આખા દેશમાં નહીં, આખી દુનિયામાં પણ કોન્ટેન્ટનો એવો ખજાનો બહુ ઓછી કંપનીઓ પાસે હશે જેવો પ્રસાર ભારતી પાસે છે. આવતા વરસે પોતાના ઓટીટીનું સપનું સાકાર કરીને આ સ્વદેશી, સરકારી બ્રાન્ડ ઓટીટીની દુનિયામાં રીતસરની ક્રાંતિ આણી શકે છે
દૂરદર્શન, આકાશવાણી અને એવી સરકારી સગવડોથી આપણે પરિચિત છીએ. કોઈ સેટેલાઇટ ચેનલ નહોતી, મોબાઇલ અને ઓટીટી ગર્ભમાં પણ નહોતાં ત્યારે દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, વિવિધભારતી દેશના 3,287,263 ચોરસ કિલોમીટર વિસ્તારમાં જ્ઞાન અને મનોરંજનનો મહાસાગર પહોંચાડતાં હતાં. આજે પણ પ્રસાર ભારતીની સેવાઓ સખત શક્તિશાળી છે. બની શકે શહેરી પ્રજા તરીકે ઘણા આ તાકાતથી વાકેફ ના હોય. આવતા વરસે સ્થિતિમાં નાટ્યાત્મક પરિવર્તન આવી શકે છે. બધું સમુંસુતરું પાર પડતાં આવતા વરસે આ સરકારી ઉદ્યમ ઓટીટીની દુનિયામાં એવું કામ કરશે જે આ સેવાઓને નવી ઊંચાઈએ પહોંચાડી દેશે.
પ્રસાર ભારતી પાસે એવું શું છે જે એને સૌથી અનન્ય બનાવે છે?
ઓલ ઇન્ડિયા રેડિયોની લાઇબ્રેરીમાં મહાત્મા ગાંધીજીનાં ભાષણોનો અલાયદો વિભાગ છે. એમાં ગાંધીજીની કલકત્તાના સોદેપુર આશ્રમમાં, 11 મે 1947ની પહેલી પ્રાર્થના અને 29 જાન્યુઆરી 1948ના રોજ, એમની નિઘૃણ હત્યાની પૂર્વસંધ્યાએ, દિલ્હીના બિરલા હાઉસમાં પ્રાર્થના પૂર્વેનું ભાષણ, બેઉ સામેલ છે. ગાંધીજીએ ઓલ ઇન્ડિયા રેડિયો પર જીવનમાં માત્ર એકવાર, 12 નવેમ્બર 1947ના રોજ વક્તવ્ય આપ્યું એ પણ સચવાયેલું છે. રવિન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોસ, ડો. બાબાસાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરોજિની નાયડુ જેવાં સ્વાતંત્ર્યનાયકોનાં ભાષણ પણ સામેલ છે. ભારતના તમામ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિનાં ભાષણોનાં રેકોર્ડિંગ્સ ખરાં જ.
દેશમાં દૂરદર્શનની શરૂઆત 15 સપ્ટેમ્બર 1959ના થઈ. ત્યારે પ્રાયોગિક પ્રસારણ હતું. નિયમિત ટ્રાન્સમિશન શરૂ થયું 1965માં. ત્યારે પણ માંડ પાંચ મિનિટ સમાચાર દર્શાવાતા હતા. 1867માં ‘કૃષિદર્શન’ કાર્યક્રમ શરૂ થયો, જે તવારીખનો સૌથી લાંબો સમય ચાલનારો કાર્યક્રમ છે. 1972માં ટીવી પહોંચ્યું મુંબઈ અને અમૃતસર, 1975માં બીજાં પાંચ શહેરમાં. આ તબક્કા સુધી ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શન એક હતાં. 1976માં ટીવી પ્રસારણ અલાયદું કરવામાં આવ્યું. 1982માં દૂરદર્શન રાષ્ટ્રીય સેવામાં પરિવર્તિત થયું. એ વરસે દેશમાં પહેલીવાર યોજાએલી એશિયાડ ગેમ્સ, લાલ કિલ્લાથી અપાયેલું વડાં પ્રધાન ઇંદિરા ગાંઘીનું ભાષણ અને, 1983માં, ક્રિકેટ વર્લ્ડ કપ, એનાથી દૂરદર્શન પૂર્ણપણે પ્રસ્થાપિત થયું.
હવે ઓલ ઇન્ડિયા રેડિયોની વાત. ઓલ ઇન્ડિયા રેડિયો પાસે 17,000 કલાકની નેશનલ ઓડિયો આર્કાઇવ છે. ભારતમાં કોઈ મ્યુઝિક કંપની પાસે પણ આટલો તગડો સાઉન્ડ અને મ્યુઝિકનો ખજાનો નથી. દૂરદર્શનના નેજા હેઠળ 36 સેટેલાઇટ ટીવી ચેનલ્સ ચાલે છે. ઉપરાંત 110 ડીટુએચ સર્વિસીઝ પણ ખરી. અત્યારે 116 ચેનલ્સ ધરાવતું પ્રસાર ભારતી બહુ ઝડપભેર 250 ચેનલના આંકડાને આંબવાની તૈયારીમાં છે
સહિયારા જુઓ તો આકાશવાણી અને દૂરદર્શનનો દેશમાં જવાબ નથી. સાડાચાર કરોડ ઘર એવાં છે જ્યાં ડીડીની ફ્રી ડિશ છે. આ વરસે જાન્યુઆરીમાં આપણે એની થોડી વાત કરી હતી. દેશની નંબર વન ઇંગ્લિશ ન્યુઝ ચેનલ પણ ડીડી ન્યુઝ છે. ભારત સાથે કોરિયા, બાંગલાદેશ, મોરિશિયસ, માલદિવ્સ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા જેવા 190 દેશોમાં આપણું દૂરદર્શન જોઈ શકાય છે.
અત્યાર સુધી દૂરદર્શન ઓટીટી પર યપટીવી જેવી બીજાની સેવાથી દેખાય છે. હવે એ પોતાનું ઓટીટી લાવવાની તજવીજમાં, એના છેલ્લા ચરણમાં છે. એકવાર દૂરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો ઓટીટી પર આવશે પછી આપણા માટે એનો ખજાનો માણવો આસાન થઈ જવાનો છે.
બીજાં ઓટીટી પ્લેટફોર્મ્સ કરતાં એ થોડું જુદું પણ હશે એવું લાગી રહ્યું છે. એમાં વિડિયો ઓન ડિમાન્ડ સેવા હશે. એ પણ ફોર-કે રિઝોલ્યુશન સુધીના વિડિયોઝ સાથે. એક કરતાં વધુ સ્ક્રીન પર એ માણી શકાશે. એ એપમાં મેસેજિંગ કરવાની સગવડ પણ હશે. મોબાઇલ, ટેબલેટ, કોમ્પ્યુટર, દરેક ગેજેટ પર એ જોઈ શકાશે. ફ્રી સેવાઓ સાથે પ્રીમિયમ સેવાઓ હશે જે પોતપોતાની પસંદગી અનુસાર ખરીદીને માણી શકાશે. વિચાર એવો પણ છે કે આ પ્લેટફોર્મ એટલું એડવાન્સ્ડ હોય કે એકસાથે 10 કરોડ લોકો સ્ટ્રીમિંગ માણે તો પણ પ્લેટફોર્મ ક્રેશ ના થાય. વિશ્વનાં અગ્રણી પ્લેટફોર્મ્સ, નેટફ્લિક્સ, એમેઝોન, સોની, એચબીઓ, ડિસ્કવરી વગેરે, એની સાથે પણ એ કનેક્ટ કરી શકાય એવી સગવડ પણ એમાં હશે. મતલબ કે ડિજિટલ રાઇટ્સ મેનેજમેન્ટ એટલે ડીઆરએમથી એ અદ્યતન સુવિધાઓ પૂરી પાડી શકશે.
દૂરદર્શન સરકારી માધ્યમ હોવાથી એને રમતગમતની રાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સના પ્રસારણના અધિકાર હોય છે. એક શક્યતા એવી પણ ખરી કે જો દૂરદર્શન ઓટીટી પર આવે તો આપણે તમામ અગત્યની સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ એના પર માણી શકીશું. જોકે ક્રિકેટનો ઇજારો ધરાવતી સંસ્થા ધ બોર્ડ ઓફ ક્રિકેટ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે બીસીસીઆઈ એમાં વાંધો ઉઠાવે એ પણ શક્ય છે.
આવતા વરસમાં આ યોજના સાકાર થવાની ધારણા સેવવામાં આવી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ માટે પ્રસાર ભારતી રૂ. 166 કરોડનો કોન્ટ્રાક્ટ આપશે એવો પણ અંદાજ છે. સમગ્ર કાર્ય ચાલશે પાંચ વરસ.
ઓટીટીના મોરચે પ્રસાર ભારતીનું પગરણ તાજી હવાની લહેરખીથી ઓછી વાત નહીં હોય. સૌથી મોટી વાત એ હશે કે જેમને દૂરદર્શનના જૂના કાર્યક્રમો માણવા છે એમના માટે આ સેવાથી મોટા આશીર્વાદ કોઈ નહીં હોય. ઉપરાંત, નવી પેઢીને દૂરદર્શનની તાકાત, એના કાર્યક્રમોના વૈવિધ્યથી પરિચિત કરાવવા માટે પણ પણ આ સગવડ શ્રેષ્ઠ સાબિત થવાની છે. તૈયાર રહો, પ્રસાર ભારતી ઓન ઓટીટી માટે.
નવું શું છે?
- જિયો સિનેમા પર ‘ઇન્ડિયન એન્જલ્સ’ શો આવી રહ્યો છે. દુનિયાનો એ પ્રથમ એવો શો કહવાઈ રહ્યો છે જે ઓટીટી પર આવશે અને જેમાં રોકાણકારો આશાસ્પદ ઉદ્યોગમાં રોકાણ કરશે. સ્ટ્રીમિંગ આ મહિને જ શરૂ થવાની ધારણા છે.
- બોક્સ ઓફિસ પર સાધારણ દેખાવ કરનારી દુલકર સલમાનની ફિલ્મ ‘કિંગ ઓફ કોથા’ હિન્દીમાં પણ ઓટીટી પર માણી શકાય છે. મૂળ એ મલયાલમ ફિલ્મ છે. સ્ટ્રીમિંગ 20 ઓક્ટોબરથી શરૂ થયું છે. પ્લેટફોર્મ છે ડિઝની પ્લસ હોટસ્ટાર.
- બહુચર્ચિત થ્રિલર ફિલ્મ ‘ટૉક ટુ મી’ બે પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ રહી છે. એક પ્રાઇમ વિડિયો અને બીજું બુકમાયશો. પહેલામાં એ માણી શકાય છે રૂ. 99માં તો બીજામાં રૂ. 199માં. ફિલ્મમાં સોફી વાઇલ્ડ અને અન્ય કલાકારો છે.
- 20 ઓક્ટોબરથી નેટફ્લિક્સ પર સ્પેનિશ ટીનએજ ક્રાઇમ ડ્રામા ‘ડેટ અનાઉન્સમેન્ટ’ આવ્યો છે. અભ્યાસ કરતા યુવાનોના જીવનમાં પ્રવેશતી એક વ્યક્તિને લીધે થતી ઉથલપાથલ એના વિષયનો મૂળ છે.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.13 ઓકટોબર, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ




Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment