સુપરસ્ટાર્સની ફિલ્મો હારબંધ નિષ્ફળ જાય ત્યારે ચિંતા થવી સ્વાભાવિક છેઃ યે ક્યા હો રહા હૈ બોલિવુડ મેં? સાઉથની ફિલ્મો હિન્દી ફિલ્મોના દલ્લામાં ભાગ પડાવવા માંડી છે એ સ્પષ્ટ છે. સાથે, યુવા કલાકારોની નોખી ફિલ્મોએ પણ સુપરસ્ટાર્સની ફોર્મ્યુલા ફિલ્મો સામે પડકાર ફેંક્યો છે. કરીએ વાત સુપરસ્ટાર્સની અને નવા સિતારાઓની

તમે આ વાંચતા હશો ત્યારે કાર્તિક આર્યનની છેલ્લી ફિલ્મ ભૂલભૂલૈયા ટુ સુપર હિટ થઈને કદાચ સવાસોથી દોઢસો કરોડ રૂપિયાનું બૉક્સ ઑફિસ કલેક્શન નોંધાવી ચૂકી હશે. 2022માં બોલિવૂડની ૧૧ મોટી ફિલ્મો રિલીઝ થઈ છે. એમાંની રાધેશ્યામ દક્ષિણના અભિનેતા પ્રભાસવાળી અને ડબ્ડ હતી. 11 ફિલ્મોમાંથી ગંગુબાઈ કાઠિયાવાડી, ધ કાશ્મીર ફાઇલ્સ જ બૉક્સ ઑફિસ પર ભૂલભૂલૈયા કરતા સારું પરફોર્મન્સ ધરાવે છે. બેઉ ફિલ્મમાં બોલિવુડનો કોઈ સુપરસ્ટાર નહોતો. આલિયા ભટ્ટ અભિનેત્રી અને નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરનારી. એટલે આપણે ગંગુબાઈને નહીં છેડીએ. મુદ્દો અભિનેતાઓનો લેવો છે. અક્ષય કુમારની બચ્ચન પાંડે ખરાબ રીતે પીટાઈ. રૂપિયા પોણાબસો કરોડના નિર્માણખર્ચ સામે કમાઈ અંડર ૭૦ કરોડ રૂપિયા. શાહિદ કપૂરની જર્સી બની આશરે રૂપિયા ૬૦ કરોડમાં અને કલેક્શન રૂપિયા ૩૦ કરોડથી ઓછું. અજય દેવગનની રનવે 34 બની આશરે ૭૦ કરોડમાં અને કલેક્શન ૫૦ કરોડથી ઓછું. નવી પેઢીના સ્ટાર ટાઇગર શ્રોફની હિરોપંતી ટુ બની આશરે ૭૫ કરોડમાં અને કલેક્શન માંડ ૩૫ કરોડ. સરવાળે માંધાતા સુપરસ્ટાર્સ 2022માં ધૂળ ચાટતા થયા છે.

સામે પક્ષે કાર્તિક આર્યન જેવા અભિનેતાની ફિલ્મે બૉક્સ ઑફિસ પર ઝંડો લહેરાવી દીધો. કાર્તિકને ઘણાએ ઓછો આંક્યો છે. 2011માં પ્યાર કા પંચનામા સાથે એણે પદાર્પણ કર્યું હતું. એક દાયકા પછી એ જસ્ટ અનધર એક્ટરમાંથી બેન્કેબલ સ્ટાર બન્યો છે. એ અલગ વાત કે ઓટીટી પર રિલીઝ થયેલી 2021ની એની ધમાકા ગાજી નહોતી. કાર્તિક એકલો નહીં, બીજા પણ ઊગતા સિતારા છે જે પ્રસ્થાપિત સુપરસ્ટાર્સને હંફાવવાની ક્ષમતા દર્શાવી રહ્યા છે. એમની વાત કરવી છે. પહેલાં જોકે વાત કરીએ બોલિવૂડના એ પાંચેક સુપરસ્ટાર્સની જેમણે દાયકાઓ સુધી દબદબો ટકાવી રાખ્યો. આગળ શું થશે એ સમય નક્કી કરે પણ આ સુપરસ્ટાર્સ અને સાથે શાહિદ કપૂર, એમની વાત કરીને પહોંચીએ ઊગતા સિતારાઓની દુનિયામાં.

આમિર, સલમાન અને શાહરુખ. ત્રણેયનો જન્મ 1965માં. બે આવ્યા ફિલ્મી પરિવારમાંથી અને શાહરુખ આવ્યો નવી દિલ્હીથી, વાયા ટેલિવિઝન સિરિયલ્સ, દિલ દરિયા, સર્કસ અને ફૌજી. શાહરુખે જેનું શૂટિંગ પહેલવહેલું શરૂ કર્યું એ ફિલ્મ હતી હેમા માલિની દિગ્દર્શિત દિલ આશના હૈ. એની પહેલી રિલીઝ થનારી ફિલ્મ હતી રાજ કંવર દિગ્દર્શિત દીવાના. સાંભળ્યું એવું પણ છે કે રિશી કપૂર અને દિવ્યા ભારતીને ચમકાવતી એ ફિલ્મ વિશે, જેણે એસઆરકેને પ્રસ્થાપિત કર્યો, ખુદ શાહરુખે રિલીઝ પહેલાં કહ્યું હતું કે નહીં ચાલે આ ફિલ્મ. પરિણામ? સાંભળ્યું છે કે એ ફિલ્મના મહેનતાણાપેટે મળનારી એક લાખ રૂપિયા જેવી રકમ પણ એને મળી નહોતી. અને ફિલ્મ રહી હતી સુપર હિટ.

આમિરે ઓરિજનલી પદાર્પણ કર્યું બાળકલાકાર તરીકે યાદોં કી બારાત અને મદહોશ ફિલ્મથી. પૂર્ણ અભિનેતા તરીકે એન્ટ્રી મારી હોલી અને ખાસ તો કયામત સે કયામત તકથી. સ્ટેટ લેવલ ટેનિસ પ્લેયર રહી ચૂકેલો આમિર યુવાવસ્થામાં ડૉક્ટર કે એન્જિનિયર બનવાનાં સપનાં જોતો. નિર્માતા પિતાની ઘણી ફિલ્મો પીટાયા પછી પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. આમિરની ઇચ્છા હતી એવી કારકિર્દીની જે નિયમિત અને નિશ્ચિત આવક આપે. નસીબે જોકે એના માટે અલગ ખેલ તય કર્યો અને…

સલમાન ખાને પૂરક અભિનેતા તરીકે કરિયર શરૂ કરી, બીવી હો તો ઐસી ફિલ્મથી, 1988માં. પછીના વરસે આવી મૈંને પ્યાર કિયા અને બસ, સલમાને પાછા વળીને જોયું નથી. બોલિવુડના લેખક સલીમ ખાનના આ દીકરાએ પિતા અને ભાઈઓ કરતાં અનેકગણી સફળતા મેળવી છે.

ફાઇટ માસ્ટર વીરુ દેવગણના દીકરા વિશાલ ઉર્ફે અજયનો જન્મ 1969માં દિલ્હીમાં. કુકુ કોહલી દિગ્દર્શિત 1991ની સુપર હિટ ફિલ્મ ફૂલ ઔર કાંટેથી એણે પદાર્પણ કર્યું. કિસ્મતે એને ખાસ્સો સાથ આપ્યો છે. કારકિર્દીની રફ્તારમાં સૌથી મોટું વિઘન રહ્યું એના નિર્માણની પહેલી ફિલ્મ રાજુની નિષ્ફળતા. એ ફિલ્મ પછી અજયે સ્ટ્રેટેજી બદલી અને એવી કે આજ સુધી એની સફળતા અકબંધ છે.

અક્ષય કુમાર ઉર્ફે રાજીવ હરિઓમ ભાટિયાનો જન્મ અમૃતસરમાં. ત્યાંથી દિલ્હી, મુંબઈ રહી એ ગયો બેંગકોક અને કલકત્તા. સ્પોર્ટ્સમાં ઊંડો રસ એટલે આર્મી ઓફિસર પિતાએ બેંગકોક મોકલ્યો હતો જ્યાં એ શીખ્યો માર્શલ આર્ટ્સ અને થાઈ બોક્સિંગ. ત્યાં એણે શેફ અને વેઇટર તરીકે કામ કર્યું. પછી, પિતાએ પૂછ્યું કે જીવનમાં શું કરવું છે તારે, તો અક્ષયે કહ્યું અભિનેતા. દરમિયાન, દિલ્હીમાં જવેરાતની કંપનીમાં એણે કામ કર્યું અને મુંબઈ આવીને માર્શલ આર્ટ્સના કોચ તરીકે પણ કામ કર્યું. ગુજરાતી સેલિબ્રિટી ફોટોગ્રાફર જયેશ શેઠને એણે 18 મહિના આસિસ્ટ કર્યા અને પોર્ટફોલિયો એમની પાસે તૈયાર કરાવ્યો. પછી બન્યો મોડેલ. એકવાર મોડેલિંગના અસાઇનમેન્ટ માટેની ફ્લાઇટ ચૂકી જતાં નિરાશ વદને અક્ષય પહોંચ્યો ફિલ્મ સ્ટુડિયોમાં. ત્યાં મળી જીવનની પહેલી ફિલ્મ, પ્રમોદ ચક્રવર્તીની દીદાર. રિલીઝ થનારી પહેલી ફિલ્મ જોકે સૌગંધ હતી. પહેલી મોટી સફળતા અપાવનારી ફિલ્મ હતી ખિલાડી.

બિગ સ્ટાર્સમાં છેલ્લે આવે શાહિદ કપૂર. 2003ની સફળ ફિલ્મ ઇશ્ક વિશ્કથી એનું લોન્ચિંગ થયું. એ પહેલાં શાહિદે અમુક ફિલ્મોમાં ડાન્સર (તાલમાં પણ) તરીકે અને મ્યુઝિક વિડિયોઝમાં પણ કામ કર્યું. ઉપરના તમામ સ્ટાર્સ કરતાં શાહિદની કરિયર થોડી વધુ પરીક્ષાભરી રહી એમ કહો તો ચાલે. 2006ની વિવાહ અને 2007ની જબ વી મેટ પછી એ થાળે પડતો ગયો. કબીર સિંઘ એની સૌથી હિટ ફિલ્મ છે.

આપણે અડધે પહોંચી ગયા. હવે વાત કરીએ એ યુવા સ્ટાર્સની જેઓ સુપરસ્ટાર્સ માટે પડકાર બની શકે છે. એની પહેલાં બે એવા સિતારા યાદ કરી લઈએ જેઓ આપણી વચ્ચે નથી રહ્યા. બાકી આ લેખમાં એમની પણ ચર્ચા થાત. એક સુશાંત સિંઘ રાજપુત અને બીજો ઇરફાન ખાન. વ્હોટ એક્ટર્સ!

તો, એ કયા યુવા સિતારા જેઓ એમના સિનિયર પ્રતિસ્પર્ધીઓ (શાહિદને બાદ કરતાં) માટે પડકાર બની શકે છે?

ચાર નામ સૌથી પ્રમુખ છે. આયુષ્માન ખુરાના, કાર્તિક આર્યન, રાજકુમાર રાવ અને, જિતેન્દ્ર કુમાર. સાથે એક ચર્ચા જુદી કેટેગરીના એક્ટર્સની પણ કરશું, જે સ્ટાર્સ થી પણ એમનાથી ઓછા પણ નથી. તે, પહેલા વાત ચાર યુવા સિતારાઓની.

આયુષ્માન ખુરાના

આયુષ્માનનું મૂળ નામ નિશાંત. ચંદીગઢના આ યુવા કલાકારે એક જમાનામાં અમોલ પાલેકર અને ફારુખ શેખે સર્જેલી આગવી ઇમેજ અને સ્ટાઇલ ઊભી કરી છે. ફિલ્મો પહેલાં એણે ઘણા પાપડ વણ્યા છે. પાંચેક વરસ ગંભીરપણે થિયેટર કર્યું છે. દિલ્હીમાં રેડિયો જોકી તરીકે જોબ, એમટીવીના શોઝમાં એન્કરિંગ, એમટીવી રોડીઝ સીઝન ટુમાં વિજેતાપદ, ઇન્ડયા’ઝ ગોટ ટેલેન્માં હોસ્ટિંગ, આઈપીએલની સીઝન થ્રીમાં એન્કરિંગ… કરતાં કરતાં આયુષ્માન 2012માં પહોંચ્યો વીકી ડોનરથી બોલિવુડ સુધી. એ સિંગર અને સંગીતકાર પણ ખરો. એના ગીત પાની દા રંગ…નો ઉલ્લેખ અહીં પૂરતો છે.

શરૂઆતમાં ઘણાને હતું કે આયુષ્માન હીરો મટિરિયલ નથી. બોલિવુડમાં આવું અસંખ્ય કલાકારો માટે કહેવાતું રહ્યું છે. છેલ્લે બોલે છે કામ, કરિયર ઘડવાની આવડત અને કિસ્મત. આયુષ્માન ત્રણેયમાં નસીબવંતો. કઈ ફિલ્મ સ્વીકારવી એ મામલે એનું શાણપણ ગજબનું છે. નૌટંકી સાલા, હવાઇઝાદા (ભલે નિષ્ફળ પણ હતી નોખા ટાઇપની), દમ લગા કે હઇશા, મેરી પ્યારી બિંદુ, બરેલી કી બરફી, શુભ મંગલ સાવધાન, અંધાધૂન, બધાઈ હો, આર્ટિકલ 15, ડ્રીમગર્લ, બાલા… વૈવિધ્યસભર અને રિયલિસ્ટિક પાત્રોથી આયુષ્માનને આગવી ઇમેજ બનાવી છે. 2015થી 2020 સુધી એણે નામમાત્રની નિષ્ફળતા જોઈ. છેલ્લે ગુલાબો સીતાબો અને ચંદીગઢ કરે આશિકી ભલે મોળી રહી પણ આયુષ્માન લાંબી ઇનિંગ્સ માટે સર્જાયો છે એ સિદ્ધ છે. એની લેટેસ્ટ ફિલ્મ અનેક પણ નોખી હશે. છે કે નહીં એ આ લેખ વાંચતી વખતે સૌ જાણી પણ ચૂક્યા હશે.

આયુષ્માન 37નો થયો. બોલિવુડમાં પોતાનું નામ ચિરંજીવ કરવા એની પાસે ખાસ્સાં વરસો છે. એનો ગ્રાફ કહે છે કે એ ભૂલો ઓછી કરશે. વિચારશીલ રીતે આગળ વધવાના મામલે એ નોખો તરી આવે છે. એ ચોકલેટી નથી, બોડી બિલ્ડર નથી કે નથી સુપર ડાન્સર પણ એ છે વિશિષ્ટ. પાત્રને એ જીવી શકે છે. લાઇમલાઇટમાં રહેવાના નામે એ આડેધડ કશું કરતો નથી એ એની ઠાવકાઈ છે. સરવાળે, આયુષ્માન આગળ જશે એવું અવશ્ય કહી શકાય.

કાર્તિક આર્યન

આયુષ્માન કરતાં કાર્તિક ઉંમરમાં પાંચ વરસ નાનો છે. મૂળે એ ગ્વાલિયરનો. માતાપિતા ડોક્ટર્સ. મુંબઈનો કૉલેજમાં એન્જિનિયરિંગનું ભણતાં એને મહત્વાકાંક્ષા થઈ એક્ટર બનવાની. તો, લેક્ચર્સ બન્ક કરી ઓડિશન આપવા જતો. ત્રણ વરસ ધક્કા ખાધા પછી છેવટે જ્ઞાન લાધ્યું હશે કે કર્યો એક્ટિંગ કોર્સ. આમાંનું કશું માતાપિતાને ખબર નહીં. 2011માં હજી એ થર્ડ યરમાં હતો કે પ્યાર કા પંચનામા ફિલ્મ મળી. સાથે શરૂ થઈ કરિયર, સફળતા સાથે. એ ફિલ્મ મેળવતાં, ઓડિશન આપીઆપીને એને છ મહિના લાગ્યા હતા. પૈસા તો હતા નહીં એટલે બારેક સ્ટ્રગલર્સ સાથે એ રહેતો અને એમના માટે જમાવાનું બનાવીને ખર્ચ કાઢતો.

માતાના આગ્રહથી કાર્તિકે પછીનાં બે વરસ ડિગ્રી મેળવવા પર ધ્યાન આપ્યુું. પછી એની આકાશ વાણી અને કાંચી ફિલ્મો. બેઉ પીટાઈ ગઈ. 2015ની પ્યાર કા પંચનામાની સિક્વલે એની ગાડી ગબડતી રાખી. કાર્તિકે એના પછી ધ્યાન ખેંચ્યું સોનુ કે ટિટ્ટુ કી સ્વીટીથી. બમ્પર સફળતા મેળવનારી એ ફિલ્મે એની કારકિર્દી આગળ વધારી. ભૂલભૂલૈયાની સફળતાથી કહી શકાય કે એ પોતાનું સ્થાન જમાવવા સજ્જ છે. બહુ જલદી એ ફ્રેડી અને શહઝાદા ફિલ્મોમાં દેખાશે.

કરણ જોહરની દોસ્તાના ટુ સ્વીકાર્યા પછી છોડી દેવાને કારણે કાર્તિક વચ્ચે ન્યુઝમાં હતો. બોલિવુડમાં આવું થતું રહે. કાર્તિકે અહીંથી ધ્યાન રાખવાનું છે કે ફિલ્મોની પસંદગી સારી કરે અને ધ્યાન આપે પરફોર્મન્સ પર. ફ્રેડી રોમાન્ટિક થ્રિલર છે અને શહઝાદા એક્શન ડ્રામા, જે રિમેક છે અલ્લુ અર્જુન અભિનિત સુપર હિટ તેલુગુ ફિલ્મ અલા વૈકુંઠપુરામુલુની. નવી સિતારાઓમાં અન્ડરડોગ ગણાતો રહેલો કાર્તિક સિરિયસલી લેવો જ પડે એવો સ્ટાર બની ચૂક્યો છે. બોલિવુડને ખપતા યંગ સ્ટાર્સના અવકાશને પૂરવામાં અને પોતાના નામે લાંબા ગાળાનું સ્ટારડમ અંકિત કરવામાં એને કામ આવશે એના નિર્ણયો અને નસીબ.

રાજકુમાર રાવ

આયુષ્માનનો હમઉમ્ર રાજકુમાર રાવ ઉર્ફે યાદવ મૂળ ગુરુગ્રામ એટલે ગુડગાંવનો. નવી પેઢીના સિતારાઓમાં એનું આગવું સ્થાન છે. એની પ્રયોગાત્મક તાકાત અને સરળતા નોંધપાત્ર છે. કિશોરવયે મનોજ બાજપાઈના અભિનયથી ઇમ્પ્રેસ થઈ એણે નિર્ણય લીધો અભિનેતા બનવાનો. સ્કૂલ અને કૉલેજ દરમિયાન એ નાટકો કરતો. દિલ્હીમાં ભણતાં ત્યાંના પ્રતિષ્ઠિત શ્રીરામ સેન્ટરના થિયેટર ગ્રુપ ક્ષિતિજ સાથે સંકળાયો. પછી, એક્ટિંગનો દ્રઢ નિર્ધાર હોવાથી એણે કોર્સ કર્યો પુણેની નામવંત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટિયૂટમાં. વળી ટીકવોન્ડોની તાલીમ પણ મેળવી છે.

2010ની રામગોપાલ વર્માની રણ નામની ફિલ્મમાં એણે ન્યુઝરીડરનો નાનકડો રોલ કર્યો. એ સમયે સ્ટુડિયો ટુ સ્ટુડિયો જઈને કામની તલાશ પણ કરતો. ત્યાં ખબર પડી કે દિબાકર બેનર્જી નવા કલાકારની તલાશમાં છે. રાજકુમાર એને મળ્યો અને મળી ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા. એ ફિલ્મ નોખા પ્રકારની અને આદર્શ નામના રાજકુમારના પાત્રની સરાહના થઈ. પછીના વરસે આવેલી રાગિણી એમએમએસ એણે કમને સ્વીકારેલી. એ ફિલ્મે પણ નોંધપાત્ર સફળતા મેળવી. 2011ની શૈતાન માટે પણ વખાણ થયાં. પછી નામના કમાવી આપી ગેંગ્સ ઓફ વસેપુર પાર્ટ ટુ અને તલાશે, જેમાં નાના પાત્રમાં રાજકુમારે ઇમ્પેક્ટ સર્જી.

2013ની કાઇપો છે એની એક મોટી સફળ ફિલ્મ. પછી શહીદ, ક્વીન, સિટીલાઇટ્સ, ડોલી કી ડોલી, હમારી અધૂરી કહાની, અલીગઢ… અહીં સુધી ગાડી સડસડાટ ચાલી. અભિનેતા તરીકે પાત્રોને ન્યાય આપવા સખત મહેનત કરતા કલાકાર તરીકે એ પંકાવા માંડયો. 2017માં નિષ્ફળ ફિલ્મ બહેન હોગી તેરી આવી, જે સંપૂર્ણપણે કમર્શિયલ હતી. એનું સાટું વળ્યું બરેલી કી બરફીથી. પછી એને મોટી સફળતા નથી મળી છતાં, વેરીએશન્સ થકી એનું સ્થાન ટકેલું છે. એની છેલ્લી રિલીઝ બધાઈ દો પણ ખાસ સફળ નહીં. હવે પછીની ફિલ્મો છે હિટ (નામ છે ફિલ્મનું, જે રિમેક છે એ નામની જ તેલુગુ ફિલ્મની), ભીડ, મોનિકા ઓ માય ડાર્લિંગ અને મિસ્ટર એન્ડ મિસીસ માહી.

ન્યુમરોલોજિસ્ટ માની ભલામણે નામના સ્પેલિંગમાં એક્સ્ટ્રા એમ ઉમેરનારો આ કલાકાર પરિવારની બેઉ અટક રાવ અને યાદવનો ઉપયોગ કરે છે. ગયા નવેમ્બરમાં એણે પોતાની બારેક વર્ષની પ્રેમિકા, અભિનેત્રી પત્રલેખા સાથે લગ્ન કર્યાં. વિવાદોથી રાજકુમાર પણ અળગો રહે છે. બિનજરૂરી રીતે લાઇલાઇટમાં રહેવાનો પ્રયત્ન પણ કરતો નથી. એની ઇમેજ પોઝિટિવ છે. હમણાં ભલે એના નામના સિક્કા ના પડતા હોય, કારકિર્દિને સિરિયસલી લેતા આ કલાકારનું ભવિષ્ય ઉજળું જરૂર લાગે છે.

જિતેન્દ્ર કુમાર

આ કલાકારનું નામ સાંભળીને કદાચ ઘંટડી ના થાય કે એ કોણ, પણ એને જોઈને તરત ઓળખી લેશો. 2020ની શુભ મંગલ ઝ્યાદા સાવધાનમાં એણે આયુષ્માન સાથે પેરલલ લીડ કરતાં અમન ત્રિપાઠીનું પાત્ર ભજવ્યું. જિતેન્દ્રની ખરી ઓળખ અને નામના આભારી છે કોટા ફેક્ટરી અને પંચાયત જેવી વેબ સિરીઝને. નેટફ્લિક્સ પર 2020માં આવેલી ફિલ્મ ચમન બહાર પણ યાદ કરવી રહી.

જિતેન્દ્ર કુમાર ઓટીટી પ્લેટફોર્મ્સની ગિફ્ટ છે. આઈઆઈટી ખગડપુરમાં અભ્યાસ કરતાં કરતાં આ યુવાનને અભિનયનો શોખ જાગ્યો હતો. સિવિલ એન્જિનિયરિંગના કોર્સ સાથે જિતેન્દ્રએ નાટકોમાં કામ કર્યું. એમાં ભેટો થયો ધ વાઇરલ ફીવર એટલે કે ટીવીએફ તરીકે જાણીતા પ્રોડક્શન હાઉસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બિશ્વપતિ સરકાર સાથે. સરકારે કહ્યું, “જોડાઈ જા, ટીવીએફમાં,” જિતેન્દ્ર માટે તો ભાવતું’તું ને વૈદ્યે બતાવ્યું થયું.

ત્યારે યુટ્યુબ પર આવતા ટીવીએફના શો, મુન્ના જઝ્બાતીઃ ધ ક્યુ-ટિયા ઇન્ટર્નમાં એણે વધુ પડતાં સંવેદનશીલ કોર્પોરેટ ઇન્ટર્નનું પાત્ર ભજવ્યું. વાઇરલ થનારા એ શોએ એની ઓળખ બનાવી. પછી ઘણા યુટ્યુબ શોઝમાં એણે કર્યા. 2008ની ફિલ્મ અ વેનસડેમાં ટેક્સી ડ્રાઇવરનું નાનકડું પાત્ર પણ ભજવ્યું. 2014માં શુરુઆત કા ઇન્ટરવલ તો 2019માં ગોન કેશ પણ કરી.

એની કરિયરને ધબકતી રાખી પરમાનન્ટ રૂમમેટ્સ અને કોટા ફેક્ટરી જેવી વેબ સિરીઝે. પરફેક્ટ ફેમિલી શો પંચાયતે પણ વધુ નામના અપાવી. બોલિવુડમાં હવે એને નામ અને કામ મળતાં થયાં છે. શુભ મંગલ ઝ્યાદા સાવધાને એને દર્શકોની સમીપ લાવી દીધો છે. એની આગામી ફિલ્મોમાં અત્યારે એક જ છે, એ પણ નેટફ્લિક્સ પર આવનારી લવ ગોલ્સ. જિતેન્દ્ર ખાસ્સો યંગ, જસ્ટ 29નો છે. એની સામે આખી દુનિયા પડી છે. બોલિવુડે એને તકો આપવી પડશે. આયુષ્માન અને રાજકુમારની જેમ એ પણ નેક્સ્ટ ડોર પર્સનાલિટી અને પાત્રને સહજ સાકાર કરવાની સમજણ ધરાવે છે.

આગામી સમયમાં કદાચ બોલિવુડ માટે સુપરસ્ટારડમથી સફળ થતા રહેવું આસાન નહીં હોય. કારણ દર્શક પાસે હવે દેશ આખાની ફિલ્મો જોવાનો વિકલ્પ છે. બાકી બચે એ પૂરું કરશે ઓટીટી. એટલે જ, સુપરસ્ટાર્સે પોતાને બદલવા પડશે. ત્યારે જઈને એમની આભા ટકી રહેશે.

હવે એવા કલાકારોની વાત પણ જે સ્ટાર્સ ના ગણાય તો પણ સ્ટાર્સથી ઓછા નથી. એવા કલાકારોમાં એક સમયે રાજપાય યાદવ આવતો, યાદ છે, જે સાઇડ કેરેક્ટર્સથી લીડ કરવા સુધી પહોંચી ગયો હતો? આજે પણ રાજપાલ પ્રવૃત્ત છે પણ એનું સ્થાન બદલાયું છે. એની સ્થાને જેઓ આજે ગાજી રહ્યા થે એવા પ્રતિભાવંત કલાકારોમાં આવે પંકજ ત્રિપાઠી, સંજય મિશ્રા, નવાઝુદ્દીન સિદ્દીકી વગેરે. બમન ઇરાન અને વિનય પાઠક પણ આ કક્ષાએ થપ્પો કરી આવ્યા છે.

નવાઝુદ્દીન સિદ્દીકી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનો વિદ્યાર્થી અને બોલિવુડમાં છેક 1999ની સરફરોશથી આવી ચૂક્યો હતો. પછી શૂલ, જંગલ, મુન્નાભાઈ એમબીબીએસ, પીપલી લાઇવ… ઘણી ફિલ્મોમાં રોલ્સ કર્યા. 2011ની કહાની, 2012ની ગેંગ્સ ઓફ વસેપુર અને 2013ની તલાશથી એની કરિયર જામી. તલાશમાં તૈમુર લંગડાનું પાત્ર ભજવીને એણે દર્શકોને આભા કરી નાખ્યા હતા. વિવાદોમાં એ અટવાયો એના લીધે કરિયરને અમુક ઝટકા લાગ્યા છે. સરવાળે, એ આજે અગત્યના પાત્ર, વિલન (હીરોપંતી) અને લીડ રોલ એમ ત્રણેય શ્રેણીમાં બંધબેસે છે. નવાઝ માટે કહી શકાય કે એના જેવા કલાકારે માત્ર કામ પર ધ્યાન આપીને આગળ વધવું જોઈએ, એ હશે એમની પોતાની અને મનોરંજનની જીત.

પંકજ ત્રિપાઠી અને સંજય મિશ્રાને પણ ચહેરાથી સો પિછાણે છે. સંજય મિશ્રા પણ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાની દેન. એમણે અમિતાભ બચ્ચન સાથે એક એડ અને ચાણક્ય સિરિયલ કરી હતી. 1995ની શાહરુખને ચમકાવતી કેતન મહેતાની નિષ્ફળ ફિલ્મ ઓહ ડાર્લિંગ યે હૈ ઇન્ડિયા એમની પહેલી ફિલ્મ. આ કલાકારે મહેનતથી આગવું સ્થાન બનાવ્યું છે. મિશ્રા મહત્ત્વનાં પાત્રોમાં નિયમિત દેખાય છે. સાથે, બહુત હુઆ સમ્માન, અંગ્રેઝી મેં કહતે હૈ, કડવી હવા જેવી ફિલ્મોથી એમણે સાબિત કર્યું છે કે તેઓ મુખ્ય પાત્ર પણ ભજવી શકે છે.

પંકજ ત્રિપાઠીની કરિયર શરૂ થઈ હતી કન્નડ ફિલ્મથી. 2004ની અભિષેક બચ્ચન અને ભૂમિકા ચાવલાને ચમકાવતી રન એમની પહેલી હિન્દી ફિલ્મ જેમાં નામમાત્રનું પાત્ર હતું. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તાલીમ મેળવનારા આ કલાકારે પણ ગેંગ્સ ઓફ વસેપુરથી સૌનું ધ્યાન ખેંચ્યું. શરૂઆતમાં નેગેટિવ રોલ્સ મળતા અને આજે મુખ્ય કે પેરેલલ પાત્રમાં પણ દેખાય છે. 2017ની ગુડગાંવ એમની મુખ્ય પાત્રવાળી પહેલી ફિલ્મ. મીમી ફિલ્મમાં હાલમાં એમણે સશક્ત પાત્ર ભજવ્યું. રણવીર સિંઘવાળી 83માં પણ માનસિંઘ અગત્યનું પાત્ર હતું. પંકજ ત્રિપાઠી અને સંજય મિશ્રા માટે કહી શકીએ કે દેર આયે, દુરસ્ત આયે, કારણ એમને ટેલેન્ટ અનુસાર કામ અને દામ સાથે નામ થોડાં મોડાં મળ્યાં છે.

આપણે ટાઇગર શ્રોફની ચર્ચા એટલે નથી કરી કે એણે ઓછા સમયમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. એટલું કહી શકાય કે એ ટિપિકલ બોલિવુડ ફિલ્મોના દમ પર આગળ વધવા કરતાં દમદાર ફિલ્મો અને પાત્રો મેલવવા પર ધ્યાન આપે એ ઇચ્છનીય છે.

2022માં અક્ષય કુમાર, શાહિદ કપૂર, અજય દેવગન, રણવીર સિંઘ, જોન અબ્રાહમ અને લેડી સ્ટાર કંગના રાણાવતે નિષ્ફળતા ચાખી લીધી છે. આ નિષ્ફળતા સાઉથની ડબ્ડ ફિલ્મોને મળેલી મહાસફળતા પછી પડતા પર પાટુ છે. એનાથી મુક્ત થવા બોલિવુડે પોતાની વાર્તાઓને, નિર્માણની રીતને, રજૂઆતને… ઘણી બાબતોને ઇમ્પ્રુવ કર્યે છુટકો છે. બાકી દર્શકદેવ રીઝાશે નહીં. એમની પાસે જોવા અને માણવા માટે ઘણા વિકલ્પ છે. ત્રણેય ખાન, અજય દેવગન, અક્ષય કુમાર વગેરેએ લાંબો સમય ટકીને અનરાધાર મેળવ્યું છે. આ મહાસિતારાઓ માટે હવે પરીક્ષા છે દર્શકોની બદલાતી અપેક્ષા સંતોષવાની. જોઈએ, જૂના મહારથીઓ અને નવા સિતારાઓ કેવીક રીતે આગળ લઈ જાય છે મનોરંજનની દુનિયાને…

(સ્વામી સહજાનંદ મેગેઝિનની કૉલમ ઇન્ટરવલમાં જૂન 2022 એ પ્રસિદ્ધ થયેલો લેખ)

Share: