જેકી શ્રોફ અને નીના ગુપ્તા ચેમ્પિયન કલાકારો છે. બેઉએ ઇન્ડસ્ટ્રીમાં 1982માં પદાર્પણ કર્યું એ યોગાનુયોગ છે. બેઉને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘મસ્ત મેં રહને કા’ એમેઝોન પ્રાઇમ પર આવી છે. એની અને પછી, મહિલા બાઇકર્સના નોખા વિષયની, તાપસી પન્નુ જેનાથી નિર્માત્રી બની એવી ‘ધક ધક’ નામની ફિલ્મની વાત કરીએ.
‘મસ્ત મેં…’ વાત છે વી. એસ. કામત (જેકી) અને પ્રકાશ કૌર હાંડા (નીના)ની. વૃદ્ધ, એકલવાયા કામતને મિત્રો નથી. એની દિનચર્યા નીરસ છે. સ્ત્રી સાથે એક વાક્ય બોલ્યે એને દાયકાથી વધુ સમય થયો છે. રોજ સવારે ગાર્ડન જવું, દરિયે બેસવું, રાત પડ્યે દારૂ ઢીંચવો અને સ્ટ્રીટ ફૂડ ઠૂસીને લુઢકી જવું એ એની લાઇફ છે.
કથામાં બીજી તરફ ટેલર નન્હે (અભિષેક ચૌહાણ) છે. એની પરિચિત, બોલિવુડ ડાન્સર બિમલા ઉર્ફે બિલ્કીસ (રાખી સાવંત) એને કોસ્ચ્યુમસનો ઓર્ડર આપીને થાળે પડવાની તક આપે છે. મુંબઈમાં ટકી રહેવાના ફાંફા વચ્ચે નન્હે માટે એ ઓર્ડર બને છે તારણહાર. ટેલરિંગ સાથે એ એવાં દરેક કામ કરે છે જેનાથી બે પૈસા રળી શકાય. એમાં ચોરી કરવાનો અખતરો પણ સામેલ છે. એની પાટે ચડતી જિંદગીમાં ઝટકો ત્યારે આવે છે જ્યારે એને મળે છે મુંબઈને ઘોળીને પી ગયેલી રાની (મોનિકા પનવર).
નન્હેએ જેના ઘરમાં હાથ અજમાવવાની કોશિશ કરી એ બુઢ્ઢો કામત છે. ચોરી તો નિષ્ફળ જાય છે પણ કામતની જિંદગીમાં નવો ઉદ્દેશ ઉમેરાય છે. એ છે રોમાંચ માટે ઘરફોડી કરવાનો ઉદ્દેશ. એની વચ્ચે એની મુલાકાત થાય છે કૌર સાથે…
‘મસ્ત’ આ પાત્રોને વણી લેતી, મુંબઈના મિજાજ, જીવન, લોકાલ્સને ઝીલતી ફિલ્મ છે. ફિલ્મ ધીમી છે. ઘટનાઓને ધીમેધીમે ખોલતી છે. જોતાં જોતાં એ નક્કી કરવું પણ અઘરું કરાવે એવી છે કે મજા આવી રહી છે કે કંટાળો આવી રહ્યો છે. એટલે જ કદાચ એને વચ્ચે રોકવી અઘરી થાય છે. કામત અને કૌરની દોસ્તી વાત રોમાંચક બનાવશે એવી ઉત્કંઠા ફિલ્મ જોતા રહેવા માટે ઉદ્દીપકનું કામ કરે છે. જોકે વધુ મજા નન્હે અને રાનીના ટ્રેકની પ્રગતિથી આવ્યા કરે છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ હોઈ શકત એ જ્યાં કામત-કૌર ચોરટોળી બનીને ઘરફોડી કરે છે. પોતાના ઘરમાં ચોરીનો પ્રયાસ થાય પછી કામત, પોતાના જેવા જ એકલવાયા વૃદ્ધોના ઘરનો ‘સર્વે’ કરવા માંડે છે એ મુદ્દો દર્શાવાયો છે પણ ઠીક વપરાયો નથી. અંત નીરસ છે. એમાં ચમત્કૃતિ ઉમેરવાનો પ્રયાસ ખાસ સફળ રહેતો નથી.
તો, શું કામ ‘મસ્ત’ જોવાની? જેકી અને નીના અને અભિષેક-મોનિકાના સરસ અભિનય માટે. ફિલ્મને નાગરાજ રતિનમની સિનેમેટોગ્રાફીએ આપેલો ટચ પણ મજાનો છે. ફિલ્મમાં આવતી મજાની સિચ્યુએશન્સમાં એક છે કામતના મદ્રાસી હોવા વિશેનો સંવાદ અને નન્હે જ્યારે રાની સામે એવા ઘરમાં રહેવાની ખેવના વ્યક્ત કરે છે જેમાં હોય એક બારી. ફિલ્મને તારવામાં સૌથી મોટી ભૂમિકા લખાણ ભજવી શકત પણ વિજય મોર્ય અને પાયલ અરોરા એવું કરવામાં ઊણાં ઊતરે છે. ઘણાં ગીતો ફિલ્મમાં છે. અમુક વાર્તામાં વણાયેલાં હોવાથી સહ્ય છે. ઇન શોર્ટ, વિજય મોર્ય દિગ્દર્શિત ‘મસ્ત’ વન ટાઇમ વૉચ છે.
બીજી એક નોખી લાગતી ફિલ્મ છે નેટફ્લિક્સ પરની ‘ધક ધક.’ તરુણ દુદેજા દિગ્દર્શિત ફિલ્મમાં વાત ચાર સ્ત્રીઓની છે જે દિલ્હીથી બાઇક પર નીકળી છે વિશ્વના સૌથી ઊંચાઈએ આવેલા રોડની, લદાખના ખારદુંગ લાની સફરે. એક છે ઇન્ફ્લુએન્ઝર સ્કાય (ફાતિમા સના શેખ), જેણે પોતાની સોશિયલ ઇમેજ માટે, હાથમાંથી સરી જતા કામને બચાવવા માટે આ સફર પ્લાન કરી છે. એની સાથે જોડાઈ છે પંજાબી વૃદ્ધા માહી (રત્ના પાઠક શાહ), ગૃહિણી ઉઝ્મા (દિયા મિર્ઝા) અને મંજરી ઉર્ફે લાલી (સંજના સાંઘી). ચારેય એકબીજીથી અપિરિચત છે. સફર એમને જોડતી કડી છે.
ટિપિકલ શરૂઆત ધરાવતી ફિલ્મમાં હમણાં કંઈક કમાલ થશે એવી સતત રહેતી આશા ભાગ્યે જ ફળીભૂત થાય છે. એનું કારણ એકદમ નબળું પાત્રાલેખ અને એટલી જ નબળી ટ્રીટમેન્ટ છે. ભિન્ન પ્રકૃતિની ચાર સ્ત્રીઓ જ્યારે કેન્દ્રસ્થાને હોય ત્યારે, રોડ ટ્રિપની ઓછી ફિલ્મોમાં એક ઉમેરો થાય ત્યારે, એકદમ આકર્ષક, સિનેમેટિક લોકાલ્સ પડદે કંડારવાનાં હોય ત્યારે મેકર માટે દર્શકોને જકડી રાખવાનાં કારણોની કમી પડવી ના જોઈએ. અહીં પડે છે. ચારેય માનુનીઓનાં પાત્રો બહુ મોળાં અને ધાર્યાં પ્રમાણેનાં છે. ઘટનાક્રમ પણ એકદમ સુસ્ત છે. તાલાવેલીઓ સર્જી શકતી બાબતોને ફિલસૂફીના બિનજરૂરી ડોઝથી મજાની બનાવવાને બદલે કંટાળાજનક બનાવી દેવામાં આવી છે. જેમ કે, સ્ત્રી બાઇકર્સને સાફસુથરું પ્રસાધનગૃહ શોધવામાં પડતી તકલીફ ફિલ્મમાં દર્શાવાઈ છે પણ બિલકુલ એવરેજ રીતે. એવી જ રીતે, સ્કાયની નગ્ન તસવીરો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ હોવાથી એના પર જે વીતી હશે અને વીતે છે એ દર્શવવાનો પ્રકાર પણ કોઈ અર્થ સારતો નથી. ઇન્ટરવલ પછી તો ફિલ્મ એકદમ સાધારણ થઈ રહેે છે. પ્રિ-ક્લાઇમેક્સમાં સ્કાય એ સફર જ અધવચ્ચે પડતો મૂકે છે જેની નિમિત્ત એ બની હતી. એ પણ ગળે ના ઊતરે એવા કારણસર. અને માહી માંદી પડે ત્યારે એના માટે ઓક્સિજનનો બાટલો લાવવો એ સિચ્યુએશન પણ અસરકારક નથી.
ફિલ્મનું લખાણ એની નબળાઈ માટેનું સૌથી મોટું કારણ છે. એમાં વળી વર્તમાનમાં રાચવાને બદલે ફિલ્મ વારંવાર ભૂતકાળમાં સરી પડે છે ત્યારે તે વધુ મનોરંજક બનવાને બદલે મોળી પડી જાય છે. નબળી સ્ક્રિપ્ટ છતાં, રત્ના પાઠક પોતાના અનુભવે પાત્રને ઘણે અંશે સહ્ય બનાવે છે. બાકીની ત્રણેય અભિનેત્રીઓ પણ સંનિષ્ઠ પ્રયત્ન કરે છે પણ વાત ખાસ જામતી નથી. ‘ધક ધક’ આમ તો થિયેટરમાં આવી હતી પણ એની નોંધ ભાગ્યે જ લેવામાં આવી હતી. ઓટીટી પર આવ્યા પછી પણ એણે દર્શકોનું મોટા પાયે ધ્યાન ખેંચ્યું હોય એવું લાગતું નથી.
નવું શું છે?
પ્રાઇમ વિડિયો પર ‘વેડિંગ ડોટ કોન’ નામની ડોક્યુમેન્ટરી સિરીઝ આવી છે. લગ્નોત્સુક કન્યાઓ કેવી રીતે ઓનલાઇન છેતરપિંડીમાં ફસાય છે, કેવી રીતે લેભાગુ પુરુષો એમની પાસેથી નાણાં ખંખેરે છે એની આ સિરીઝ સાચા કિસ્સાઓ ધરાવે છે.
- સ્પેનિશ સિરીઝ ‘મની હાઇસ્ટે’ દુનિયા ગજવી હતી. મૂળ સિરીઝમાં માણવા મળેલી ઘટનાઓ પૂર્વેની, માસ્ટરમાઇન્ડ બર્લિનને સાંકળતી ઘટનાઓ દર્શાવતી ‘બર્લિન’ સિરીઝમાં આઠ એપિસોડ છે. જોઈ શકાય છે નેટફ્લિક્સ પર. ઓરિજિનલ જેવી એ ગાજી નથી.
- ‘ક્યુબિકલ્સ’ સિરીઝની ત્રીજી સીઝન આજથી સોની લિવ પર સ્ટ્રીમ થવા માંડી છે. કોર્પોરેટ વિશ્વની, કર્મચારીઓની વાત ધરાવતી સિરીઝના કેન્દ્રમાં છે પિયૂષની ટીમ લીડ તરીકેની નવી નોકરી.
- કંગના રનૌતની નિષ્ફળ ફિલ્મ ‘તેજસ’ પણ આજથી સ્ટ્રીમ થવા માંડી છે. ઝી ફાઇવ પર જોઈ શકાતી ફિલ્મમાં વાત છે એર ફોર્સ પાઇલટ તેજસ ગિલની જેણે એક ભારતીય જાસૂસને સુરક્ષિત પાછો લાવવાનો છે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment