2023માં વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયેલી એક શોર્ટ ફિલ્મ બેહદ રસપ્રદ છે. 40 મિનિટનો સમય એને ફાળવવા જેવો છે

આપણે ત્યાં ખુદાબક્ષ સંબોધન એવા લોકો માટે થાય છે જેઓ મફતમાં કોઈક લાભ લેતા હોય. દાખલા તરીકે ટ્રેનમાં વગર ટિકિટે પ્રવાસ કરનાર ખુદાબક્ષ મુસાફર. જોકે ઘણાને એ વાતનો ખ્યાલ નહીં હોય કે આપણે ત્યાં આ નામે ખરેખર એક વ્યક્તિ થઈ ગઈ અને એ પણ અજબગજબની. એને અકલ્પનીય સિદ્ધિઓ વરી હતી એવું કહે છે. જેમ કે ખુલ્લા પગે એ ધગધગતા અંગારા પર ચાલી જાય અને તો પણ એને કશું ના થાય. એવી જ રીતે, એની આંખે પાટા બાંધો, આખું મોઢું મુશ્કેરાટ ઢાંકી દો એના પછી પણ એ વાહન હંકારી શકતો અને બિલકુલ એમ અહીંતહીં કે ગમે ત્યાં જઈ શકતો જેમ કોઈ દેખતી આંખે જાય.

એવા ખુદાબક્ષના જીવનની રોચક ઘટનાઓને આવરી લઈને એક મસ્ત મજાની શોર્ટ ફિલ્મ ‘ધ વંડરફુલ લાઇફ ઓફ હેન્રી શુગર’ બની છે. આમ તો છેક 2023માં એ બની અને નેટફ્લિક્સ પર પણ એ વરસે જ આવી ગઈ હતી. છતાં ઘણાનું એના પર ધ્યાન ના પડ્યું હોય એ શક્ય છે. ફિલ્મ છે ચાલીસેક મિનિટની. જોનારને ખુશ કરી દે એવી છે. ખુદાબક્ષનું જીવન એ તાદ્દશ કરે છે એ એનું એક કારણ. બીજું કારણ ફિલ્મનું અત્યંત નાવીન્યસભર મેકિંગ છે. પહેલાં થોડી વાત ખુદાબક્ષ વિશે કરી લઈએ અને પછી ફિલ્મની વાત પણ કરીએ જે અચૂક જોવા જેવી છે.

ખુદાબક્ષનો જન્મ 1905ની સાલમાં જમ્મુના અખનુરમાં થયો હતો. એનો પરિવાર કેસરની ખેતીના વ્યવસાયમાં હતો. 13 વરસની નાની ઉંમરે ખુદાબક્ષ એના ઘરેથી ભાગી ગયો હતો કારણ એને જાદુગરી શીખવી હતી. એ માટે એને પ્રોફેસર મૂર નામે ગુરુ મળ્યો પણ એની સાથે એનું લાંબું ચાલ્યું નહીં. પછી ખુદાબક્ષ હરિદ્વાર ગયો જ્યાં એને એક અનોખા યોગીનો ભેટો થયો. કોઈક તિકડમ ચલાવીને ખુદાબક્ષ યોગીનો ચેલો બનવામાં કામયાબ થયો. પછી કહે છે કે એ યોગીએ ખુદાબક્ષને પોતાના અર્ઘજાગ્રત મનને તાલીમ આપીને અકલ્પનીય પરિણામ કઈ રીતે મેળવવા એનું જ્ઞાન આપ્યું. બસ, આગળ જતાં એ જ્ઞાન થકી, ખુદાબક્ષ પોતે સહુને કહેતો એ પ્રમાણે, એ અસાધારણ કરતબ કરી શકતો. એમાંનાં બે કરતબ એટલં અંગારા પર ચાલવું અને બંધ આંખે પણ બધું નિહાળી શકવું.

1930ના દાયકામાં ખુદાબક્ષ મુંબઈ પહોંચ્યો. એણે પોતાનું નામ બદલીને પ્રોફેસર કે. બી. ડ્યુક રાખ્યું. આંખે પાટા બાંધીને પણ જોઈ શકવાની કળાના ખેલ સાથે એણે શહેરમાં કામ શરૂ કર્યું, પછી લંડન જઈને પરફોર્મ કર્યું અને એને એક્સ-રે આય્ઝ અને ફાયરવૉકિંગ જેવા નામ મળ્યાં. આગળ જતાં એ ‘ડેરડેવિલ’ અને’ ધ મેન હૂ કેન સી વિધાઉટ હિઝ આય્જ’ એવાં પણ હુલામણાં નામ મળ્યાં.

1950ના દાયકા સુધીમાં તો એ વિશ્વ કક્ષાએ જાણીતો કલાકાર થઈ ગયો હતો. એવો કે ટીવી પર ‘ખુદાબક્ષ, હિંદુ મિસ્ટિક’ નામે એનો શો પણ આવ્યો હતો. પછી જોકે ગ્લુકોમાને કારણે એની દ્રષ્ટિ ખરેખર હણાઈ ગઈ હતી. એ પહેલાં ખુદાબક્ષે જાણીતી અમેરિકન સેલિબ્રિટી જોઆન રિવર્સને એની સહાયક નીમી હતી. બેઉએ વિદેશમાં ઘણા શો કર્યા હતા. શોમાં ખુદાબક્ષ જોઆનને કરવતથી અડધી કાપી નાખવાનો ખેલ દર્શાવતો હતો. ખુદાબક્ષની કરિયર સાતેક દાયકા લાંબી રહી હતી. પોતાની અવનવી આવડતોની ચકાસણી કરવા એણે ઘણા વૈજ્ઞાનિકોને આમંત્ર્યા (કે કહો ધંધે લગાડ્યા) હતા, જેને કારણે એને અપાર પબ્લિસિટી મળી હતી.

મજાની કે નવાઈની વાત એ કે આવા માણસ પર ભારતમાં ભાગ્યે જ કોઈ ફિલ્મ બની છે. જોકે આપણે જેની વાત કરવી છે એ શોર્ટ ફિલ્મ ‘ધ વંડરફુલ લાઇફ ઓફ હેન્રી શુગર’ નમાત્ર ખુદાબક્ષના જીવનને દર્શક સમક્ષ મૂકે છે પણ સાથે, ફિલ્મ પેશ કરવાની અનોખી સ્ટાઇલ પણ દર્શાવે છે.

બ્રિટિશ લેખક રોઆલ્ડ ડાહ્લની ટૂંકી વાર્તાના આધારે આ ફિલ્મ બની છે. ફિલ્મ ફેન્ટસી પ્રકારની છે. એના લેખક, નિર્માતા અને દિગ્દર્શક વેસ એન્ડરસન છે. એન્ડરસનને ઇન્ડસ્ટ્રીએ ઔતેઉર તરીકે નવાજ્યા છે. આવું સંબોધન એ ફિલ્મસર્જકોને મળે છે જેમની ફિલ્મ બનાવવાની, કથાનક કહેવાની રીત સાવ એકદમ અલગ અને ચીલો ચાતરનારી હોય. ફ્રેન્ચ શબ્દ પરથી ઊતરી આવેલા આ શબ્દનો એક અર્થ લેખક પણ થાય છે. એન્ડરસનની અનોખી ફિલ્મમેકિંગ સ્ટાઇલ એમની બેહદ વખણાયેલી ફિલ્મો, ‘ધ ગ્રાન્ડ બુડાપેસ્ટ હોટેલ,’ ‘ધ રોયલ ટેનેનબોમ્સ,’ ‘મૂનરાઇઝ કિંગડમ’ વગેરેમાં પણ જોવા મળી છે.

‘ધ વંડરફુલ લાઇફ ઓફ હેન્રી શુગર’ પણ આશ્ચર્યની અનુભૂતિ કરાવે એવી ફિલ્મમેકિંગની સ્ટાઇલ ધરાવે છે. નાટ્યસર્જન અને ફિલ્મસર્જન બેઉનો દાદુ સમન્વય આ ફિલ્મના કથાનકમાં થયો છે. એ માટે એન્ડરસને એવી કલ્પના કરી છે કે એ (એટલે ફિલ્મ) એક ટેલિફિલ્મ છે જે 1978ની સાલમાં કાલ્પનિક બ્રિટિશ ચેનલ, નામે ચેનલ સેવન પર, રજૂ થઈ રહી છે. એ જમાનામાં જે મર્યાદાઓ હતી, જે રંગો, મિજાજ, અદાઓ વગેરે પ્રવર્તતા હતા અને ફિલ્મમાં ઉપયોગ થયો છે. હેન્રી શુગર કોણ હતો એ પ્રશ્ન, પછી એની છણાવટ, હેન્રી શુગરનું યોગીને મળવું, આંખે પાટા બાંધીને પણ સહજ જોવું એ બાબતો આ ફિલ્મમાં ખુદાબક્ષના જીવનથી ઉઠાવાઈ છે. બંધ આંખે જોઈ શકવાની તાકાત એ કેવી રીતે હાસલ કરે છે એ પણ ફિલ્મમાં રસાળ રીતે દર્શાવાયું છે. પછી, પછી કલ્પનાવિશ્વમાં વિહરતા ફિલ્મ હેન્રીની જુગાર રમવાની આદત તરફ વળે છે. પોતાને પ્રાપ્ત શક્તિથી એ કેસિનોમાં રમી રમીને અપાર ધન ઉસેડે છે. અને છેવટે…

ફટાફટ જોઈ શકાય એવી આ નાનકડી ફિલ્મમાં બેનેડિક્ટ કમ્બરબાચ હેન્રી શુગર અને મેક્સ એન્જલમેનનાં પાત્રમાં છે. દેવ પટેલ ડો. ચેટર્જી અને જોન વિન્સ્ટનનાં પાત્રમાં છે. બહેન કિંગ્સ્લે ઇમદાદ ખાન અને કેસિનોના ડીલરનાં પાત્ર ભજવે છે. રાલ્ફ ફઇએનેસ લોઆલ્ડ ડાહ્લ અને પોલીસનાં પાત્ર ભજવે છે. મુદ્દે, બધા મુખ્ય કલાકારો એક કરતાં વધુ પાત્રમાં છે. પણ તેઓ એ કેવી રીતે કરે છે એ જોવા જેવું છે.

ઓરિજિનલી જેને પૂર્ણ લંબાઈની ફિલ્મ બનાવવાની વાત હતી એવી આ ફિલ્મ છેવટે શોર્ટ ફિલ્મ બની હતી. એક રીતે એ બરાબર પણ છે કારણ ઓછી લંબાઈને લીધે ફિલ્મ બેહદ પકડવાળી બની છે. રોટન ટોમેટોઝ પર 95% અપ્રુવલ રેટિંગ ધરાવતી આ ફિલ્મને દસમાંથી 8.4 જેવું તગડું રેટિંગ દર્શકોએ આપ્યું છે. 2024માં ઓસ્કારમાં ફિલ્મ બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મની શ્રેણીમાં વિજેતા રહી હતી. ખરેખર કંઈક જુદું અને મજાનું જોવા માટે આ ફિલ્મ એકવાર જોઈ લેજો.

નવું શું છે

  • મોન્સ્ટર નામની અમેરિકન બાયોગ્રાફિકલ ક્રાઇમ ડ્રામા એન્થોલોજી સિરીઝની ત્રીજી સીઝન ‘મોન્સ્ટર: ધ એડ ગેઇન સ્ટોરી’ આજથી નેટફ્લિક્સ પર આવી છે. રાયન મર્ફી અને ઇયાન બ્રેનન દ્વારા નિર્મિત આ સીઝન કુખ્યાત સિરિયલ કિલર અને કબરલૂંટારું એડ ગેઇન (ચાર્લી હુન્નમ)ના જીવન પર આધારિત છે. આ સીઝનમાં આઠ એપિસોડ છે.
  • દેવ ખારોદ અભિનિત પંજાબી એક્શન અને ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘ડાકુઆં દા મુંડા 3’ ગઈકાલથી ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે.
  • ક્રાઈમ મિસ્ટ્રી થ્રિલર વેબ સિરીઝ ‘ધ ગેમ: યુ નેવર પ્લે અલોન’ ગઈકાલથી નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ સિરીઝમાં સાઉથ અભિનેત્રી શ્રદ્ધા શ્રીનાથ, વિવિયન સંત અને હેમા માલિની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
  • ડિરેકટર આહ્ન ગિલ-હો ની સાઉથ કોરિયન રોમેન્ટિક કોમેડી નેટફ્લિક્સ ઓરિજિનલ સિરીઝ ‘જીની, મેક અ વિશ’ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. કિમ વૂ-બિન અને બે સુઝી અભિનિત સિરીઝમાં 12 એપિસોડ છે.

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/03-10-2025/6

 

Share: