ટેલિવિઝનની જેમ ઓટીટી પર પણ ક્રિકેટ થકી આધિપત્ય સ્થાપવા પ્લેટફોર્મ્સ મરણિયાં થયાં છે. એનાં ટેમ્પરરી તગડાં પરિણામ બેશક મળી રહ્યાં છે. લાંબા ગાળે જોકે આ રણનીતિ બિલકુલ ચાલવાની નથી

આઈપીએલ વખતે દર્શકને અલગ અલગ એન્ગલથી મેચ જોવાની સગવડ આપવામાં આવી હતી. ફાઇવ-જી અને ભવિષ્યમાં સિક્સ-જીને લીધે ઓટીટી સ્ટ્રીમિંગ સતત બહેતર થતું રહેવાનું છે

હતી એ બસ એક મેચ અને એને ઓટીટી પર જોવા ઉમટયા ચાર કરોડ ને ત્રીસ લાખ લોકો. દિવસ હતો ૧૪ ઓક્ટોબરનો. ટુર્નામેન્ટ હતી આઈસીસીની પુરુષોની હાલમાં જમાવટ કરી રહેલી ક્રિકેટ વર્લ્ડ કપની. એના એક અઠવાડિયા પહેલાં, આ ટુર્નામેન્ટની ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ વખતે ઓટીટી પર મેચ જોનારાની સંખ્યા હતી સાડાત્રણ કરોડની.

ડિઝની પ્લસ હોટસ્ટારે પાછલા નવેક મહિનાના ગાળામાં બે કરોડ જેટલા સબસ્ક્રાઇબર્સ ગુમાવ્યા હતા. એ પછી એણે સેટ કરેલા આ રેકોર્ડ્સ બહુ મહત્ત્વ રાખે છે. આ ઓટીટીએ સબસ્ક્રાઇબર્સ એટલે ગુમાવ્યા હતા કે જિયો સિનેમાએ ક્રિકેટના ગઢમાં પોતાના આગમનની છડી પોકારી હતી. આવતાવેંત એણે આઈપીએલ ટીટ્વેન્ટી ટુર્નામેન્ટ મફતમાં સ્ટ્રીમ કરી હતી. એમાં એવું ઝાડું માર્યું એણે કે ઓટીટીના વેપારમાં થાળે પડેલા અને થાળે પડવા મરણિયા થયેલા સૌ દિગ્મુઢ થઈ ગયા હતા.

ક્રિકેટના પ્રભાવની આ તાકાત છે. એક જમાનામાં ટેલિવિઝન પર પોતાનો ઝંડો ફરકાવવા સ્ટાર, સોની, ઝી વગેરેએ જે રણનીતિ અખત્યાર કરી હતી એ ડિટ્ટો હવે અજમાવવામાં આવી રહી છે ઓટીટી પર. જિયો સિનેમાના આગમન સુધી ક્રિકેટના ખેલ સાથે સંકળાયેલાં ઓટીટીનાં ગણિત લગભગ વેલ સેટ હતાં. જિયોએ બધાનાં ગણિત ઉપરતળે કરવાની શરૂઆત કરી. એમાં જ્યારે વર્લ્ડ કપ રમાતો હોય, ભારતમાં રમાતો હોય, અને ભારત કપ જીતવા હોટ ફેવરિટ હોય ત્યારે સિચ્યુએશન સંગીન પણ થાય છે અને નબળાં ઓટીટી પ્લેટફોર્મ્સ માટે ગંભીર પણ.
અત્યારે દર્શકોના દુકાળનો અનુભવ ડિઝની છોડીને બધાં ઓટીટી પ્લેટફોર્મ્સ કરી રહ્યાં છે. સમજો કે કોઈને રસ નથી ક્રિકેટ સિવાય કશું જોવામાં. એમાં વળી રોજેરોજ મેચ. રોજેરોજ રસાકસી. ટીવીની હાલત પણ જુદી નથી. સિરિયલ્સની, રિયાલિટી શોઝની ટીઆરપી ટાઢીબોળ પડી છે. રવિવાર, ૧૯ નવેમ્બરે જ્યાં સુધી ટુર્નામેન્ટની ફાઇનલ પતશે નહીં ત્યાં સુધી ઓટીટી માટે કપરાં ચઢાણ છે.

વાત એકલા ભારતની નથી. પાડોશી પાકિસ્તાનનો દાખલો લો. ત્યાં આ ટુર્નામેન્ટ ત્રણ ઓટીટી પ્લેટફોર્મ્સ પર મફતમાં સ્ટ્રીમ થઈ રહી છે. એ છે દારાઝ, તમાશા અને માયકો. ટપમેડ નામના અન્ય એક પ્લેટફોર્મ પર પણ આ ટુર્નામેન્ટ જોઈ શકાય છે પણ એ પેઇડ સવસ છે. એમાંની માયકો એપ મૂળ યુએઈની અને પાકિસ્તાનમાં નવીનવી શરૂ થઈ છે. ક્રિકેટના સ્ટ્રીમિંગે એને ફટાફટ વિકસવાની તક પૂરી પાડી છે. એટલી તગડી કે પાકિસ્તાનમાં એન્ટરટેઇનમેન્ટ પીરસતી અને ગૂગલ પ્લે પરથી સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્સમાં એ બીજા નંબરે પહોંચી ગઈ છે. એના સબસ્ક્રાઇબર્સ જોતજોતામાં પચાસ લાખના આંકડાને આંબી ગયા છે, જેમાંના વીસ લાખ તો આ ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારથી એને મળ્યા છે.

ટેલિવિઝનનાં વળતાં પાણી શરૂ થયાં છે એ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ડેટા જણાવે છે કે ટીવી પર વર્લ્ડ કપની પહેલી ૧૧ મેચ જોનારા દર્શકોની ધડામ્ દઈને આઠ ટકા ઘટીને નવ કરોડ પર આવી ગઈ છે. એની સામે આ મેચ ઓટીટી પર જોનારાની સંખ્યા ફટાફટ વધી રહી છે. ટીવી પર મેચના રેટિંગમાં પણ ૨૦૧૯ના વર્લ્ડ કપની તુલનામાં ૧૩ ટકા ઘટાડો થયો છે. એવું નથી કે ટીવી અને ઓટીટી માટે બધું નેગેટિવ છે. સહિયારા વિચાર કરીએ તો એવું પણ ખરું કે ઓટીટી પર પણ મેચ જોવાની સગવડ થવાથી એકંદરે તો દર્શકોની સંખ્યામાં વૃદ્ધિ થઈ અને થતી રહેવાની છે. સિમ્પલ છે કે ટીવી લઈને ટ્રેનમાં કે ટોઇલેટમાં થોડું કોઈ મેચ જોવાનું? મોબાઇલ લઈને આવું સૌ કોઈ કરી શકે છે. લાખો જણ કરી પણ રહ્યા છે.

પણ પ્રસારણના મામલે ઓટીટી મેદાન મારી જશે એ પણ લગભગ નિશ્ચિત છે. એનાં પણ સમજી શકાય એવાં કારણો છે. ઓટીટી ભાષા, સ્ટ્રીમિંગ ક્વોલિટી સહિતના જે વિકલ્પ દર્શકને આપી શકે છે એ ટીવી નથી આપતું. જિયોએ તો આઈપીએલ વખતે એક ડગલું આગળ વધીને દર્શકને એ પણ સગવડ આપી હતી કે એ કયા એન્ગલથી મેચ જુએ. આવી સગવડો હજી વધવાની છે. ફાઇવ-જી અને ભવિષ્યમાં સિક્સ-જીને લીધે ઓટીટી સ્ટ્રીમિંગ સતત બહેતર થતું રહેવાનું છે.
આમ છતાં, ક્રિકેટઘેલા દર્શકોને અંકે કરવા દરેક ઓટીટી મેદાનમાં નથી. મેદાનમાં હોય એ સૌને બધેબધી ટુર્નામેન્ટ સ્ટ્રીમ કરવાના અધિકાર મળી જાય એ પણ શક્ય નથી. એટલે, જેઓ સેંકડો કરોડ ખર્ચીને આવા અધિકાર મેળવશે એમની લીટી બીજા કરતાં લાંબી થતી રહેવાની છે. એમ કરવા જતાં ઓટીટી પ્લેટફોર્મ્સે અનેક આથક જોખમો સામે ચાલીને વહોરી લેવાનાં છે. પહેલું જોખમ રાઇટ્સ મેળવવા તોસ્તાન રકમ ખર્ચ્યા પછી મફતમાં સ્ટ્રીમિંગ કરીને લુંટાઈ જવાનું છે. જિયો અને ડિઝની અત્યારે આવી હોડમાં ઉતર્યાં છે. જિયોએ આઈપીએલના અધિકારો માટે ખર્ચેલી રકમના માંડ ૩૫ ટકા જાહેરાતોથી પાછા મેળવ્યા હોવાનો પણ એક અહેવાલ છે. વત્તા, મફતમાં મણમણ મનોરંજનને લીધે હાલમાં એવી હાલત છે કે કોઈ ઓટીટી પ્લેટફોર્મ ઇચ્છે તો પણ સબસ્ક્રિપ્શનના ભાવમાં વધારો કરી શકે તેમ નથી. જેઓમાં દમ હોય એ મફતમાં મોજ કરાવે અને બાકીના તડકે બેસે એવો આ તાલ છે.

આપણે ત્યાં ફ્રી કોન્ટેન્ટનો દોર અત્યારે એની ચરમસીમાએ હોય એવું લાગી રહ્યું છે. એ લાંબા સમય સુધી કોઈ ચલાવી શકે નહીં. છેલ્લે તો એક જ વાત આવશે અને એ છે પૈસા ફેંકો, તમાશા દેખો. ક્રિકેટ થકી દર્શકો અને સબસ્ક્રાઇબર્સ અંકે કરવા એક વાત છે. એમને ટકાવી રાખવા, એમને પૈસા ચૂકવતા કરી દેવા એ બીજી વાત છે. જ્યાં સુધી એ દિશામાં ઓટીટી કંપનીઓ અકસીર માર્ગ કાઢતી નથી ત્યાં સુધી જ મોજ છે. પછી, ઇન શોર્ટ, બધું બદલાઈ જવાનું.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.27 ઓકટોબર, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/27-10-2023/6

 

Share: