દિવાળી આ રહી. દીવડા ઝળહળી રહ્યા છે, તોરણો બંધાયા છે, મીઠાઈ બની રહી છે, પૂજન થવાનું છે, ફટાકડા ફૂટવાના છે અને ઢગલો મહેમાન આવવાના છે. આખા વરસમાં આપણને સૌને સૌથી ખુશ કરતો અને વ્યસ્ત રાખતો તહેવાર છે આ. આકાશમાંથી જોઈએ તો દિવાળીની રાતોમાં કદાચ આખું ભારત રોશનીનો મહાસાગર લાગતું હશે. તહેવારોની ધમાલમાં બની શકે ઓટીટી ઓન કરીને લાંબી લાંબી વેબ સિરીઝ જોવાની ફુરસદ ના પણ મળે. ફિલ્મો માટે કદાચ સમય મળી રહે, કારણ એની અવધિ સિરીઝ કરતાં તો ઓછી જ. ચાલો, ફટાફટ એક યાદી તપાસીએ એવી ફિલ્મોની જે આ દિવસોમાં સપરિવાર જોઈ શકાય.
ગદર ટુઃ થિયેટરમાં જો આ ફિલ્મ નથી જોઈ તો હવે મોકો છે એને ઓટીટી પર જોવાનો. એને બોક્સ ઓફિસ પર મળેલી સફળતા કેટલી વાજબી એ ત્યાં સુધી નહીં સમજાય જ્યાં સુધી જાતે એને જોઈ નથી. સરદાર તારા સિંઘ અને સકીનાની લવ સ્ટોરી હવે એમના દીકરા ચરણજીત અને મુસ્કાનની પ્રેમકથા સાથે વણાઈ ગઈ છે. આ પાત્રોમાં છે ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર. પાર્ટ વન બહુધા ભારતીય ભૂમિ અને ભાગલાની વાત હતો, તો પાર્ટ ટુ છે પાકિસ્તાન અને વધુ એક પ્રેમકથાની વાત. પાત્રો, ગીતો, લોકેશન્સ, ઇમોશન્સ, રમૂજ અને દેશદાઝનું એકદમ પ્રોપર કોમ્બિનેશન ફિલ્મમાં થયું છે. ઓલમોસ્ટ સાતસો કરોડનો વેપાર કરનારી ‘ગદર ટુ’ પહેલેથી છેલ્લે સુધી બાંધી રાખે છે. માણો એને ઝી ફાઇવ પર.
થ્રી ઇડિયટ્સઃ રાજકુમાર હીરાનીની બધેબધી ફિલ્મ વારંવાર જોઈ શકાય એવી છે. સવાલ નથી આવતો. એમાં પણ આ ફિલ્મ જેમાં ત્રણ યુવાનોના શિક્ષણ, સપનાં અને દોસ્તીની વાત છે એ અવ્વલ છે. પ્રાઇમ વિડિયો અને અન્ય પ્લેટફોર્મ પર જોઈ શકાતી થ્રી ઇડિયટ્સનો રાંચો, ફરહાન, રાજુ રસ્તોગી, પિયા, વાઇરસ વગેરે સૌ મનમાં સોંસરવાં ઊતરી જાય એવાં પાત્રો છે. ફિલ્મની પારિવારિક મનોરંજન ક્ષમતા સાથે એને માણીને થતાં સ્પંદનો અને મન પર અંકિત થઈ જતો સંદેશો બેહદ સરસ છે. ઝીણવટપૂર્વકની વાત કરીએ તો આ ફિલ્મમાં ભાગ્યે જ કશું એવું છે જે કંટાળો ઉપજાવે. એમાં પણ અડધી ફિલ્મે જ્યારે એ જાણ થાય કે ઓહો, આ રાંચોના નામે તો કોઈક ભળતી જ વ્યક્તિ ધરતી પર મહાલી રહી છે, અને આપણે જેને રાંચો માનતા હતા એ ગાયબ છે ત્યારે ઉત્તેજના નવી હરણફાળ ભરે છે. સપરિવાર જોવા માટેની એવરગ્રીન ફિલ્મોમાં ‘થ્રી ઇડિયટ્સ’ સદૈવ શિરમોર છે. માણો આનંદ.
રબ ને બના દી જોડીઃ યશરાજની પણ ઘણી ફિલ્મો બહેતરીન છે. આ ફિલ્મમાં દિગ્દર્શન આદિત્ય ચોપરાનું, જેઓ ઉત્તમ નિર્માતા ખરા પણ એનાથી ઉત્તમ મેકર છે. મોહબ્બતેં પછી આઠ વરસના અંતરાળે એમણે ડિરેક્ટ કરેલી આ ફિલ્મ સુરિન્દર સાહની અને તાનીની લગ્નેતર પ્રેમકથા છે. વિચિત્ર સંજોગોમાં સુરિન્દર જેવા ભોળા-સોજ્જા જણને તાની જેવી તરવરાટભરી, સુંદર કન્યાના પતિ બનવાનું સૌભાગ્ય મળે છે. બેઉનાં વ્યક્તિત્વ સખત વિરોધાભાસી છે. એ પછી એક ડાન્સ કોમ્પિટિશન, એની આસપાસ બેઉ વચ્ચે પાંગરતો પ્રેમ અને ક્યાંય તાનીને એ વાતનો અણસાર સુધ્ધાં આવતો નથી કે એનો પતિ અને એનો ડાન્સ પાર્ટનર બનેલો અજાણ્યો યુવાન એક જ છે. ‘રબ…’ની ખાસિયત ફેમિલી વેલ્યુઝમાં છે, સરળતા સાથે સતત વહેતી રમૂજમાં છે. એને માણવામાં ખર્ચેલા આશરે પોણાત્રણ કલાક પૂરેપૂરા વસૂલ થવાના એમાં બેમત નથી. એ પણ પ્રાઇમ વિડિયો પર માણી શકાય છે.
બોલઃ 2011માં આવેલી આ પાકિસ્તાની ફિલ્મ એના સમયની સૌથી સફળ ફિલ્મ હતી. પાડોશી દેશની જેમ એણે આખી દુનિયામાં લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કારણ હતું એની એકદમ સચોટ કથા. દીકરા માટે એક પછી એક દીકરી જણ્યે રાખતા હકીમની સાત દીકરીઓ, માંડ જન્મેલો પણ સ્ત્રેણ દીકરો, પત્ની, ગરીબી અને એમાંથી સર્જાતા પડકારો. શરૂઆત હકીમની એક દીકરી ઝૈનબ (હુમૈમા મલિક)ને ફાંસી થવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યાંથી થાય છે. એણે હત્યા કરી છે સગા બાપની. હકડેઠઠ મીડિયાની હાજરી વચ્ચે ઝૈનબ પોતાની આપવીતી શરૂ કરે છે. એકવાર આ ફિલ્મ શરૂ થાય અને પાંચ-દસ મિનિટ પસાર થાય પછી એમાં સાંગોપાંગ એકરસ થઈ જવાય છે. લાહોપના બેકડ્રોપમાં પાકિસ્તાનની જીવનશૈલી સહિત એનાં લોકાલ્સ વગેરે બધું ફિલ્મમાં બહુ આબાદ રીતે ઝીલાયું છે. બોલ બની હતી પૈમાન નામના અભિયાન હેઠળ બની હતી, જેનું આખું નામ છે પાકિસ્તાન ઇનિશિયેટિવ ફોર મધર્સ એન્ડ ન્યુબોર્ન્સ. સગર્ભા સ્ત્રીઓ અને બાળકોના સુસ્વાસ્થ્ય માટે આ મિશન છે. જાણીતા ગાયક આતિફ અસલમ એમાં હીરો છે. એક હિરોઇન માહિરા ખાન છે, જેને આપણે શાહરુખ સાથે રઇસમાં જોઈ હતી. હૃદયને ઝંકૃત કરતી અને વિચારતા કરી મૂકતી ‘બોલ’ સમગ્ર પરિવાર સાથે જોઈ શકાય એવી સ્વચ્છ છે. એ ઉપલબ્ધ છે જિયો સિનેમા, પ્રાઇમ વિડિયો અને ફેસબુક વગેરે પર.
જુમાન્જીઃ 1995ની પહેલી ફિલ્મની સફળતા પછી જુમાન્જી સિરીઝની અન્ય ફિલ્મો પણ આવી છે. પહેલી ફિલ્મ સૌથી મનોરંજક છે. બેકડ્રોપ 1969નું છે. એલન નામના બાળકને અનાયાસે એક બોર્ડ ગેમ (લાઇક સાપસીડી વગેરે) મળે છે જે કોઈકે સો વરસ પહેલાં ભોંયતળે દાટી દીધી હતી. બાળસહજ વૃત્તિથી એ આ ગેમ ઘેર લઈ આવે છે. એને રમવા એલન અને મિત્ર સારાહ બેસે છે. રમત શરૂ થતાવેંત ચિત્રવિચિત્ર સંદેશા આવવા માંડે છે. એની પાછળ પાછળ ઉઘડે છે જંગલની અજબગજબ દુનિયા, જેમાં બેઉ બાળકો સહિત અન્ય પાત્રો ફસાઈ જાય છે. રોબિન વિલિયમ્સ, કિર્સ્ટન ડન્સ્ટ, જોનાથન હાયડ, ડેવિડ એલન ગ્રાયર વગેરે કલાકારોવાળી ફિલ્મ બે કલાકથી ઓછા સમયની છે. પ્રારંભમાં થોડી ધીમી લાગે પણ એકવાર જંગલની દુનિયામાં બાળકો ફસાઈ જાય પછી એ એકદમ એક્સાઇટિંગ થઈ જાય છે. આ પ્રકારની આજ સુધીની અમુક યાદગાર ફિલ્મોમાં જુમાન્જીની ગણના અમસ્તી નથી થતી. બાળકોનો મેળો ઘરમાં જામ્યો હોય અને એમને સંપૂર્ણ મનોરંજન પીરસવા કોઈક ફિલ્મ ચાલુ કરી દેવી હોય તો નેટફ્લિક્સ કે સોની લિવ પર પહોંચી જાવ. અને હા, હેપી દિવાળી.
નવું શું છે?
● ઓટીટીએ આપણા જીવનમાં કેવુંક અગત્યનું સ્થાન મેળવી લીધું છે એ સમજવું સહેલું છે. દેશમાં 48.11 કરોડ લોકો એની સાથે કનેક્ટેડ છે. મતલબ આશરે 34 ટકા ભારતીયો. એવું ફલિત કરતા એક રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે એમાંના દસેક કરોડ લોકો પેઇડ ઓટીટી યુઝર્સ છે.
● જિયો સિનેમા પર ‘શાર્ક ટેન્ક’ જેવા શો ‘ઇન્ડિયન એન્જલ્સ’ના બે એપિસોડ્સ આવી ગયા છે. હવે દર અઠવાડિયે બે નવા એપિસોડ્સ આવશે. નવું વેપારી સાહસ માંડનારા લોકોને એના થકી ફન્ડિંગ મળે એ શોના કોન્સેપ્ટનું કેન્દ્ર છે.
● ગોવામાં યોજાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની તવારીખમાં પહેલીવાર ઓટીટીનાં સર્જનો અને સર્જકોને સન્માનિત કરવામાં આવશે. કુલ 15 ઓટીટી પ્લેટફોર્મ્સથી 10 ભાષામાં 32 એન્ટ્રીઓ એ માટે સ્પર્ધામાં છે.
● ઓગસ્ટમાં ‘ગદર ટુ’ અને ‘ઓહ માય ગોડ’તળે ચગદાઈ ગયેલી પણ ખાસ્સી વખણાયેલી ફિલ્મ ‘ઘૂમર’ આજથી ઝી ફાઇવ પર સ્ટ્રીમ થવા માંડી છે. એમાં અભિષેક બચ્ચન અને સંયમી ખેર મુખ્ય પાત્રમાં છે. આર. બાલકી ડિરેક્ટર છે.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.10 નવેમ્બર, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/10-11-2023/6





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment