ભાષા અને વિષયોનું વૈવિધ્ય ધરાવતી લેટેસ્ટ ફિલ્મો ઓટીટી પર જોવા સજ્જ રહો. કોઈક ફિલ્મ વખણાયેલી છે તો કોઈક છે નવતર વિષયવાળી. શું જોવું એ ઠરાવો આ લેખ વાંચીને
મોટા પડદે બધી ફિલ્મો સફળ રહે એ શક્ય નથી. એ ફિલ્મો ઓટીટી પર આવે ત્યારે એમનું નસીબ ડિટ્ટો મોટા પડદા જેવું જ, સફળ કે નિષ્ફળ સાબિત થાય એ જરૂરી નથી. બની શકે કે બોક્સ ઓફિસ પર નહીં ચાલેલી ફિલ્મ ઓટીટી પર સફળ રહે. એનાથી ઊંધું પણ બની શકે છે. વીકએન્ડમાં ઘેરબેઠા કોઈક ફિલ્મ જોવાનો વિચાર કરવા માટે હાલમાં ઓટીટી પર આવેલી ફિલ્મોની વાત કરીએ.
ઘૂમરઃ રિલીઝ પછી આ ફિલ્મનાં ખાસ્સાં વખાણ થયાં હતા. અમુકે એને અભિષેક બચ્ચનના સર્વશ્રેષ્ઠ અભિનયવાળી ફિલ્મ કહી હતી. સંયમી ખેર માટે એ અત્યંત મહત્ત્વની ફિલ્મ હતી. આર. બાલ્કી (ચીની કમ, પા, શમિતાભ) જેવી ફિલ્મોના વિચારવંત દિગ્દર્શકની ફિલ્મ તરીકે એ એ બહેતર હશે એવું કલ્પી લેવું ખોટું નહોતું. એવોર્ડ્સ પણ એ ખાસ્સા જીતી. સૌથી મહત્ત્વનો હતો શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ. આ ફિલ્મ ઝીફાઇવ પર આવી છે. શબાના આઝમી, અંગદ બેદી જેવાં કલાકારો એમાં છે. બોનસમાં અમિતાભ બચ્ચન મહેમાન કલાકાર છે. બે કલાકથી થોડી લાંબી ફિલ્મનો વિષય મજાનો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારી ક્રિકેટર એકાએક અકસ્માતમાં જમણો હાથ ગુમાવતાં ટીમ બહાર ફેંકાઈ જાય છે. પછી એક ક્રિકેટર, જેને એક જ મેચમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી, એ આ ખેલાડીને ફરી ટીમમાં સ્થાન અપાવવા એનું કોચિંગ આપે છે અને… ભલે એ અદભુત ફિલ્મ નથી પણ જોવા જેવી તો છે.
ધક ધકઃ તાપસી પન્નુ જેની સાથે નિર્માત્રી બની એ આ ફિલ્મ. લેખક-દિગ્દર્શક તરુણ દુદેજાની ફિલ્મ ટ્રાવેલ વિશે છે. એમાં રત્ના પાઠક શાહ, દિયા મિર્ઝા, ફાતિમા સના શેખ, સંજના સાંઘી મુખ્ય પાત્રોમાં છે. પ્રવાસને વિષય તરીકે ખેડનારી સૂરજ બડજાત્યાની ઊંચાઈ ફિલ્મ પણ આવી હતી. એ ઠીકઠીક હતી. અહીં વાત છે ચાર મહિલાઓની જે દુનિયાના સૌથી ઊંચાઈએ આવેલા રસ્તે બાઇકના પ્રવાસે નીકળી પડે છે. આવું સાહસ હોય ત્યાં અનુભવોથી લઈને પડકારો સુધી બધું હોય. દિલ્હી, મનાલી, લેહ, લદાખ જેવાં સ્થળોએ એનું શૂટિંગ થયું છે. માત્ર મહિલા બાઇકર્સ અને ઓછા ખેડાતા વિષયની ફિલ્મ ધ્યાન ખેંચવાની જ. બોક્સ ઓફિસ પર ભલે એ ચાલી નહીં પણ ઓટીટી પર જોવામાં કશો વાંધો નથી. જુઓ નેટફ્લિક્સ પર.
વલેતી – ટેલ ઓફ ટેઇલ્સઃ આ એક મલયાલમ એડવેન્ચર, રોમાન્સ અને કોમેડી ફિલ્મ છે. નોખી એટલે છે કે એમાં બે શ્વાનની પ્રણયકથા છે. દેવેન જયકુમાર એના લેખક અને દિગ્દર્શક છે. એમાં અભિનય સ્પેશિયલ ઇફેક્ટ્સથી બનાવેલાં નહીં પણ સાચુકલાં શ્વાનોએ કર્યો છે. વાર્તા એવી છે કે ટોમી નામનો શ્વાન એના પાડોશમાં રહેતી અમાલુ નામની શ્વાનના પ્રેમમાં પડે છે. વાત શ્વાનોની પણ ઘટનાઓ માણસોની પ્રેમકથાઓ જેવી છે. અમાલુનો માલિક પરિવાર બ્રાહ્મણ છે. ટોમીને લીધે અમાલુ ગર્ભવતી થઈ એ જાણીને બ્રાહ્મણ પરિવાર બેઉનાં લગ્નનો વિરોધ કરે છે. પછી ટોમી-અમાલુને પોતપોતાના ઘરમાં કેદ કરી દેવામાં આવે છે. બેઉ ઠરાવે છે ઘરથી નાસી જવાનું. પછી બીજા એક શ્વાનનું મસીહા તરીકે આગમન, અપહરણ અને… વાત મજાની છેને? વિવેચકોએ એને ખાસ વખાણી નહોતી પણ શ્વાનને સાંકળતી જુદા પ્રકારની ફિલ્મ તો એ છે જ. ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકાતી આ ફિલ્મ સબટાઇટલ્સ સાથે જોઈને જાણો કે એ કેટલી હટ કે છે.
મસ્ત મેં રહને કાઃ જેકી શ્રોફ અને નીના ગુપ્તા સાથે અન્ય કલાકારોને ચમકાવતી આ ફિલ્મ આજે ઓટીટી પર આવી છે. લેખક-દિગ્દર્શક વિજય મોર્ય છે. ફિલ્મ સીધી ઓટીટી પર આવી હોવાથી એ કેવી છે એ જોઈને જાણી શકાશે. બે પેઢી વચ્ચેનું અંતર અને મોટી ઉંમરે થતો પ્રેમ (કે પ્રેમને અપાતો સેકન્ડ ચાન્સ) ફિલ્મના વિષયના હાર્દમાં રહેલા મુદ્દા છે. બેકડ્રોપ મુંબઈનો છે. જેકી શ્રોફનું પાત્ર છે વી. એસ. કામતનું અને નીના ગુપ્તાનું છે પંજાબણ મિસીસ હાંડાનું. અન્ય કલાકારોમાં મોનિકા પનવર, અભિષેક ચૌહાણ, રાખી સાવંત, ફૈઝલ મલિક વગેરે છે. ટ્રેલર કંઈક જુદું જોવા મળશે એવી લાગણી કરાવે છે. પીઢ અને સારા કલાકારોની જોડીવાળી ફિલ્મ જોવા પહોંચી જાવ પ્રાઇમ વિડિયો પર.
ધૂમમઃ આ પણ એક મલયાલમ ફિલ્મ છે. એમાં ફહદ ફસીલ મુખ્ય પાત્રમાં છે. લેખક-દિગ્દર્શક પવન કુમાર છે. દક્ષિણના જાણીતા બેનર હોમ્બાલે ફિલ્મ્સે (કેજીએફ, કાંતારા ફિલ્મો આ બેનરની છે) એનું નિર્માણ કર્યું છે. હોમ્બાલેની આ પહેલી મલયાલમ ફિલ્મ છે. સાયકોલોજિકલ થ્રિલર આ ફિલ્મમાં વાત છે અવિનાશ નામના પ્રોફેશનલની છે જે જાણીતી સિગારેટ કંપનીનો માર્કેટિંગ હેડ છે. એ ઠરાવે છે કામ છોડવાનું. વાર્તામાં સમાંતર બે ટ્રેક્સ છે. ફહદ સાથે રોશન મેથ્યુ, અપર્ણા બાલામુરલી, અચ્યુત કુમાર, વિનિત જેવાં કલાકારો છે. રિલીઝ પહેલાં ગાજવા છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ હતી. વિવેચકોએ એને નબળી ઠરાવી હતી. ફિલ્મ જોવાનું એટલે વિચારવું કે સિગારેટ અને ટોબેકો કંપનીઓ લોકોને નશાઇત રાખવા કેવાં કેવાં પ્રયોજનો કરે છે એ વાત એમાં છે. આ પ્રકારની ફિલ્મો ઓછી બનતી હોય છે. હોલિવુડમાં 1999માં ‘ધ ઇનસાઇડર’ નામની ફિલ્મ આવી હતી જેમાં આવો વિષય હતો. એમાં અલ પચીનો અને રસેલ ક્રોવ જેવા સ્ટાર્સ હતા. એ ફિલ્મ વિવેચકોએ વખાણી પણ ખાસ ચાલી નહોતી. ધૂમમ એપલ ટીવી પર જોઈને ઠરાવો કે એ કેવીક છે.
નવું શું છે?
- સિતારાઓનાં સંતાનો સાથે અન્ય નવોદિત યુવા અભિનેતાઓનું જેમાં પદાર્પણ થશે એવી વેબ સિરીઝ છે ‘ધ આર્ચીઝ’. આ મ્યુઝિકલ શોમાં 1960ની દુનિયા તાદ્દશ થશે. ખુશી કપૂર, સુહાના ખાન, અગત્સ્ય નંદા સાથે એમાં મિહિર આહુજા, ડોટ, વેદાંગ રૈના અને યુવરાજ મેન્દા અભિનય મોરચે આગમન કરશે. નેટફ્લિક્સ પર આ સિરીઝ ગઈકાલથી સ્ટ્રીમ થવા માંડી છે.
- કેનેડાથી પંજાબ આવતા યુવા રેપર-ગાયક કાલાની વાત લાવી છે સોની લિવ પર સ્ટ્રીમ થઈ રહેલી સિરીઝ ‘ચમક’. સિદ્ધાર્થ શૉ, સુવિન્દર વિકી, મુકેશ છાબરા, પરમવીર ચીમા, ગિપ્પી ગરેવાલ જેવા કલાકારો એમાં છે. પહેલી સિરીઝમાં કુલ છ એપિસોડ્સ છે.
- અક્ષય કુમારને જેની ફાવટ છે એ પ્રકારની એટલે કે વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મ ‘મિશન ‘રાણીગંજ’ ઓટીટી પર આવી છે. ઓક્ટોબરમાં એ રિલીઝ થયા પછી ચાલી નહોતી. પશ્ચિમ બંગાળમાં સ્થિત આસનસોલ અને દુર્ગાપુરમાં આવેલી કોલસાની ખાણમાં 1989માં એક દુર્ઘટના થઈ હતી. એ ફિલ્મના વિષયનું કેન્દ્ર છે. ફિલ્મ જોઈ શકાય છે નેટફ્લિક્સ પર.
- ‘જોહરી’ નામની વેબ સિરીઝ એમએક્સ પ્લેયર પર આવી છે. એમાં નિશાંત સિંઘ મલકાની અને ચારુ અસોપા મુખ્ય પાત્રોમાં છે. દિગ્દર્શક પાર્થો મિત્રા છે. બેન્કમાં જે નાદાર નોંધાયો છે એવો એક જણ કેવી રીતે ડાયમંડ કિંગ બનવાની દિશામાં નીકળી પડે છે એ વાર્તા છે. સીઝન વનમાં પંદર એપિસોડ છે.
ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.08 ડિસેમ્બર, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/08-12-2023/6
Leave a Comment