ઓટીટી પર આવતી ફિલ્મો બે પ્રકારની છે. એક જે થિયેટર માટે બનવા છતાં ત્યાં ચાલી નથી. એને માર્કેટિંગ કે નબળા મેકિંગનું વિઘ્ન નડે છે. બીજા પ્રકારની ફિલ્મ ફક્ત ઓટીટી માટે જ બને છે

મનોજ બાજપાયીને લીડ રોલમાં ચમકાવતી અપૂર્વ સિંઘ કર્કી ડિરેક્ટેડ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ વરસની ઉમદા ફિલ્મોમાં છે. વિવાદાસ્પદ ગોડમેન આસારામ બાપુના કિસ્સાથી એ પ્રેરિત છે. એક કિશોરી સાથેના કુકર્મના ચચત કેસમાં એડ્વોકેટ પી. સી. સોલંકી બાબાને સજા થાય એ સુનિશ્ચિત કરે છે એ છે વાર્તા. બાબાના વકીલે અદાલતમાં કિશારીને પુખ્ત હોવાનું સાબિત કરવા ઉધામા કરે છે. એમને પછાડવાનો પડકાર સોલંકી સામે છે. સારા લેખન, મેકિંગ, અભિનયથી ફિલ્મ વોચેબલ બની છે.

અમર કૌશિક દિગ્દશત ‘ચોર નિકલ કે ભાગા’માં યામી ગૌતમ અને સની કૌશલ છે. અલ બરકત શહેરના વીમા કંપનીનો માલિક અંકિત અને પ્રેમિકા નેહા, અંકિતના ગ્રાહકના ખોવાયેલા હીરા પાછા મેળવવા ધાડ પ્લાન કરે છે એ છે કથા. નેહા ફ્લાઇટ અટેન્ડન્ટ છે. ફિલ્મનો મોટો હિસ્સો પ્લેનમાં આકાર લે છે. વાર્તના વળાંકો અને થ્રિલર પ્રકાર એને ઉત્સુકતાસભર બનાવે છે. ઓટીટી પર ગયા વરસે મસ્ત ફિલ્મોથી અગ્રસર સ્થાન મેળવનારી યામી માટે આ ફિલ્મથી ૨૦૨૩ પણ સફળ રહ્યું છે.

કરીના કપૂરે સુજોય ઘોષની ‘જાને જાં’થી ઓટીટી પર પદાર્પણ કર્યું. ફિલ્મ સસ્પેન્સ થ્રિલર છે. બેકડ્રોપ કલિમપોંગ શહેરનું છે. છૂટાછેડા પછી એકલે હાથે દીકરીને ઉછેરતી મા, માયા ડિસોઝા, પાડોશી પ્રોફેસર નરેન વ્યાસ અને માયાના હાથે થતા ભૂતપૂર્વ પતિના મર્ડરની વાત છે. માયા તરીકે કરીના, નરેન તરીકે જયદીપ અહલાવત અને ઇન્સ્પેક્ટર કરન તરીકે વિજય વર્માનો બહેતરીન અભિનય ફિલ્મની જાન છે. ટ્રીટમેન્ટ રસપ્રદ છે.

શાહિદ કપૂરે સિરીઝ ‘ફર્ઝી પછી, ‘બ્લડી ડેડી’થી ઓટીટી ફિલ્મ કરી. અલી અબ્બાસ ઝફર ડિરેક્ટર છે. નાર્કોટિક્સ અધિકારી સુમેરે (શાહિદ) ડોન કમ હોટેલિયર સિકંદરનું (રોનિત રોય) રૂ. ૫૦ કરોડના કોકેન આંતર્યું છે. ગિન્નોયેલો સિકંદર સુમેરના દીકરાનું અપહરણ કર્યાનું જણાવી કોકેન પાછું માગે છે. મોટા ભાગની ફિલ્મ હોટેલમાં આકાર લે છે. રિલીઝ પહેલાં ઉત્કંઠા જગાડનારી ફિલ્મ દર્શકોને આકર્ષી શકી છે.

‘મિશન મજનુ’ પણ લોકોએ માણી. શાંતનુ બાગચી દિગ્દશત પિરિયડ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, રશ્મિકા મંધાના, પરમીત સેઠી, શારીબ હાશમી, રજિત કપૂર છે. કથા છે પાકિસ્તાનમાં અંડરકવર એજન્ટ તરીકે કામ કરી ચૂકેલા અમરદીપ ઉર્ફે તારીક (સિદ્ધાર્થ), એની અંધ પાકિસ્તાની પત્ની નસરીન (રશ્મિકા) અને ૧૯૭૭માં પાકિસ્તાનના પ્રસ્તાવિત અણુબોમ્બ પરીક્ષણનું સ્થાન શોધવા અમનને સોંપાતું મિશન મંજુની છે. મેઇન પ્લસ પોઇન્ટ સિદ્ધાર્થનો અભિનય છે.

પિયુષ ગુપ્તા ડિરેક્ટેડ ‘તરલા’ છે ગુજરાતી પાકકળાશાલ્ત્રી તરલા દલાલ વિશે. ભજવે છે હુમા કુરેશી. એના પતિ નલીન તરીકે શારીબ બાશમી, પાડોશી જયશ્રી તરીકે ભારતી આચરેકર અને પ્રોફેસર તરીકે ભાવના સૌમૈયા છે. ફિલ્મની તાકાત તરલાબહેનના જીવનની વાત અને ીઓની આત્મનિર્ભરતાનો મુદ્દો છે. દમદાર સ્ક્રીનપ્લેથી એ સારી બની શકી હોત. છતાં, વરસની બહેતર ફિલ્મોમાં એને સ્થાન આપી શકાય.

‘ઘૂમર’માં અભિષેક બચ્ચન અને સંયમી ખેર છે. અકસ્માતમાં જમણો હાથ ગુમાવ્યા પછી મહિલા ક્રિકેટર અનીના (સંયમી) આંતરરાષ્ટ્રિય ટીમમાં વટભેર સ્થાન મેળવે છે. એક જ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ક્રિકેટર પદમ સિંઘ સોઢી (બચ્ચન)ના એનો કોચ છે. સમગ્રતામાં ફિલ્મ સાધારણ છતાં મજાની છે. મુખ્ય કલાકારોના પરફોર્મન્સ એની કરોડરજ્જુ છે.

‘બવાલ’ સફળ મેકર નીતેશ તિવારીની ફિલ્મ છે. વરુણ ધવન, જાહ્નવી કપૂર, મનોજ પાહવા, મુકેશ તિવારી એમાં છે. વાર્તા છે અનિવાર્ય સંજોગોમાં વિદેશની સફરે જતા યુગલ અજય (ધવન) અને નિશા (જાહ્નવી)ની. અજય શિક્ષક છે. વિદેશની સફરથી એ આદર્શ શિક્ષક અને પતિ બને છે એ છે વાર્તા. ફિલ્મ નબળી છે છતાં સિતારાની હાજરીએ એને મહત્ત્વની બનાવી છે.

વરસની એવરેજ ફિલ્મોમાં ‘કટહલ’, ‘ગુલમોહર’, ‘મસ્ત મેં રહને કા’, ‘ધક ધક’, ‘ગેસલાઇટ’, ‘ટિકુ વેડ્સ શેરુ’, ‘પિપ્પા’, ‘છતરીવાલી’, ‘લોસ્ટ’, ‘કચ્ચે લિમ્બુ’, ‘બ્લાઇન્ડ’, ‘લસ્ટ સ્ટોરીઝ ટુ’ વગેરે છે. મહત્ત્વની અને છતાં સાવ સાધારણ પુરવાર થનારી ફિલ્મમાં ‘ધ આર્ચીઝ’નું નામ લેવું પડે. અધધધ અપેક્ષાઓ પર પાણી ફેરવવનારી આ ફિલ્મ જોવાય તો માત્ર સ્ટાર કિડ્સની હાજરી માટે.

વરસમાં અન્ય ફિલ્મોમાં ‘ફ્રાઇડે નાઇટ પ્લાન’, ‘ખુફિયા’, ‘કડક સિંઘ’, ‘તુમ સે ના હો પાયેગા’, ‘મિસિસ અંડરકવર’, ‘હડ્ડી’, ‘મુંબઈકર’ અને લેટેસ્ટ ‘ખો ગયે હમ કહાં’નાં નામ લઈ શકાય. ઘણી એવી ફિલ્મો છે જે થિયેટરમાં ક્યારે આવી અને જતી રહી એની ખબર ના પડી પણ એમની નોંધ ઓટીટી પર વધુ લેવાઈ. દાખલા તરીકે ‘ફરાઝ’, ‘અફવાહ’, ‘ઝ્વિગાટો’, ‘ભીડ’, ‘નિયત’, ‘થ્રી ઓફ અસ’ વગેરે.

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/29-12-2023/3

Share: