ફિલ્મસ્ટાર્સે ફિલ્મો થકી મળતી લોકપ્રિયતાને કાયમ બીજા અનેક મોરચે કેશ કરી છે. મોડેલિંગ હોય કે મહેમાન તરીકે ક્યાંક અલપઝલપ હાજરી નોંધાવીને તગડી ફી વસૂલવાની વાત, ફિલ્મોની લોકપ્રિયતા કલાકારને ક્યાંય લઈ જાય છે. એટલે જ ઓટીટીના તૈયાર ભાણે પલાંઠી વાળીને જ્યાફત ઉડાવવી ફિલ્મસ્ટાર્સ માટે ડાબા હાથનો ખેલ છે

વાત કાં તો મગજમાં બેસે એવી નથી કાં પછી મગજને ચકરાવે ચડાવી દે એવી છે. ઓટીટી માટે જ બનેલી બિગ બોસની સીઝન ટુ જસ્ટ હમણાં પતી. ભાઈજાન સલમાન ખાને એને હોસ્ટ કરી. છપ્પન એપિસોડ્સ એના થયા. સત્તર જૂનથી 14 ઓગસ્ટ સુધી સિરીઝ ચાલી. એટલામાં, એટલે કે બે મહિનાથી ઓછા સમયમાં ગેલેક્સી એપાર્ટમેન્ટ્સમાં રહેતા સલ્લુમિયાંના ઘેર કડકડતા સાતસો કરોડ રૂપિયા પહોંચી ગયા. એક એપિસોડના રૂપિયા સાડાબાર કરોડ પ્રમાણે, છપ્પન એપિસોડ માટે.

બિગ બોસે માત્ર સલમાનને નહીં, એન્ટિલિયાવાસી મુકેશ અંબાણીને પણ બખ્ખાં કરાવી દીધા છે. ઓટીટીની દુનિયામાં એમના જિયો સિનેમાએ આની પહેલાં આઈપીએલથી તરખાટ મચાવ્યો અને હવે આ સિરીઝથી. અતિશય માથામાં વાગે એવી અને કોઈને ગમે કે ના ગમે છતાં પોતાની રીતે જ ચાલતી આ સિરીઝ દસ કરોડ લોકોએ જોઈ. આટલા બધા લોકો તો સેટેલાઇટ ટીવીની સેંકડો ચેનલ્સ પર આવતી અગણિત સિરિયલ્સમાંની અઠાણુ ટકા સિરિયલ નથી જોતા. હદ કહેવાય. મનમાં એમ થાય કે આ ક્રેઝ શાનો છે, સલમાનનો, જિયોનો, બિગ બોસનો, ઓટીટીનો કે કોનો? અને એમ પણ થાય કે ફિલ્મી સ્ટાર્સ અત્રતત્રસર્વત્રથી કમાયા પછી હવે ઓટીટી પરથી પણ મેક્ઝિમમ નાણાં ઉસેડતા રહેવાના છે?

થોડા સમય પહેલાંના અહેવાલો મુજબ ઓટીટી પરથી કમાવામાં અજય દેવગણે પણ બાજી મારી હતી. રુદ્રઃ ધ એજ ઓફ ડાર્કનેસ સિરીઝ માટે અજયને સવાસો કરોડ રૂપિયા મળ્યા હતા. હવે આ બેઉ મહેનતાણાંની તુલના જો ઓટીટીથી જ સ્ટાર થનારા જીતેન્દ્ર કુમાર જેવા કલાકારોને મળતાં મહેનતાણાં સાથે કરવા બેસો તો ફટાક દઈને કહેવું પડે, “રહેવા દો બાપડા, એવી તુલના કરવાનો કોઈ અર્થ નથી.” જીતેન્દ્રએ ઓટીટી માટે એક એપિસોડના પચાસ હજાર રૂપિયા માત્ર, એ રીતે કામ કર્યું છે. હવે બોલો.

બોલિવુડના સ્ટાર્સને આવકના વિકલ્પોની ખરેખર કમી નથી. અભિનય કરે કે ના કરે, ફિલ્મ ચાલે કે ના ચાલે, એમની કમાણીની ગાડી પાંચમા ગિયરમાં રહે છે. મોડેલિંગ કરીને, રિબન કાપીને, મહેમાન તરીકે થોડી મિનિટો કશેક હાજરી નોંધાવીને, ઇન્સ્ટા કે ટ્વિટર ઉર્ફે એક્સ પર મેસેજ મૂકીને આ લોકો નાણાં ઉસેડતા જ રહે છે, ઉસેડતા જ રહે છે. ઓટીટી માટે એમની ઉપસ્થિતિ એક રીતે વરદાન તો બીજી રીતે શાપ છે. વરદાન એટલે કે એમના લીધે એમના ચાહકો ઓટીટી સુધી ખેંચાઈ આવે છે અને પ્લેટફોર્મસની વ્યુઅરશિપ વધવા સાથે એની પહોંચ વધે છે. શાપ એટલા માટે કે ઓટીટી પ્લેટફોર્મ્સ આડકતરી રીતે સ્ટારડમના ગુલામ થઈ રહ્યા છે અને બોલિવુડનું એના પર આધિપત્ય સ્થપાઈ રહ્યું છે.

 

સૈફ અલી ખાન, મનોજ બાજપાયી, બોબી દેઓલ, નવાઝુદ્દીન સિદ્દીકી, રાધિકા આપ્ટે, અલી ફઝલ, સુસ્મિતા સેન, માધુરી દીક્ષિત, કાજોલ, અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, શાહિદ કપૂર, શેફાલી શાહ, યામી ગૌતમ… એટલાં બધાં સિતારાઓએ ઓટીટી પર અલપઝલપ અથવા નિયમિત હાજરી નોંધાવી છે કે આખી યાદી લખવી પણ અઘરી છે. આમાંના મનોજ બાજપાયી, અલી ફઝલ, સુસ્મિતા સેન, શેફાલી શાહ અને કંઈક અંશે બોબી દેઓલ જેવાં સ્ટાર્સને અલગ તારવી લઈએ કેમ કે એમના માટે ઓટીટી ખરા અર્થમાં એક નવી શરૂઆત અને વધુ રસપ્રદ દુનિયા સાબિત થઈ છે. આ સ્ટાર્સ એવાં છે જેમને એમની ક્ષમતાનુસાર તકો આપવાનું બોલિવુડે કહો બંધ કર્યું હતું. ઓટીટી પર એમનું આગમન અને એમનું છવાઈ જવું દર્શકો માટે પણ સાનંદાશ્ચર્ય જેવી વાત રહી અને સ્ટાર્સ માટે પણ નવી ઇનિંગ્સ બની.

અજય દેવગણ, સલમાન ખાન, કાજોલ, માધુરી, શાહિદ વગેરે માટે કહી શકાય કે એમણે સ્ટારડનું સ્માર્ટ એક્સટેન્શન કર્યું છે. ફિલ્મો થકી મળેલી લોકચાહનાને એમણે વ્યવસ્થિત રીતે ઓટીટી પ્લેટફોર્મ્સ પર રોકડી કરી છે. અલબત્ત, એવું કરવાનો એમને પૂરેપૂરો અધિકાર છે. એમને ઓટીટી પર માણવાનો એમના ચાહકોને પણ અધિકાર છે. મુશ્કેલી એટલી કે અતિસ્ટારડમથી ઓટીટી ધીમેધીમે ઘરેડનો ભોગ બની શકે છે. મુશ્કેલી એ કે ઓટીટી પર પણ બોલિવુડ જેવી ઘીસીપીટી ચીજો આવવા માંડી છે અને એની સંખ્યા હજી વધી શકે છે. મુશ્કેલી એ કે સ્ટાર્સની હાજરીને લીધે ઓટીટી પર નવોદિત અને પ્રતિભાશાળી કલાકારો માટે પોતાને સિદ્ધ અને પ્રસ્થાપિત કરવાનું કામ અઘરું થઈ શકે છે.

પિક્ચર આમ તો સાફ થઈ જ ગયું છે. બોલિવુડ અને ઓટીટીનું આડકતરી રીતે વિલીનીકરણ થઈ ગયું છે. માત્ર સ્ટાર્સ નહીં, ઓટીટી પર બોલિવુડના મોટ્ટાં બેનર્સની પકડ પણ વધી રહી છે. પ્રસ્થાપિત પ્લેટફોર્મ્સ સિરીઝ કે ફિલ્મ કે ડોક્યુમેન્ટરી સહિત કશું પણ બનાવવા માટે પ્રાધાન્ય મોટાં નામને આપે છે. નાનાં બેનર્સે, અજાણ્યા ચહેરાઓને એ રીતે રેડ કાર્પેટ બિછાવીને આવકાર મળવો ઓછો થઈ રહ્યો છે. સિચ્યુએશન ઓટીટીના શરૂઆતી દિવસોથી વેગળી થઈ ગઈ છે. શરૂઆત એવી હતી કે જેઓ ફિલ્મી દુનિયામાં ધમાકો કરી શકતા નહોતા, અથવા જેમની પાસે બોલિવુડમાં કશુંક મોટું કરવા નાણાં, લાગવગ કે વિષય નહોતાં એવા ઘણાએ આવડત સિદ્ધ કરવા ઓટીટીનો આશરો લીધો હતો. એને લીધે, કોવિડ પહેલાંના સમય સુધી, ઓટીટી ઝાઝું કરીને વિના બોલિવુડ આગળ વધ્યું. કોવિડમાં ફિલ્મો સલવાઈ ગઈ અને મોટા પડદે પહોંચવાના નામનું નાહી નાખવાનું આવ્યું ત્યારે ઓટીટીએ તક ઝડપી લીધી. મોંઘી ફિલ્મો ત્યારે વાજબી ભાવે ઓટીટીએ હસ્તગત કરી. બસ, એ સાથ વાત ફેરવાઈ ગઈ.

ગદર સહિતની ગણીગાંઠી ફિલ્મોએ મચાવેલા રમખાણને બાદ કરો તો ફિલ્મો માટે મોટા પડદે સ્થિતિ લોઢાના ચણા ચાવવાની થઈ છે. એ ઝટ બદલાય એવી શક્યતા પાંખી છે. થિયેટરમાં જઈને ફિલ્મ જોવી એ ખરેખર ખર્ચાળ કામ થયું છે. સામે પક્ષે, ઓટીટીનાં પેઇડ પ્લેટફોર્મ્સ પણ લોકોને પેકેજ ડીલ વગેરેને લીધે પ્રમાણમાં માફક આવે એવા દરે મળે છે. વળી ઓટીટી હાથવગાં છે, મનમરજી અને અનુકૂળતા અનુસાર માણી શકાય છે. આવાં પ્લેટફોર્મ્સને સ્થિર કરવા અને લોકભોગ્ય બનાવવા ઓછા જાણીતા મેક્રસ અને કલાકારે ખાસ્સું યોગદાન આપ્યું છે. આજે બજારે જમાવટ કરી દીધી તો એમાં સ્ટાર્સે પણ પોતપોતાની દુકાન ખોલી દીધી છે.

ઝીણી નજરે જુઓ તો ઓટીટી માટે એ સારી વાત નથી પણ એનું કશું થઈ શકે એમ નથી. સધિયારો લેવો હોય તો એટલો જરૂર લઈ શકાય કે ઓટીટીના હોવાથી નવોદિતો માટે, ફિલ્મોથી ફેંકાયેલાઓ માટે, અખતરાબાજોને રમવા માટે નવું મેદાન મળ્યું છે. એમાં પોતાને સાબિત કરીને આ લોકો આગળનાં મેદાન સર કરી શકે છે. દર્શકોને ઓટીટીને લીધે સ્ટાર્સ સસ્તા ખર્ચે જોવા મળી રહ્યા છે અને અજાણી ટેલેન્ટને માણવાની તક પણ મળી છે. આટલું મળ્યું એને પણ પૂરતું ગણીને રાજી થાવ કે ઓટીટી હૈ તો એન્ટરટેઇનમેન્ટ કી દુનિયા પહલે સે તો બેહતર હી હૈ.

નવું શું છે?

  • સેબાસ્ટિયન મેલિસ્કેલ્ગોને એમના પોતાના તરીકે ચમકાવતી, એમના પોતાના સાચા પિતા સાથેના સંબંધોથી પ્રેરિત કોમેડી ફિલ્મ ‘અબાઉટ માય ફાધર’ આજથી લાયન્સગેટ પ્લે પર આવી છે. ફિલ્મમાં રોબ્રટ ડી નીરો પણ છે. વાર્તા શ્રીમંત ઇટાલિયન પરિવારના સેબાસ્ટિયન, એના પિતા, પરિવાર અને એની ગર્લફ્રેન્ડ વિશે છે. આ અમેરિકન ફિલ્મ મેમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ ખાસ વખણાઈ નહોતી પણ ઘેરબેઠા જોવામાં રસ હોય તો તક હાજર છે.
  • સ્ટાર વૉર્સ પર આધારિત અમેરિકન સિરીઝ ‘અહ્સોકા’ના પહેલા બે એપિસોડ્સ ડિઝની પ્લસ પર આવ્યા છે. લેખક-દિગ્દર્શક ડેવ ફિલોની છે. કથા એવી છે કે એમ્પાયરના પતન પછી અહ્સોકા ટેનો આકાશગંગા પર ઝળુંબાતા ખતરાની તપાસ કરી રહી છે. ટેનો બની છે રોસારિયો ડૉસન. સિરીઝના તમામ એપિસોડ્સ ત્રીજી ઓક્ટોબર સુધીમાં રિલીઝ થશે.
  • પંજાબી સંગીતની દુનિયાને કેન્દ્રમાં રાખીને બનેલી સિરીઝ છે ‘બજાઓ’માં એવા રૅપરની વાત છે જે સંગીતક્ષેત્રે કશુંક સિદ્ધ કરવા ઝંખે છે. બીજી તરફ છે ત્રણ ફિલ્મમેકર્સની વાત. જિયો સિનેમા પર આવેલી સિરીઝમાં રફ્તાર, તનુજ વીરવાની, સાહિલ ખત્તર અને સાહિલ વૈદ છે.
  • મોટા પરદે મહાતોફાન મચાવનારી ‘ગદર’ સ્મોલ સ્ક્રીન પર જોવાની તાલાવેલી હોય તો પ્રતીક્ષા થોડી વધુ કરવી પડવાની છે. ચાર અઠવાડિયાંમાં એ ઓટીટી પર આવે એવી શક્યતા પાંખી છે. ફિલ્મે બોક્સ ઓફિસ હચમચાવી નાખીને રેકોર્ડના ભુક્કા બોલાવ્યા છે એટલે એને મોટા પડદે થોડો વધુ સમય ટકાવી રાખવાનો મેકર્સનો ઇરાદો છે. યોગ્ય જ છે.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.25 ઓગસ્ટ, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/25-08-2023/6

 

Share: