એકવાર જોઈ શકાય એવી આ ફિલ્મમાં બહુ વખાણ કરવાં પડે એવાં ફેક્ટર્સ નામનાં છે. કારણ રમૂજ અને ગુનાખોરીને સાંકળતી વખતે લખાણ અને માવજતમાં જે દમદાર અસર હોવી જોઈએ એ ભાગ્યે જ વર્તાય છે

મુંબઈ પોલીસના ઇતિહાસમાં એક નામ વિશેષ વજન સાથે લખાયેલું છે. એ છે ઇન્સ્પેક્ટર મધુકર ઝેંડેનું. આ અધિકારીના નામે અનોખો રેકોર્ડ નોંધાયો એ એનું કારણ. એમણે એક નહીં બબ્બે વખત, આખી દુનિયામાં કુખ્યાત આરોપી ચાર્લ્સ શોભરાજને ઝબ્બે કર્યો હતો. એનું આખું અને મૂળ નામ હોટચંદ ભવનાની ગુરમુખ શોભરાજ. એને જન્મ આજે હો ચી મિન્હ તરીકે ઓળખાતા વિયેટનામના શહેર સાઈગોનમાં થયો. એની નાગરિકતા ફ્રેન્ચ છે.

એના પિતા ભારતીય મૂળના સિંધી અને એટલે એ અડધો ભારતીય થયો. જોકે જે સ્ત્રીથી ચાર્લ્સનો જન્મ થયો એની સાથે એના પિતાએ ક્યારેય લગ્ન નહોતાં કર્યાં. મા અને નવા પિતા સાથે મોટા થતા ચાર્લ્સને બાળપણથી એવી લાગણી થવા માંડી કે ઘરમાં (એની મા અને નવા પિતાનાં સંતાનો વચ્ચે) ઉપેક્ષા થઈ રહી છે. ટીનએજર તરીકે ચાર્લ્સે નાના નાના ગુના આચરવાનું શરૂ કરી દીધું હતું. 19 વરસની ઉંમરે એણે પહેલીવાર જેલની હવા પણ ખાઈ લીધી. જેલમાંથી પેરોલ પર છૂટયા પછી આ કચ્ચા લીંબુ ગુનેગાર રીઢા થવાની દિશામાં ચાલી પડ્યો.

પછી એક સુંદર ફ્રેન્ચ કન્યા, શેન્ટલ કોમ્પેન્ગોનને ફોસલાવીને ચાર્લ્સે લગન કર્યાં, કારની ચોરી માટે જેલ ગયો અને છૂટ્યા પછી, પહેલીવાર એશિયા આવ્યો, જેથી ફ્રેન્ચ પોલીસ એને ફરી પકડી ના શકે. નકલી દસ્તાવેજો સાથે પૂર્વ યુરોપમાં મહાલતાં, માર્ગમાં જેને આંતરી શકાય એને આંતરીને લૂંટતાં, ચાર્લ્સ દિલ્હીમાં જ્વેલરની દુકાનને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરીને એ મુંબઈ પહોંચ્યો.

પછી એની પત્નીએ એની સાથે છેડો ફાડ્યો, એનો અર્ધભાઈ (નવા પિતાથી થયેલો) એનો સાગરીત બન્યો, ચાર્લ્સે ખૂન કરવાની હારમાળા સર્જી, જ્યાં જેલમાં પુરાય ત્યાં પોલીસની આંખમાં ધૂળ નાખીને નાસી જવાની કળા આત્મસાત્ કરી અને ભારત સહિત અનેક દેશને છક્ક કરવાની પરંપરા સર્જી.

આજની પેઢીને ભલે કોણ ચાર્લ્સ શોભરાજ થાય પણ 1970-90ના સમયગાળામાં એ લાખો લોકો માટે વિલન તો લાખો માટે હીરો પણ હતો. હીરો એટલે કે કોઈ ગુનેગાર અલગ અલગ દેશની પોલીસને એકસરખી રીતે ઉલ્લુ બનાવી શકે એ વાત ગળે ઉતારવી આસાન નહોતી. તો, આવા ચાર્લ્સ પર ફિલ્મ બને ત્યારે એક્સાઇટમેન્ટ ફીલ થવું સહજ છે. મનોજ બાજપાયીને કેન્દ્રસ્થાને રાખીને, ચાર્લ્સ તરીકે જિમ સર્ભ જેવા કલાકારને લઈને હાલમાં નેટફ્લિક્સ પર ફિલ્મ, ‘ઇન્સ્પેક્ટર ઝેંડે’ આવી છે. આ જોકે પહેલીવાર નથી કે એના વિશે પડદે કોઈએ કથા માંડી હોય. આ પહેલાં ચાર્લ્સ પર સિરીઝ અને ફિલ્મ પણ બની છે. આ વખતે જોકે ફોકસમાં એને જેર કરનાર મુંબઈ પોલીસ અધિકારી ફિલ્મના સેન્ટરમાં છે.

કથા સરળ છે. દિલ્હીની તિહાર જેલથી પોલીસની આંખમાં ધૂળ નાખીને ચાર્લ્સ નાસી ગયો છે. પોલીસને જાણ થાય છે કે એ મુંબઈમાં સંતાયો છે. એને પકડવાનું કામ ઇન્સ્પેક્ટર ઝેંડેને એટલે સોંપાય છે કે ભૂતકાળમાં એમણે ચાર્લ્સને ઝબ્બે કર્યો હતો. એટલે કે ઝેંડેએ ચાર્લ્સને બીજી વખત મહાત આપી એની વાર્તા છે. મુંબઈથી નાસીને ચાર્લ્સ ગોવા જતો રહે છે અને ઝેંડે એને કેવી રીતે પકડે છે એ છે ફિલ્મ.

અભિનેતામાંથી દિગ્દર્શક થયેલા ચિન્મય માંડલેકર ફિલ્મના લેખક-દિગ્દર્શક છે. આ એમની પહેલી ફિલમ છે. ‘તાન્હાજી’ અને ‘આદિપુરુષ’ જેવી ફિલ્મોથી લાઇમલાઇટમાં આવેલા ઓમ રાઉત અને જય શેવકરામાની નિર્માતા છે. મનોજ-જિમ ઉપરાંત ફિલ્મમાં સચીન ખેડેકર, ગિરિજા ઓક અને અન્ય છે. ફિલ્મ ભલે ગુનેગાર આસપાસ ફરતી હોય પણ માવજત હળવીફુલ છે.

એકવાર જોઈ શકાય એવી આ ફિલ્મમાં બહુ વખાણ કરવાં પડે એવાં ફેક્ટર્સ નામનાં છે. કારણ રમૂજ અને ગુનાખોરીને સાંકળતી વખતે લખાણ અને માવજતમાં જે દમદાર અસર હોવી જોઈએ એ ભાગ્યે જ વર્તાય છે. ફિલ્મને શરૂ કર્યા પછી છેલ્લે સુધી જોઈ નાખવાની પ્રેરણા કે એનું કારણ કોઈ બનતું હોય તો એ બાજપાયી છે. જિમ પણ નથી, કેમ કે એના પાત્રને એક કેરિકેચરથી વધુ મહત્ત્વ મળતું નથી. બાજપાયી પણ એવા અસરદાર તો નથી જે જેવા એ આ પહેલાંની ઘણી ફિલ્મો કે સિરીઝમાં રહ્યા છે.

બહુ ટૂંકા ગાળામાં આ ફિલ્મ નેટફ્લિક્સે જાહેર કરીને રિલીઝ પણ કરી નાખી છે. મુંબઈનાં, ગોવાનાં લોકાલ્સ ફિલ્મમાં ઠીકઠીક રીતે પેશ થયાં છે. સહકલાકારો ઓછા જાણીતા છે. મનોજ અને ગિરિજા વચ્ચેનાં પારિવારિક દ્રશ્યો ઓછાં છે પણ ફિલ્મમાં એ થોડીક મીઠડી ક્ષણો ઉમેરે છે.

ચાર્લ્સ શોભરાજ અને મધુકર ઝેંડેની ઉંદર-બિલાડીની રમત આ ફિલ્મની હાઇલાઇટ બનવી જોઈતી હતી, જે નથી બનતી. દર્શકને એમ લાગ્યા કરે છે કે જાણે શોભરાજ એની મસ્તીમાં સમય પસાર કરી રહ્યો છે અને ઝેંડે એના સુધી પહોંચશે તો એ એનાં સદભાગ્ય હશે. વાસ્તવમાં એવું નહીં જ થયું હોય. ઝેંડેએ ખેરેખર મહેનત કરીને, મગજ અને સ્ત્રોત દોડાવીને ચાર્લ્સ જેવા ગુનેગારને પકડ્યો હશે. બની શકે કે એનું પૂરતું રિસર્ચ થયું હોત અને એને પડદે સાકાર કરવામાં આવત તો આ ફિલ્મ વધુ મનોરંજક થાત. હશે. તો, એક સરેરાશ ફિલ્મ છે ‘ ઇન્સ્પેક્ટર ઝેંડે.’

નવું શું છે?

  • પ્રાઇમ વિડિયો પર આજથી વેબ સિરીઝ ‘ડુ યુ વોના પાર્ટનર’ સ્ટ્રીમ થવા જઈ રહી છે. તમન્ના ભાટિયા અને ડાયના પેન્ટી સાથે જાવેદ જાફરી, નકુલ મહેતા, શ્વેતા તિવારી, નીરજ કાબી, સૂફી મોતીવાલા અને રણવિજય સિંહ સીરિઝમાં મહત્વપૂર્ણ પાત્રોમાં છે.
  • ડિરેકટર જેનિન ડેમિયનની અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘ધ રોન્ગ પેરિસ’ નેટફ્લિક્સ પર આવી છે. મુખ્ય કલાકારોમાં મિરાન્ડા કોસગ્રોવ અને પીઅર્સન ફોડ છે.
  • ચર્ચિત રોમેન્ટિક ફિલ્મ ‘સૈયારા’ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ફિલ્મમાં નવોદિત અહાન પાંડે અને અનિત પડ્ડા છે. ડિરેકટર છે મોહિત સુરી.
  • શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન દિગ્દર્શિત, લિખિત અને દિગ્દર્શિત પહેલી ટેલિવિઝન સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવુડ’નો પહેલો એપિસોડ 19 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર આવશે. સિરીઝમાં લક્ષ્ય, સહેર બામ્બા, બોબી દેઓલ, રાઘવ જુયાલ, અન્યા સિંહ, મોના સિંહ, ગૌતમી કપૂર વગેરે છે.

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/12-09-2025/6

 

Share: