દુબઈ જનારના મનમાં જે જગ્યાએ જવાની તાલાવેલી હોય એવી એક જગ્યા બુર્જ ખલીફા છે. 829.8 મીટર કે 2,717 ફૂટ ઊંચી આ ઇમારત હાલમાં દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે. એનો રેકોર્ડ તોડે એવી પ્રસ્તાવિત અને અંડર કન્સ્ટ્રક્શન ઇમારતોમાંની એક સાઉદી અરેબિયાની જેદ્દાહ ટાવર છે. એનું બાંધકામ હમણાં ખોરંભે ચડેલું છે. એના અને બુર્જ ખલીફાના ડિઝાઇનર કે આર્કિટેક્ટ એક જ છે. બીજી પ્રસ્તાવિત ઇમારત દુબઈ ક્રીક ટાવર છે જે બુર્જ ખલીફાથી અગિયારેક કિલોમીટરના અંતરે બનશે. જેદ્દાહ ટાવર એક કિલોમીટર ઊંચો અને દુબઈ ક્રીક ટાવર 1,345 મીટર ઊંચો હશે. આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર ઊંચું છે. એક માથે એક 7.40 સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય તો એક દુબઈ ક્રીક ટાવર બને. ગગનચુંબી અને સીમાચિહ્નરૂપ ઇમારતોના મામલે મિડલ ઇસ્ટના દેશો એકમેક અને આખી દુનિયા સાથે સ્પર્ધા કરી રહ્યા છે…

બુર્જ ખલીફા

એક આડ વાત. સાઉદી અરેબિયાના તાબુક પ્રાંતમાં નેઓમ સિટી નામનો અકલ્પનીય અને વિવાદાસ્પદ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. એમાં કાચની બાહ્ય ભીંતોવાળી બે સમાંતર ઇમારતો હશે, જેમનું નામ છે ધ લાઇન. એ લંબાઈમાં 170 કિલોમીટર (હા, 170 કિલોમીટર),પહોળાઈમાં માત્ર 200 મીટર એટલે કે 660 ફૂટ હશે. ઊંચાઈ હશે 500 મીટર એટલે 1,600 ફૂટ. એમાં કુલ ત્રણ લેવલ હશે. જમીન પરનું લેવલ માણસોની આવજા માટે હશે. એની નીચે પહેલું અંડરગ્રાઉન્ડ લેવલ માળખાકીય સુવિધાઓ માટ અને નીચે ત્રીજું લેવલ હાઈ સ્પીડ ટ્રેન માટે હશે. પ્લાનિંગ અનુસાર 2030માં આ ઇમારત જો તૈયાર થઈ જાય તો એ અનેક રીતે અજાયબી હશે. એમાં વાહનો નહીં હોય. શહેરમાં કશે પણ રહેતી વ્યક્તિ માટે દરેક સુખસગવડ કે જરૂરિયાતની ચીજ પગપાળા પાંચ મિનિટ કે ઓછા અંતરે ઉપલબ્ધ હશે. પર્યાવરણના મામલે એ નિસર્ગનો ખજાનો હશે. આખી ઇમારતની વીજળીની જરૂરિયાત માત્ર અને માત્ર રિન્યુએબલ એનર્જીથી પૂરી પાડવામાં આવશે. એમાં પ્રતિ કિલોમીટર 2,60,000 માણસો વસતા હશે. વિશ્વના હાલના સૌથી ગીચ એવા ફિલિપાઇન્સના મનીલા શહેરમાં પ્રતિ કિલોમીટર 44,000 માણસો રહે છે. કલ્પના કરો કે સાઉદીના શાસકોએ કેવી ઇમારત પ્લાન કરી છે. આ ઇમારત બને જશે ત્યારે વિશ્વની સૌથી ઊંચી ઇમારતોમાં બારમા સ્થાને હશે.

આ ઇમારતની વાત એટલે કરી કેમ કે એ ઇન્ટરેસ્ટિંગ છે. એની જાણ દુબઈમાં જ જાઇટેક્સ એક્ઝિબિશનની વિઝિટ વખતે થઈ હતી. એ અલગ વાત કે આ અપ્રતિમ પ્રોજેક્ટ સાથે અનેક વિવાદો પણ સંકળાયેલા છે.
દુબઈ અને બુર્જ ખલીફા પાછા આવીએ. 2010થી દુનિયાની એ સૌથી ઊંચી ઇમારત હોવાનું બહુમાન ધરાવે છે. એ દુબઈ મૉલ સંલગ્ન છે. એનું નિર્માણ દુબઈની એક સૌથી ગંજાવર કંપની એમારે કર્યું છે. બુર્જ ખલીફા આસપાસ એ કંપની નિર્મિત બીજી ઘણી ભવ્ય ઇમારતો છે. આ ઇમારત મૂળે બુર્જ દુબઈ તરીકે ઓળખાવાની હતી. છેવટે નામ બુર્જ ખલીફા પડ્યું. ઇમારત બાંધતાં એમારને ભયંકર આર્થિક ભીડ પડી ત્યારે સમગ્ર યુએઈના અને અબુધાબીના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ અલ મખ્તોમ વહારે આવ્યા. નાણાકીય સહાય સામે એમની શરત મુજબ બુર્જ દુબઈનું નામ બદલાઈને બુર્જ ખલીફા થયું.
દુબઈ મૉલમાં થઈને બુર્જ ખલીફા જતાં અમારે એક્વેરિયમ જોવાનું હતું. દુબઈમાં સ્વજન હોત નહીં તો અમે ચોક્કસ એક્વેરિયમની વિઝિટ માટે સમય અને પૈસા બેઉ ખર્ચ્યા હોત. એક્વેરિયમ સાથે અંડરવોટર ઝૂની ટિકિટ, જેમ જેમ વિકલ્પો ઉમેરતા જાવ એમ, 169 દિરહામથી 400 દિરહામ વચ્ચે પડે. કોઈક બાળક ભેગું હોત તો અંદર જવામાં માલ હતો, પણ ભાભીએ ડ્રોપ કરતી વખતે સોનેરી સલાહ આપી હતી, “મૉલના પેસેજમાંથી પસાર થતા જેવું એક્વેરિયમ દેખાય છે એવું જ અંદર છે. સમય બચાવવા બહારથી માણી લેજો.”
ઉચિત વાત હતી. મૉલમાંથી બુર્જ ખલીફા જતાં અમે એક્વેરિયમ માણ્યું. એ નજારા સાથે વિન્ડો શૉપિંગની મોજ પણ માણી. વિશ્વની અલ્ટ્રા પ્રીમિયમ અને પ્રસિદ્ધ બ્રાન્ડ્સની શૉપ્સ દુબઈ મૉલમાં છે. દુબઈ ક્રીક સ્થિત ફેસ્ટિવલ સિટી મૉલ કરતાં આ ત્રણગણો મોટો મૉલ છે. 5,02,000 ચોરસ મીટર કે 54 લાખ ચોરસ ફૂટ એનો વિસ્તાર! દસ-પંદર મુલાકાત પછી પણ મૉલ પૂરેપૂરો જોવો અશક્ય છે.
બુર્જ ખલીફા અને દુબઈનાં અન્ય જાણીતાં સ્થળોની ટિકિટ નિશ્ચિત સમયે પ્રવેશ અનુસાર મળે છે. અમે અમારા સમયે એન્ટ્રી સુધી પહોંચ્યાં. બુર્જ ખલીફાની ટિકિટમાં પણ વિકલ્પો હોય છે. સૂર્યાસ્ત સમયની ટિકિટ મોંઘી હોય છે. અમે બપોરે ગયાં કેમ કે ધર્મેન્દ્રભાઈની સલાહ હતી, “સનસેટ જોવા વધુ પૈસા ખર્ચો અને બને કે વાતાવરણ ધૂમ્મ્સભર્યું હોય અને કશું જોવાશે નહીં. બહેતર છે બપોરે જાવ. સૂર્યપ્રકાશમાં સારું વિહંગાવલોકન થશે.” આવું સૂચન એ વ્યક્તિ જ આપી શકે જે દુબઈના અચ્છા જાણકાર હોય. સૂચન લાખેણું રહ્યું. દર સેકન્ડે 10 મીટર ધસતી લિફ્ટમાં અમે 124મા માળે પહોંચ્યાં ત્યારે વાતાવરણ ખુશનુમા હતું. સૂર્ય શાંત હતો. આકાશ ચોખ્ખું હતું.
 બુર્જ ખલીફામાં વિઝિટર્સ માટે 124થી 154 માળ વચ્ચે છએક ઓબ્ઝર્વેશન ડેક્સ છે. સૌથી ઊંચે, 585 મીટરે, 152થી 154 માળની ડેક્સ માટે વીઆપી ટિકિટ છે. એમાં ચા અને નાસ્તો પણ મળે. “મારે તો સૌથી મોંઘી ટિકિટ લેવી,” એવા રાગ તાણતા એ ટિકિટ લઈ શકાય પણ એક સલાહ છે. 124 કે 154મા માળથી દેખાતું બાહ્ય દ્રશ્ય લગભગ સરખું. નક્કર કારણ અથવા ઝાઝાં ફદિયાં ખર્ચવાની સિવાય એટ ધ ટૉપ કહેવાતો 124મો માળ પણ ત્યાં આનંદ માણવા પૂરતો છે.
 ઓબ્ઝર્વેશન ડેક એટલે એવી જગ્યા જ્યાંથી બહારનું વિશ્વ જોઈ શકાય. અમે ડેક પર લગભગ દોઢેક કલાક પસાર કર્યો. કાચથી આવૃત ગોળાકાર ડેક પરથી જુદી જુદી દિશાઓ નિહાળી શકાતી હતી. અમારા જેવા હરખપદુડા ટુરિસ્ટ ઘડીક રોમાંચ અનુભવવામાં, ઘડીક દૂર નજર ફેરવવામાં અને ઘડીક ચિત્રવિચિત્ર પૉઝમાં ફોટોગ્રાફી કરવામાં વ્યસ્ત હતા. ત્રીજી પ્રવૃત્તિ સૌથી વધુ થઈ રહી હતી. આજનો માણસે ફરવા જાય ત્યારે કેમેરાની આંખને વધુ મહત્ત્વ આપે છે. કહો કે હવે લોકો ફરવા જાય છે જ એટલે કે કેમેરા મોજ કરે. અલા યાર, પહેલાં સગી આંખોએ દ્રશ્યોને હૃદયમાં ઊતરવા દો. માહોલને, વાતાવરણને, તરંગોને, વાઇબ્રેશન્સને રોમરોમમાં એકાકાર થવા દો. નિરાંતે બેસો. સ્થળની નરી અનુભૂતિ લો. પછી, ધરાઈ જવાય ત્યારે ફોટોગ્રાફી ક્યાં નથી થતી? પણ ના. આપણે તો ફોટોગ્રાફી કરવી, પછી ભલે ઘેર આવ્યા બાદ હરામ એ ફોટોગ્રાફ્સ જીવનમાં એક-બે વખતથી વધારે જોયા કે ના જોયા. આપણા પ્રવાસ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી થકી ખર્વ-નિખર્વ ટન ડિજિટલ કચરો પેદા કરવાની મૂર્ખામી બની ગયા છે. આ ગાંડપણ વિનાના પ્રવાસ કેવા અવિસ્મરણીય હોય છે એ હવે કોઈને વિચારવું નથી.
મારું ખાતું આટલું વિચિત્ર નથી. ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી મને પણ ગમે છે. માત્ર એટલું કે એમાં જ ઓતપ્રોત રહેવાનો સ્વભાવ કે એવી આદત કેળવાઈ નથી. આ લેખમાળામાં મૂકવા માટે ફોટોગ્રાફ્સ અને વિડિયો શોધવામાં મને થોડી મહેનત પડે છે. હું ફોટોગ્રાફ્સમાં વ્યસ્ત રહું એ કરતાં જગ્યાને મન ભરીને માણું એ વધુ જરૂરી છે. બીજું, મારા મનમાં જગ્યાનાં જીવંત સંસ્મરણો સચવાય એ હાર્ડ ડિસ્કમાં ઠઠારી દેવાતા ફોટો કે વિડિયો કરતાં ઇમ્પોર્ટન્ટ છે. આ રીતે શબ્દો થકી સંસ્મરણો આકાર લે એ પણ બહુ જરૂરી છે.
એક દરવાજેથી પ્રવેશ મેળવી બીજા દરવાજા બહાર નીકળ્યાં ત્યાં અલગ માહોલ હતો. ફૂડ કાઉન્ટર પણ હતું. એ જગ્ચાએ પણ સારો સમય પસાર કરી એક્ઝિટ કરી. ત્યાં સુવેનિયર સહિતની ચીજોના વેચાણનાં કાઉન્ટર્સ હતાં. મોટાભાગની ચીજો મોંઘી હતી. ધરાઈને જોઈ પણ ખરીદી ના કરી. આ પહેલાં દરેક જગ્યાએથી મેગ્નેટ, ફ્રેમ, ગ્લાસ વગેરે ખરીદ્યાં પછી એમને નકામાં પડ્યાં રહેતાં જોયાં હોવાથી હવે ટેવ બદલવાનો પ્રયાસ જારી છે. લેવાં જેવું એક પુસ્તક હતું ખરું, શેખ મહમ્મદ બિન રશીદ અલ મખ્તોમ લિખિત માય સ્ટોરી. જાડા પુઠ્ઠાની એની ત્યાં વેચાતી આવૃત્તિ મોંઘી અને વજનદાર હતી. એની નોંધ લઈને ઓનલાઇન પેપરબેક એડિશન શોધી. કામ થઈ ગયું.
ઊંચી ઇમારતથી વિહંગાવલોકન કરવાનો અનુભવ નોખો હોય છે. આવો અનુભવ ક્વાલાલમ્પુર, સિંગાપોર અને મકાઉ પછી અહીં માણ્યો. ચીનમાં પણ આવી જ એક ઇમારતમાં ગયો હતો પણ એનું નામ યાદ નથી. આર્કિટેક્ચર, ટેક્નોલોજી અને મેનેજમેન્ટનો સંગમ બુર્જ ખલીફાને ખાસ બનાવે છે. અમે બહાર આવ્યાં ત્યારે રિસિવ કરવા પ્રજ્ઞેશ આવ્યો હતો. પ્લાન હતો બુર્જ ખલીફાથી એના ઘેર જઈ જમવું અને પછી અન્ચ જગ્યાએ જવું.
પ્રજ્ઞેશનું ઘર દુબઈ ઇન્ટરનેશનલ સિટીમાં. એની ખાસિયતો ઊડીને આંખે વળગે એવી હતી. સાત કરોડથી વધુ ચોરસ ફૂટમાં એ પથરાયેલું છે. ચીનના ત્યજાયેલા ફોરબિડન સિટીની થીમ આધારિત આ વિશાળ કોમ્પ્લેક્સમાં જીવનજરૂરિયાતની તમામ ચીજો મળી રહે છે. પાસે ડ્રેગનમાર્ટ છે જે અત્યંત વિશાળ મૉલ છે. એમાં વિચારો એ તમામ ચીજો મળે છે, જે મોટાભાગે ચીનનાં ઉત્પાદનો છે.
ચીનના ફોરબિડન સિટીનો ઉલ્લેખ કર્યો છે તો એની થોડી વાત. વિકિપીડિયા મુજબ બિજિંગના દોંગચેંગ જિલ્લાના આ વિશાળ શહેરમાં 980 ઇમારતો હતી. એમાં મહેલોથી માંડીને સુખસાહ્યબીઓ સજ્જ વ્યવસ્થાઓ હતી. પંદરમી સદીમાં, ઇસવી સન 1406 અને 1420 વચ્ચે એનું નિર્માણ થયું હતું. ચીનના મિંગ વંશના રાજાથી લઈને છેક ઇસવી સન 1924 સુધી, તત્કાલીન ક્વિંગ રાજવંશ માટે એ શહેર શિયાળુ નિવાસ્થાન હતું. ઇસવી સન 1925થી એ મ્યુઝિયમ છે. 1987થી એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. વરસે દોઢ-બે કરોડ મુલાકાતીઓ ત્યાં જાય છે. દુનિયાની એ સૌથી મોંઘી પ્રાપર્ટી છે. એનું અંદાજિત મૂલ્ય 70 બિલિયન અમેરિકન ડોલર છે.
ઇન્ટરનેશનલ સિટીમાં વિવિધ દેશ આધારિત થીમ પ્રમાણે મકાનો બન્યાં છે. સ્પેન, રશિયન, ઇટાલી, ઇંગ્લેન્ડ, ચીન, પર્શિયા, ગ્રીસ એમાં સામેલ છે. ભારતીય થીમ નથી, કદાચ એટલે કે દુબઈમાં લગભગ અત્રતત્રસર્વત્ર ભારતીયતા છે. જે દેશની થીમના ક્લસ્ટરમાં મકાન હોય એવું એનું બાંધકામ હતું. ઘર અને ઇન્ટિરિયર પણ એ રીતે હતાં. દરવાજો, બારી, રસોડું, ભીંત, બધાંમાં સંબંધિત દેશની શૈલી હતી. મોકળાશ ભરપૂર હતી. આપણે ત્યાં હવે આકાશ જોવા માટે ફાંફા મારવા પડે છે. દુબઈનું ટાઉન પ્લાનિંગ એવું છે કે આવી ગરીબી અનુભવાતી નથી. ઇન્ટરનેશનલ સિટીમાં મકાનો પ્રમાણમાં ઓછાં ઊંચાં હોવાથી પણ મોકળાશ વધુ હતી.
ઇન્ટરનેશનલ સિટી શહેરથી થોડે દૂર છે. પ્રજ્ઞેશ અને ધર્મેન્દ્રભાઈના ઘર વચ્ચે આશરે 21 કિલોમીટરનું અંતર હતું. ફાલ્ગુનીભાભીએ તો જાણે ટ્રીટ રાખી હતી. ઘરમાં પ્રવેશ્યાં તો દેશી પદ્ધતિથી સ્વાગત થયું. જમવાની થાળી પરંપરાગત રીતે સજાવી હતી. દેશથી દૂર ફરી સ્વજનોના હોવાથી મન પુલકિત થઈ ગયું. દીકરી જાહ્નવી પણ એવી ખુશખુશાલ કે શું કહીએ.
ત્યાંથી નીકળી અમે પહોંચ્યાં ક્રીક હાર્બર. દુબઈમાં સૌથી ગમી એજનારીએ એક જગ્યા રહી. બુર્જ ખલીફાથી એ પંદરેક કિલોમીટરે છે. સાંજે ક્રીક હાર્બરમાં નિરવ વાતાવરણ અને નામમાત્રના માણસો હતા. મુંબઈ પાસે લાંબો દરિયાકિનારો છે પણ ખાસ કામનો નથી. આપણે ગિરગામ કે જુહુ ચોપાટી ગયા તો શું કે ના ગયા તો શું. કોઈ ખાસ ફેર પડતો નથી. બાકીના દરિયાકિનારા નામના છે. દુબઈ ક્રીક હાર્બર જેવું આપણે ત્યાં પણ થઈ શકે પણ…
જ્યાં હાર્બર સ્થિત છે એ જગ્યા ડાઉનટાઉન નજીક છે. પૉશ રહેણાક વિસ્તાર પણ છે. ચોવીસેય કલાક મુલાકાતીઓ માટે ખુલ્લી, છએક કિલોમીટરમાં પથરાયેલી આ જગ્યામાં સુંદર બેઠક વ્યવસ્થા, સ્નેક્સ સ્ટોલ્સ સહિત સગવડો છે. ત્યાં સમય પસાર થંભી ગયાની ફીલિંગ થાય છે. પ્રજ્ઞેશે જણાવ્યા મુજબ ઘણા દુબઈવાસીઓ ત્યાં સપરિવાર સાંજ વિતાવવા જતા હોય છે. સમય ઓછો હોવાથી અમે કલાકેક વિતાવી શક્યા. ફોટોગ્રાફી કરતાં અમે ટહેલ્યાં. ફ્લેમિંગો એટલે સુરખાબ પક્ષી જ્યાં જોવા મળે છે એવા હાર્બર પર આ પક્ષીઓની મોટા કદની પ્રતિમાઓ પણ છે. સાર્વજનિક સ્થળ છતાં સગવડો ફાઇવ સ્ટાર અને વેલ મેનેજ્ડ હતી. દુબઈ જનારે એકાદ અન્ય સ્થળને જતું કરીને આ જગ્યાએ જરૂર પહોંચી જવા જેવું છે.
ત્યાંથી નીકળ્યાં કે ધર્મેન્દ્રભાઈ, રશ્મીભાભી અને દીકરો પ્રણવ પણ જોડાયાં. અમે પામ જુમૈરાહ અને એટલાન્ટિસ હોટેલના વિસ્તારમાં ગયાં. વિશ્વમાં નામ કાઢનારી આ જગ્યા વિશે શું લખવું? એ માનવસર્જિત દ્વીપસમૂહ (દ્વીપસમૂહ) છે. હજી ઘણા ડેવલપમેન્ટ્સ બાકી છે. શાહરુખ ખાન અને મુકેશ અંબાણી સહિત દેશ-વિદેશના સેલિબ્રિટીઝનાં એમાં ઘર છે. પાણી નીચે ત્યાંનો વાહનો માટે અંડરપાસ એન્જિનિયરિંગની કમાલ જેવો છે. ઐશ્વર્ય, આધુનિકતા અને ઉત્કૃષ્ટતા સમન્વય જેવી આ જગ્યાએ મનમાં થયું, “આવાં લેન્ડમાર્ક્સ બનાવવાની બુદ્ધિ શેખસાહેબને અને એમની કંપનીઓને ક્યાંથી મળતી હશે?”
રાત થઈ ચૂકી હતી. અમે ગયાં ડિનર માટે. કરામા વિસ્તારમાં એફએમ 108 શ્(ફૂડ મસ્તી) નામની રેસ્ટોરાં છે. એ બતાવી હતી હર્ષિલે, જેની સાથે બેએક દિવસ પહેલાં ડિનર માટે ગયાં હતાં. મુંબઈના બોરીવલીના એક યુવાને એના મિત્રો સાથે શરૂ કરેલી આ રેસ્ટોરાં સરસ છે. મેનુ મજાનું, પ્રેઝન્ટેશન ખૂબીભર્યું. વાનગીઓના ભાવ પણ નવાઈ પમાડે એવા વાજબી. અમુક દિવસે (લગભગ બુધવાર અને શુક્રવાર) લાઇવ મ્યુઝિક પણ છે. ઓપન અને ક્લોઝ્ડ બેઉ પ્રકારની બેઠકો છે. દુબઈ જનારને આ રેસ્ટોરાંમાં ભોજન માણવાની સલાહ છે. સમય લઈને જજો કેમ કે સારી પરોણાગતને લીધે જમવામાં થોડો સમય લાગી શકે છે.
ડિનર પછી ડ્રાઇવ કરીને ગયાં અલ સત્વા. ત્યાં આપણી કૉફી શૉપ્સ જેવી કૉફી શૉપ ફિલી છે. એના આઉટલેટમાં એક રાતે ધર્મેન્દ્રભાઈ અને મેં સમય પસાર કર્યો હતો. ત્યારે હતું કે તક મળ્યે ત્યાં સપરિવાર જવું છે. ડિનર પછી મેં વિચાર માંડ્યો તો ધર્મેન્દ્રભાઈએ કહ્યું, “બિલકુલ જઈએ. આપણે સૌ સાથે હોઈએ અને આવો સમય પસાર કરવા મળે એ તો સંભારણું…”
સરસ મસાલા ચા અને વાતોના કોમ્બિનેશન વચ્ચે આનંદ માણ્યો. ઘડિયાળનો કાંટો ક્યારનો નવો દિવસ લાવી ચૂક્યો હતો. મધરાત વીતી ગઈ હતી અને વાગવા આવ્યા હતા દોઢ. એ પછી જો ઘેર જઈને આરામ ના કરીએ તો કેમ થાય?
ટૂંકમાં…
  • શૉપિંગનો જેમને ચસકો હોય એ લોકો દુબઈમાં જરૂર કરતાં (અને બજેટ કરતાં પણ) વધારે ખર્ચ કરી બેસે એની પૂરી શક્યતા છે. શૉપિંગરસિયાને ધ્યાનમાં રહે કે સમય, દિરહામ ઓછા પડી જાય એટલું શૉપિંગ ત્યાં થઈ શકે છે.
  • ઘણા વિસ્તારોમાં વાહન પાર્કિંગ અઘરું છે. પામ જુમૈરાહમાં પાર્કિંગ માટેનાં વિકલ્પો ઓછા છે.
  • જેઓને મૉલ આકર્ષે છે એવા પ્રવાસીઓએ દુબઈ મૉલ માટે આખો દિવસ ફાળવવો. એ પણ ઓછો પડી શકે છે.
  • દુબઈના તમામ સ્થળે પ્રવાસીઓને સાચવવા માટેની તાલીમ કર્મચારીઓને અપાઈ હશે. લગભગ જ્યાં જઈએ ત્યાં કર્મચારીઓની મૃદુતા અને મીઠાશ ધ્યાન ખેંચ્યા વિના રહેતી નથી.
  • દુબઈ મૉલમાં પ્રવેશ માટેનો માર્ગ અટપટો છે. એ ડાઉનટાઉન વિસ્તારમાં છે. એકાદ લેન ચૂક્યા તો લાંબો રસ્તો ફરી કાપવાનો આવી શકે છે.
  • વહેલી સાંજે જો દુબઈ ક્રીક હાર્બર ગયા તો પૂરતા સમયનું પ્રયોજન રાખજો. નિરાંત અને ખુશી બેઉ ચોક્કસપણે માણવા મળશે. (ક્રમશ:)
Share: