દર્શકોનો સ્ટાર્ટ-અપ્સમાં વધેલો રસ આ સિરીઝની તરફેણમાં કામ કરી જાય છે. સાથે, બેઉ મુખ્ય અભિનેત્રીઓનો સંતુલિત અભિનય એની વહારે આવે છે

શિખા (તમન્ના ભાટિયા) અને અનાહિતા (ડાયના પેન્ટી) બચપણથી ખાસમખાસ દોસ્ત છે. એક માર્કેટિંગમાં તો બીજી ફાઇનાન્સમાં જબરી છે. એકની નોકરી જાય છે તો એ સ્વર્ગસ્થ પિતા સંજય (ઇન્દ્રનીલ સેનગુપ્તા)નું ક્રાફ્ટ બિયરની કંપની બનાવવાનું સપનું સાકાર કરવા ચોટલી બાંધે છે. એમાં એની દોસ્તની નોકરીમાં ટંટો ઊભો થતાં એ પણ રાજીનામું આપે છે. શિખા અનાહિતાને પાર્ટનર તરીકે ભેગી લે છે. સંજયની બિયર બ્રાન્ડ, જો બજારમાં આવી હોત તો, નામ હોત ગોંદોગોલ (બંગાળીમાં ગોસમોટાળો) હોત. એ બ્રાન્ડની પેટન્ટ અને માલિકી, સંજયના તત્કાલીન દોસ્ત વિક્રમ વાલિયા (નીરજ કબી)એ છળથી પડાવી લીધાં હતાં. એની પાસેથી બ્રાન્ડ મેળવવાના નિષ્ફળ પ્રયત્ન પછી બેઉ કન્યાઓ જુગારો નામે બ્રાન્ડ લૉન્ચ કરે છે. બ્રાન્ડના લૉન્ચ કેમ્પેઇનમાં ડેવિડ જોન્સ (જાવેદ જાફરી)ને કરામત સાથે ઝળકાવવામાં આવતાં બ્રાન્ડ રાતોરાત લોકપ્રિય થાય છે. જોકે લૉન્ચ પહેલાં અને લૉન્ચ પછી શિખા-અનાહિતા સામે જાતજાતના પડકાર આવે છે. એનો સામનો કરતાં કરતાં બેઉ ક્યાં પહોંચે છે એ છે સિરીઝની વાર્તા.

‘ડુ યુ વાના પાર્ટનર’ પ્રાઇમ વિડિયોની આઠ એપિસોડવાળી નવી સિરીઝ છે. કન્યાઓ બિયર મેન્યુફેક્ચરિંગનું સ્ટાર્ટ-અપ શરૂ કરે એ એક્સાઇટિંગ વાત સિરીઝની પાયાની તાકાત છે. આજકાલ દર્શકોને સ્ટાર્ટ-અપના શોઝ ગમે છે. વેપાર કેવી રીતે થાય એ જાણવામાં કદાચ સૌને રસ છે. એમાંય બિયરનો વેપાર બે સુંદર કન્યાઓ શરૂ કરવાની હોય એટલે ગ્લેમર અને આકર્ષણ પણ ઉમેરાય.

સિરીઝની શરૂઆત શિખા અને અનાહિતાની વર્તમાન સિચ્યુએશન્સથી થાય છે. વચમચમાં શિખાનો ભૂતકાળ ઉમેરાય છે. ફ્લેશબેકમાં એના પિતા, એની સાથેનો વિક્રમનો સંબંધ, વિક્રમનું છળ વગેરે પેશ થાય છે. પાટનગર (એટલે એનસીઆર, જેમાં ગુરુગ્રામ પણ સામેલ છે) રહેતી બે યુવતીઓ શૂન્યમાંથી બિયર સર્જન કરવાને જે પ્રયાસ કરે છે એ કંઈક અંશે રસ જાળવી રાખે છે. વાર્તાને મજેદાર રાખવા બિયરની ફોર્મ્યુલા બનાવવામાં માહેર બોબી (નકુલ મહેતા), અનાહિતાનો ગ્રાફિક ડિઝાઇનર ભાઈ ફિરદોસ ઉર્ફે ફીરુ (સુફી મોતીવાલા), શિખાનો બોયફ્રેન્ડ અને લિવ-ઇન-પાર્ટનર, શેફ કબીર (રણવિજય સિંઘા) વગેરે ઉમેરાય છે.

બધાં વચ્ચે બે ટ્રેક મહત્ત્વના છે. લિકર ટાયકૂન વિક્રમનો અને બીજો ડાયલીનનો. સાથે લૈલા સિંઘ (શ્વેતા તિવારી)નો ટ્રેક પણ ખરો, જે કથાની વચમાં આવે છે. વિક્રમ શિખા અને અનાહિતાના સ્ટાર્ટ-અપને શરૂમાં, “સમજ્યા હવે, આ બેઉ શું ઉકાળી લેવાની?” એમ લે છે. પણ યુક્તિસભર પ્રિ-લૉન્ચ માર્કેટિંગ કેમ્પેઇનથી જુગારો બિયર રાતોરાત ટ્રેન્ડિંગ પ્રોડક્ટ બની જાય છે. સ્વાભાવિક છે એનાથી બજારમાં સ્પર્ધા સર્જાય છે અને વિક્રમને ઊગતા સ્પર્ધકને ડામી દેવામાં રસ હોય જ. કોલકાતામાં રહેતો જસ્ટ અનધર કલાકાર ડાયલીન બ્રાન્ડનો ચહેરો બન્યા પછી એનાથી એક કદમ આગળનું પાત્ર પણ બને છે. રહી વાત લૈલાની તો એનાથી પણ વાર્તામાં એક અલગ ટ્વિસ્ટ આવે છે.

કરણ જોહર, અપૂર્વ મહેતા અને આદર પૂનાવાલા સિરીઝના નિર્માતા છે. દિગ્દર્શકો અર્ચિત કુમાર અને કોલિન દા’કુન્હા છે. કરણના નિર્માણમાં હોય એ બધી તાકાત અને નબળાઈ આ સિરીઝમાં પણ છે. નિર્માણ ફાંકડું છે. કથાપ્રવાહ સરેરાશ છતાં, ઘણી જગ્યાએ સ્પાર્ક પણ ધરાવે છે. તમન્ના અને ડાયના સિરીઝને બાંધી રાખતાં બે પરિબળ છે. એમનો અભિનય પાત્રોચિત છે. સિરીઝ આમ હળવાશભરી અને રમૂજના વઘારવાળી છે. મોટું હાસ્ય કરાવતી સિચ્યુએશન્સ એમાં નથી પણ હળવાશભર્યું વાતાવરણ સિરીઝ માટે પોઝિટિવ રહે છે.

કલાકારોમાં, તમન્ના અને ડાયના પછી, જાવેદ જાફરી ધ્યાન ખેંચે છે. જાફરી અનુભવી કલાકાર છે અને આપણે એમને અનેક રમૂજી પાત્રોમાં માણ્યા છે. અહીં પણ એમની એ ખૂબીઓ પૂરતા પ્રમાણમાં ઉપયોગી થાય છે. નીરજ વૈવિધ્યસભર પાત્રોમાં છવાઈ જનારા કલાકાર છે. બિઝનેસ ટાયકૂનનું એમનું પાત્ર જે રીતે વિકસાવવામાં આવ્યું છે એ એવરેજ છે. ઘણાં દ્રશ્યો એવાં છે જે જોઈને પ્રશ્ન થાય કે કયો બિઝનેસ ટાયકૂન આવું વર્તે પણ ભઈ, આ તો સિનેમેટિક સ્ટોરી છે, અહીં બધું માફ છે.

ધ્યાન ખેંચનારું એક પાત્ર ફીરુનું પણ ખરું જેમાં મોતીવાલા અંડરપ્લે કરતા બાજી મારી જાય છે. શ્વેતા તિવારી અંડરવર્લ્ડ કનેક્શનવાળી વેપારણ તરીકે જામે છે. જોકે જે લેડી આટલી શક્તિશાળી હોય એને ક્યાંય કરતાં ક્યાંય ડેવિડની હકીકતનો ખ્યાલ આવે નહીં એ જરા કઠે એવી વાત છે. ખેર. સિરીઝના મોટાભાગના એપિસોડ્સ 35-40 મિનિટના છે. આ લંબાઈ જરા કઠે એવી છે. એને લીધે સિરીઝ વચવચમાં ગડથોલાં પણ ખાય છે.

ઇન શોર્ટ, ‘ડુ યુ વાના પાર્ટનર’ એવી સિરીઝ છે જેમાં વિષય તાજગીસભર છે, નિર્માણ મોડર્ન છે, સમસ્યાઓ શહેરી છે અને કથાનક, એની ક્ષતિઓ છતાં, પહેલેથી છેલ્લે સુધી સિરીઝ જોઈ નાખવાનું મન કરાવે એવું છે. જોવી હોય તો પ્રાઇમ વિડિયો પર પહોંચી જાવ.

નવું શું છે

  • કોર્ટરૂમ ડ્રામા અને પોલિટિકલ થ્રિલર્સના ચાહકો સિરીઝ ‘ધ ટ્રાયલ: પ્યાર, કાનૂન, ધોખા’ની બીજી સીઝન આવી છે. આજથી એને જિયો હોટસ્ટાર પર જોઈ શકાશે. આ સીઝનમાં કાજોલ સાથે નોયોનિકા સેનગુપ્તાની વાર્તા આગળ વધશે.
  • જોડી કોમર, એરોન ટેલર-જોહ્ન્સન, આલ્ફી વિલિયમ્સ અને રાલ્ફ ફિનેસ અભિનિત, ડેની બોયલની ઝોમ્બી હોરર ફિલ્મ ’28 યર્સ લેટર’ બોક્સ ઓફિસ પર હિટ હતી. આજથી એ નેટફ્લિક્સ પર અંગ્રેજીમાં સ્ટ્રીમ થવા માંડી છે.
  • ઓટીટીની ખાસિયત જ વગર જાહેરાત અને વગર બ્રેક મનોરંજન માણવાની સગવડ હતી. જે પ્લેટફોર્મ્સ આવી વિશેષતા સાથે જન્મ્યાં, જેમણે આ રીતે મનોરંજ પીરસવાનો વાયદો આપ્યો એ બધાં હવે પૈસા પણ લે અને વારંવાર જાહેરાત પણ માથે મારે એ ક્યાં સુધી યોગ્ય? કદાચ એટલે જ ઓટીટી પ્લેટફોર્મ્સ પહેલાં જેવાં નથી લાગી રહ્યાં. શું કહો છો?
  • રાયન કૂગલર દિગ્દર્શિત અને અભિનિત અંગ્રેજી હોરર ફિલ્મ ‘સિનર્સ’ જિયો હોટસ્ટાર પર ગઈકાલથી આવી છે. તેમાં હેલી સ્ટેઇનફેલ્ડ, માઇલ્સ કેટન (તેમની ફિલ્મ ડેબ્યુમાં), જેક ઓ’કોનેલ, વુન્મી મોસાકુ, જેમે લોસન, ઓમર બેન્સન મિલર અને ડેલરોય લિન્ડો મુખ્ય ભૂમિકામાં છે.

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/19-09-2025/6

Share: