સાવ એટલે સાવ અધકચરી પૂર્વતૈયારી, કાલ્પનિકતા, કશુંક નવું કરવાની ધગશ વિના સિરીઝ બને ત્યારે શું થાય? દર્શકો એનો જવાબ આ સિરીઝનું નામ લઈને આપી શકે છે. મનમાં થાય છે. યાર રોહિત, આવું ના બનાવીએ…

 ગોવામાં બ્લાસ્ટ કરીને આતંકવાદી ઝરાર ઉર્ફે હૈદર ઢાકાભેગો થયો છે. પોલીસ અધિકારી કબીર મલિક અને મંડળીએ ત્યાં જઈ એને જેર કરવાનો છે. દિલ્હીના ડીજીપી બંસલ અને ગુજરાત એટીએસની અધિકારીમાંથી હવે સ્પેશિયલ ટાસ્કની સુકાની તારા અને સૌ ગૃહ મંત્રાલય પહોંચે છે. મિનિસ્ટર ઢાકા જઈને પ્રોટોકોલની ઐસીતૈસી કરીને પણ આતંકવાદીને ઉઠાવી લાવવાનો આદેશ આપે છે. કબીર એટસેટરા ઢાકા પહોંચે છે. ત્યાં રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગનો અધિકારી જગતાપ મદદ કરવા હાજર જ છે. મોટ્ટી માર્કેટમાંથી ગણતરીની મિનિટોમાં આતંકવાદી પકડાઈ જાય છે. અને ફાઇનલી, આપણા અધિકારીઓ બજારમાંથી બકરું લઈને ઘેર પહોંચી જાય એટલી સહેલાઈથી સરહદ વટાવીને પહોંચી જાય છે ભારતની સરહદની અંદર.

રોહિત શેટ્ટીની સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ પોલીસ ફોર્સની સિરીઝ ઓછી અને ફાર્સ વધારે છે. સગવડિયા વાર્તા-પટકથા, કઠપૂતળીસમ પાત્રો અને નકરી સ્ટાઇલથી છલકછલક આ સિરીઝ નાવીન્ય અને રોચકતાનો ભારોભાર અભાવ ધરાવે છે.

હમણાં આ શેટ્ટીએ એક એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મેં કોવિડમાં ‘સર્કસ’ ફિલ્મ એટલે બનાવી કે મારી સાથે જે વર્કર્સ સંકળાયેલા છે એ નવરા બેસે નહીં, એમને કામ મળે. બોલો, વર્કર્સ કલ્યાણકારી શેટ્ટીએ દોઢસો કરોડ રૂપરડી અને દર્શકોનો એના પરનો વિશ્વાસ એવી વાહિયાત ફિલ્મ પર સ્વાહા કર્યાં જેને કદાચ એણે પોતે ફરી જોવાની તસદી લેતા પહેલાં સો વખત વિચાર કરવો પડે. શેટ્ટીના કલ્યાણકાર્યમાં રણવીર સિંઘ, પૂજા હેગડે, જેકલીન ફર્નાન્ડિસ, મુરલી શર્મા, સંજય શર્મા વગેરે શાને જોડાયા હશે એ સમજી શકાય એવી વાત છે. એકનેય નહીં જ થયું હોય કે પૈસા કરતાં ગુણવત્તા અને દર્શકોનો ભરોસો વધારે કીમતી છે. વર્કર્સને ન્યાય કરવાના લૂલા બહાના સાથે પણ આવી ગુસ્તાખી વાજબી નથી. કદાચ એવા જ કોઈક આશય સાથે આ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ બની હોય, ભલું પૂછવું.

સિરીઝ શરૂ થાય છે દિલ્હીમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ સાથે. કબીર (સિદ્ધાર્થ મલ્હોત્રા) અને જોઇન્ટ કમિશનર વિક્રમ બક્ષી (વિવેક ઓબેરોય) આરોપીને પકડવા, સ્ટાઇલિશ, વાતોડિયા પણ પરિણામશૂન્ય ઉધામા કરે છે. એ ઉધામા માટે જાતજાતની મીટિંગ્સ, લોકાલ્સ, લુશલુશ સંવાદો, સ્ટાર્સના ભપકાનું ખાતર પડદે વેરાય છે. ક્યારેક ઓફિસર્સ રેસ્ટોરાંમાં તો ક્યારેક રસ્તે અથવા ઓફિસમાં છે… એકલા પુરુષોના ભપકાથી ધરવા ના થવાથી એમાં ગુજરાત એટીએસની ચીફ તારા (શિલ્પા શેટ્ટી) ઉમેરાય છે. ઓહો… તો પણ પરિણામ તો શૂન્ય જ.

દિલ્હી બ્લાસ્ટ કરનાર ઝરાર (મયંક ટંડન) ફોરેનમાં બેસેલા બોસ રફિક (રિતુરાજ સિંઘ)ની દોરવણીએ સહેલાઈથી અંડરગ્રાઉન્ડ થઈ જાય છે. એ પહેલાં એની સાથેની ઝપાઝપીમાં વિક્રમ શહીદ થઈ જાય છે. સમય વીતે છે. ઝરાર પાછળ હાથ ધોઈને પડવા છટપટિયાં મારતાં કબીરને ટ્રાન્સફર કરી કોઈક ગૌણ ડિપાર્ટમેન્ટમાં ચોંટાડી દેવાય છે. ઝરાર પહોંચી જાય છે જયપુર. ટુરિસ્ટની અદાથી મોજ કરતાં ત્યાં પણ એ સિરિયલ બ્લાસ્ટ કરે છે. ભુરાયો કબીર પ્રોટોકોલની ઐસીતૈસી કરી એકલપંડે તપાસે નીકળી પડે છે. બંસલસાહેબ નારાજ છે. ત્યાં કબીર-વાણી કે કબીર-કળાથી એ અંદેશો આવી જાય છે કે ઝરાર હવે ગોવામાં બ્લાસ્ટ કરવાનો છે…

‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ શેટ્ટીની કલ્પનાશીલતા પર લાગેલાં તાળાનો, ‘સર્કસ’ પછીનો પુરાવો છે. સ્ટાર્સ, તોતિંગ બજેટ મળ્યે કશું પણ બનાવી નાખવામાં એને કદાચ ફાવટ આવી રહી છે. શેટ્ટી સહિત અન્ય પાંચ લેખકોએ મળીને સિરીઝની સ્ક્રિપ્ટ લખતી વખતે શું ધાર્યું, વિચાર્યું હશે એ કોઈ પકડી બતાવે તો કમાલ જ. કદાચ કે સિદ્ધાર્થ, વિવેક, શિલ્પા જેવાં સ્ટાર્સ નામે સિરીઝ તરી જશે? કે પ્રાઇમ વિડિયો જેવા પ્લેટફોર્મ પર ગમે તે મુકો, ચાલવાનું જ છે? બેઉ પ્રશ્નનો દર્શકોએ જવાબ આપી દીધો છે. આઈએમડીબી સાઇટ પર સિરીઝને દસમાંથી પાંચ આસપાસ રેટિંગ છે. શું લખે છે અસામાન્ય સેન્સ ધરાવતા સામાન્ય દર્શકો?

જુઓ અમુક પોઇન્ટ્સ. સિરીઝમાં ઘણુંબધું ‘બેબી’ ફિલ્મની બેઠી નકલ છે. સંવાદો સુધ્ધાં ચવાયેલા, ઉઠાંતરીવાળા છે. સ્ટોરીલાઇનનાં ઠેકાણાં નથી. ડિટેઇલિંગની તો તસદી જ લીધી નથી. ઓબેરોય, મલ્હોત્રા જેવા સ્ટાર્સના સ્ટારડમને દેખાડવાનો મિથ્યા પ્રયાસ છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સના ઓફિસર્સ  આતંકવાદીઓ સાથે ભીડવા કાપડનાં જેકેટ્સ પહેરીને જાય કે બુલેટપ્રૂફ જેકેટ્સ? ઓવરએક્ટિંગ એટલી છે કે ના પુછો વાત…

વાત આટલેથી અટકતી નથી. સિરીઝમાં દ્રશ્યો પણ એવાં કંડારાયાં છે કે હસવું આવે. એમાંનાં અસંખ્ય પ્લાસ્ટિકિયાં, ટેક્નિકથી ઊભાં કરાયેલાં છે. દિલ્હી, જયપુર, ગોવા… બધે. ઘણામાં તો એમ લાગે કે ટ્રાવેલ શો ચાલી રહ્યો છે, નહીં કે ક્રાઇમ થ્રિલર. શેટ્ટી સ્ટાઇલમાં અહીં પણ સ્લો મોશનમાં કારના ફુરચા ઊડી જવાનાં દ્રશ્યો ભંભેર્યાં છે. સ્ટાઇલનું તો શું કહેવું? ઓફસિમાં, ઘરમાં, ડ્યુટી પર, ગોળીબારીમાં, બધે ઓફિસર્સ, બાકી હોય ત્યાં આતંકવાદી, એના પરિવારજનો, સુકાનીઓ, સૌ ભપકાદાર વસ્ત્રો અને મેકઅપમાં જ છે. મનમાં થાય, “આ લોકોની જિંદગી ચોવીસેય કલાકનો ફેશન શો હશે?”

શેટ્ટી અને સહદિગ્દર્શક સુશ્વાંત પ્રકાશે શું વિચારીને આ સિરીઝ બનાવી હશે? આપણે એ નથી વિચારવું, છોડો.

ગયા અઠવાડિયે આપણે મોટા મેકર્સની જે વાત કરી એ આગળ વધારીએ. ઓટીટી માટે સિદ્ધ મેકર્સને મોટાં પ્લેટફોર્મ્સ તગડા પૈસા આપે છે. મેકર્સને સિરીઝમાં બોક્સ ઓફિસનો ભય સતાવતો નથી. દર્શકો પણ, ઘેરબેઠા અને ઓલમોસ્ટ મફત સિરીઝ જોવા મળે તેથી ઘણું નહીં જોવાનું પણ, ‘જોઈ નાખે’ છે. એટલે તો ‘કિલર સૂપ’ કે ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ બને છે. અન્યથા કેમ બને? જોકે દર્શકો સજાગ છે. એટલે તો આઈએમડીબી પર નહીં, અન્યત્ર (સોશિયલ મીડિયા પર) પણ તેમણે ‘ઇપોફો’ને ચીરી નાખી છે. વિદેશમાં સિરીઝ સફળ થઈ છે એવા દાવાને પણ દર્શકોએ હસી કાઢ્યો છે. કદાચ વિદેશમાં સિરીઝ ખરેખર વધુ જોવાઈ રહી હોય તો પણ શું? વિદેશી દર્શકો છેતરાઈ રહ્યા હોય તો જરૂરી નથી કે દેશી દર્શકોએ પણ છેતરાવાનું, શું કહો છો?

ઓવર કોન્ફિડન્સ, બ્રાન્ડ નેમ અને બિનજરૂરી ઉતાવળે, નબળી વાર્તા પરથી સિરીઝ બનાવવી ખરેખર અયોગ્ય છે. નબળી સિરીઝથી દર્શકોના વિશ્વાસને જીવવો, જીતવો, ટકાવવો અશક્ય છે. ‘ઇપોફો’ દર્શકો માટે હિમાલય સાઇઝની નિરાશા છે. રોહિત શેટ્ટી માટે એ લાલ સિગ્નલ અને ચેતવણી છેઃ ભૂતકાળનાં સારાં સર્જનો માટે જે દર્શકો માથે ચડાવી શકે છે એ નબળા સર્જન માટે કચકચાવીને ઉતારી પણ પાડી શકે છે. સોરી, શેટ્ટીભાઈ…

નવું શું છે?

  • ‘સાલાર’ ઓટીટી પર અંગ્રેજીમાં પણ રિલીઝ થઈ છે. હિન્દીમાં ક્યારે આવશે એ હજી જાહેર થયું નથી. નેટફ્લિક્સ પર એ જોઈ શકાય છે.
  • આજથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર ‘આર્યા’ની ત્રીજી સીઝન સ્ટ્રીમ થવા માંડી છે. સુસ્મિતા સેન એમાં લીડમાં છે.
  • ‘ભક્ષક’ ફિલ્મમાં ભૂમિ પેડણેકર મુખ્ય ભૂમિકામાં છે. એમાં એક એવા કન્યા અનાથાશ્રમની વાત છે જેમાં અસામાજિક હરકતો ચાલી રહી છે. એને ખુલ્લી પાડે છે વૈશાલી સિંઘ (ભૂમિ). ફિલ્મ આજે જ આવી છે.
  • શેમારૂએ ચાર આંતતરાષ્ટ્રીય કંપનીઓ સાથે કરાર કર્યા છે. એનાથી એનું ઓટીટી પ્લેટફોર્મ વિવિધ દેશોમાં ઉપલબ્ધ થશે.
  • મનોજ બાજપાયીને ચમકાવતી, ડિસેમ્બરમાં રિલીઝ થયેલી અને વિવેચકોએ ઠીકઠીક વખાણેલી ફિલ્મ ‘જોરમ’ પ્રાઇમ વિડિયો પર આવી છે. દેવાશિષ મખીજા લેખક-દિગ્દર્શક છે. સાથી કલાકારો મહંમદ ઝીશાન અયુબ, સ્મિતા તાંબે વગેરે છે.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 9 ફ્રેબુઆરી, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ https://epaper.gujaratsamachar.com/chitralok/09-02-2024/6

 

Share: