2025 ઓટીટી માટે અનેક સીમાચિહ્નોનું, પડકારોનું, નવીનતાનું, આકાર લેતી સ્પર્ધાનું… ઘટનાસભર વરસ રહ્યું. જોઈએ, 2026ના પટારામાંથી શું નીકળે છે.
2025 પૂરું થવાને છે. આ વરસમાં ઓટીટી પર શું જોયું, શું ગમ્યું અને સરસ રહ્યું, શું નહીં ગમ્યું અને નબળું રહ્યું એની ચર્ચા તો બને જ છે. આ વરસની ઘટનાઓનું મુદ્દાસર વિહંગાવલોકન કરીએ.
- આખી દુનિયામાં સૌથી ઝડપભેર વિકસતી ઓટીટી માર્કેટમાં એક આપણી ઇન્ડિયાની છે. કોવિડકાળમાં એણે રફ્તાર પકડી, પછી એક નાનકડા અરસા માટે મંદ પડી અને પછી એકધારી વિકાસપંથે છે.
- હવે લગભગ 60 કરોડ લોકો ઓટીટીના થોડા કે ઝાઝા પ્રેમી થઈ ગયા છે. એમાંના પંદરેક કરોડ લોકો એક અથવા બીજા ઓટીટી પ્લેટફોર્મ માટે માસિક કે વાર્ષિક સબસ્ક્રિપ્શન ચૂકવે છે. કુલ સબસ્ક્રાઇબર્સમાંના 87% એટલે બાવન કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ ઓટીટી માણવા ટીવીનો ઉપયોગ પણ કરે છે. મતલબ કે ઓટીટી માત્ર મોબાઇલ પૂરતું સીમિત મનોરંજનનું માધ્યમ નથી.
- આ વરસે લગભગ બધાં ઓટીટી પ્લેટફોર્મ્સે દર્શકોના માથે જાહેરાત મારવાની શરૂ કરી દીધી. એક નેટફ્લિક્સને બાદ કરતાં. એ પણ ત્યારે કે જ્યારે અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ્સે ઓરિજિનલી જાહેરાત વિના મનોરંજન પૂરસવાનો વાયદો કર્યો હતો. હવે વાયદો ફેરવી તોળતાં આ પ્લેટફોર્મ્સે એવા પ્લાન બનાવ્યા જેમાં જાહેરાત વિના મોજ કરવાને એક્સ્ટ્રા રૂપિયા ચુકવવા પડે.
- આ એક્સ્ટ્રા રૂપિયા અને જાહેરાતે ઓટીટીઝની આવકમાં વૃદ્ધિ કરાવી આપી છે. મારા-તમારા પૈસે અને સમયના ભોગે, નહીં તો શું. આંકડા કહે છે કે 2025માં ઓટીટી પ્લેટફોર્મ્સની સંયુક્ત આવક રૂ. 23,936 કરોડ રહી છે. 2024 કરતાં આ આંકડો સત્તરેક ટકા વધ્યો છે.
- આ આવકના 58% પ્રાઇમ વિડિયો, નેટફ્લિક્સ અને યુટ્યુબ ઉસેડી ગયાં. બાકી રહ્યાં 42% ટકા એમાં બાકીનાં બદ્ધાંએ યથાશક્તિ રકમ ઘરભેગી કરી.
- જોકે નવાઈની કે સ્વાભાવિક વાત એ કે ઓટીટીને માત્ર ઓટીટી તરીકે નહીં જોતાં, ઓનલાઇન માધ્યમ તરીકે જોઈને મૂલવીએ તો, આ વરસે પણ સૌથી વધુ જોવાતું પ્લેટફોર્મ યુટ્યુબ જ છે. ઇન્ટરનેટ કનેક્ટેડ 85% લોકો ક્યારેક તો યુટ્યુબ જુએ જ છે. એનું સબળ કારણ એ પણ ખરું જ કે યુટ્યુબ મફતમાં માણવું આસાન છે.
- એ પછી? દેશમાં નંબર વન ઓટીટી પ્લેટફોર્મ કોણ? જિયો હોટસ્ટાર સ્તો. એનું કારણ એની પાસે સ્પોર્ટ્સ (ખાસ તો ક્રિકેટ)ના પ્રસારણના અધિકારો છે. ઓટીટીના 73% દર્શકો જિયો હોટસ્ટારનો ઉપયોગ કરે છે.
- એ પછી પ્રાઇમ વિડિયો છે. એનો નવપરાશ કરનારા દર્શકોની માત્રા 63% છે. ત્રીજા સ્થાને નેટફ્લિક્સ છે. 61% ઓટીટી યુઝર્સ એને માણે છે.
- એ પછી ઝીફાઇવ છે. એના પછી બાકીનાં બધાં, સોની લિવ સહિતનાં પ્લેટફોર્મ્સ.
- આ વરસે અંગ્રેજી અને હિન્દી ઓટીટી પ્લેટફોર્મ્સ સાથે પ્રાદેશિક ઓટીટીની સ્પર્ધા વધુ સંગીન થઈ છે. વિશેષ તો દક્ષિણ ભારતીય દર્શકો એમની માતૃભાષામાં ઓટીટી માણવાના મામલે વધુ હોશીલા રહ્યા છે. એ સિવાય મરાઠી અને બંગાળી ભાષાઓમાં પણ કોન્ટેન્ટનો વ્યાપ વધ્યો છે.
- પ્રાદેશિક ભાષાઓનો દબદબો એવો વધ્યો છે કે ઓટીટી પર હવે 48% મનોરંજન એક અથવા બીજી દેશી ભાષામાં માણવામાં આવી રહ્યું છે.
- સૌથી વધુ જે પ્રકારના મનોરંજનની ડિમાન્ડ છે એ ડ્રામા, ક્રાઇમ થ્રિલર અને એક્શન છે. આ ત્રણ ભેળા મળીને ઓટીટી પર જોવાતી ચીજોના 61% ઉસેડી જાય છે. અ પછી આવે કોમેડી (14%) અને પછી ક્યાંક આવે રોમાન્સ (12%). ખરેખર, દુનિયામાં પ્રેમની વેલ્યુ ઓછી થઈ રહી છે, નહીં?
- ગુજરાતીમાં સ્થિતિ બહુ પોરસાવા જેવી નથી. એક તો આપણી પાસે દમદાર ઓટીટી પ્લેટફોર્મ નથી. એક ઓહો ગુજરાતી આવ્યું અને ગયું. જોજો ગુજરાતી હજી પોતાનું સ્થાન બનાવી શક્યું નથી શેમારૂમી ચુનંદી ફિલ્મો અને નાટકો પૂરતું સીમિત રહ્યું છે. છોગામાં હવે સારી ગુજરાતી ફિલ્મોના ઓટીટી અધિકારો ખરીદવાને નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડિયો પણ મેદાનમાં છે. છતાં, ગુજરાતી વેબ સિરીઝ સમ ખાવા પૂરતી બને છે, તો જોવાનો તો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય? આપણે સૌ હિન્દીપ્રિય (કે હિન્દીઘેલા?) રહ્યા, માતૃભાષામાં ફિલ્મો, સિરીઝ જોવાનો આગ્રહ નહીં કરનારા રહ્યા, એનું આ પરિણામ, બીજું શું?
- ઓટીટીના વિકાસમાં અને દર્શકોની વધતી સંખ્યામાં જોકે સૌથી મોટું યોગદાન ક્રિકેટનું છે. આઈપીએલ, ડબલ્યુપીએલ, (પુરુષો અને મહિલાઓના) ક્રિકેટ વર્લ્ડ કપ વગેરે વગેરે પાછળ દર્શકો એવા ઘેલા છે કે ના પૂછો વાત. એટલે જ્યારે કોઈ તગડી ક્રિકેટ ટુર્નામેન્ટ આવે કે ઓટીટી પર દર્શકોની સંખ્યા સડસડાટ વધે. એ અરસામાં પેઇડ સબસ્ક્રાઇબર્સ પણ ધનધન કરતાક વધે.
- ઓટીટી પર સૌથી વધુ જોવાતા કોન્ટેન્ટમાં થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મો નથી. એ છે ઓરિજિનલ વેબ શોઝ અને ઓટીટી માટે બનેલી ફિલ્મો. પછી એ કોઈપણ ભાષાની હોય કારણ એને માણવા માટે સબટાઇલ્સ અને ડબિંગ છે.
- એવું નથી કે આપણું કોન્ટનેટ માત્ર ભારતમાં લોકપ્રિય છે. જેમ આપણે કોરિયન વગેરે કોનટેન્ટ માણીએ છીએ એમ વિદેશીઓ પણ આપણું કોન્ટેન્ટ ભરપૂર માણે છે. એટલું કે સો વખત આપણું કોન્ટેન્ટ જોવાય તો એમાંથી પચીસ વખત એ ભારત બહાર દુનિયાના કોઈક ખૂણામાં જોવાયું હોય છે.
- દર્શકો જેને મેક્ઝિમમ જુએ છે એવાં પ્લેટફોર્મ્સ એ છે જે જાહેરાતની મહેરબાનીથી વિનામૂલ્યે જોઈ શકાય છે. આ વરસે એવાં પ્લેટફોર્મ્સે ગયા વરસની તુલનામાં 20% વ્યુઅરશિપમાં વધારો જોયો. જેના દામ ચુકવવાં પડે એવાં પ્લેટફોર્મ્સ તો સોમાંથી માત્ર પચીસ વપરાશકર્તા જ જુએ છે.
- આ વરસે જેનું ચલણ વધ્યું છે એ છે પે પર વ્યુ ટાઇપના કોન્ટેન્ટ. આમિર ખાને એની ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ એ રીતે જ રિલીઝ કરી હતી. ભવિષ્યમાં આ માર્ગ મોટાભાગની ફિલ્મો અખત્યાર કરે તો નવાઈ નહીં.
- ગયા વરસ સુધી કોન્ટેન્ટ ક્રિએશન માટે આડેધડ નાણાં ફૂંકનારાં ઓટીટી પ્લેટફોર્મ્સ આ વરસે ખર્ચની બાબતમાં જરા શાણાં થયાં છે. ખર્ચાળ અને સ્ટાર-સ્ટડેડ ફિલ્મો, સિરીઝ બનાવવામાંથી તેઓ કદાચ ઊંચાં આવી ગયાં છે. હવે તેઓ ધ્યાન આપે છે સસ્તું (કે માફક દરનું) ભાડુંને સિદ્ધપુરની જાત્રા પર.
- આ વરસે પ્રસાર ભારતીએ પણ ઓટીટીના મેદાનમાં વ્યવસ્થિત રીતે ઝંપલાવ્યું છે. એનું પ્લેટફોર્મ વેવ્ઝ ઓટીટી અજમાવ્યું ના હોય તો ડાઉનલોડ કરી લેજો. વેવ્ઝ ઓટીટી સાફસુથરું મનોરંજન પીરસતી એપ છે. એણે લાયન્સગેટ પ્લે, ઇરોઝ નાઉ અને પીટીસી પ્લે સાથે ભાગીદારી કરી છે. દસ ભાષામાં એમાં મનોરંજન ઉપલબ્ધ છે. ગુજરાતીમાં પણ. એના પર આશરે સિત્તેર ટીવી ચેનલ્સ જોઈ શકાય છે. સાથે રેડિયો, લાઇવ ઇવેન્ટ્સ (જેમ કે મન કી બાત, અયોધ્યામાં રામલલ્લાની આરતી), ઓએનડીસી આધારિત શોપિંગ… ઘણુંબધું છે. મોટાભાગનું મનોરંજન ત્રણ અક્ષરમાં માણી શકાય છે. બાળકો માટે અલાયદું સેક્શન છે. ક્લાસિક સાથે લેટેસ્ટ અને પ્લેટફોર્મ માટે સર્જાતું મનોરંજન માણી શકાય છે.
- વરસભરમાં (ઓનલાઇન રેકોર્ડ પ્રમાણે) 2,620 ટાઇટલ્સ રિલીઝ થયાં. એમાંનાં 50% હિન્દીભાષી હતાં. બાકીનાં અન્ય ભારતીય ભાષાઓમાં. એમાંથી સાઠ જેટલી ફિલ્મો એવી હતી જે માત્ર ઓટીટી પર રિલીઝ થવાને બની પણ અમુકને મર્યાદિત સમય માટે મોટા પડદે પણ મૂકવામાં આવી.
- પ્લેટફોર્મ જોઈએ તો જીયો હોટસ્ટાર નંબર વન રહ્યું. પછી નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો અને પછી સોની લિવ, એમએક્સ પ્લેયર અને ઝીફાઇવ.
- સંખ્યાવાર જોઈએ. નેટફ્લિક્સ પર આ વરસે 23 ભાષામાં 123 ઓરિજિનલ્સ શોઝ કે ફિલ્મો દર્શકોને પીરસ્યાં. 18 ડોક્યુમેન્ટરીઝ અલગ. વત્તા 12 સ્પેશિલ્સ અલગ. ટૂંકમાં, ખરા અર્થમાં માત્ર અને માત્ર ઓટીટી પ્લેટફોર્મ તરીકે કાર્ય કરવામાં નેટફ્લિક્સ બેહદ સિરિયસ છે. સાથે થોડું આશ્ચર્ય એ પણ ખરું કે દક્ષિણ ભારતમાં કંપનીએ માત્ર તામિલ ભાષામાં નિર્માણ કર્યું. ભારતમાં હિન્દી અને તામિલ બે ભાષામાં જ. સૌથી વધુ ટાઇટલ્સ આવ્યાં અંગ્રેજીમાં, પછી સ્પેનિશમાં (13). હિન્દી અને કોરિયનમાં આવ્યાં સાત-સાત ટાઇટલ્સ. સૌથી વધુ ડોક્યુમેન્ટરીઝ આવી હિન્દી અને સ્પેનિશમાં, પાંચ-પાંચ. 10 સ્પેશિયલ્સ આવ્યાં અંગ્રેજીમાં. સ્ટેન્ડ-અપ કોમેડીમાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની ચોથી સીઝનમાં 14 એપિસોડ્સ આવ્યા. બીજા બે વરસ પૂરું થતાં પહેલાં આવશે. આ એક શો નેટફ્લિક્સને આ મોરચે રમતું રાખવા પૂરતો હતો.
- પ્રાઇમ વિડિયોએ વરસમાં 304 ઓરિજિનલ્સ આપ્યાં. એ નેટફ્લિક્સનું માથું ભાંગવા પ્રતિબદ્ધ હોવાનું પુરવાર કરવા આટલું પૂરતું છે. કૂલ 18 ભાષામાં આ પ્લેટફોર્મ પર મનોરંજન પીરસાયું.અંગ્રેજીમાં 130, હિન્દીમાં 29, તામિલ અને તેલુગુમાં પ્રત્યેક 14,મલયાલમમાં 13, ફ્રેન્ચમાં 16, સ્પેનિશમાં 36, ઇન્ડોનેશિયનમાં 10 ટાઇટલ્સ આવ્યાં. ઉપરાંત ડોક્યુમેન્ટરીઝ પણ રહી. અંગ્રેજીમાં 39 અને સ્પેનિશ અને હિન્દીમાં ચાર-ચાર પ્રમુખ હતી. કુલ ડોક્યુમેન્ટરીઝ હતી 48. પ્રાઇમે વરસમાં 11 સ્પેશિયલ્સ અંગ્રેજીમાં પીરસ્યાં. સ્ટેન્ડ-અપ કોમેડીમાં પ્રાઇમ એક્ટિવ પ્લેટફોર્મ રહ્યું એમ કહી શકાય. એણે હિન્દીમાં ચાર અને અંગ્રેજીમાં 51 એવા શોઝ આપ્યા.
- ઓરિજિનલ્સમાં ઝીફાઇવે હિન્દીમાં છ પેશકશ કરી. તામિલ, મલયાલમ અને બંગાળીમાં બે-બે, મરાઠી, તેલુગુ, કન્નડમાં ત્રણ-ત્રણ. કૂલ 21. સાથે મરાઠીમાં એક, હિન્દીમાં ચાર અને કન્નડમાં એક સ્પેશિયલની રજૂઆત કરી.
- જિયો હોટસ્ટારે હિન્દીમાં છ અને મલયાલમમાં ચાર ઓરિજિનલ્સ આપ્યાં. બે ડોક્યુમેન્ટરીઝ આપી. ઉપરાંત ડિઝની પ્લસ હોટસ્ટાર પર ચાર અંગ્રેજી અને હિન્દી, બંગાળી અને મલયાલમમાં એક-એક ઓરિજિનલ્સ આવ્યાં હતાં એ અલગ. એ પછી બેઉ પ્લેટફોર્મનું મર્જર થયું. ડિઝની પર એક ડોક્યુમેન્ટરી પણ આવી હતી.
- સોની લિવ પર સાત હિન્દી સાથે ચાર મલયાલમ ઓરિજિનલ્સ આવ્યાં. અંગ્રેજીમાં બે ડોક્યુમેન્ટરીઝની રજૂઆત થઈ.
- વૈશ્લિક સ્તરે વાત કરીએ. આ વરસે સૌથી વધારે જોવાયેલા શોઝ કયા હતા? ડિઝની પ્લસ પર ‘બ્લ્યુ’ શોની ત્રીજી સીઝન જાન્યુઆરીથી જૂન વચ્ચે 2,50,00,000,000 મિનિટ જોવાઈ! એ ઓસ્ટ્રેલિયન શો છે. ભુલકાંઓ માટેના આ શોઝમાં વાત છ વરસના એવા શ્વાનની વાત છે જે માનવસમ લાગણી અને ભાવનાઓ ધરાવે છે. આપણે ત્યાં એને માણો જિયો હોટસ્ટાર પર, પણ માત્ર અંગ્રેજીમાં. ‘એડોલસન્સ’ની સફળતાની લહેરો ભારતમાં પણ પહોંચી છે. એ 14,50,00,000 વખત જોવાઈ ગઈ છે. ‘સ્ક્વિડ ગેમ’ની ત્રીજી સીઝન ભલે સૌથી નબળી પણ એને દર્શકો અઢળક મળ્યાં. પહેલા ત્રણ જ દિવસમાં સિરીઝ છ કરોડ વ્યુઝ મેળવી શકી હતી. કુલ વ્યુઝ પહોંચ્યા દસ કરોડ પાર. એ સિવાયના નોંધપાત્ર શોઝ હતા – ‘ગ્રેઝ એનોટોમી’, ‘એનસીઆઈએસ’, ‘ફેમિલી ગાય’, ‘બોબ્સ બર્ગર્સ’, ‘સ્પોન્જબોબ સ્ક્વેઅરપેન્ટ્સ’, ‘ધ બિગ બેન્ગ થિયરી’, ‘રીચર’ સીઝન ત્રણ, ‘ધ રૂકી’, ‘લેન્ડમેન’, ‘ધ વ્હાઇટ લોટસ’ વગેરે. આ શોઝ અલગ અલગ પ્લેટફોર્મ પર છે.
- દેશમાં હિટ શું થયું? નેટફ્લિક્સ પર ‘ધ બે***ડ્સ ઓફ બોલિવુડ’ ‘બ્લેક વોરન્ટ’, ‘એડોલ્સન્સ’, ‘કુરુક્ષેત્ર’, ‘દિલ્હી ક્રાઇમ’ (ત્રીજી સીઝન), ‘જ્વેલ થીફ’, ‘રાના નાયડુ સીઝનટુ’, ‘ધૂમધામ’, ‘મંડલા મર્ડર્સ’, ‘ધ ઓલ્ડ ગાર્ડ ટુ’, ‘હેવોક’, ‘ઇન્સ્પેક્ટર ઝેન્ડે’, ‘આપ જૈસા કોઈ’, ‘સ્ક્વિડ ગેમ’ (ત્રીજી અને છેલ્લી સીઝન), ‘સ્ટ્રેન્જર થિન્ગ્સ’ (છેલ્લો એપિસોડ બાકી છે), ‘નાદાનિયાં’, ડબ્બા કાર્ટેલ’, ‘સિંગલ પાપા’, ‘ધ નૈના મર્ડર કેસ’, ‘ધ રોયલ્સ’, ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’, ‘ધ ઇલેક્ટ્રિક સ્ટેટ’, ‘બૅક ઇન એક્શન’, ‘હૅપી ગિલમોર ટુ’, ‘બારામુલ્લા’, ‘આર્યન’, માસ જાત્રા, ‘ઇડલી કડાઈ’, હોમબાઉન્ડ, ‘ગ્રેટર કલેશ’, અનુજા (શોર્ટ ફિલ્મ), વગેરે.
- પ્રાઇમ વિડિયો પર ‘પાતાલલોક’ (બીજી સીઝન), ‘ધ ફેમિલી મેન’ (ત્રીજી સીઝન), ‘સુપરબોય્ઝ ઓફ માલેગાંવ’, ‘પંચાયત’ (ચોથી સીઝન), ‘દુપહિયા’, ‘ખૌફ’, ‘રંગીન’, ‘ઉપ્પુ કપ્પુરામ્બુ, ‘સ્ટોલન’, ‘ધ મહેતા બોય્ઝ’ વગેરે.
- સોની લિવ પર ‘બડા નામ કરેંગે’, ‘મહારાણી’ની ચોથી સીઝન, ‘બ્લેક વ્હાઇટ એન્ડ ગ્રે’ ‘ધ હન્ટઃ ધ રાજીવ ગાંધી અસાસિનેશન કેસ’, ‘કોર્ટ કચેરી’ વગેરે.
- જિયો હોટસ્ટાર પર ‘બિગ બોસ’ (સીઝન 19), ‘હૈ જુનૂન’, ‘પોનમેન’, ‘ક્રિમિનલ જસ્ટિસ’ (ચોથી સીઝન – અ ફેમિલી મેટર), ‘સ્પેશિયલ ઓપ્સ’ (બીજી સીઝન), ‘સરઝમીન’, ‘સ્વીટ ડ્રીમ્સ’, ‘ધ સ્ટોરીટેલર’ વગેરે.
- એમએક્સ પ્લેયર પર ‘બેટલ ઓફ સારાગ્રહી’ વગેરે.
- ઝીફાઇવ પર ‘ભાગવત ચેપ્ટર વન – રાક્ષસ’, ‘બકૈતી’ ‘કોસ્ટાવ’, કાલીધર લાપતા, ઇન્ટરોગેશન, મારીગાલ્લુ, ‘લોગઆઉટ’, ‘મિસીસ’ વગેરે.
- જિયો હોટસ્ટારે ‘મહાભારતઃ એક ધર્મયુદ્ધ’ સાથે ભારતીય દર્શકોને એવો શો પણ આપ્યો જેનું સંપૂર્ણ સર્જન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી થયું. સાત ભાષામાં એના આઠ એપિસોડ્સ ઓનલાઇન છે. એમાં પણ ગુજરાતી ભાષા નથી! દર્શકોએ સિરીઝ વખાણી છે.
- 2025માં ઓરિજિનલ્સ શોઝની નવી સીઝન લાવનારા ઘણા શોઝ એમની પાછલી સીઝન કરતાં નબળા રહ્યાં. પ્રસ્થાપિત બ્રાન્ડ અને દર્શકોના પ્રેમને કારણે ભલે આ શોઝ જોવાયા પણ હવે એમની પાસે નવું પૂરસવા જેવું કશું રહ્યું નથી એવું દર્શકોએ અનુભવ્યુ છે.
- ખેદની વાત એ કે ગુજરાતીમાં હજી ઓરિજિલ્સ બનાવવા વિશે ઓટીટી પ્લેટફોર્મ્સ ખાસ રુચિ ધરાવતા નથી. શેમારૂ મી પર ગુજરાતી ફિલ્મો લગાતાર રજૂ થઈ. અમુક શોઝ પણ આવ્યા. પણ એ સિવાય ગુજરાતી ભાષા પરત્વે આપણાં ઓટીટી પ્લેટફોર્મ્સ નિરુત્સાહ રહ્યાં છે.
- આ વરસે એક ફેરફાર એ થયો કે ગુજરાતી ફિલ્મો ખરીદવાના મામલે અત્યાર સુધી વિશેષરૂપે શેમારૂ મી પ્રવૃત્ત રહ્યું હતું. પ્રાઇમ વિડિયો અને હવે નેટફ્લિક્સ પણ એમાં ઊતર્યાં છે. આ વરસે ‘વશ લેવલ ટુ’ને નેટફ્લિક્સે રેકોર્ડ કિંમતે ખરીદી. કમ સે કમ એટલો સધિયારો લઈએ કે ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ પર કાઠું કાઢવા સાથે ગુણવત્તામાં સુધરશે એ સાથે આપણી ફિલ્મો ઓટીટી પર સાદા દામ મેળવવા સાથે વધુ દર્શકોને અભિભૂત કરી શકશે. અરે હા, ‘લાલો’ ઓટીટી માટે વેચાઈ હોય એવા આસાર હજી નથી પણ એ શક્યતા ખરી કે એ ઓટીટી પર સૌથી ઊંચી કિંમતે મેળવનારી ગુજરાતી ફિલ્મ સાબિત થાય. દેખતે હૈ.
- આ વરસે ઓટીટી પ્લેટફોર્મ્સ સાથે બાથ ભીડવા વર્ટિકલ પ્લેટફોર્મ્સનાં ઘોડાપૂર આવ્યાં છે. માઇક્રોડ્રામાં તરીકે ઓળખાતા એના શોઝ સામાન્યપણે બબ્બે મિનિટની સરેરાશવાળા આશરે પિસ્તાલીસેક એપિસોડ્સ હોય છે. એને સ્ક્રીન આડી રાખીને જોવાના હોય છે. એટલાં બધાં માઇક્રોડ્રામા પ્લેટફોર્મ આવ્યાં છે કે ના પૂછો વાત. અને હજી તો લગભગ તમામ મોટી કંપનીઓ પણ મેદાનમાં પ્રચંડ તાકાત સાથે ઊતરવાની બાકી છે. અમુક માઇક્રોડ્રામા પ્લેટફોર્મનાં નામ આ રહ્યાંઃ કુકુ ટીવી, શોર્ટસી, ડેશરીલ્સ, રીલોઇડ, ક્વિકટીવી, ટુકટુકી, રીલસાગા, ફ્લિકટીવી, સ્ટેજ ટીવી, સ્ટોરીટીવી, બુલેટ, કટિંગ, એમએક્સ ફટાફટ, મોજ, પોકેટ ટીવી, ચાઈ શોટ્સ, સૂપર… ગણતાં થાકી જવાશે, ખરેખર.
- માઇક્રોડ્રામાનો હાલનો લોચો એ છે કે એમાં મોટાભાગના શોઝ વિદેશી (ચાઇનીઝ) શોઝની બેઠ્ઠી અને ઘણીવાર વરવી નકલથી વિશેષ કશું નથી. બીજો લોચો છે આ શોઝનો કામુકતા અને ક્યારેક, સામાજિક રીતે અસહ્ય બાબતો તરફનો ઝોંક છે. જોકે આજે નહીં તો આવતીકાલે આ પ્લેટફોર્મ્સે આ રવાલ ચાલમાંથી બહાર આવવું પડશે. કારણ કે એમણે અસ્તિત્વ ટકાવવાનું છે અને દર્શકોને નવતર અનુભવો આપવાના છે.
- બીભત્સતા, જુગુપ્સાપ્રેરક અને કામુકતાથી છલોછલ શોઝ સતત બનાવવાનાં પરિણામ કઢંગા આવી શકે છે. આ વરસે એનો અનુભવ એકતા કપૂરના ઓલ્ટબાલાજી પ્લેટફોર્મે કર્યાં. સરકારે જુલાઈમાં એના પર પ્રતિબંધ ઠોકી દીધો અને બરાબર જ કર્યું હતું.
- એની સાથે સરકારે બીજાં 24 પ્લેટફોર્મ્સ પર પણ તવાઈ મૂકી દીધી હતી. એમાં પેલું ઉલ્લુ પણ એક હતું. એ સિવાય હતાં બિગ શોટ્સ એપ, દેસીફ્લિક્સ, બૂમેક્સ, નિયોનએક્સ વીઆઈપી, નવરસ લાઇટ, ગુલાબ એપ, કંગન એપ, બુલ એપ, શોહિટ, જલવા એપ, વાઉ એન્ટરટેઇનમેન્ટ, લૂક એન્ટરટેઇનમેન્ટ, હિટપ્રાઇમ, ફુગી, ફેનેઓ, શોએક્સ, સોલ ટોકિઝ, અડ્ડા ટીવી, હોટએક્સ વીઆઈપી, હલચલ એપ, મૂડએક્સ, મોજફ્લિક્સ અને ટ્રાઇફ્લિક્સ. અમુકનાં તો નામ જ કેટલાં સચોટ છે નહીં, જે કહી દે છે કે અમે તો હલકું મનોરંજન પીરસીએ છીએ.
- આવકની દ્રષ્ટિએ આ વરસે પણ અમેરિકા ઓટીટી માટે સૌથી મોટી બજાર રહી. દર્શકોની દ્રષ્ટિએ ચીન અને ભારત સર્વોપરી રહ્યાં. ચીનમાં ઓટીટી જોનારા દર્શકોની સંખ્યા 127 કરોડને આંબી ગઈ છે. ભારતમાં સંખ્યા 60 કરોડ પાર થઈ છે. અમેરિકામાં દર્શકોની સંખ્યા ઓલમોસ્ટ પચીસ કરોડે પહોંચી છે. બ્રાઝિલમાં સંખ્યા સાતેક કરોડ તો ઇન્ડોનેશિયામાં છે છ કરોડ. દુનિયાભરની વાત કરીએ તો ઓટીટીના દર્શકોની સંખ્યા 500 કરોડ પાર થઈ ગઈ છે.
- યુટ્યુબ ઓનલાઇન પ્લેટફોર્મ વધુ અને ઓટીટી પ્લેટફોર્મ ઓછું છે પણ દર્શકોના મામલે એ નંબર વન છે. એ સિવાય દુનિયાનાં ટોપ ઓટીટી પ્લેટફોર્મ્સ નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો, ડિઝની પ્લસ, હુલુ, ટેન્સેન્ટ વિડિયો, (એચબીઓ) મેક્સ છે. નેટફ્લિક્સના પેઇડ વપરાશકર્તા 30 કરોડથી વધુ છે. પ્રાઇમ વિડિયોના વીસ કરોડથી વધુ. ડિઝની પ્લસના લગભગ 13 કરોડ. મેક્સના 12 કરોડથી વધુ. હુલુના સાડાપાંચ કરોડ આસપાસ. ટેન્સેન્ટઅને એના પ્રતિસ્પર્ધી આઈક્યુઆઈક્યુઆઈ, બેઉના બાર-બાર કરોડ.
- નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડિયો લગભગ આખી દુનિયામાં જોઈ શકાય છે. ડિઝની પ્લસ 150થી વધુ દેશોમાં જોઈ શકાય છે.
- ફરી મળીએ, નવા વરસે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/26-12-2025/6





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment