જિગોલો એટલે કોણ? દેહવિક્રય કરતી સ્ત્રીથી વિપરીત જ્યારે પુરુષ એ કામ કરે, એનાથી આજીવિકા રળે, ત્યારે એ પુરુષ જિગોલો કહેવાય. આપણા મનોરંજન વિશ્વમાં જિગોલોને વિષય તરીકે સાંકળતી ફિલ્મો સહિતની કૃતિઓ આ પહેલાં પણ બની છે. ‘રંગીન’ નામની એક તાજી સિરીઝમાં આ પ્રવૃત્તિને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે. શું છે સિરીઝમાં?
નવ એપિસોડ્સવાળી સિરીઝમાં વાત છે નીતિવાન પત્રકાર આદર્શ જોહરી (વિનીત કુમાર સિંઘ)ની. લગ્નનાં થોડાં વરસો પછી, પત્ની નયના (રાજશ્રી દેશપાંડે) અને આદર્શના સંબંધો હવે મીઠાશભર્યા પણ નથી અને હેપનિંગ પણ નથી. એકમેકથી કંટાળેલાં પતિ-પત્ની વચ્ચે તણાવ ત્યારે વધે છે જ્યારે અનાયાસે આદર્શ નયનાને પરયુવક સની (તારુક રૈના) સાથે મોજ કરતી પકડી પાડે છે. એ પછી સંબંધો વધુ તંગ બને છે. નયના ઘર છોડીને પિયર જતી રહે છે. એના ધનાઢ્ય પિતા લાલજી (રાજેશ શર્મા) દીકરીની તરફદારી કરનારા અને જમાઈને નકામો ગણનારા માણસ છે. સંબંધોમાં પડેલી તિરાડનાં કારણો જાણવાને બદલે વિનીત સનીની જેમ જિગોલો બનીને પોતાના પુરુષત્વને સાબિત કરવા મેદાને પડે છે. પછી શું થાય છે એ જણાવે છે ‘રંગીન’.
ખાસ્સી લંબાઈ ધરાવતી રંગીન એક જ મુદ્દાને વારંવાર, જુદી જુદી રીતે ચગળતી વાર્તા છે. કથાના કેન્દ્રસ્થાને ઉપર જણાવેલાં પાત્રો રહે છે. એમની જીવન સાથેની મથામણો, એમના નિર્ણયો અને એની ફળશ્રુતિ વિશેની વાત વિવિધ ટ્રેક્સમાં આવતી રહે છે. આશાસ્પદ શરૂઆત સાથે શરૂ થતી સિરીઝમાં પ્રારંભિત કિસ્સા અને સિનેમેટિક પેશકશ ઉત્કંઠા જગાડે છે. સુદ્રઢ પાત્રો અને સરસ ડિરેક્શન (પ્રાંજલ દુઆ, કોપલ નૈથાણી)ને એની ક્રેડિટ આપવી પડે. સિરીઝની પટકથા (અમીર રીઝવી, અમરદીપ ગસલાન અને મનુ રિશી ચઢ્ઢા) નાટ્યાત્મકતાને સામાન્ય માણસની જીવનની ઘટનાઓ જેવી બનાવી શક્યાં છે. પાત્રોનું વર્તન, એમના સંવાદ (અમરદીપ અને રીઝવી) પણ પરિસ્થિતિને અસરકારક બનાવવામાં સહાયરૂપ બને છે. સમસ્યા જોકે બહુ જલદી આકાર લેવા માંડે છે જ્યારે, આદર્શ, સની અને નયનાનાં પાત્રો એકની એક બાબતમાં ફસાતાં અને જુદા જુદા નિર્ણયો લઈને છટપટિયાં મારતાં દેખાય છે.
આદર્શની સમસ્યા પોતાના પુરુષત્વને સાબિત કરવાની છે. એ માટે એ સિતારા (શીબા ચઢ્ઢા)નું તરણું ઝાલે છે. બુટિક ચલાવતી ફેશનેબલ અને શ્રીમંત સિતારાનો એક બિઝનેસ અમીરજાદી સ્ત્રીઓને પુરુષો સપ્લાય કરવાનો છે. સની પણ એના જ હાથ નીચે કામ કરતો યુવાન છે. સનીને લીધે જ આદર્શ પણ સિતારા સુધી પહોંચે છે. શરૂઆતી આનાકાની અને નાપસંદ છતાં, છેવટે સિતારા આદર્શને પોતાના હાથ નીચે લઈને જિગોલો તરીકે તૈયાર કરે છે. એમાં એની મદદ એની ગ્રાહક કમ દોસ્ત રેણુ (મેઘના મલિક) કરે છે.
સનીની સમસ્યા કે આકાંક્ષા ભારત છોડીને યુકેમાં સ્થાયી થવાની છે. ટિકિટ, વિઝા વગેરે માટે એ જિગોલોગીરી કરીને પૈસા ભેગા કરી રહ્યો છે. બહુ જલદી એ સિતારાના માનીતા જિગોલોની યાદીમાંથી બહાર ફેંકાઈ જાય છે. એના કસાઈ પિતા (સંજીવ વત્સ)ને દીકરાની રહસ્યમયી હરકતોથી તો દીકરાને પિતાના કસાઈના વ્યવસાયથી ઘૃણા છે. એમાં વળી સિતારા જ્યારે સનીને કહી દે છે કે હવે તારો કોઈ ખપ નથી ત્યારે સની પોતાના જોરે ક્ષેત્રમાં આગળ વધવા પ્રયાસ કરે છે. એમાં એ અવળે રસ્તે પણ ચડી જાય છે.
નયના લગ્ન પહેલાંથી પણ એક કન્ફ્યુઝ કન્યા હતી. હવે લગ્નભંગાણ થવાને આરે છે ત્યારે એની મનઃસ્થિતિ હજી પ્રવાહી થઈ જાય છે. એની હરકતોથી અજાણ એના પિતા એને સબળ સાથ આપે છે. નયના માબાપના ઘરમાં રહેતાં પોતાની જિંદગીની સાર્થકતા શોધવા પ્રયાસ કરતી રહે છે. અને એક દિવસ એ પોતાની રીતે સ્વતંત્ર જીવન શરૂ કરવાનો નિર્ણય લે છે.
‘રંગીન’માં સૌથી સારી વાત એ છે કે વિષયના મૂળમાં કામુકતા અને લગ્નેતર સંબંધો હોવા છતાં, સાનંદાશ્ચર્ય કરાવે એ હદે, એ સેક્સપ્રચુર અને ભદ્દાં દ્રશ્યોથી અળગી રહી શકી છે. વિષય ભલે વયસ્કો માટેનો હોય, સેક્સ વિશે હોય પણ, સર્જક ધારે તો મર્યાદામાં રહીને પણ મનોરંજન પીરસી શકે છે એ જાણે આ શો કહે છે. એ અલગ વાત છે કે દરેક સર્જકની મર્યાદાની પણ અલાયદી વ્યાખ્યા હોય છે.
સિરીઝમાં બહુ ઓછાં (ઇન ફેક્ટ, નામનાં) દ્રશ્યોમાં એવાં દ્રશ્યો આવે છે જેમાં શરીર પ્રદર્શન થયું હોય. બીજી સારી વાત છે પાત્રોનો વિકાસ. આદર્શ અને નયનાનાં પાત્રો બહુ કાળજીપૂર્વક ઘડાયાં છે. નયનાના પાત્રને ઓછા સંવાદોથી પણ ધારદાર બનાવાયું છે. એને જીવી જવા બદલ રાજશ્રીને અભિનંદન આપવા રહે. સહકલાકારોમાં વત્સ, મલિક, ચઢ્ઢા ઉપરાંત સનીના મિત્ર વિકી તરીકે ચિરાગ કટરેચા, વિકીની બહેન મિની તરીકે સના ખન્ના વગેરે નોંધનીય છે. પાશ્ચાત્ય સંગીત થકી સાગર દેસાઈ પણ પ્રવાહને રસાળ બનાવવામાં યોગદાન આપે છે. વિનીત કુમાર સિંઘ સિરીઝની જાન છે. એમના પાત્રને જ્યાંથી વિકસવાનો અવકાશ મળતો નથી. જ્યાંથી ઘટનાઓ બીબાઢાળ થઈ જાય છે ત્યાંથી એમનો અભિનય પણ સરેરાશ થઈ જાય છે.
કબીર ખાન પ્રોડક્શનની આ સિરીઝ ખાનનું જ સર્જન છે. લેખકબેલડી એના દિગ્દર્શક પણ છે. અડધા કલાકથી લાંબા અને પોણા કલાકને પણ વટી જતા એપિસોડ્સમાં ગીતો પણ ખાસ્સાં છે.અમુક કર્ણપ્રિય છે. ખફા તો નહીં, સુલઝેના, તુમ્હે ભૂલા દિયા એવાં ગીતોમાં આવી શકે છે. સરવાળે, વયસ્કો માટેની સિરીઝ ‘રંગીન’ સરસ શરૂઆત પછી ગોળગોળ થતી અંત સુધી પહોંચે છે. જોનાર માટે મુશ્કેલી એ બની શકે કે વિષયવસ્તુમાં ક્યાંક ક્યાંક છલકતા નાવીન્યને લીધે એ અવઢવમાં પડે છે કે આને છેલ્લે સુધી જોવી કે વચમાં જ્યાં રસ ઊડી જાય ત્યાં પડતી મૂકી દેવી. ખેર, તમારે જોવાની થાય આ સિરીઝ તો તમારે નિર્ણય તમારી રીતે લેવાનો. બસ તો પછી, જોવી હોય તો પહોંચો પ્રાઇમ વિડિયો પર.
નવું શું છે
- ભારત-પાકિસ્તાન પર આધારિત ફિલ્મ ‘સાલાકાર’ જિયો હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. ફિલ્મમાં મુકેશ ઋષિ, નવીન કસ્તૂરિયા અને મૌની રોય મુખ્ય ભૂમિકાઓમાં છે. ડિરેકટર છે ફારુક કબીર.
- રુદ્ર, મિથિલા પાલકર અને વિષ્ણુ વિશાલ અભિનિત તામિલ રોમાન્ટિક ફિલ્મ ‘ઓહો એન્થન બેબી’ નેટફ્લિક્સ પર આવી છે. ફિલ્મ તેલુગુ અને હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.
- ડિરેકટર બોંગ જૂન હોની સાયન્સ ફિક્શન બ્લેક કોમેડી ફિલ્મ ‘મિકી 17’ ગઈકાલથી જિયો હોટસ્ટાર પર આવી છે. ફિલ્મ એડવર્ડ એશ્ટનની 2022ની નવલકથા ‘મિકી 7’ પર આધારિત છે.
- ફેમિલી ડ્રામા ફિલ્મ ‘મામન’ ઝીફાઇવ પર આવી છે. ડિરેકટર પ્રશાંત પંડિયારાજની ફિલ્મમાં સૂરી સાથે રાજકિરણ, ઐશ્વર્યા લક્ષ્મી, સ્વસિકા, બાલા સરવનન વગેરે છે.
- ફ્લેનોરી બ્રધર્સના વાસ્તવિક જીવનથી પ્રેરિત ક્રાઇમ ડ્રામા સિરીઝ ‘બ્લેક માફિયા ફેમિલી’ સીઝન ચાર લાયન્સગેટ પ્લે પર આવી છે. કુલ દસ એપિસોડ્સ છે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/08-08-2025/6





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment