવું પડ્યું હતું. પણ, આઝાદી વખતે બંગાળ દેશના બે કટકા થવા સાથે પૂર્વ બંગાળ, પૂર્વ પાકિસ્તાન બન્યું હતું. આજે એ બાંગલાદેશ છે.

આજે પણ બંગાળ અને બાંગલાદેશ ભાષા, રહેણીકરણી અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સંકળાયેલાં છે. એ અલગ વાત કે આઝાદી વખતે બાંગલાદેશમાં આશરે 28% લોકો હિંદુ હતા. આજે આઠ ટકા પણ હિંદુ નથી. તો પણ, બાંગલાદેશ પાકિસ્તાન જેવો કટ્ટર દેશ નથી ગણાતો. એણે પાછલાં થોડાં વરસોમાં પ્રગતિ સાધી છે. ઓટીટીના મામલે અલગ ખેડાણ કરતાં પોતાની નોંધ લેવડાવી રહ્યું છે. ત્યાં દોઢેક ડઝન ઓટીટી પ્લેટફોર્મ્સ છે. એમાંથી બોંગો, ચોકરી, બાયોસ્કોપ, આપણે ત્યાંથી બાંગલાદેશ જનારું હોઈચોઈ, બિન્જ વગેરે મુખ્ય છે. ભારતીય પ્લેટફોર્મ હોઈચોઈ ત્યાં ગયું છે તો એની સામે બાંગલા ઓટીટી પ્લેટફોર્મ્સ બંગાળ સર કરવા ભારત આવી રહ્યાં છે. એમાંનું એક ચોકરી છે.

ચોકરીની શરૂઆત 2021માં થઈ. એના નોખા શોઝ-ફિલ્મોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. એના વિષયો અને માવજત બેઉ ચર્ચામાં રહે છે. અન્ય પ્લેટફોર્મ્સ જે વાર્તાઓ ખેડવાનો વિચાર કરતાં નથી કે જેવી માવજત પેશ કરતાં નથી એવું ચોકરી કરે છે. બાંગલાદેશી પ્રજાને સ્વદેશી તડકા સાથે શું જોવું-માણવું ગમશે એ નાડ ચોકરીએ બરાબર પકડી છે. એટલે જ, બે વરસમાં એ કમાલ નામ કમાયું છે.

એનો એક શો ‘ગતિ’ છે. એમાં સુલતાના નામની મહિલા ડ્રગ ટ્રાફિકિંગનું કામ કરે છે. એમ કરતાં એ પૈસા તો બનાવે છે પણ જે પરિવાર માટે બનાવે છે એને ગુમાવી બેસે છે. ‘માયસેલ્ફ એલન સ્વપ્ન’ સિરીઝે આખા બાંગલાદેશને ચકિત કર્યો છે. એ મૂળે ચોકરીની પહેલાંની સિરીઝ ‘સિંડિકેટ’ના એક પાત્રથી પ્રેરિત છે. બાંગલાદેશના ડ્ર્ગ માફિયાઓને ખતમ કરવાના પ્રયાસો વચ્ચે સિરીઝની કથામાં સ્વપ્ન નામના કુખ્યાત ડ્રગ ડીલરની વાત છે. ઢાકાની કોક્સ બજારમાં થયેલી ફાયરિંગમાં એ માર્યો ગયો એવી વાતો વચ્ચે એ ફરી દેખા દે છે. જોકે એ જીવવા અને નવી શરૂઆત કરવા પ્રયાસરત છે. એમ કરવા એ હમશકલ સમસુરનું સ્થાન લઈને એની પત્ની શાયલાનો શોહર પણ બને છે. આ સિરીઝને વિવેચકોએ સામાન્ય ગણાવી છતાં, એને અસામાન્ય સફળતા મળી છે. એલન સ્વપ્ન તરીકે નાસીરુદ્દીન ખાન અને શાયલા તરીકે રાફિઆત રશીદ મિથિલાનો અભિનય બેહદ વખણાયો છે. ચોકરી પર ગયા વરસે એ સૌથી વધુ સ્ટ્રીમ થનારી સિરીઝ હતી.

સિરીઝ ‘નિખોજ’ પણ વિવાદાસ્પદ રહી છે. એમાં વાત એક મહિલાની છે. એના પિતાને કોઈક શખસ પોલીસના સ્વાંગમાં આવીને ઉઠાવી જાય છે. એ મહિલા શોધમાં છે પિતાની. ફિલ્મ ‘પુનર્મિલન’ની કથા પણ વિવાદાસ્પદ રહી છે. એમાં એવા પુરુષની વાત છે જે એના કઝિનની પત્નીના પ્રેમમાં પડે છે એને પેલી પણ એની લાગણીનો સકારાત્મક પ્રતિસાદ આપે છે.

ભાષાકીય જોડાણથી પશ્ચિમ બંગાળ અને બાંગલાદેશ વચ્ચે ઓટીટી સગાઈ બળવત્તર થઈ રહી છે. હોઈચોઈ કે ચોકરી જ નહીં, બેઉ દેશનાં અન્ય ઓટીટી પ્લેટફોર્મ્સ અને સર્જકો ઘણું નવું સહિયારું સર્જન કરવા મચી પડ્યાં છે. ચોકરી આવતાં ત્રણેક વરસમાં માત્ર ભારતીય દર્શકોને ધ્યાનમાં રાખીને ત્રીસેક શોઝ બનાવશે. એમાં બાંગલાદેશી અને ભારતીય કલાકાર-કસબીઓ કામ કરશે. ફન પ્રાઇમ નામના અન્ય એક ઓટીટી પ્લેટફોર્મે ગયા વરસે આ દિશામાં કામ શરૂ કર્યું હતું. એ પ્લેટફોર્મ આપણી ઓટીટી સોલ્યુશન્સ નામની તો બાંગલાદેશની રોક સ્ટ્રીમર નામની કંપનીનું સંયુક્ત સાહસ છે. એ ભારત, બાંગલાદેશ ઉપરાંત મિડલ ઇસ્ટમાં સ્ટ્રીમ થાય છે.

બે દેશમાં બંગાળી ભાષાને લીધે થઈ રહેલી ઓટીટીની આ પ્રગતિ નોંધનીય થઈ શકે છે. આપણા મનોરંજન ઉદ્યોગ પર હિન્દી, અંગ્રેજી અને દક્ષિણ ભારતીય ભાષાઓનું પ્રભુત્વ છે. એમની સાથે હરીફાઈ કરવા બંગાળી ભાષાને આ જોડાણ કામ આવી શકે છે. બંગાળી સાહિત્યની જેમ ફિલ્મો પણ નોખી કથા અને રજૂઆત માટે આમ તો પહેલેથી વખણાય છે. ઓટીટીએ આ દિશામાં બંગાળી સર્જકોને ખેલવાનો અને ખીલવાનો મોકો આપ્યો છે. સમય જતાં બંગાળી ઓટીટીનાં સારાં સર્જનો હિન્દી સહિત અન્ય ભાષામાં આવીને જમાવટ કરે છે કે કેમ એ જોવું રસપ્રદ થવાનું છે. બહોત અચ્છે!

 

કૌન કિતને પાની મેં?

  • આપણાં ઓટીટી પ્લેટફોર્મ્સ કેવુંક પરફોર્મ કરી રહ્યાં છે? આ રહ્યા થોડા આંકડા. નંબર વન પર ડિઝની પ્લસ હોટસ્ટાર છે. એ બજારમાં 25.65% હિસ્સો ધરાવે છે. જિયો સિનેમા અને આ પ્લેટફોર્મ એક થશે ત્યારે, જિયોના બીજા 5.91% ઉમેરાતા આ જોડી દેશમાં નંબર વન પ્લેટફોર્મ તરીકે વધુ બળુકું થશે. બેઉ પાસે વળી આઈપીએલના સ્ટ્રીમિંગની તાકત છે. રિલાયન્સ અને ડિઝની બ્રાન્ડની સહિયારી તાકાતથી એ વાત લગભગ નિશ્ચિત છે કે એમનું મિલન ઓટીટીની દુનિયામાં કૂદકે ને ભૂસકે આગળ વધશે. હાલમાં એમેઝોનનું પ્રાઇમ વિડિયો નંબર બે પર છે. એનો બજારમાં 21.27% હિસ્સો છે. એમેઝોન પાસે એના શોપિંગ પ્લેટફોર્મનો જબરદસ્ત એડવાન્ટેજ હોવાથી એની પ્રગતિ પણ થતી રહેવાની છે. વિચાર એવો પણ આવે કે ફ્લિપકાર્ટે મનોરંજન પીરસવાનું શરૂ કર્યું, સબસ્ક્રિપ્શન પણ રજૂ કર્યું છતાં, એણે કેમ ઓટીટી માર્કેટમાં મોટી ઘૂસણખોરી કરવા પર લક્ષ્ય નહીં આપ્યું?
  • નેટફ્લિક્સ માટે કહી શકાય કે ગુણવત્તાની અને સ્ટ્રીમિંગની બાબતે એ બીજાં પ્લેટફોર્મ્સની તુલનામાં વધુ સજાગ અને અગ્રસર છે. એનો પ્રોગ્રેસ પ્રમાણમાં ધીમો છે. એના લવાજમની સંખ્યા પણ ઘટી છે છતાં, નેટફ્લિક્સ ઘણા મોરચે દર્શકોનું મનગમતું પ્લેટફોર્મ તો છે જ. ઝીફાઇવની વાત કરીએ તો એનો માર્કેટ શેર 11.07 છે. આંકડો ખરાબ નથી પણ ઝી જેવી બ્રાન્ડની તાકાત પ્રમાણેનો નથી. વળી, ઝી હાલમાં સંક્રાંતિકાળ અને કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હોવાથી પણ ઓટીટીના મામલે એ મોટા જાદુ કરી શકવાને કદાચ ઓછું પડી રહ્યું છે.
  • વૂટનો બજારમાં 5.15% હિસ્સો છે. એની પાસે અમુક સફળ સિરીઝ અને રિયાલિટી શોઝ છે ખરાં, પણ પ્લેટફોર્મની તાકાત ખાસ નથી. ઓલ્ટ બાલાજીનો હિસ્સો 3.78% છે અને એના દર્શકો મુખ્યત્વે યુવાવર્ગના પ્રતિનિધિ છે. એકતા કપૂરે આ પ્લેટફોર્મને આગવી રીતે ઘડ્યું છે. ઓલ્ટ બાલાજી બોલ્ડ કોન્ટેન્ટથી ચાલે છે, બસ. રહ્યાં બાકીનાં પ્લેટફોર્મ્સ તો એમનો સહિયારો હિસ્સો 14.49% છે. એમાં એમએક્સ પ્લેયર પણ આવી ગયું.
  • દેશમાં સાઠથી વધારે ઓટીટી હોય પણ એમાંનાં ગણતરીના સર્વોચ્ચ સ્થાને બિરાજતાં હોય ત્યારે કહી શકાય કે આ બજારમાં બદલાવ અને વિકાસનો સ્કોપ ઘણો વધારે છે. હિન્દી અને અંગ્રેજી સર્જનોથી આગળ જઈને આ બજાર, બંગાળી ભાષાની ઉપર વાત કરી એમ, અન્ય ભાષાઓમાં ગુણવત્તાસભર સર્જનોથી ક્યાંય પહોંચી શકે છે. ગુજરાતીની વાત કરીએ તો આપણી ભાષા બીજી ઘણી ભાષાઓથી ખાસ્સી પાછળ છે. કોઈકે આપણી ભાષાને ઓટીટી વિશ્વમાં ગૌરવવંતું સ્થાન અપાવે એવું કશુંક નક્કર કરવાનો આ પરફેક્ટ સમય છે.

નવું શું છે?

  • ‘યે મેરી ફેમિલી’ની નવી સીઝન એમેઝોન મિની ટીવી પર આવી ગઈ છે. એમાં જુહી પરમાર અને રાજેશ કુમાર મુખ્ય ભૂમિકાઓમાં છે. પહેલાંની સીઝન એવરેજ હતી.
  • સલમાન ખાનની ભાણી અલીજેહના પદાર્પણની ફિલ્મ ‘ફર્રે’ ગયા વરસે થિયેટરમાં આવી હતી. એની નોંધ ભાગ્યે જ લેવાઈ હતી. હવે આ ફિલ્મ ઝીફાઇવ પર જોઈ શકાય છે. ફિલ્મમાં રોનિત રોય, સાહિલ મહેતા, ઝેન શૉ વગેરે પણ છે.
  • મનોજ બાજપાયીને ચમકાવતી ફિલ્મ ‘સાઇલેન્સઃ કેન યુ હિયર ઇટ?’ ત્રણેક વરસ પહેલાં આવી હતી. ઝીફાઇવ પર હવે એની સિક્વલ આવી રહી છે. સ્ટ્રીમ થશે 10 એપ્રિલથી.
  • દિવ્યાંકા ત્રિપાઠી, એજાઝ ખાન અને શ્યામ કિશોરની સિરીઝ ‘અદ્રશ્યમ’ 11 એપ્રિલથી સોની લિવ પર સ્ટ્રીમ થવાની છે.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.05 એપ્રિલ, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/05-04-2024/6

Share: