રિટર્ન ફ્લાઇટ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી હતી. સમય મધરાત પછીનો હતો. અમે વહેલાસર ત્યાં પહોંચી જવાનું રાખ્યું. અલ જદ્દફ એરપોર્ટની સાવ નજીક છે. ધર્મેન્દ્રભાઈ અને ભાભી તથા પ્રણવ સૌ મૂકવા આવ્યાં. એરપોર્ટમાં ડ્રોપ ઓફ્ફ કરવા આવતાં વાહનોએ ફટાફટ રવાના થઈ જવું પડે. દુબઈ અત્યંત વ્યસ્ત એરપોર્ટ હોવાથી આ ગોઠવણ સમજી શકાય એવી હતી.

ધર્મેન્દ્રભાઈ સહિત પરિવારે અમને એરપોર્ટ ડ્રોપ કર્યાં કે ટ્રોલીમાં સામાન ગોઠવીને સવારી ઉપડી ચેક-ઇન માટે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોવાથી વેબ ચેક-ઇન થયું નહોતું. સ્પાઇસ જેટના કાઉન્ટર પર ચેક-ઇન સ્મૂધલી થયું. ઇન્ડિગોની ફ્લાઇટ હોય ત્યારે દેશ હોય કે વિદેશ, મારું મગજ ભમવા માંડે. આજ સુધી ભાગ્યે જ એવો અનુભવ રહ્યો છે કે ઇન્ડિગોની ફ્લાઇટમાં ચેક-ઇન સરળતાથી થયું હોય. બચી ત્યારે જવાય જ્યારે ડોમેસ્ટિક ફ્લાઇટમાં લગેજની માથાકૂટ વિના સીધા જવાનું હોય.

ઇન્ડિગોનો ગ્રાઉન્ડ સ્ટાફ કોને ખબર પણ તોરમાં હોય છે. દેશની સૌથી મોટી એરલાઇન અને ચેક-ઇનનાં ખાસ્સાં કાઉન્ટર્સ છતાં એનાં અમુક કાઉન્ટર્સ જ કામ કરતાં હોય છે. ગ્રાઉન્ડ સ્ટાફનો એટિટ્યુડ આપણા પર ઉપકાર કરતા હોય એવો જ લાગે. એવું જ ફ્લાઇટની અંદર પણ અનુભવ્યું છે. મને ઇન્ડિગોનો ભાગ્યે જ સારો અનુભવ છે. મારો પ્રયાસ એ હોય જ છે કે ઇન્ડિગોની ફ્લાઇટ બને તો ટાળવી છતાં, દર વખતે છુટકારો શક્ય થતો નથી.
સ્પાઇસ જેટનો ગ્રાઉન્ડ સ્ટાફ કાર્યક્ષમ હતો. ચેક-ઇન ત્વરિત થવા ઉપરાંત દરેક પેસેન્જરની કાળજી લેવાઈ રહી હતી એ વર્તાઈ આવતું હતું. સામાન આપીને અમે એરપોર્ટ મેટ્રોમાં સિક્યોરિટી ચેકિંગ સુધી પહોંચ્યાં. એ પણ ઝડપભેર થયું. દુબઈમાં સ્વયંચાલિત ગેટથી થઈને સિક્યોરિટી ચેક-ઇન માટે જઈ શકાય છે. એમાં કોઈકનાં બોર્ડિંગ પાસ કામ કરતાં હતાં તો કોઈકનાં નહીં. અમારાં બોર્ડિંગ પાસે દગો આપતાં ફિઝિકલ કાઉન્ટર જવું પડ્યું. તો પણ મુશ્કેલી કે વિલંબ ના નહીં. ગણતરીની મિનિટોમાં અમે વિધિ પતાવીને મોકળાં થઈ ગયાં.
દુબઈ એરપોર્ટ પર એમિરેટ્સની ફ્લાઇટ માટે બહેતર સુવિધાઓવાળું અલાયદું ટર્મિનલ છે. એરપોર્ટ 7,200 એકરમાં પથરાયેલું છે. મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ સહિત, 1,850 એકરમાં પથરાયેલું છે. દુબઈ એરપોર્ટનું ટર્મિનલ થ્રી એમિરેટ્સ અને ફ્લાયદુબઈની ફ્લાઇટ્સ માટે છે. બાકીનાં બે ટર્મિનલ્સ અન્ય એરલાઇન્સ માટે છે. ત્રણેય ટર્મિનલ્સની સહિયારા વાર્ષિક નવ કરોડ પેસેન્જર હેન્ડલ કરવાની ક્ષમતા છે. શહેરથી 37 કિલોમીટરે દુબઈમાં અલ મખ્તોમ ઇન્ટરનેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. 2027 સુધીમાં એ સંપૂર્ણપણે તૈયાર થઈ જવાની ધારણા છે. એ 35,000 એકરમાં પથરાયેલું છે. એ વાર્ષિક 1.60થી 2.60 કરોડ કરોડ પેસેન્જર હેન્ડલ કરી શકશે. બેઉ એરપોર્ટની માલસામાન હેન્ડલ કરવાની કેપેસિટી પ્રચંડ છે.

ડ્યુટી ફ્રી શૉપિંગ માટે દુબઈ એરપોર્ટ જાણીતું છે. અમે ડ્યુટી ફ્રી શૉપ્સમાં લટાર મારી અને શૉપિંગ પણ કર્યું. હરતાંફરતાં સગવડો પર દ્રષ્ટિપાત થઈ રહ્યો હતો. બિઝી એરપોર્ટ હોવાથી પેસેન્જર્સ ઘણા છતાં ભીડનો માહોલ નહોતો. મધરાત પછીના સમયે થાક્યાપાક્યા પેસેન્જર્સ તાણીને અહીંતહીં સૂતા હતા.
મારાથી મનોમન દુબઈ અને મુંબઈ એરપોર્ટની તુલના થવા માંડી. સાથે હૈદરાબાદ, બેંગલુરુ, કોલકાતા અને દિલ્હી એરપોર્ટ્સ પણ યાદ આવ્યાં. પછી ક્વાલાલમ્પૂર, હોંગકોંગ, શાંઘાઈ, સિંગાપોર યાદ આવ્યાં. આપણાં એરપોર્ટ્સ વિશ્વકક્ષાનાં છે એમાં બેમત નથી. મુંબઈ એરપોર્ટનું ટર્મિનલ ટુ ક્લાસ વન છે. દિલ્હી અને હૈદરાબાદ પણ ઉત્કૃષ્ટ છે. સગવડથી માંડીને ડ્યુટી ફ્રી શૉપિંગ માટે આપણાં એરપોર્ટ્સ વિદેશી એરપોર્ટ્સથી ઓછાં નથી. ભારતીય ચટાકાના આપણા પ્રેમને લીધે થાય કે ખાણીપીણીમાં આપણાં એરપોર્ટ્સ બહેતર છે. સિંગાપોર અને ક્વાલાલમ્પૂર એરપોર્ટ્સ ગમે છે. સિંગાપોર એરપોર્ટ ઘણી બાબતોમાં ચડિયાતું છે. બેઉ જગ્યાએ પેસેન્જર તકીરે અને સ્ટોપઓવર વખતે પણ સમય પસાર કરવાની તક મળી છે. ચીનના એરપોર્ટ્સમાં એરપોર્ટ જેવા ઠઠારા નહોતાં. ખાણીપીણીની ચીજો નોર્મલ ભાવમાં મળતી હતી. બીજે ક્યાંય એવું જોયું નથી.
દુબઈએ ડ્યુટી ફ્રીના નામે સિક્કો જમાવ્યો ત્યારે આપણાં એરપોર્ટ્સ આજે છે એવાં નહીં હોય. એનું નામ થયા પછી એનો સિક્કો ભૂંસવામાં કે આપણી લીટી લાંબી કરવામાં સમય લાગે જ. એટલું ફરી દોહરાવીશ કે મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ જેવાં એરપોર્ટ્સ પર પસાર થતો સમય ક્યારેય કંટાળાજનક લાગ્યો નથી. દુબઈ એરપોર્ટ પર સમય સહેલાઈથી અને વિના કંટાળો પસાર થયો. ફ્લાઇટના સમયે બોર્ડિંગ માટે પહોંચ્યાં. વિધિ ફટાફટ સંપન્ન થઈ. એ સાથે શરૂ થઈ બેક ટુ ઇન્ડિયા જર્ની.
ફ્લાઇટ સારી રહી. મુંબઈ એરપોર્ટ પર પહોંચતાં એક તરફ દુબઈનાં સંસ્મરણો તો બીજી તરફ પોતાના શહેર પહોંચ્યાની થ્રિલ મનમાં ઉછળવા માંડ્યાં. મુંબઈમાં ઇમિગ્રેશન પતાવીને બહાર આવવું અપેક્ષા મુજબ જરા ત્રાસદાયક રહ્યું. એનું કારણ અપર્યાપ્ત કાર્યરત કાઉન્ટર્સ અને પેસેન્જર્સની વધારે સંખ્યા. વધારે કાઉન્ટર્સ ચાલતાં હોય તો આ વિધિ કંટાળાજનક ના બને. સામાન્ય શૉપિંગ અને ઓછા સામાનને લીધે ગ્રીન ચેનલમાંથી બહાર આવવામાં વાર ના લાગી. બહાર આવતાવેંત સવારી લીધી રિક્શાની, “ભાઈ, ચલો ઘર…”
છેલ્લી અમુક વાતો સાથે વિરામ લઉં.
અત્યાધુનિક શહેરોના મામલે દુબઈ એક અગ્રણી શહેર છે. એની એક ખાસિયત કામઢાપણું અને સૌને સમાવી લેવાનું કલ્ચર છે. અન્ય અગ્રણી શહેરોને શહેર કહી શકાય અને દુબઈને આખા વિશ્વનું મિનિએચર શહેર કહી શકાય. કેટકેટલા દેશની પ્રજાને એણે પોતાના કર્યા છે. દુબઈ રહેનાર આખી દુનિયાનો પ્રત્યક્ષ કે પરોક્ષ રંગ માણી શકે છે. લોકોનો અભિગમ સકારાત્મક છે. કદાચ એટલે કે દસમાંના નવ જણ ત્યાં બહારથી આવીને વસ્યા છે. સૌ સમદુખિયા અને સમસુખિયા છે. વાઇબ્રન્સી અને લાઇવલીનેસ દુબઈમાં બધે છે. પર્યટક તરીકે કહીશ કે અતિવિકસિત શહેરો મને ઓછાં આકર્ષે છે. એવાં શહેરોમાં બધું એકમેકની કાર્બન કૉપી લાગે છે. શું ટુરિસ્ટ એટ્રેક્શન્સ કે શું ઇમારતો. દુબઈ કે સિંગાપોરમાં નેચરલ ટુરિસ્ટ સ્પોટ્સ ઓછાં છે. બેઉ પાસે માનવસર્જિત સ્થળો છે. નિસર્ગ, સંસ્કૃતિ અને આધુનિકતાના સમન્વયથી શહેર કે દેશ વધારે માણવાલાયક થાય. એ મામલે ભારત. ચીન, ઇવન મલેશિયા શ્રીમંત છે.
છતાં, શૂન્યમાંથી સર્જન, મેનેજમેન્ટ, વિઝન, ટંટાફસાદ અને તાણમુક્ત જીવનશૈલી જેવી બાબતો માટે દુબઈ અવશ્ય અનુભવવું રહ્યું. જતા પહેલાં એનો ઇતિહાસ વાંચવો સારો રહેશે. આઝાદીના સાડાસાત દાયકા પછી આપણે અનેક મામલે પછાત છીએ. વિઝનરી શાસકો મળ્યા હોત તો આપણી આજ જુદી હોત. જોકે આપણા શાસકો પણ છેવટે આપણામાંના અને આપણી જ માટીના બનેલા, એટલે વાંક કાઢવાનો અર્થ નથી. બસ આશા સેવો કે એક દેશ તરીકે, પ્રજા તરીકે આપણો અભિગમ એકબીજાને વેતરવાનો રહેવાને બદલે દેશને મહાશક્તિશાળી બનાવવાનો બને. અશક્ય કશું નથી એ દુબઈ સિદ્ધ કરે છે. આપણે પણ એવું સિદ્ધ કરીને ભાવિ ભારતને સુખી કરીએ.
ટૂંકમાં…
  • દુબઈના સ્થાયી ભારતીયોને (કદાચ દરેક પરદેશીને) સૌથી મોટી ચિંતા નિવૃત્તિ પછીની અનિશ્ચિતતા છે. ગમે તેટલી મહેનત છતાં એમને નિવૃત્તિલાભ મળતા નથી. સુવર્ણકાળમાં સારી આવક રળવા છતાં એક મુકામ પછી સૌને રિટાયર થયા પછીના જીવનની ચિંતા રહે છે.
  • દુબઈમાં ફિલ્મસ્ટાર્સ કે ઉદ્યોગપતિ મોંઘી પ્રોપર્ટી ખરીદે એ ઇઝી છે. સામાન્ય માણસ માટે પ્રોપર્ટી ખરીદવી એટલી સલાહભરી કે આસાન નથી. મોટાભાગના ભારતીયો ત્યાં ભાડાના ઘરમાં રહે છે. ફ્રીહોલ્ડ પ્રોપર્ટી તેઓ ખરીદી શકે પણ એ સારી પસંદગી ગણાતી નથી, ભવિષ્યમાં ઘર વેચતા નવ નેજાં પાણી ઊતરે એવી અનિશ્ચિત ત્યાંની રિયલ એસ્ટેટ માર્કેટની છે.
  • યુવાનો માટે દુબઈ અને સમગ્ર યુએઈ કારકિર્દી ઘડવાનો સારો વિકલ્પ છે. ભારત કરતાં ત્યાં પ્રમાણમાં સારી આવક છે. ત્યાં બહેતર જીવનની ગુણવત્તા, વિશ્વપ્રજા વચ્ચે વિકસતી વિચારધારા, પ્રોફેશનલિઝમ ખીલે છે. યાદ રાખવું કે સખત મહેનત અને સમજદારીભરી બચતથી યુએઈમાં સંપન્ન થવાશે.
  • દુબઈમાં પહેલાં શુક્ર-શનિ વીકએન્ડ હતું. 2021થી એ શનિ-રવિ થયું છે. શુક્રવાર હાફ ડે એટલે, સાડાચાર દિવસ સખત કામ કરીને અઢી દિવસ જીવન માણી શકાય. કામકાજના દિવસોમાં મોટાભાગની જોબ્સમાં નિશ્ચિત કલાક કામ રહે છે, એટલે વર્ક-લાઇફ બેલેન્સ બહેતર જળવાય છે.
(આ સિરીઝ વાંચનારા મિત્રો-સ્વજનોનો આભાર. સિરીઝ થોડી લાંબી એટલે રાખી કે વિગતવાર વર્ણન કરવું હતું. વત્તા, ડોક્યુમેન્ટેશન કે દસ્તાવેજીકરણ જરૂરી છે એવું હું માનું છું. આ સિરીઝને પુસ્તક તરીકે લાવવાની ઇચ્છા છે. આપ સૌનાં મંતવ્યો જણાવશો. ફરી એકવાર, આભાર)
(આજના લેખની અમુક તસવીરો ઇન્ટરનેટથી લીધેલી છે)
Share: