‘પુષ્પા’થી ભારતભરમાં જાણીતા થયેલા ફહદ સાથે આ તામિલ ફિલ્મમાં કિંગ ઓફ કોમેડી તરીકે ઓળખાતા દક્ષિણ ભારતીય કલાકાર વડીવેલુ છે. ફર્સ્ટ હાફમાં સાધારણ લાગતી ફિલ્મ અમુક વળાંકો પછી મજેદાર થઈ જાય છે

 તામિલમાં એક ફિલ્મ થોડાં સપ્તાહ પહેલાં આવી. નામ ‘મારીસાન’. ‘મારીસાન’ એટલે જ રામાયણમાં આવતો મારીચ રાક્ષસ. એ હતો તાડકાનો પુત્ર. એ વિશ્વામિત્રના યજ્ઞમાં બાધા નાખવા માટે કુખ્યાત હતો. જોકે પછી મારીચની કથામાં ટ્વિસ્ટ પણ હતો. એનો ક્લાઇમેક્સ એવો હતો કે ભગવાન શ્રીરામે એના શરીરથી મુક્ત કરીને પોતાનું પરમપદ આપ્યું હતું. તામિલ ફિલ્મને આવું ટાઇટલ એટલે અપાયું કે એની વાર્તામાં એવી કોઈક વાત છે કે આ ટાઇટલને સાર્થક કરે છે.

ડિરેક્ટર સુધીશ શંકરની આ ફિલ્મની હજી એક વાત જાણવા જેવી છે. પચીસ જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખાસ કશું ઉકાળ્યું નહીં પણ ઓટીટી પર એની સારી સરાહના થઈ રહી છે. નેટફ્લિક્સ પર આ ફિલ્મ ઘણા દર્શકો માણી રહ્યા છે. હાલમાં આ ટ્રેન્ડ ખાસ્સો જામ્યો છે. ફિલ્મ ગમે તેટલા ઉધામા મારે પણ દર્શકોએ જાણે નક્કી કરી લીધું છે કે એકદમ એકસ્ટ્રાઓર્ડિનરી ફિલ્મ માટે જ સિનેમાઘર સુધી જવું. બાકી ઓટીટી તો છે જ. એ અલગ વાત કે દર્શકોના આવા અભિગમથી ક્યારેક સારી ફિલ્મનો પણ બોક્સ ઓફિસ પર ખો વળી રહ્યો છે.

તો, ‘મારીસાન’ શું છે? ફહદ ફઝીલ અને વડીવેલુની આસપાસ ફરતી ફિલ્મની વાર્તા શરૂઆતમાં બહુ સરળ લાગે છે. એક ચોર નામે દયા, જ્યાં તક મળ્યે ત્યાં ખાતર પાડીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. એક રાતે એ એક ઘરમાં ઘૂસે છે. ચોરી કરે એ પહેલાં એનો ભેટે સાંકળથી બાંધી રાખેલા એક જૈફ માણસ નામે વેલાયુધમ સાથે થાય છે. જૈફ માણસ કહે છે કે એને ભૂલી જવાની (અલ્ઝાઇમર) બીમારી હોવાથી એનો પોલીસ અધિકારી દીકરો એને આમ સાંકળે બાંધીને રાખે છે. એ દયાને કહે છે કે તું મને મુક્ત કરે અને બહાર લઈ જાય તો હું તને પચીસ હજાર રૂપિયા આપીશ. દયા એને બહાર લઈ જાય છે. એટીએમમાંથી પેલો જૈફ માણસ પૈસા કાઢે છે ત્યારે દયાની નજર પડે છે બેલેન્સ પર. એ છે પચીસ લાખ રૂપિયા. એની દાઢ સળકે છે કે બુઢ્ઢા પાસેથી આ રકમ પડાવી લઉં તો…

હવે, પેલા વડીલને ઘડીક આ મિત્રને ત્યાં તો ઘડીક બહેનને ત્યાં જવાનું મન થાય છે. ઘડીક એ દયાને દયા સંબોધે છે તો ઘડીક પોતાના દીકરા કુમાર તરીકે સંબોધે છે. પછી આવતા ટ્વિસ્ટમાં એક તરફ મર્ડરની ઘટનાઓ થાય છે. વળી દયાને એકાએક એવી કડી મળે છે જે એને ખલેલ પહોંચાડે છે. સવાલ એ થાય છે કે આ હત્યાઓ, બેન્ક બેલેન્સથી સભર બુઢ્ઢો, બાઇક પર થતો નિરંતર પ્રવાસ અને દયા-વેલાયુધમનો સંબંધ, એ બધાંનો છેલ્લે નિષ્કર્ષ શો આવે છે.

શરૂઆતમાં સરળ, ધીમી અને ક્યાંક કંટાળાજનક લાગતી ફિલ્મ વળાંકો આવ્યા પછી ઉત્સુકતા જગાડે છે. આગળ જતાં એ ક્યાંક ક્યાંક ગોથાં ખાતી હોય એવું પણ લાગે છે. કારણ, સરળ ટ્રાવેલ ફિલ્મ થ્રિલરમાં પરિવર્તિત થાય છે અને એના સાંધા જોડવા મેકરે યોગ્ય મથામણ પણ કરવાની રહે છે. 152 મિનિટની ફિલ્મની લંબાઈ પણ કઠે છે કારણ હવે આવી લાંબી ફિલ્મો જોવાની ધીરજ ઓછી થઈ છે, રાઇટ? છતાં, ‘મારીસાન’ એક મજેદાર ફિલ્મ તો ખરી જ.

સાફસુથરી અને મર્યાદિત પાત્રો આસપાસ આકાર લેતી આ ફિલ્મ હિન્દીમાં જોઈ શકાય છે. વાર્તા ઉપરાંત એને જોવાનાં પ્રમુખ કારણો એના બે મુખ્ય કલાકાર, ફહદ અને અને વડીવેલુ છે. સાઉથની ફિલ્મોમાં સરસ કાસ્ટિંગ અને ખાસ તો, જેને વાસ્તવિક લેખાવી શકાય એવી ટ્રીટમેન્ટ, દર્શકને ઓતપ્રોત રાખે છે. એ મામલે આ ફિલ્મ પણ ફીક્કી નથી. હા, અમુક ગીત અને અમુક બહુ સાધારણ દ્રશ્યો ફિલ્મને મોળી પાડે છે ખરાં પણ એમની માત્રા ઓછી છે.

‘પુષ્પા’ પછી સમગ્ર દેશના દર્શકોમાં ફહદે પોતાની ઓળખ અને પોતાનું સ્થાન બેઉ બનાવ્યાં છે. વડીવેલુ અમુક પ્રકારના પાત્રમાં બંધબેસતા ટાઇપકાસ્ટ કલાકાર તરીકે સાઉથમાં બેહદ લોકપ્રિય છે. કોમેડી પર એની હથોટી ગણાય છે. ફિલ્મના મેકિંગ વખતે સરસ સૂચનો આપીને એ ડિરેક્ટરને વધુ સારું કામ કરવાને પ્રેરતા કલાકાર તરીકે પણ પ્રસિદ્ધ છે. કિંગ ઓફ કોમેડી ગણાતા આ કલાકારને ઘણા નોન-સાઉથ ઇન્ડિયન દર્શકોએ પણ એક અથવા બીજી ડબ્ડ ફિલ્મમાં જોયા હશે. ‘મારીસાન’ પછી એમની આપણા પટ્ટામાં દૃઢ ઓળખ બની શકે છે.

‘મારીસાન’માં યુવાન શંકર રાજાનું સંગીત છે. આવા મોટા ગજાના સંગીતકાર છતાં ફિલ્મ સંગીતના મોરચે સાધારણ છે. મેકિંગ પણ ઠીકઠીક છે. ફિલ્મમાં અન્ય કલાકારો મોટાભાગે પૂરક પાત્રોમાં છે. નિર્માતા આર. બી. ચૌધરીની ફિલ્મ ‘મારીસાન’. ટૂંકમાં એક જુદી લાગતી વાર્તાને સુંદર માવજત અને સારા અભિનયથી ખીલતી જોવા માટે રિમોટ કંટ્રોલની ચાંપ દબાવી શકાય છે.

નવું શું છે?

  • ડિરેકટર અનુરાગ બાસુની મ્યુઝિકલ રોમાન્ટિક ફિલ્મ ‘મેટ્રો ઇન દિનોં’ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ચાર વય જૂથોના યુગલની વાર્તા દર્શાવતી ફિલ્મમાં સારા અલી ખાન, આદિત્ય રોય કપૂર, અનુપમ ખેર, નીના ગુપ્તા, અલી ફઝલ, કોંકણા સેન શર્મા, પંકજ ત્રિપાઠી અને ફાતિમા સના શેખ છે.
  • અમેરિકન કોમેડી ડ્રામા ફિલ્મ ‘માય ડેડ ફ્રેન્ડ જો’ (ડેડ એટલે મૃત) ગઈકાલથી જિયોહોટસ્ટાર પર આવી છે. સોનેક્વા માર્ટિન-ગ્રીન, નતાલી મોરાલેસ, ગ્લોરિયા રૂબેન, ઉત્કર્ષ અંબુદકર અભિનિત ફિલ્મના ડિરેકટર છે કાયલ હૌસમેન-સ્ટોક્સ.
  • અમેરિકન ટીન ડ્રામા સિરીઝ ‘માય લાઇફ વિથ ધ વોલ્ટર બોય્ઝ’ની બીજી સીઝન નેટફ્લિક્સ પર આવી છે. કુલ દસ એપિસોડ છે. અલી નોવાકની ‘કમિંગ ઓફ એજ’ નામની 2014ની નવલકથાનું એ ફિલ્મી રૂપાંતરણ છે.
  • પદ્મશ્રી રાજ બેગમના જીવન પર ફિલ્મ ‘સોંગ્સ ઓફ પેરેડાઇઝ‘ પ્રાઇમ વિડીયો પર રિલીઝ થઈ છે. ફિલ્મમાં સબા આઝાદ અને સોની રાઝદાન છે.

 

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/29-08-2025/6

Share: