દુબઈયાત્રામાં એક વીકએન્ડ હતો. ધર્મેન્દ્રભાઈએ કહ્યું હતું, “વીકએન્ડમાં લોન્ગ ડ્રાઇવ પર જઈશું.” પ્રજ્ઞેશ પણ સપરિવાર જોડાવાનો હતો.
ભાઈભાભીએ પ્રવાસની ઇમ્પ્રેસિવ કરી ગોઠવણ હતી. ભાભીએ પોતાનાં પ્રોફેશનલ કમિટમેન્ટ્સ રદ કર્યાં હતાં. અમને તકલીફ ના પડે એ માટે એમની તજવીજો વિશે ઘણું લખી શકાય. ધર્મેન્દ્રભાઈ દરરોજ ટ્રેક રાખતા હતા. કશેક જવાના હોઈએ તો, “બરાબર પહોંચ્યાં? તકલીફ નથી પડીને? ફરી લીધું? લેવા આવી જાઉં?” એવી પૂછપરછ અચૂક કરતા. એ પણ સુનિશ્ચિત કર્યું કે અમે કશેક એકલાં જઈએ તો અમને લેવા એ અથવા ભાભી આવે જ. સમય ગમે તે થયો હોય. સાથે અમારી મનેચ્છાઓ વચ્ચે પ્લાનિંગ આવે નહીં, અને પ્રાઇવસી પણ જળવાય એની તકેદારી રાખી.
સમય એવો છે કે હવે કોઈને કોઈના માટે સમય નથી. શહેરના માણસો પોતાનામાંથી ઊંચા આવતા નથી. આડેધડ જીવનશૈલીથી આપણે ત્યાં વધુ ટંટો છે. ધર્મેન્દ્રભાઈ કહે, “અમે મુંબઈ આવીએ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા દમ નીકળી જાય. પાછું માણસોના કામકાજના કલાકો નક્કી નહીં એટલે કોઈને મળવું કે કોઈ આપણને મળે બેઉનાં ઠેકાણાં ના હોય.”
વાત ઘણે અંશે સાચી હતી. ત્યાં ધર્મેન્દ્રભાઈ, પ્રજ્ઞેશ, જયમીન, હર્ષિલ… સૌ વર્કિંગ અવર્સમાં સખત બિઝી પણ પછી નિરાંત. આપણે આવું સુખ મળે? મુંબઈમાં એક ખૂણે રહેતું જણ બીજા ખૂણે કામે જવામાં કલાકો ખર્ચીને નિચોવાઈ જાય. કામકાજની મોટાભાગની જગ્યાઓ પણ બહુ આરામદાયક નથી. નાની ઓફિસમાં માણસો અથડાતા-કુટાતા કામ કરે. એમાં આર્થિક હાડમારી. આવકજાવક વચ્ચે ટાંટિયા ઝટ ભેગા થાય નહીં. પ્રદૂષણ, ભીડ, અજંપો, તાણ, અવ્યવસ્થા, ભારતીયોને પતાવી નાખે છે. કાશ…
મારો મૂળ વિચાર એકાદ-બે દિવસ ધર્મેન્દ્રભાઈના ઘરે રહીને હોટેલમાં શિફ્ટ થવાનો હતો. એમણે તક આપી જ નહીં!
વીકએન્ડમાં એક દિવસ પસાર કર્યો દેરા દુબઈની બજારોની લટાર મારવામાં અને જબેલ અલી ગામ સ્થિત ગુરુદ્વારા અને હિંદુ મંદિરે દર્શનમાં. સવાર પડી બજાર વિસ્તારથી. બર દુબઈથી દેરા દુબઈ, આબરા નામની જગ્યાએથી બોટમાં જઈ શકાય છે. ભાડું એક જણનું એક દિરહામ. બેઉ વિસ્તાર જૂના અને એશિયન પ્રજાથી છલકતા છે. બર દુબઈ મુખ્ય શહેર સાથે વેલ કનેક્ટેડ છે. દેરા દુબઈમાં વિવિધ સૂક એટલે બજારો છે. એમાં ગોલ્ડ સૂક, સ્પાઇસ સૂક સામેલ છે. કપડાંથી સુવેનિયર સુધી બધું ત્યાંની વિવિધ બજારો અને દુકાનોમાં મળે છે. સાંકડી શેરીઓ અને ગીચતા બજારોને નોખી પાડે છે. ગોલ્ડ સૂકનો એક નવો ભાગ સુસજ્જિત, મોકળાશભર્યો અને મોડર્ન હતો.
ગોલ્ડ સૂકની દુકાનોમાં માથું ચકરાવે ચડી જાય એવા દાગીના હતા. સોનાને તોલામાં સમજતા મગજને જ્યારે કિલોમાં બનેલા દોગીના દેખાય ત્યારે થાય પણ શું? એક કિલો સોનું કેટલાનું? પાંચ કરોડથી વધારે રૂપિયાનું. આટલા સોનામાંથી બનેલો હાર ખરીદવાની આર્થિક તાકાત એક વાત છે અને એને પહેરવો બીજી વાત. બેઉ અઘરાં કામ છે. યુએઈના સ્થાનિક ધનાઢ્યો આવા હાર અને અન્ય દાગીના ખરીદી જાણે છે. મહિલાઓ પહેરી પણ જાણે છે. ક્યા બાત.
લગભગ બધે ગ્રાહકો હતા. દુનિયા સામાન્ય થવા માંડી છે. લોકોની ખરીદશક્તિ પર અવળા સમયની અસર પડી નથી એવું લાગી રહ્યું હતું. સ્પાઇસ સૂકમાં એવા મસાલા પણ હતા જે આપણે ઓછા જોયા હોય અથવા જેના વિશે આપણું જ્ઞાન શૂન્ય હોય. પર્યટકો માટેની બજાર હોવાથી મસાલાના ભાવ વધારે હતા. ગ્રાહકોને આકર્ષવા દુકાનવાળા સાદ પાડીને આમંત્રી રહ્યા હતા.
ત્યાંથી મેટ્રોમાં અમે કાર સુધી ગયાં. દુબઈ મેટ્રોમાં પ્રવાસ કરવાનો આ પહેલો અવસર હતો. દુબઈમાં પર્યટક માટે મેટ્રો કાર્ડ અનિવાર્ય છે કેમ કે વારંવાર મેટ્રોમાં પ્રવાસ કરવાનો રહે છે. મેટ્રોનું નેટવર્ક પ્રમાણમાં નાનું છતાં ઉપયોગી છે. રિચાર્જ કાર્ડ અથવા ટિકિટ લઈને પ્રવાસ કરી શકાય છે.
ફ્રેન્ચ કંપની કેઓલિસ દુબઈ મેટ્રોનું સંચાલન કરે છે. રેડ અને ગ્રીન લાઇન એના બે મુખ્ય ફાંટા છે. ટ્રેનો ડ્રાઇવર વિનાની અને ફુલ્લી ઓટોમેટેડ છે. મેટ્રો અંડરગ્રાઉન્ડ અને એલિવેટેડ પણ છે. કુલ 45 સ્ટેશન્સ છે. નેટવર્ક આશરે 90 કિલોમીટર છે. દુબઈની દસેક ટકા પ્રજા રોજ મેટ્રોમાં પ્રવાસ કરે છે. શરૂઆતમાં ઓછા પ્રતિસાદ પછી મેટ્રોની લોકપ્રિયતા વધારવા દુબઈ આરટીએએ એની સાથે બસ કનેક્ટ કરી છે. મેટ્રો સ્ટેશનથી બહાર નીકળી આગળ બસમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકાય છે. એનાથી મેટ્રોની લોકપ્રિયતા વધી છે. દરેક સ્ટેશને એવી સગવડ નથી. જાઇટેક્સ એક્ઝિબિશન વખતે મેટ્રો ખીચોખીચ હતી. એવી કે પહેલા દિવસે માનવમહેરામણને લીધે મેટ્રો બંધ કરી દેવાઈ હતી. પછી તરત ઉત્કૃષ્ટ પગલું લેવાતા પણ જોયું હતું.
આઈટીના વિશ્વના એક સૌથી અગત્યના એક્ઝિબિશન જાઇટેક્સમાં દોઢેક લાખ લોકો ઉમટ્યા હતા. આવી ભીડ માટે દુબઈ મેટ્રો કદાચ સક્ષમ નથી. એ દિવસે એટલે જ લાઇન બંધ કરી દેવી પડી. પછી ગણતરીની મિનિટોમાં તમામ કોઓર્ડિનેશન સાથે ફરી મેટ્રો શરૂ! વચ્ચેની મિનિટોમાં ગજબ નિર્ણય લેવાયા. સ્ટેશને પ્રવેશવા કાર્ડ કે ટિકિટ સ્વાઇપ કરવાનું બંધ કરાયું. પ્રવાસી જે સ્ટેશને ઊતરે ત્યાં એ કાર્ડ-ટિકિટ સ્વાઇપ થાય. બીજું પગલું બે ટ્રેન વચ્ચેનો સમય ઘટાડવાનું હતું. ડાબી આંખે એક ટ્રેન જતી અને જમણી આંખે બીજી આવતી દેખાય એવી લગાતાર ટ્રેનો દોડી. સ્ટેશન અને ટ્રેનના દરેક ગેટ પર ભીડના મેનેજમેન્ટ માટે કર્મચારી તહેનાત હતા. ગિરદીમાં ઉપરતળે થતા પહેલાં તો થોડીવારમાં બધું પૂર્વવત્ અને અસ્ખલિત થઈ ગયું. ધેટ વૉઝ ફેન્ટાસ્ટિક મેનેજમેન્ટ.
જબેલ અલીમાં એક જ સ્થળે મંદિર, ગુરુદ્વારા અને ચર્ચ છે. ધર્મ સહિષ્ણુતા અને કોમી એખાલસને અનુસરતા યુએઈમાં હિંદુ મંદિરો આમ તો પહેલેથી છે. સૌપ્રથમ મંદિર સાઠેક વરસ પહેલાં બર દુબઈમાં બન્યું હતું. એમાં ભગવાન કૃષ્ણ અને શિવજી બિરાજમાન છે. આ નવા મંદિરમાં કૃષ્ણ-શિવજી સહિત સોળેક દેવીદેવતાઓ છે. પાડોશમાં વિશાળ ગુરુદ્વારા હોવા છતાં ગ્રંથસાહેબ પણ છે.
અલ્ટ્રામોડર્ન બાંધકામ, સ્વચ્છ ઇન્ટિરિટર, મોકળાશ અને શ્રદ્ધા છલકતું વાતાવરણ હતું. ગુરુદ્વારામાં પણ સુઘડતા, સ્વચ્છતા અને મોકળાશ હતી. ગુરુદ્વારાના નામે એક વિશ્વ રેકોર્ડ છે. 101 દેશના નાગરિકોની ઉપસ્થિતિ સાથે લંગરમાં સામૂહિક પ્રસાદનો. ગ્રંથસાહેબનાં દર્શન કરીને લંગર ગયાં. કોરોના પહેલાં એ લગભગ એકધારી કાર્યરત રહેતી હતી. હવે સમયાનુસાર ચાલે છે. ભાવિકોને પીરસાતી ચા અમે પીધી. એટલી સરસ કે બીજીવાર લીધા વિના રહેવાયું નહીં.
વીકએન્ડનો એક દિવસ પસાર કર્યો ફુજૈરાહમાં. દુબઈથી આશરે સવાસો કિલોમીટરનો પ્રવાસ ખેડીને ત્યાં ગયાં. ફુજૈરાહ પહેલાં હૉલ્ટ હતો. જાતજાતનાં ફળ, જાજમ સહિતની ચીજોની દુકાનો હતી. અમુક ફળ આપણે ત્યાં ખાસ જોવા મળે નહીં. ફળો અને ચાની ચુસ્કીઓ માણીને આગળ વધ્યાં.
યુએઈનું સાતમું સૌથી મોટું શહેર ફુજૈરાહ ગલ્ફ ઓફ ઓમાનમાં છે. યુએઈની એકમાત્ર એવી હેજર માઉન્ટેન્સ પર્વતમાળા અહીં છે. શહેરની વસતિ લાખેકની છતાં માળખાકીય સુવિધાઓ ઉત્કૃષ્ટ છે. યુએઈની બીજી સૌથી મોટી શેખ ઝાયેદ મસ્જિદ અહીં છે. ફુજૈરાહમાં પહેલું સ્ટોપ લન્ચનું, કારણ પહોંચ્યા હતાં બપોરે.
ફુજૈરાહમાં ચાર મોટા મૉલ્સ છે. અમે સિટી સેન્ટર મૉલમાં ગયાં. લન્ચનું વિચારતાં પ્રજ્ઞેશને યાદ આવ્યું, “ગુજરાતી ભાણું ખાઈએ? સરસ ભોજનાલય છે.” પ્રજ્ઞેશને કામકાજને લીધે યુએઈનાં અંતરિયાળ સ્થળોનો સારો અનુભવ છે. ભોજનાલયનું તો ભાવતું’તું ને વૈદે બતાવ્યા જેવું થયું. ભળતીસળતી ચીજો કરતાં ગુજરાતી ભોજન ક્યાંય સારું.
મૂળ પોરબંદરના પરિવાર સંચાલિત રિગલ રેસ્ટોરાં નામનું ત્યાંનું ભોજનાલય અસલ વીશી જેવું હતું. મોડી બપોરે અમે છેલ્લા ગ્રાહકો હતા. પીરસનાર પોતે માલિક અને આગ્રહ કરીકરીને પીરસે. રોટલીઓ ગરમાગરમ આવે. ખાવામાં મોડું થતાં રોટલી ટાઢી થાય તો કહે, “એ રહેવા દો, બીજી ગરમ આવે છે.” વાહ રે ગુજરાતી ખાણીપીણી અને એના ખવડાવનાર.
દિલથી જમ્યાં અને વધ્યાં આગળ. સખત બપોરે તડકો વીફર્યો હતો. અમે દરિયાકિનારે પહોંચ્યાં. કમાલની સગવડો હતી. યુએઈની પ્રજા માટે ફુજૈરાહ એક મનગમતું વીકએન્ડ પૉઇન્ટ છે. મોડી સાંજે ત્યાં મહેરામણ જામે છે. ત્યાંથી ખોર ફક્કાન નામની જગ્યાએ સ્થિત શીસ રિક્રિએશનલ પાર્કમાં ગયાં. આઠ મહિનામાં આ આખો પાર્ક ઊભો થયો છે. એકાદ-બે દિવસ પહેલાં વરસાદ પડવાથી એ મેઇન્ટેનન્સ માટે બંધ હતો. અમે ડેલે હાથ દઈને પાછાં વળ્યાં.
ફુજૈરાહમાં વરસાદ પડતાં આવી અગવડો સર્જાય છે. ધર્મેન્દ્રભાઈએ જણાવ્યા પ્રમાણે ફુજૈરાહ નહીં, દુબઈમાં પણ વરસાદથી અગવડો થાય. પાણીના તાત્કાલિક નિકાલ માટે ત્યાં ડ્રેનેજ સિસ્ટમ નથી. યુએઈમાં વરસે 140-200 મિલિમીટર વરસાદ પડે છે. ફુજૈરાહ જેવા પર્વતીય વિસ્તારોમાં 350 મિલિમીટર પડે છે. હવે જોકે સત્તાધીશો પગલાં ઉઠાવી રહ્યાં છે. પાણી ભરાય તો નિકાલ માટે પાણી ઉલેચનારાં વાહનો તરત પહોંચી જાય છે.
અલ મીના રોડ પસાર કરતાં અમે અલ રફીસા ડેમ જઈ રહ્યાં હતાં. માર્ગમાં ગગનચુંબી ઇમારતો હતી. એક લાખની વસતિ છતાં આવી ઇમારતો નવાઈ જેવી હતી. વચમાં ફુજૈરાહ ઓઇલ ટર્મિનલ્સ હતાં. એ દુનિયાનું બીજા ક્રમાંકનું સૌથી મોટું ઓઇલ બન્કરિંગ હબ છે. ત્યાં સાઉદીની આરામકો સહિતની અગ્રણી વૈશ્વિક ઓઇલ કંપનીનાં ટર્મિનલ્સ છે. એ વટાવતાં અમે પહોંચ્યાં ડેમ જેની નજીક માનવસર્જિત તળાવ સાથે પર્યટનલક્ષી સગવડો છે. ફુજૈરાહ નજીક, શારજાહમાં અલ ફોક્કાન નામની જગ્યાએ આવેલા આ તળાવે બોટિંગ પણ કરી શકાય છે. રફીસા લાઉન્જ એન્ડ કેફે પણ એકદમ સરસ છે. એના ઓપન સિટિંગ એરિયામાં બેસી આખું તળાવ જોઈ શકાય છે.
સાંજ આનંદભરી અને વળતો પ્રવાસ મસ્ત રહ્યો. પર્વતો ભેદીને બનેલા વિશાળ રસ્તે થઈને અમે દુબઈ આવ્યાં. સાંજે મનખૂલ વિસ્તારમાં પ્રભુ નામની સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાંમાં પેટપૂજા કરી. ક્યારેક એની સર્વિસ અને વાનગીઓ બહુ સારી હતી જે હવે ખાસ વખાણવાલાયક નથી. તો પણ દેશી ભોજન માટે એ સહ્ય રેસ્ટોરાં છે.
આગળ વાત કરશું શૉપિંગની.
ટૂંકમાં…

 

  • ફુજૈરાહમાં સ્નોર્કેલિંગ અને સ્કુબા ડાઇવિંગની સગવડો છે. ફુજૈરાહ ફોર્ટ અને મ્યુઝિયમ પણ છે. મ્યુઝિયમનું એક મુખ્ય આકર્ષણ શાહમૃગનું ઇસવી સન પૂર્વે અઢી હજાર વરસ જૂનું ઇંડું છે.
  • ફુજૈરાહ એરપોર્ટનો ઉપયોગ મુખ્યત્વે માલની હેરફેર માટે થાય છે. પાકિસ્તાન એરલાઇનની પેસેન્જર ફ્લાઇટ્સ એની સાથે કનેક્ટેડ છે. આપણે ત્યાંથી ફુજૈરાહની ફ્લાઇટ શરૂ થવાની છે.
  • ફુજૈરાહની શેખ ઝાયેદ મસ્જિદમાં એકસાથે 28,000 ભાવિકો બંદગી કરી શકે છે. એની શ્વેત ઇમારત શહેરનાં અનેક સ્થળોથી દેખાય છે.
  • યુએઈની રિયલ એસ્ટેટ હમણાં સુધી મંદીગ્રસ્ત હતી. લૉકડાઉનને લીધે સરિયામ નિષ્ફળ ગયેલા દુબઈ એક્સ્પોથી એની ઇકોનોમીને જબરદસ્ત ફટકો પડ્યો હતો. આજે લગભગ બધી ઇમારતોમાં ઘર અને ઑફિસ ભાડે આપવા છેનાં હોર્ડિંગ્સ અને બોર્ડ્સ છે. કોરોના પછી યુએઈ ઝડપભેર બેઠું થઈ રહ્યું છે. એને લીધે ભાડાં વધવા માંડ્યાં છે.
  • દુબઈનો રાજવી પરિવાર જેમાં રહેતો એ ઇસવી સન 1986માં બનેલું એમનું મૂળ ઘર બર દુબઈમાં છે. શેખ સઇદ અલ મખ્તોમ હાઉસ એનું નામ. આજે એ શિંદાઘા મ્યુઝિયમ છે. મ્યુઝિયમ સવારે આઠથી રાતે સાડાઆઠ ખુલ્લું રહે છે. શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે ખુલે છે. પ્રવેશ ફી 15 દિરહામ છે. કોરોના પછી મ્યુઝિયમ હજી ખુલ્યું નથી.
  • મીના બાઝાર એટલે દુબઈનો જૂનો શૉપિંગ વિસ્તાર. ગોલ્ડ સૂક નામે સોનાની અલગ બજાર બજાર પણ છે. લૉકડાઉનમાં મીના બાઝારની દુકાનો પાણીના ભાવે મળતી હતી. વેપારીઓ ભીંસમાં હતા. આજે દુકાનોનાં ઓન બોલાય છે. ઓન એટલે ગમતી દુકાન ભાડે લેવા અઆનંદભરી આપવાનું તગડું વન ટાઇમ પેમેન્ટ. એ એક લાખ દિરહામ (આશરે બાવીસ લાખ રૂપિયા)થી પાંચ લાખ દિરહામ કે વધારે હોઈ શકે છે.
  • સોનાની ખરીદી માટે દુબઈ જાણીતું છે. ત્યાં સોનાનો ભાવ પ્રમાણમાં ઓછો છે. બીજો પ્લસ પૉઇન્ટ ગુણવત્તાનો છે. સોનાની દુકાનોમાં સરકારે જાહેર કરેલો સોનાનો દૈનિક ભાવ દર્શાવતાં બોર્ડ હોય છે.
  • મસાલા ખરીદવા માટે દુબઈ જાણીતું છે. ખરીદો તો એવા મસાલા કે જે આપણે ત્યાં ઓછા મળતા હોય, અથવા જેના ભાવ આપણા કરતાં સારા એવા ઓછા હોય.
  • દુબઈ મેટ્રોમાં ખાવાપીવાની છૂટ નથી. નિયમભંગ કરો તો 100 દિરહામ દંડ છે. કોણ જોવાનું એવા ભ્રમમાં પણ નહીં રાચતા. કેમેરા અને એના પર નજર રાખનારા બેઉ ચાંપતાં કામ કરે છે. (ક્રમશ:)
Share: