દુબઈ ઢુંકડું છે. કારકિર્દીની તકો પૂરી પાડતું વાઇબ્રન્ટ શહેર છે. અબુધાબી અને શારજાહ સહિત એ ભારતીયો માટે આર્થિક પ્રગતિ સાધવા ઉપલબ્ધ ઉપયુક્ત સ્થાન છે. દુબઈના વિઝા સહેલાઈથી પ્રાપ્ય છે. ત્યાં સુધી કે નોકરી શોધવા પણ જઈ શકાય અને નોકરી મળ્યા પછી વસવાની ચિંતા શરૂ કરી શકાય. આવી અનુકૂળતા અમેરિકા કે યુરોપમાં નથી. યુએઈની વસતિમાં માત્ર અગિયાર ટકા સ્થાનિકો છે. બાકીના 89 ટકા બહારના છે. આરબોએ વિચારશીલ રીતે દેશની પ્રગતિની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરી છે. તેએથી તો દર એક આરબે નવ વિદેશીઓ માટે યુએઈ આવક અને વસવાટનો ઉત્તમ વિકલ્પ બન્યું છે. કરોડથી ઓછી વસતિવળા યુએઈમાં સેટલ થવા ઇચ્છનારાએ યુએઈનો, ખાસ તો દુબઈનો વિચાર કરવામાં કાંઈ ખોટું નથી.

મારાં ઘણાં સ્વજનો યુએઈમાં છે. કોઈક દુબઈમાં, કોઈક શારજાહ, કોઈક અબુધાબીમાં છે. એટલે શક્ય તેટલાને મળી ગમતાનો ગુલાલ કર્યો. બહેન દર્શિતા એમાંની એક. મારાં માસીની એ દીકરી. એને ફોન કર્યો કે મળવા આવવું છે. અમે નિયમિત સંપર્કમાં નથી. હા, ફેમિલી વ્હોટ્સએપ ગ્રુપથી કનેક્ટેડ ખરા.

એક બપોરે એના ઘરે ગયાં. વર્કિંગ ડે હોવાથી એ એકલી હતી. દીકરી સ્કૂલે અને બેટર હાફ જોબ પર હતો. માર્ગના કોર્નરના ઘરમાંથી બહારનું પ્રફુલ્લતાભર્યું દ્રશ્ય દેખાઈ રહ્યુું હતું. દુબઈનાં ઘરોમાં પૂરતી મોકળાશ હોય છે. ફ્લોર ટુ સિલિંગ વચ્ચે લગભગ બારેક ફૂટ અંતર હોય. આપણે ત્યાં સરેરાશ પોણાનવ-નવ ફૂટની છે. બીજા દેશોમાં પણ આ રીતનાં ઘરો સામાન્ય છે. એનાથી ઘર વધુ રહેવાલાયક અને હવાદાર થઈ જાય છે.
દર્શિતાના ઘરે મસ્ત ચા પીતાં વાતો થઈ. ત્યાંથી ગયાં કેરફોર. એ વિશે થોડુું પહેલાં લખ્યું હતું. કેરફોર સ્ટોર આખો જોવો શક્ય નહોતો. આપણા મોટા સ્ટોર્સ વરાઇટીના મામલે દુબઈના સ્ટોર્સ સામે વામણા લાગે. ત્યાં માલ વેચતી ઘણી કંપનીઓએ ભારતમાં પગરણ કર્યાં નથી.
પ્રવાસનો એક અંતરંગ ભાગ શૉપિંગ છે. ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીની જેમ શૉપિંગ સૌને કરવું હોય છે. કેરફોરમાં મર્યાદિત ચીજો ખરીદી. દુબઈમાં (કે અન્યત્ર પણ) બેહદ તાલાવેલી છતાં બને તો જતાવેંત શૉપિંગ ના કરવું. જાણકારને પૂછવું. સંશોધન કરવું. ઇન્ટરનેટ ઝિંદાબાદ કરવું. ચીજોની યાદી બનાવો તો સારું. એના બિનજરૂરી શૉપિંગ ટળશે અને સામાનના ઢસરડા કરવા નહીં પડે.
કેરફોરમાં ઉપયોગી ચીજોનો પાર નહોતો. નહીંનહીં કરતાં ખાસ્સું શૉપિંગ થયું. અમુક હેન્ડ વોશ અને બોડી વૉશ લીધાં. પેકિંગ પ્રીમિયમ હતાં. જોર્ડન નામના ટૂથબ્રશનો હું જૂનો ગ્રાહક છું. એ ઓનલાઇન ખરીદું અને મલેશિયાથી લાવું-મગાવું છું. એ ટૂથબ્રશ હતાં એટલે ઉપાડ્યાં.
આઇકિયામાં ગયાંની વાત પહેલાં કરી છે. એમાં શૉપિંગ ટાળ્યું હતું. ફર્નિચર અને હોમ એક્સેસરરિઝના એ સ્ટોરમાં નાની ચીજો ઓછી મળે. મોટાભાગની વળી આપણે ત્યાં આઇકિયામાં મળે છે.
ગિફ્ટ્સ વિલેજ નામના સ્ટોરમાં પણ ગયાં. એના જેવો બીજો સ્ટોર ડે-ટુ-ડે હતો. ગિફ્ટ્સ વિલેજના સ્ટોર્સની સંખ્યા ઓછી અને પ્રમાણમાં એ નાના. ડે-ટુ-ડેની શાખા વધારે અને સ્ટોરની સાઇઝ મોટી. એકાદ દિરહામથી માંડી વીસેક દિરહામની અનેક ચીજો મળે. ગિફ્ટ્સ વિલેજમાં પણ ઠૂસ નીકળી ગયો. સામાન ઉઠાવવાની તૈયારી હોય તો અનેક ચીજો લઈ શકાય તેમ હતી પણ અર્થ નહોતો.
સેન્ટર પૉઇન્ટ નામના સ્ટોર્સ પણ છે. મીના બાઝારમાં મધુર નામના સ્ટોરમાં શૉપિંગ કરી. પાકિસ્તાનના શાન મસાલા વિશે મેં વાંચ્યું હતું. ભારતમાં એ ઓનલાઇન મળે પણ ક્યારેય લીધા નહોતા. મીના બાઝારમાં એ મસાલા યાદ આવ્યા. મધુરમાં પણ હતા. શાકાહારી મસાલાનાં પેકેટ્સ લીધાં. આવીને એ મસાલા વાપરી જોયા અને ગુણવત્તા ખરેખર સારી છે. તાજ મહેલ બ્રાન્ડ કેસર પણ લીધું. ઘણી ચીજો છે…
બે ચીજો અચૂક ખરીદવી છે એવું મનમાં હતું. ચોકલેટ્સ અને પરફ્યુમ્સ. બેઉ માટે ઓળખીતાની દુકાનેથી ખરીદવાની ભાભીની સ્પષ્ટતા હતી. મીના બાઝારમાં એ ખરીદી થઈ. ચોકલેટ્સની શૉપ દક્ષિણ ભારતીય સલીમભાઈની હતી. એમની દુબઈમાં કારકિર્દી ધર્મેન્દ્રભાઈના હાથ નીચે શરૂ થઈ હતી. પછી વેપારમાં ઝંપલાવ્યું હતું. ચોકલેટ્સની વરાઇટી જોવા સાથે પરાણે ચાખતાં ચાખતાં મીઠાશ ખરીદી. પરફ્યુમની વરાઇટીનો પાર નહોતો. એની શૉપના માલિકનું નામ સ્મરણમાં નથી. પરફ્યુમ પણ લીધા. દિવાળી આવવાની હતી. સ્વજનો તથા કંપનીના સાથીઓને ભેટ માટે ચોકલેટ્સ અને પરફ્યુમ શ્રેષ્ઠ પસંદગીઓ હતી. બેઉનું થોડું શૉપિંગ દુબઈ એરપોર્ટ પણ થયું, કારણ ડ્યુટી ફ્રીમા લલચામણી ઑફર્સ હતી.
આ પહેલાં અમુક પ્રવાસમાં ખોટાં શૉપિંગ પણ કર્યાં હતાં. શ્રીલંકાના કેન્ડીની શૉપ્સમાં સેલ જોઈને ખાસ્સી ચીજો ખરીદી હતી. મલેશિયાના સ્ટોર્સમાં આડેધડ શૉપિંગ કર્યું હતું. હવે સદબુદ્ધિ છે કે ખપપૂરતું શૉપિંગ કરવું. બીજો નિયમ કે જેમના માટે જે લીધું એ વહેલી તકે આપી દેવું. વસ્તુ પડી રહે એ નકામું. ઘણીવાર વસ્તુ અંતે પહોંચે નહીં એવું પણ થાય. ખાવાપીવાની ચીજોમાં ખાસ ધ્યાન રાખવું પડે છે.
યુએઈમાં ઇલેટ્રોનિક્સ ચીજો ખરીદી શકાય. કિંમત થોડી ઓછી હોય છે. ભારત સરકારે ટીવી જેવી ચીજો પર ડ્યુટી વધારી ના હોત તો સ્માર્ટ ટીવી પણ લાવી શકાય. એપલ ફોન સહિતની પ્રોડક્ટ્સ પણ સસ્તી પણ મોટો ફરક નથી. યુએઈમાં વનપ્લસના મોબાઇલ ઓછા અને એ વેચતી શૉપ્સ પણ ગણીગાંઠી છે.
ઇલેક્ટ્રોનિક્સ માટે ત્યાં શરાફડીજી, જમ્બો જેવી ઓફ્ફલાઇન અને ઓનલાઇન શૉપ્સ છે. જરૂરી નથી જે ઓનલાઇન મળે એ શૉપમાં પણ હોય. બેઉ જગ્યાએ સરખી પ્રોડક્ટના ભાવ અલગ હોઈ શકે. શરાફડીજીના એક સેલ્સમેને કારણ જણાવ્યું, “શૉપનો માલ અમારો પોતાનો, ઓનલાઇન મળે એમાં અન્ય સેલર્સ પણ હોય. એમના માલની અને ભાવની જવાબદારી એમની રહે છે.”
લેપટોપ પણ સસ્તાં છે. યોગ્ય શૉપ અને ઓફરમાં ફાયદો થઈ શકે. લેપટોપમાં અરેબિક કીબોર્ડ હોઈ શકે છે. અમુક કીઝ પણ હોય છે. આવા કીબોર્ડવાળું લેપટોપ લેવું સલાહભર્યું નથી. ઇન્ટરનેશનલ વોરન્ટીની તપાસ પણ કરી લેવી.
લેપટોપ ખરીદવા અમે બર દુબઈમાં કોમ્પ્યુટર પ્લાઝા નામના કોમ્પ્લેક્સમાં ગયા હતા. ત્યાં લેપટોપ અને કોમ્પ્યુટર એક્સેસરિઝ જ મળે છે. ઘણાં લેપટોપ જોયાં. છેવટે પસંદગીનો કળશ નૂન નામની કંપની પર ઢોળીને ઓનલાઇન ખરીદી કરી. કારણ ઓફ્ફલાઇન અને ઓનલાઇનમાં ભાવફરક ખાસ્સો હતો. મનમાં શંકાઓ પણ હતી. એ નિવારી હર્ષિલે અને પ્રણવે, “બિનધાસ્ત ઓર્ડર આપો. નૂન ભરોસેમંદ છે. અમે ઘણી ચીજો ત્યાંથી મગાવી છે.” ખરીદેલું લેપટોપ પરફેક્ટ નીકળ્યું. ભારતની કિંમતની તુલનામાં ત્રીસેક ટકા સોંઘું પડ્યું. ઇન્ટરનેશનલ વોરન્ટી નથી પણ ટોચની બ્રાન્ડ હોવાથી બહુ ચિંતા કરી નહીં. વોરન્ટી સાથેની ચીજમાં આપણને યેનકેન રીતે, “યે વોરન્ટી મેં નહીં આતા,” કરીને કંપનીઓ ક્યાં છેતરતી નથી? દેખા જાયેગા.
વપરાયેલાં લેપટોપ્સ વેચતી ઘણી શૉપ્સ છે. એ પાણીના ભાવે ખરીદી શકાય છે. ખરીદી વખતે ચોકસાઈ રાખવી. અન્યથા, સેકન્ડ હેન્ડ ચીજ છેવટે સેકન્ડ હેન્ડ જ હોય. બગડે તો ફરિયાદ કરવા યુએઈ જવાતું નથી. આવી શૉપ્સમાં પડેલાં લેપટોપ્સના ખડકલા મગજ બહેર મારી જાય એવા હોય છે. હજાર-બે હજારમાં ત્યાં ક્રોમબુક જેવાં બેઝિક લેપટોપ મળે છે.
મારી કંપનીમાં કામ કરી ચૂકેલાં મારાં બે સાથીઓ દુબઈ છે. રશ્મી (રશ્મીભાભી નહીં, અન્ય એક રશ્મી) અને શિવમ, જે ફ્રીલાન્સ કામ માટે આવતો હતો. હું જોકે શિવમને મળી શક્યો નહીં. અમારા અને એના વિસ્તાર વચ્ચે ખાસ્સું અંતર અને નવી નોકરીને લીધે તાણ વધુ હોવાથી એ અટવાયેલો હતો. એનાં મમ્મીએ એના માટે મોકલાવેલી ચીજો હાથોહાથ આપવાની ઇચ્છા હતી. છેવટે ધર્મેન્દ્રભાઈના ઘરે રાખવી પડી હતી. રશ્મી એક સાંજે બર દુબઈના મેટ્રો સ્ટેશન બહાર એના હસબન્ડ સાથે મળી. કૉફી શૉપમાં કલાકેક અલકમલકની વાતો કરી. ત્યાંથી ગયા મનખૂલ, હર્ષિલના ઘરે.
હર્ષિલ આંખ સામે મોટો થયો છે. એનો દીકરો વંશ હમણાં જ વરસએકનો થયો. નાનું બાળક સામાન્યપણે આગંતુકોને જોઈને તરત હળીભળી જતું નથી. નવા ચહેરા સાથે એને તાદાત્મ્ય સધાતા વાર લાગે છે. વંશના મામલે સરપ્રાઇઝિંગલી એવું ના થયું. બીજી મિનિટે એ એવો રમવા માંડ્યો જાણે રોજ અમારી સાથે રમતો હોય. વંશે એવા રાજીનાં રેડ કર્યાં કે સાંજ સુધરી ગઈ અને થાક ઊતરી ગયો.
ડિનર હર્ષિલ-રિંકલ સાથે હતું. મેઇડ વંશને પોઢાડવા લઈ ગઈ પછી કરામા ગયાં. કરામાનો પહેલાં ઉલ્લેખ થયો છે. ડિનર માટે એફએમ 108 રેસ્ટોરાંમાં ગયાં. એની વાત પણ થઈ છે. નામમાં 108 હોવાનું કારણ ત્યાં 108 વાનગીઓ મળે છે. મસ્ત એમ્બિયન્સ અને પરફેક્ટ ફૂડના કોમ્બિનેશનવાળી આ રેસ્ટોરાં દુબઈ વિઝિટમાં ટ્રાય કરવા જેવી છે.
બીજી બે રેસ્ટોરાંનો ઉલ્લેખ કરું. એક છપ્પનભોગ જે કરામામાં જ હતી. અમે ત્યાં મોડેથી ગયાં હતાં. રેસ્ટોરાં ખાલી છતાં સર્વિસનાં ઠેકાણાં નહોતાં. એક વેઇટર ઓર્ડર લેવા આવ્યો તો કહે કે એક-બે ચીજો જ મળશે. માન્યું કે મોડું થયું હોવાથી વાનગીઓ ખૂટી હોય. વાંધો એ હતો કે વેઇટર, કાઉન્ટર પરની વ્યક્તિ કે અન્ય કોઈને ગ્રાહકમાં રસ નહોતો. બીજા ચાર-પાંચ ગ્રાહકો પણ ગુસપુસ કરી રહ્યા હતા. અમે ટેબલ છોડ્યું અને પંજાબ બાય અમૃતસર, જેમાં જયમીન સાથે ડિનર લીધું હતું, ત્યાં પોહંચી ગયાં. બીજી એક રેસ્ટોરાં પુરણમલની ઘણી શાખાઓ છે. એ ઠીકઠીક હતી. અમે જે શાખામાં ગયાં એ દુબઈ ઇન્વેસ્ટમેન્ટ પાર્કમાં હતી. વાનગીઓની યાદી ખાસ્સી હતી. મીઠાઈ-ફરસાણ પણ મળતાં હતાં.
ડિનર અને વાતચીતના દોરમાં મધરાત થઈ. હર્ષિલ અમને પાછાં મૂકી ગયો. સ્વજનોને મળવું યાદગાર રહ્યું. સ્વદેશમાં ઘણીવાર જાણતા-અજાણતા સ્વજનોને મળવાને મહત્ત્વ અપાતું નથી. વિદેશમાં સ્વજનને મળવાથી ખુશીના ફુવારા ઊડવા માંડે છે. દુબઈમાં ભારતીયો અને આપણી ભાષાઓ બોલનારા સર્વત્ર છે. અમને મરાઠીઓ પણ મળ્યા, ગુજરાતીઓ, દક્ષિણ ભારતીયો અને પંજાબીઓ પણ મળ્યા. પરદેશમાં કોઈક અમસ્તું પણ આપણી ભાષા બોલે કે રોમાંચ થાય છે. મકાઉમાં ભારતીય ભોજન માટે એક રેસ્ટોરાંમાં ગયા હતા. માલિકે હિન્દીમાં (પંજાબીમાં) વાત કરી ત્યારે ગજબ આનંદ થયો હતો. અમે ડિનર ઓર્ડર કર્યું પણ એની સાથે લટકામાં મળતાં લીંબુ-કાંદાની પ્લેટ ના આવી. અમે કહ્યું પાજી, પ્યાજ-નીંબુ દેના જરા. એણે પ્રેમથી કહ્યું, “ ઝરૂર, લેકિન ઉસકે 200 રૂપયે લગેંગે. યહાં વો ફ્રી નહીં મિલતા.” નવાઈ તો લાગી પણ અમે કહ્યું લાવો. અઠવાડિયા પછી પોતાની લાગે એવી રેસ્ટોરાંમાં ગમતાં ભોજન અને પોતાની બોલી વચ્ચે કાંદા-લીંબુ માટે 200 રૂપિયા બિલકુલ ઓવારી જવાય.
હવે છેલ્લા બે ભાગ. એકમાં મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર અને અન્ય. બીજામાં દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત. મળીએ.
ટૂંકમાં…
  • યુએઈમાં કારની જેમ ઇમારતો પણ જૂની હોવા છતાં નવી લાગે. ઇમારતોનાં પેસેજ, સીડી, લિફ્ટ, પાર્કિંગ એરિયા, બધું વેલ મેઇન્ટેઇન્ડ. પ્રવેશદ્વાર અને લૉબી થ્રી અને ફોર સ્ટાર હોટેલ્સને શરમાવે એવી હોય છે. આપણે ત્યાં ભવ્ય સ્કાયસ્ક્રેપર્સ પણ બે-ચાર વરસમાં મેઇન્ટેનન્સના અભાવે કદરૂપાં લાગે છે. આપણે ત્યાં બિઝનેસ અને નોકરીની વિપુલ તકો મેઇન્ટેનન્સના ક્ષેત્રમાં છે.
  • ઘરબહાર કોઈ ચીજ મૂકવી નહીં એવો વણલખ્યો નિયમ સૌ પાળે છે. સ્વચ્છતા ઘરમાં અને ઇમારતમાં પણ રહેવી જોઈએ એમ સૌ વર્તે છે.
  • મનખૂલ હાડોહાડ ભારતીય અથવા કહો ભારતીય ઉપખંડનો વિસ્તાર છે. દર્શિતા અને હર્ષિલના મતે દિવાળીમાં ત્યાં જેવો ઝગમગાટ હવે કદાચ ઇન્ડિયામાં પણ ઓછો જોવા મળે છે.
  • ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ વખતે ત્યાં ઉત્તેજના અને ઉશ્કેરાટનો માહોલ હોય છે. શિસ્ત અને કડપનો દેશ હોવાથી છમકલાં થતાં નથી કે વાત ગંભીર વળાંક લેતી નથી.
  • દર્શિતાના ઘરે જતાં ખોટી જગ્યાએથી રસ્તો વટાવ્યો હતો. એ એણે બાલકનીમાંથી જોયું હતું. અમે પહોંચ્યાં તો કહે કે ભાઈ, નસીબદાર છો, આજે કોઈ કાકો ઊભો નથી, બાકી 420 દિરહામ ફાઇન લાગી જાત.
  • હર્ષિલના જણાવ્યા પ્રમાણે કતારમાં ફૂટબોલ વર્લ્ડ કપ શરૂ થશે કે દુબઈમાં પણ લોકોનાં ધાડાં ઉમટશે. જેઓને કતારમાં હોટેલ મળી નથી એવા ઘણા ફૂટબોલરસિયા દુબઈ રહેશે. ઘણી હોટેલ્સમાં મોટી સ્ક્રીન્સ પર મેચ જોવાનો લહાવો પણ લઈ શકાશે. (ક્રમશ:)

 

Share: