ભારતીય કલાકારો યુટયુબના માંધાતાઓ છે. ૨૦૨૨ના વિશ્વના ટોચના યુટયુબ આટસ્ટ્સની યાદીમાં અલકા યાજ્ઞિક નંબર વન છે. એમની સાથેના આપણા અન્ય કલાકારો જોડો તો વિશ્વના ટોપ ટેન યુટયુબ આર્ટિસ્ટમાં સાતેક એકલા ભારતીય છે. યુટયુબને કારકિર્દી માટે ધગશ ધરાવનારાઓએ આ માધ્યમની તાકાત સમજવાની છે

આ પણે ઓસ્કરમાં આપણા કોઈક ગીત કે ફિલ્મને રડયાખડયાં નોમિનેશન મળ્યે રાજીના રેડ થઈએ છીએ. એમ લાગે કે ઓહોહો, આ તો મોટી વાત થઈ. કારણ, ૩૩ કરોડથી થોડી વધુ વસતિ ધરાવતો દેશ અમેરિકા મનોરંજન જગત પર નાગચૂડ ધરાવે છે. મનોરંજનમાં શ્રે હોય એને ઓસ્કર, ગ્રેમી કે બાફ્ટા કે એવા કોઈ વિદેશી એવોર્ડ મળ્યે આપણે માનીએ કે આપણાં સર્જનો કે કલાકારો સર્વોત્તમ થયાં. કેમ જાણે આપણી ક્રિએટિવિટીને સન્માનવાના એના સિવાય કોઈ માપદંડ નથી. વાસ્તવિકતા અલગ છે. દુનિયાની વસતિમાં માત્ર પાંચ ટકા લોકોની ભાષા અંગ્રેજી છે. દુનિયામાં અમેરિકન માથાંઓ ૪.૧૨ ટકા માંડ છે. જોકે અમેરિકાએ સર્જેલાં યુટયુબ સહિતનાં વૈશ્વિક મનોરંજન પ્લેટફોર્મ્સ વારંવાર સાબિત કરે છે કે આ ક્ષેત્ર પર અંકલ સેમનું આધિપત્ય નથી. એક સાબિતી યુટયુબ થકી વિશ્વમાં સૌથી વધુ જેમને માણવામાં આવે છે એ કલાકારો છે.

દર વરસે એક યાદી બહાર પડે છે કે કયા કલાકારોએ યુટયુબમાં સૌથી વધુ વ્યુઝ અને સ્ટ્રીમિંગ મેળવ્યાં. યાદી રોચક અને પોરસ કરાવનારી હોય છે. એમાં એક વાત વારંવાર દેખાતી રહી છે કે ભારતીય આટસ્ટ અન્યોને પછાડીને ટોચનાં સ્થાન મેળવે છે. આ વરસે પણ નંબર વન કોઈ અમેરિકન નથી. નંબર વન તો આપણાં ગુજરાતણ અલકા યાજ્ઞિાક છે.

૫૬ વરસનાં પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિાક ૨૦૨૨માં યુટયુબ પર જેમના વિડિયો સૌથી વધુ માણવામાં આવ્યા હોય એવાં સ્ટાર છે. કોલકાતા આકાશવાણી માટે ભજન ગાતાં એમણે નાની વયે કારકિર્દી શરૂ કરી હતી. મુંબઈ આવ્યા પછી, ‘લાવારિસ’ ફિલ્મના ગીત ‘મેરે આંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ’, અને ત્યાર પછી વર્ષો બાદ ‘તેઝાબ’ના ગીત ‘એક દો તીન..’ પછી એમણે પાછાં વળીને જોવાનો વારો આવ્યો નથી. ૪૦ વરસની કારકિર્દીમાં એમણે ૮,૦૦૦થી વધુ ફિલ્મો અને કુલ ૪૦,૦૦૦ જેટલાં ગીતો વિવિધ ભાષામાં ગાયાં છે. થોકબંધ એવોર્ડ્સ એમના ખાતામાં બોલે છે. યુટયુબના સાપ્તાહિક ચાર્ટમાં તેઓ છેલ્લાં ૩૭૧ અઠવાડિયાંથી નંબર વન આટસ્ટ છે. આ જેવીતેવી સિદ્ધિ નથી, બોસ. દરરોજ એમના વિડિયો ૪૨ કરોડ કરોડ વખત જોવામાં આવે છે. યુટયુબ ઉપરાંત સ્પોટિફાઈ જેવાં અન્ય પ્લેટફોર્મ્સ પર પણ એમનો અને અન્ય ભારતીય આટસ્ટ્સનો દબદબો છે.

વાત માત્ર ૨૦૨૨ની નથી. ગયા વરસે યાજ્ઞિાકના વિડિયો ૧૫.૩ બિલિયન વખત માણવામાં આવ્યા હતા. એ પહેલાં, ૨૦૨૧માં આંકડો હતો ૧૭ બિલિયનનો. ૨૦૨૦માં હતો ૧૬.૬ બિલિયન. એક બિલિયન એટલે એક અબજ.

અલકાબહેનને સ્પર્ધા આપનારા આટસ્ટ પણ અમેરિકન નથી. એ છે બડ બની, અર્થાત્ બેનિતો એન્તોનિયો માટનેઝ ઓકાસિયો નામનો યુવાન કલાકાર. એનો દેશ પ્યુટો રિકો નાનકડો કેરેબિયન આઇલેન્ડ છે. વસતિ માંડ તેંત્રીસ લાખ છે. ૨૦૨૨માં આ કલાકારના વિડિયો ૧૪.૭ બિલિયન વખત યુટયુબ પર માણવામાં આવ્યા. ઝાઝું કરીને સ્પેનિશમાં ગાતા આ કલાકારનું એક આલબમ ૨૦૨૦માં આવ્યું હતું. એ હતું ‘એલ અલ્ટિમો ટૂર દેલ મુન્ડો.’ અમેરિકામાં લાંબા સમય સુધી નંબર વન આલબમ બનનારું પહેલવહેલું સ્પેનિશ આલબમ બનવાનો જશ એ ખાટી ગયું હતું. એ સિદ્ધિનું પુનરાવર્તન પછીના એમના આલબમમાં થયું, જે હતું ‘અન વેરાનો સિન તી.’ ગ્રેમી એવોર્ડમાં પણ નોમિનેશન મેળવનારું એ પહેલું સ્પેનિશ આલબમ રહ્યું.

ઇન્ડિયન યુટયુબ સુપરસ્ટાર્સની વાર્તા અલકા યાજ્ઞિાક પર અટકતી નથી. નંબર ટુ પર ભલે બડ બની હોય, એ પછી વળી યાદી પર આપણા કલાકારોનું વર્ચસ્વ છે. સ્વાભાવિક કારણ છે કે વિશ્વમાં યુટયુબ વાપરનાર દર ચોથી વ્યક્તિ ભારતની છે. એમાં એશિયા ઉમેરો (મતલબ જ્યાં આપણી ભાષા, ફિલ્મો, કલાકારોને લોકો આળખે, માણે છે) તો યુટયુબના ૪૫ ટકા યુઝર્સ એશિયન છે.  યુરોપ-અમેરિકા-આફ્રિકા-ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીયો લટકામાં.

યુટયુબના વૈશ્વિક ટોપ ચાર્ટમાં ઉદિત નારાયણ, અરિજિત સિંઘ અને કુમાર સાનું પણ સતત ઝળકી રહ્યા છે. ત્રણેય સિંગર્સ સતત ટોપ ફાઇવમાં સ્થાન ધરાવી રહ્યા છે. યાદીમાં કેસરીલાલ યાદવ, લતા મંગેશકર, શિલ્પી રાજ, પવન સિંઘ અને શ્રેયા ઘોષાલને ઉમેરો તો લાંબા સમયથી એક વાત પાકી છે: વૈશ્વિક યુટયુબ ચાર્ટ્સ પર ભારતીયો અજેય છે. ટોચના દસ યુટયુબ કલાકારોમાં બહુધા સાતેક ભારતીય હોય છે.

ભારતીય સંગીત અને મનોરંજનનાં સર્જનો આપણી અફાટ વસતિને લીધે લોકપ્રિય છે. આપણો ભાષાવૈભવ આપણાં સર્જનોને અન્ય દેશોની પ્રજાને આકર્ષવાનું સાધન બને છે. યુટયુબ પર જેઓ આગળ વધવા ઇચ્છતા હોય એમણે પ્લેટફોર્મની પહોંચ અને તાકાત સમજીને નક્કર કરવું બહેતર રહેશે. અલકા યાજ્ઞિાક જેવી સફળતા ના મળે તો વાંધો નહીં. એમની પાસે દાયકાઓનો અનુભવ અને કાર્યો છે, પણ નવા કલાકારો પણ પોતાના ભાગના ચાહકો અવશ્ય મેળવી શકે છે. કામ કરતે રહો, આગે બઢતે રહો.

બડ બનીની જેમ વિશ્વમાં યુટયુબ પર લોકહૃદય જીતનારું એક બન્ડ બીટીએસ છે. એ સાઉથ કોરિયાનું છે. આ બન્ડ બંગ્તન બોય્ઝ તરીકે પણ ઓળખાય છે. સાતેક યુવાનોનું આ બન્ડ જાતે ગીતો લખે અને સંગીતબદ્ધ કરે છે. સરળ હિપહોપ ગુ્રપમાંથી ધીમેધીમે વિકસિત થઈને આ બન્ડે આખી દુનિયાને ઘેલું લગાડયું છે.

અલકા યાજ્ઞિકે જેમને મહાત આપી છે એવા ગ્લોબલ યુટયુબ સ્ટાર્સમાં બીટીએસ સાથે શકિરા, ટેલર સ્વિફ્ટ વગેરે સામેલ છે. ટોપ ટેનમાં સ્થાન મેળવનાર એક નામ બ્લેકપિન્ક છે. એ પણ સાઉથ કોરિયન સિંગર્સ ગુ્રપ છે. એમાં ચાર કન્યાઓ છે.

અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટના ચાહકો આપણે ત્યાં પણ ઓછા નથી. મૂળ યુએસના પેન્સિલવેનિયાનાં આ સિંગર ભલે પોતાના દેશમાં ટોચ પર હોય, પણ વિશ્વમાં એમને પછાડવાનું કામ આપણા સિંગર્સ કરી રહ્યા છે.

પાકિસ્તાનમાં પણ માત્ર અને માત્ર ભારતીય સિંગર્સ ટોચના યુટયુબ કલાકારો છે. ૨૦૨૨ની ટોચના યુટયુબ આટસ્ટ્સની પાકિસ્તાની યાદીમાં અલકા યાજ્ઞિાક નંબર વન છે. પછીના ટોપ નાઇનમાં એક આતીફ અસલમ જ પાકિસ્તાની છે, આઠમા નંબરે. બાકી સાત ભારતીય કલાકારો આ: અરિજિત સિંઘ, સિધુ મૂસેવાલા, ઉદિત નારાયણ, કુમાર સાનુ, લતા મંગેશકર, નેહા કક્કર, સોનુ નિગમ અને જુબીન નૌતિયાલ.

પંજાબીઓની મોટી વસતિ ધરાવતા કેનેડામાં સિધુ મૂસેવાલા ત્રીજા તો ઓસ્ટ્રેલિયામાં છઠ્ઠા ક્રમાંકે રહ્યા છે.

મલેશિયામાં પણ ભારતીય કલાકારોનો ડંકો વાગે છે. ‘કોલાવેરી ડી’ ફેમ સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર ત્યાં ત્રીજા ટોપ આટસ્ટ છે. યાદીમાં અલકા યાજ્ઞિાક અને ઉદિત નારાયણ પણ અનુક્રમે પાંચમા અને નવમા સ્થાને છે.

બાંગલાદેશમાં આપણા આટસ્ટ બેહદ લોકપ્રિય છે. પહેલા સ્થાને અરિજિત, બીજા સ્થાને અલકા યાજ્ઞિાક, ત્રીજા સ્થાને ઉદિત નારાયણ છે. પછીના ટોચના સાત આટસ્ટમાં ચાર ભારતીય છે.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 3 ફેબ્રુઆરી 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ https://epaper.gujaratsamachar.com/chitralok/03-02-2023/6

 

 

Share: