ઓટીટીના બદલાતા મિજાજના સમયે લવાજમના દામમાં મળતું મનોરંજન ધીમી પણ મક્કમ ગતિએ ઓછું થઈ રહ્યું છે. કારણ, યે પૈસા બોલતા હૈ…

 

એક પ્રશ્નઃ શું એ જાણો છો કે ઓટીટી પરથી અનેક ફિલ્મો ગાયબ થઈ જાય છે? ઘણી ફિલ્મો લવાજમમાં જોઈ હોય પણ હવે જોવી હોય તો પૈસા લાગી શકે છે?

આનો જવાબ જો ખબર ના હોય અથવા આ પ્રશ્ન નવાઈ પમાડતો હોય તો આગળ વાંચો.

આમિર ખાને એની છેલ્લી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ ઓટીટીને ચરણે ધરવાને બદલે પે પર વ્યુ (જેટલી વખત જુઓ એટલી વખત પૈસા ચૂકવો) તરીકે રજૂ કરી એની બહુ ચર્ચા થઈ. જોકે નિર્માતા તરીકેની આમિરની ગયા વરસની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ ઘરેડ પ્રમાણે ઓટીટીને આપી દેવામાં આવી હતી. એ ફિલ્મ સાથે જે થયું હતું એ મજેદાર હતું. દર્શકોએ એ ફિલ્મ જોવા થિયેટરમાં જવાની ખાસ તસદી લીધી નહોતી. પણ ફિલ્મ જેવી ઓટીટી પર આવી કે દર્શકો એના પર તૂટી પડ્યા હતા. ત્યારે આમિરે આશ્ચર્ય અનુભવ્યું હતું. અને ત્યારે જ કદાચ આમિરના મનમાં એના નિર્માણવાળી ભવિષ્યની ફિલ્મ, બોક્સ ઓફિસનો ફેરો ફરીને પરવાર્યા પછી, કઈ રીતે કમાણી કરશે એ વિશે મનમાં સ્પષ્ટતા થવા માંડી હતી. એમ, અંતે, ‘સિતારે ઝમીન પર’ ઓનલાઇન આવી ખરી પણ સશુલ્ક આવી.

આમિરની ફિલ્મ જોકે આ મોરચે વાવટો ફરકાવનારી એકમાત્ર ફિલ્મ નથી. ઘણી ફિલ્મો એવી છે જે આ રાહને અખત્યાર કરી રહી છે. ઘણી એવી પણ છે જે પહેલાં મફતમાં જોઈ શકાતી હતી પણ હવે પેઇડ થઈ ગઈ છે. એવી ફિલ્મો પણ છે જે ઓટીટી પરથી સદંતર ગાયબ થઈ ગઈ છે. દાખલા તરીકે આલિયા ભટ્ટ અને વિકી કૌશલવાળી ‘રાઝી.’ હમણાં સુધી જેને પ્રાઇમ વિડિયો પર સુખે માણી શકાતી હતી એવી આ અફલાતૂન ફિલ્મ ત્યાંથી છૂ થઈ ગઈ છે. એનું કારણ એ કે પ્રાઇમે આ ફિલ્મને ઓટીટી પર દેખાડવાના જેટલી અવધિના અધિકાર ખરીદ્યા હતા એ અવધિ પૂરી થઈ ગઈ. હા, પણ ‘રાઝી’ પૈસા ખર્ચીને બેશક જોઈ શકાય છે. એપલ ટીવી પર ફક્ત રૂ. 149 દામ છે.

ફિલ્મના પ્રસારણના દામ અને સમયમર્યાદા બેઉ હોય છે. ઓટીટી પર, સેટેલાઇટ ચેનલ પર, દૂરદર્શન (જેને વેપારી ભાષામાં ટેરેસ્ટ્રિઅલ રાઇટ્સ કહે છે), દરેકના અધિકાર હસ્તગત કરવાના વેગળા દામ હોય છે. એ તો ઠીક, વિમાનમાં ફિલ્મ દેખાડવાના, જહાજમાં દેખાડવાના… વગેરે વગેરે દામ પણ અલગ હોય છે. હમણાંથી એવું વર્તાઈ રહ્યું છે કે અનેક ફિલ્મો ઓટીટી પર એમના સ્ટ્રીમિંગની એક અવધિ પૂરી કર્યા પછી સીધી પે પર વ્યુ (આમિર ખાનની સ્ટાઇલમાં) થઈ રહી છે. નિર્માતાઓ એમની ફિલ્મના અધિકારી ઓટીટી પ્લેટફોર્મ્સને રિન્યુ કરી આપવાને બદલે અલગ તરીકો અજમાવી રહ્યા છે. એના લીધે દર્શકોનો ખર્ચ ભલે વધે પણ નિર્માતાની આવક વધે છે.

આવું શા માટે થઈ રહ્યું હશે, તમને પ્રશ્ન થતો હશે, રાઇટ?

અનુમાન લગાડવું સહેલું છે.

ભારતીય ઓટીટી બજાર મફતિયા અને સસ્તાઈના દોરથી એક કદમ આગળ વધી ગઈ છે. દર્શકોને ઓટીટીની આદત લગાડવા જેટલા લાડ લડાવવા જોઈતા હતા એટલા ઓટીટી પ્લેટફોર્મ્સ લગાડી ચૂક્યાં છે. હવે ખમૈયા કરવાનો અને અહીં સુધી પહોંચવા જે તગડાં રોકાણ કર્યાં છે એમને પાછાં મેળવવાનો સમય આવ્યો છે. યાદ છે જિયો મોબાઇલ લોન્ચ થયો ત્યારે મફતમાં અને પછી પાણીના ભાવમાં વાપરવા મળતો હતો? આજે એના પેકેજિસ પણ એરટેલ અને વોડાફોનની કિંમતના (કે વધારે?) થઈ ગયા કે નહીં, તો પછી? દુનિયામાં સૌથી ઓછા ભાવે મોબાઇલ સેવાઓની જેમ ઓટીટી સેવાઓ પણ આપણે ત્યાં મળે છે. અનેક કંપનીઓએ ગ્રાહકોને એમની સેવાની આદત પાડવા આ ટ્રેન્ડને અનુસરવો પડે છે. આદત પડી ગયા પછી ધીમેધીમે કિંમત વધારીને વાસ્તવિક અને નફાકારક મુકામ સુધી લઈ આવવામાં આવે છે.

સાથે, ગ્રાહકોમાં ઓટીટી વિશેની જાગૃતિ અને મનગમતું મનોરંજન જોવા માટે થોડાં ફદિયાં ખર્ચવાની ઉદાર વૃત્તિ, બેઉમાં ઉમેરો થયો છે. એટલે, એક ફિલ્મને એકવાર જોવા સો-બસો રૂપરડી ખર્ચનારાની સંખ્યા વધવાના માર્ગે છે. આ ટ્રેન્ડ જેમ જેમ વિકસશે એમ એમ નિર્માતાઓને પે પર વ્યુથી થતી આવકમાં વધારો થતો રહેવાનો છે. એ અલગ વાત છે કે આ રીતે નાણાં ખર્ચનારા એ ગણિત માંડતા નથી કે ઓટીટી પાછળ મહિને તેઓ કેટલા રૂપિયા ખર્ચી નાખે છે. વળી, જે કાં તો સંપન્ન હોય અને જેને ચોક્કસ મનોરંજન માણવાની અદમ્ય તાલાવેલી હોય, એને મન આ રકમ ક્ષુલ્લક જ ગણાય.

ઘણીવાર ફિલ્મના નિર્માતા એમની ફિલ્મનો દર્શકગણ વધારવા માટે ફિલ્મને એક પ્લેટફોર્મ પરથી બીજા અને બીજા પરથી ત્રીજા પર ફેરવતા હોય છે. એના લીધે પણ ફિલ્મ એકાએક કશેકથી અદ્રશ્ય થઈ જાય છે. એવી જ રીતે, ભંકસ ફિલ્મો બનાવીને અને ભંકસ ફિલ્મોના અધિકારો ખરીદવા કરોડો ખર્ચી નાખનારાં ઓટીટી પ્લેટફોર્મ્સ હવે નથી ઇચ્છતા કે નબળી ફિલ્મ પાછળ ધન વેડફાય. એટલે આ પ્લેટફોર્મ્સ જાતે અમુક ફિલ્મોને જતી કરે છે.

અમેરિકામાં પે પર વ્યુનો બજારમાં પાંચ-દસ ટકા વચ્ચે હિસ્સો છે. આપણે ત્યાં આ હિસ્સો હાલમાં નગણ્ય જ હશે. છતાં, ફિલ્મને ઓટીટીને સોંપતા પહેલાં નિર્માતા એને પે પર વ્યુ પર ચલાવીને બે પૈસા વધારાના કમાવાનો વિચાર કરતા હોય છે. એમના દ્રષ્ટિકોણથી આ રણનીતિ એકદમ બરાબર છે.

ટૂંકમાં, ઓટીટીના બદલાતા મિજાજના સમયે એ યાદ રાખો કે લવાજમના દામમાં મળતું મનોરંજન ધીમી પણ મક્કમ ગતિએ ઓછું થઈ રહ્યું છે. કારણ, યે પૈસા બોલતા હૈ…

નવું શું છે

  • મુંબઈના ભૂતપૂર્વ પોલીસ અધિકારી મધુકર ઝેન્ડેના જીવન પર આધારિત ફિલ્મ ‘ઇન્સ્પેક્ટર ઝેન્ડે’ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા માંડી છે. એમાં મનોજ બાજપાઈ છે. ડિરેકટર અને લેખક છે ચિન્મય માંડલેકર.
  • થિયેટરમાં નિસ્તેજ રહેનારી રાજકુમાર રાવની ફિલ્મ ‘માલિક’ પ્રાઇમ વિડીયો પર આવી છે. ફિલ્મમાં માનુષી છિલ્લર, હુમા કુરેશી, સૌરભ શુક્લા અને સ્વાનંદ કિરકિરે પણ છે.
  • રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ’ આવતીકાલથી એટલે કે છ સપ્ટેમ્બરથી એમેઝોન એમએક્સ પ્લેયર પર આવશે. શો શાર્ક ટેન્ક ફેમ અશ્નીર ગ્રોવર હોસ્ટ કરશે.
  • માર્ક રફાલોની સાત એપિસોડની સિરીઝ ‘ટાસ્ક’ આઠ સપ્ટેમ્બરથી જિયોહોટસ્ટાર પર આવશે. સિરીઝમાં ટોમ પેલ્ફ્રે, એમિલિયા જોન્સ, થુસો મ્બેડુ, રાઉલ કાસ્ટિલો, જેમી મેકશેન, સેમ કીલી અને ફેબિયન ફ્રેન્કેલ છે.
  • ગો હ્યુન-જંગ, જંગ ડોંગ-યૂન, ચો સીઓંગ-હા, લી એલ અભિનિત સાઉથ કોરિયન થ્રિલર સિરીઝ ‘ક્વીન મેન્ટિસ’ નેટફ્લિક્સ પર આવી છે. એમાં કુલ આઠ એપિસોડ છે.

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/05-09-2025/6

 

 

Share: