છેલ્લે 2016માં નાગેશ કુકુનૂરની ફિલ્મ, ‘ધનક’ આવી હતી. જોકે 2010થી એમની ફિલ્મ બનાવવાની રફ્તાર પહેલાં કરતાં ધીમી પડી જ હતી. બાકી, ‘હૈદરાબાદ બ્લ્યુઝ’ જેવી ટ્રેન્ડસેટિંગ અને અનેકને સાનંદાશ્ચર્ય કરાવનારી ફિલ્મ સાથે મનોરંજન ઉદ્યોગમાં પદાર્પણ કરનારા અને ટોચના સર્જકોમાં સ્થાન પામનારા કુકુનૂરે, ‘8X10 તસ્વીર’ સુધી લાગલગાટ ફિલ્મો આપી હતી. એમાંની મોટાભાગની વખણાઈ પણ હતી. નાગેશે ઓટીટીની દુનિયામાં 2019માં ‘સિટી ઓફ ડ્રીમ્સ’ સાથે આગમન કર્યું હતું. પછી ‘મોડર્ન લવ હૈદરાબાદ’ પણ બનાવી. દરમિયાન, ‘પાતાલ લોક’ની બીજી સીઝનમાં સરસ મજાના પાત્રથી એમણે અભિનેતા તરીકે પણ સૌને ખુશ કર્યા હતા. હવે તેઓ ‘ધ હન્ટ – ધ રાજીવ ગાંધી’ અસાસિન્સ’ કેસ સિરીઝ લાવ્યા છે. સાત એપિસોડની, સોની લિવ પર સ્ટ્રીમ થઈ રહેલી આ સિરીઝ કેવી છે એ જાણીએ.
બીજી ડિસેમ્બર 1989ના દિવસે, ચૂંટણીપ્રચાર માટે ચેન્નાઈ (ત્યારના મદ્રાસ)થી આશરે ચાલીસેક કિલોમીટર દૂર સ્થિત, શ્રીપેરુમ્બુદુર જનારા આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની ત્યાં આત્મઘાતી હુમલામાં કરપીણ હત્યા કરવામાં આવી હતી. સિરીઝની શરૂઆત એ ઘટનાથી થાય છે. તરત વાત હત્યાની તપાસ તરફ વળે છે. તપાસની બાગડોર બાહોશ અધિકારી કાર્તિકેયન (અમિત સિયાલ)ને સોંપવામાં આવી છે. કાર્તિકેયન પોતાની ટીમ બનાવે છે. દેશના તત્કાલીન વડા પ્રઘાન ચંદ્રશેખર સહિત તંત્રનો એમને સબળ સાથ છે. જોવાનું એ છે કે કાર્તિકેયનના વડપણવાળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રાજીવના હત્યારાને ઝબ્બે કરી શકે છે કે એમાં નિષ્ફળ જાય છે.
પ્રચંડ રાજકીય દબાવ છે. મીડિયાના સતત ખાંખાખોળા છે. એ વચ્ચે દુનિયા આખી સામે આપણા કાયદાની, ઇન્વેસ્ટિગેશનની તાકાત સાબિત કરવાની છે આ કેસે. કુકુનૂર સાથે રોહિત જી. બનવાલીકર અને શ્રીરામ રાજને લખેલી સિરીઝની સ્ક્રિપ્ટમાં વાસ્તવિકતાને જરૂર અનુસાર નાટકીય સ્પર્શ આપીને આ સિરીઝને માણવાલાયક બનાવવાના સંનિષ્ઠ પ્રયાસ થયા છે. સિયાલ ઉપરાંત સિરીઝમાં સાહિલ વૈદ, ભાગવતી પેરુમલ અને ગિરીશ શર્મા સહિતના કલાકારો પ્રમુખ પાત્રોમાં છે. એક મહત્ત્વના એટલે શ્રીનિવાસનના પાત્રમાં શફીક મુસ્તફા છે જે નોંધનીય છે.
સિરીઝની એક તાકાત એનું સંગીત છે. યાદ છે સ્કેમ 1992, જેમાં હર્ષદ મહેતા અને શેર બજારના એક સૌથી મોટા કૌભાંડની વાત હતી? જે રીતે એમાં સંગીતે માહોલને અસરદાર બનાવવામાં ફાળો આપ્યો હતો એમ અહીં, તપસ રેલિયાનું દમદાર સંગીત વાતાવરણને ખલેલજનક અને આપણને ઓતપ્રોત કરતું બનાવે છે. એક-બે એપિસોડ્સ પછી તો એવું થાય છે કે એમનું સંગીત સતત કાનમાં ગુંજતું રહે છે.
બીજી અસરકાર વાત સિનેમેટોગ્રાફી અને એડિટિંગ છે. સંગ્રામ ગિરી અને ફારુક હુંડેકરે અનુક્રમે એ જવાબદારી નિભાવી છે. સિરીઝને આપવામાં આવેલો કલર ટોન એને એ સમયના માહોલને સબળ રીતે રજૂ કરવામાં મદદ કરે છે. એડિટિંગ થકી સિરીઝ અસ્ખલિત થઈ છે. હા, સામે પક્ષે એ પણ નોંધવું રહ્યું કે સાત જ એપિસોડ હોવા છતાં, દરેક એપિસોડની વધુ પડતી લંબાઈને લીધે, સિરીઝ ઘણી જગ્યાએ ઢીલી પડે છે. કદાચ જો એપિસોડ્સની લંબાઈ થોડી વશમાં રાખવામાં આવી હોત તો આ સિરીઝ અત્યારે છે એના કરતાં ઘણી વધુ માણવાલાયક બની હોત.
નાઇન્ટી ડેઝઃ ‘ધ ટ્રુ સ્ટોરી ઓફ ધ હન્ટ ફોર રાજીવ ગાંધી અસાસિન્સ’ નામના અનિરુધ્ય મિત્રા લિખિત પુસ્તકથી પ્રેરિત આ સિરીઝમાં કલાકારો અમાપ મોટી તરીકે ઉભરી આવે છે. સિયાલ માટે કહી શકાય કે એમણે એમની કરિયરનો શ્રેષ્ઠ પરફોર્મન્સ આ સિરીઝમાં આપ્યો છે. એવી જ રીતે, ડીઆઈજી અમોદ કાંતના પાત્રમાં દાનિશ ઇકબાલ દમદાર છે. વાત મુખ્ય પાત્રો ઉપરાંત નાનાં પાત્રોમાં દેખાતા કલાકારોની પણ છે. એનું કારણ એ છે કે વડા પ્રધાન જેવી વ્યક્તિની હત્યાના કેસને પણ માનવીય અને સંતુલિત રીતે શબ્દસ્થ કરવામાં લેખકો અને પડદે ચીતરવામાં કુકુનૂર બહુધા સફળ થયા છે. બીજું, કાયદો ગમે ત્યાં પહોંચી શકે છતાં, પોલિટિકલ સિસ્ટમમાં એનું ગળું ઘણીવાર રુંધાય છે. બ્યુરોક્રસી કેવી પોકળ બલા છે એનો અનુભવ આપણને આ સિરીઝ કરાવે છે. સર્જકે દરેક વાતને પરફેક્ટ બેલેન્સ સાથે પેશ કરી છે. કોઈ અતિશયોક્તિ નહીં તો સાથે, કોઈ બાંધછોડ પણ નહીં. રાજકારણ સાથે સિરીઝમાં પત્રકારત્વ અને સમાજની બાબતો પણ સુગ્રથિતપણે વણી લેવામાં આવી છે. શ્રીલંકાના એલટીટીઈના લોકો ગાંધીની હત્યા કર્યા પછી નિર્ભીક થઈને આપણા દેશમાં મહાલે છે, રહે છે અને મોજ પણ કરે છે એ બાબતો નવાઈ પહોંચાડવા સાથે ખલેલ પહોંચાડનારી હોવા છતાં, આ સિરીઝ થકી આપણને એ જાણવા મળ્યે ધક્કો પણ પહોંચે છે કે આ વળી કેવું.
નાગેશ કુકુનૂરનાં શ્રેષ્ઠ સર્જનો રિયલિસ્ટિક છે. એમની ફિલ્મમેકિંગની સ્ટાઇલમાં બિનજરૂરી ડ્રામાને ઓછી જ જગ્યા મળી છે. આ સિરીઝ પણ એમની આ હથોટીને ફરી સિદ્ધ કરતું સર્જન છે. એમાત્ર જો લંબાઈની કઠણાઈને બાદ કરો તો કહી શકાય કે ‘ધ હન્ટ – ધ રાજીવ ગાંધી અસાસિનેશન કેસ’ સૌ કોઈને ગમી જાય એવી સિરીઝ છે. સાથે કુકુનૂરને બેનિફિટ ઓફ ડાઉટ કે ગ્રેસ માર્ક્સ એ વાતના આપવા રહ્યા કે જેઓ ગુણવત્તાસભર સિરીઝ જોવા ચાહતા હશે તેમને સિરીઝની લંબાઈ પણ ખાસ કઠશે નહીં. બસ, સમય વધુ જશે પણ અંતે પર્યાપ્ત મનોરંજન અવશ્ય મળશે. ઉપરાંત મળશે મનોમંથન કે રાજીવ ગાંધીની હત્યાના મામલામાં આટઆટલી બાબતો સંકળાયેલી હતી?
નવું શું છે
- જુલિયા વ્હેલનની નવલકથા પર આધારિત અમેરિકન રોમેન્ટિક કોમેડી સિરીઝ ‘માય ઓક્સફર્ડ યર’ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. સોફિયા કાર્સન, કોરી માઇલક્રીસ્ટ, ડગ્રે સ્કોટ, કેથરિન મેકકોર્મેક વગેરે આ સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
- પારાવારિક ડ્રામા વેબ સિરીઝ ‘બકૈતી’ આજથી ઝીફાઇવ પર આવી છે. આ સિરીઝમાં રાજેશ તૈલાંગ અને શીબા ચઢ્ઢા, તાન્યા શર્મા અને આદિત્ય શુક્લા મુખ્ય ભૂમિકામાં છે.
- માર્વેલ એનિમેશનની નવી એક્શન-એડવેન્ચર વેબસિરીઝ ‘આઈઝ ઓફ વાકાંડા’ આજથી ડિઝની પ્લસ પર આવી છે. એમાં ચાર એપિસોડ હશે. ડિરેકટર છે ટોડ હેરિસ.
- ડિરેકટર તરૂણ મનસુખાનીની અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન અભિનિત હિટ કોમેડી થ્રિલર ફિલ્મ ‘હાઉસફુલ ફાઇવ’ આજથી એમેઝોન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ છે.
- સાઉથ કોરિયન સિરીઝ ‘બિયોન્ડ ધ બાર’ આવતીકાલે એટલે કે બે ઓગસ્ટે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. જેમાં લી જિન-વૂક, જંગ ચા-યેઓન, લી હક-જૂ અને જીઓન હાય-બિન જેવા કલાકારો જોવા મળશે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/01-08-2025/6





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment