નેટફ્લિક્સ અને વોર્નર બ્રધર્સ બેઉ મનોરંજન ઉદ્યોગમાં તોસ્તાન બ્રાન્ડ્સ. હાલમાં સમાચાર આવ્યા કે નેટફ્લિક્સે વોર્નર બ્રધર્સ હસ્તગત કરવાની દિશામાં પગલાં ઉઠાવ્યાં છે. સોદો નક્કી થઈ ગયો છે. આ સંયુક્તીકરણથી મનોરંજનના વિશ્વમાં સાવ નવાં અને કમાલનાં સમીકરણો સર્જાવાનાં છે. જોકે આ પહેલાં પણ આવા ઘણા સોદાઓ આ ક્ષેત્રમાં થયા છે. દરેક સોદા વખતે દર્શકો પર પ્રભાવ પડ્યો છે.
સૌથી પહેલાં એ જાણીએ કે આની પહેલાં આવા કયા સોદાઓ થયા હતા.
2017માં જઈએ. એ સમયે વોલ્ટ ડિઝની કંપનીએ એ સમયે અત્યંત ખર્ચાળ અને મહત્ત્વના ગણાતા સોદામાં ટ્વેન્ટીફર્સ્ટ સેન્ચુરી ફોક્સ કંપની હસ્તગત કરી હતી. એ માટે ડિઝનીએ 71 અબજ ડોલરથી વધુ રકમ આપી હતી. સોદો 2019માં પૂર્ણ થયો હતો.
2018માં એટીએન્ડટી નામની અમેરિકન કંપનીએ ટાઇમ વોર્નર કંપની હસ્તગત કરી હતી. એ સોદો 85 અબજ અમેરિકન ડોલરથી વધુનો હતો. ત્યાર સુધી ટેલિકોમ ક્ષેત્રે મોટા ગજાની કંપની ગણાતી એટીએન્ડટી એકાએક મનોરંજન ઉદ્યોગમાં પણ મોટું માથું બની ગઈ હતી. એ સોદા વખતે વોર્નર મીડિયાનો એક ભાગ એટીએન્ડટીનો હિસ્સો નહીં બનતાં અલાયદું સાહસ રહ્યો હતો.
2022માં વોર્નર બ્રધર્સ અને ડિસ્કવરીએ એકમેક સાથે હાથ મિલાવ્યા હતા. ઉપર જણાવેલા વોર્નર મીડિયાને આ મર્જરમાં ડિસ્કવરીમાં ભેળવી દેવામાં આવ્યું હતું.
આ હતા વૈશ્વિક સ્તરે થયેલા મોટા ફેરફાર. આ દરમિયાન ભારતમાં પણ મનોરંજન ઉદ્યોગમાં હલચલ જારી હતી. એમાંનો એક મોટો સોદો ઝી અને સોની વચ્ચે થતા થતા રહી ગયો હતો. 2021માં આ બેઉ કંપનીઓના એકત્રીકરણના સંનિષ્ઠ પ્રયાસો થયા હતા. એવું થાત તો આપણે ત્યાં મનોરંજન ઉદ્યોગમાં એક જબરદસ્ત પાવર હાઉસ સર્જાત. એ સોદો છેવટે જોકે પાર પડ્યો નહોતો. અમેરિકન કંપનીઓના સોદાની તુલનામાં એ સોદો નાનો અને માત્ર દસ અબજ અમેરિકન ડોલર જેટલો હતો. તેમ છતાં, ભારતના મનોરંજન ઉદ્યોગ માટે એના પ્રત્યાઘાત ખાસ્સા દીર્ઘકાલીન રહેવાના હતા.
2024માં પેરેમાઉન્ટ ગ્લોબલ નામની કંપનીએ વાયાકોમ 18 નામની કંપનીમાં એનો જે માઇનોરિટી હિસ્સો હતો એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વેચ્યો હતો. એ સોદાથી રિલાયન્સ માટે આગળ જતાં વાયાકોમ 18ને હસ્તગત કરવાની પૂર્વભૂમિકા બંધાઈ હતી.
લગભગ એ અરસામાં વાયાકોમ 18 અને સ્ટાર ઇન્ડિયા એકમેકમાં ભળી હતી. એ પછી રિલાયન્સે વાયાકોમ 18 હસ્તગત કરી. વાયાકોમ એટલે જે હોટસ્ટાર ઓટીટીની માલિક હતી. જિયોએ એને હસ્તગત કર્યા પછી આપણે અત્યારે જે માણીએ છીએ એ ઓટીટી, જિયો હોટસ્ટાર સર્જાયું. એ પહેલાં પણ આ ઉદ્યોગમાં અન્ય હરકતો થઈ હતી. દાખલા તરીકે ઝીએ 2015-17 વચ્ચે વિડિયોકોનના ડીટુએચ ઉદ્યોગને હસ્તગત કર્યો હતો. છેલ્લાં દસ વરસમાં, આમ, આપણે જે નજરે મનોરંજન ઉદ્યોગને જાણતા હતા એમાં અનેક ફેરફાર થયા.
નેટફ્લિક્સે વોર્નર બ્રધર્સ હસ્તગત કરવાનો જે નિર્ણય લીધો છે એનાં દૂરગામી પરિણામ આપણે ત્યાં પણ દેખાવાનાં છે. એની પહેલાં એ જાણી લઈએ કે આ સોદાએ મનોરંજનની વૈશ્વિક બજારમાં અનેક પ્રશ્નો અને ચિંતાઓ સર્જી છે. એટલે તો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં જણાવ્યું કે આ બે કંપનીના પ્રસ્તાવિક એકીકરણ પર મારી નજર છે અને એમાં હું પણ સંકળાયેલો રહીશ.
આ બે કંપનીઓ ભેગી થવાનો અર્થ એ કે તેઓ સંયુક્ત ધોરણે મનોરંજન ઉદ્યોગમાં અકલ્પનીય તાકાત ધરાવશે. એમની સોફ્ટવેર લાઇબ્રેરી (એટલે ફિલ્મો, વેબ સિરીઝ, શોઝ વગેરે) એટલી શક્તિશાળી હશે કે એમના પ્રતિસ્પર્ધીઓ એમની સામે વામણા લાગશે. સ્ટુડિયો, સ્ટ્રીમિંગ, વિતરણ એમ દરેક બાબતમાં આ સોદાને લીધે નેટફ્લિક્સ કદાચ દુનિયાની સૌથી શક્તિમાન કંપની બની જશે. અત્યાર સુધી નેટફ્લિક્સનો દબદબો સ્ટ્રીમિંગ મોરચે રહ્યો છે. આ એક સોદાથી આખી વાત બદલાઈ જશે.
આ સોદા પહેલાં નેટફ્લિક્સનો વેપારી અભિગમ જરા અલગ હતો. એ પોતાના માટે નિર્માણ કરવા પર વિશેષ લક્ષ આપતી કંપની ગણાતી હતી. હવે એની પાસે એવાં ટાઇટલ્સનો મહાસાગર હશે, જે દર્શકોનાં ઓલ-ટાઇમ હિટ કે ફેવરિટ છે.
એક તરફ નેટફ્લિક્સ અને બીજી તરફ એમેઝોનનું સાહસ પ્રાઇમ વિડિયો. ત્રીજી તરફ આપણે ત્યાં રિલાયન્સના જિયો પ્લેટફોર્મ સહિત મનોરંજન ઉદ્યોગમાં એણે પાછલાં થોડાં વરસોમાં ગણતરી સાથે ભરેલી હરણફાળો. ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો મનોરંજન ઉદ્યોગમાં આપણે ત્યાં આ ત્રણ સૌથી શક્તિશાળી કંપનીઓ હશે. આ પહેલાં પ્રાઇમ વિડિયોએ એમએક્સ પ્લેયર હસ્તગત કર્યું હતું.
જિયો હોટસ્ટારે પાછલાં થોડાં વરસોમાં, ક્રિકેટ સહિતની રમતોની મહત્તમ અને સૌથી વધુ દર્શકો આકર્ષતી ટુર્નામેન્ટ્સ અંકે કરી છે. સ્પોર્ટ્સના મામલે અત્યારે ભારતમાં જિયો નંબર વન છે. મનોરંજનના મોરચે પણ રિલાયન્સ અગ્રણી ખેલાડી છે. એની પાસે કલર્સ ચેનલ્સનો સંપુટ છે. સાથે ન્યુઝ18, સીએનબીસી ટીવી 18 છે. નેટવર્ક 18 ગ્રુપના નેજા હેઠળ આ બધી બ્રાન્ડ્સ રિલાયન્સની છે. ઉપરાંત નિકલઓડિયન, કોમેડી સેન્ટ્રલસ વીએચવન, હિસ્ટરી ટીવી 18, વગેરે પણ રિલાયન્સની ચેનલ્સ છે. સ્ટારની ચેનલ્સ તો ખરી જ.
નેટફ્લિક્સ વોર્નર બ્રધર્સ હસ્તગત ત્યારે કરી શકશે જ્યારે વોર્નરમાંથી એનું ગ્લોબલ નેટવર્ક્સ ડિવિઝન છૂટું પડશે. એ ડિવિઝનમાં સીએનએન, ટીએનટી સ્પોર્ટ્સ, ડિસ્કવરીની યુરોપિયન ચેનલ્સ, ડિસ્કવરી પ્લસ, બ્લીચર રિપોર્ટ જેવી બ્રાન્ડ્સ રહેશે. એ કામ આવતા વરસના ત્રીજા ત્રિમાસિક સુધી પાર પડવાની આશા સેવવામાં આવી રહી છે.
દર્શક તરીકે વિચારીએ તો આવનારા દિવસોમાં આપણે ઓટીટી પ્લેફોર્મ્સની દુનિયામાં નવી બાબતો નિહાળવાના. નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો અને જિયો હોટસ્ટાર એ ત્રણ એવાં પ્લેટફોર્મ બની જવાનાં જે આપણને મેક્ઝિમમ ઓપશન્સ પૂરા પાડશે. એપ્રિલ 2023માં વોર્નર, ડિસ્કવરી અને વાયાકોમ 18 વચ્ચે લાઇસન્સિંગનો એક કરાર થયો હતો. એ પછી એચબીઓ સહિત વોર્નર બ્રધર્સના કોન્ટેન્ટના ભારતમાં સ્ટ્રીમિંગનું પ્લેટફોર્મ જિયોસિનેમા (હવે જિયો હોટસ્ટાર) બન્યું હતું. નેટફ્લિક્સ અને વોર્નર એક થશે એ પછી અને વાયાકોમ 18ના કરારની લાઇસન્સિંગ મુદ્દત પતશે પછી અનેક શોઝ અને ફિલ્મો જિયો હોટસ્ટાર પરથી નેટફ્લિક્સ પર જતા રહેશે.
ટૂંકમાં, ભારતમાં ઓટીટી પર ત્રણ બ્રાન્ડ્સ લગભગ અફર રાજ કરશે. નેટફ્લિક્સ, જિયો અને પ્રાઇમ વિડિયો.
નવું શું છે
- ડિરેકટર ટિસ્કા ચોપરાની હિન્દી ડ્રામા થ્રિલર ફિલ્મ ‘સાલી મોહબ્બત’ આજથી ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. ફિલ્મમાં રાધિકા આપ્ટે, દિવ્યેન્દુ શર્મા અને અનુરાગ કશ્યપ છે.
- અભિનેતા કુણાલ ખેમુ, દયાનંદ શેટ્ટી, સુધાકર ત્રિવેદી, પ્રાજક્તા કોળી અને મનોજ પાહવા અભિનિત ‘સિંગલ પાપા’ આજથી પર નેટફ્લિક્સ આવી છે.
- ‘ધ ગ્રેટ શમસુદ્દીન ફેમિલી’ ફિલ્મનું દિગ્દર્શન અનુષા રિઝવીએ કર્યું છે. તેમાં શ્રેયા ધનવંતરાય, શીબા ચઢ્ઢા અને ફરીદા જલાલ છે. ફિલ્મ આજથી જિયોહોટસ્ટાર પર આવી છે.
- રિયાન જોન્સન લિખિત લખાયેલી અને દિગ્દર્શિત ફિલ્મ ‘વેક અપ ડેડ મેન: અ નાઇવ્સ આઉટ મિસ્ટ્રી’ આજથી નેટફ્લિક્સ પર આવી છે. ડેનિયલ ક્રેગ જોશ ઓ’કોનોર, કેરી વોશિંગ્ટન, મિલા કુનિસ અને ગ્લેન ક્લોઝ જેવાં સ્ટાર્સ છે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/12-12-2025/6




Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment