નવી ફિલ્મો અને સિરીઝ સૌ ઉત્સુકતાપૂર્વક ઓટીટી પર જુએ. ઘણા ક્લાસિક ફિલ્મો જોવા પણ તલસતા હોય. જાણીએ આવી પાંચ ફિલ્મોને ઓનલાઇન જોવાના વિકલ્પો

ફિલ્મો આવે અને જાય. અમુક એવી સાબિત થાય જેમને વારંવાર જોવાનું મન થાય. 1913માં રિલીઝ થયેલી પ્રથમ ભારતીય ફિલ્મ ‘રાજા હરિશચંદ્ર’ મૂંગી ફિલ્મ હતી. એણે સિનેમાની તેજતર્રાર પ્રગતિનાં દ્વાર ઉઘાડ્યાં હતાં. અરદેશર ઇરાની નિર્મિત-દિગ્દર્શિત ‘આલમ આરા’ 1931માં આવી. એ 124 મિનિટ એટલે લગભગ બે કલાકની હતી. પછી ફિલ્મોની લંબાઈ વધતી ગઈ. સમયાવધિની દ્રષ્ટિએ સૌથી લાંબી હિન્દી ફિલ્મ ‘તમસ’ (ટેલિવિઝન ફિલ્મ) 1988માં આવી. લંબાઈ 298 મિનિટ મતલબ ઓલમોસ્ટ પાંચ કલાક! મોટા પડદાની લાંબી ફિલ્મો ‘એલઓસી કારગિલ’ 255 મિનિટ તો ‘મેરા નામ જોકર’ 244 મિનિટની હતી. સમયનું ચક્ર વળી એ મુકામે છે જ્યાં ફિલ્મોની લંબાઈ, ‘આલમ આરા’ની જેમ, બેએક કલાક આસપાસ આવી છે.

ફિલ્મો, વેબ સિરીઝ, મ્યુઝિક, ટીવી શોઝના અતિરેકે મુશ્કેલી સર્જી છે. હવે એ સૌ આવે અને જાય છે પણ મન કે હૃદયમાં ભાગ્યે જ અવિચળ સ્થાન બનાવે છે. બે વરસ પહેલાંની ફિલ્મ કે ગીત આજે કોઈ જોતું કે ગણગણતું હોય એવું ઓછું બને છે. અંતાક્ષરી અને સહેલગાહમાં સૌથી વધુ જૂનાં અને એવરગ્રીન ગવાય છે. અરિજિતથી બાદશાહ સુધીના ગાયકો યુવાનોમાં લોકપ્રિય હોય પણ સમુહગાનમાં રફી, કિશોર, મુકેશ, લતા, આશા વગેરેનાં ગીતો વધુ ગવાય છે. અણર ગીતો અને સર્વોત્તમ ફિલ્મોનું અવિચળ સ્થાન છે. એમનું સ્મરણમાત્ર ઝણઝણાટી કરાવે છે. વાર્તા, રજૂઆત, અભિનય, નિર્માણ, દિગ્દર્શનના મોરચે ક્લાસિક ફિલ્મોમાં ખાસ હોય છે. નોસ્ટાલજિક વેલ્યુઝ પણ ખરી. ક્લાસિક ફિલ્મો ઓટીટી પર ખાસ પ્રમોટ થતી નથી. સૌને રસ છે તાજા માલના પ્રદર્શનમાં. ક્લાસિક ફિલ્મો ક્યાં જોવી એ ઝટ સમજાતું નથી. પાંચ ક્લાસિક ફિલ્મોની યાદી આ રહી, જેમને ઓનલાઇન જોઈ શકાય છે.

શોલેઃ જય અને વીરુની જોડી, નટખટ બસંતી. ક્રૂર ગબ્બર સિંઘ અને ગણતરીબાજ ઠાકુરથી નવી પેઢી પણ પરિચિત છે. ‘શોલે’એ ત્યારે બોક્સ ઓફિસ પર કમાયેલા રૂ. 35 કરોડ આજના રૂ. 980 કરોડ થાય. ટીવી, ઓટીટી, સેટેલાઇટ રાઇટ્સની આવક વિના. કહો કે ‘શોલે’ સામે ‘પઠાન’ની સફળતા મોળી છે. ત્યારે સિંગલ સ્ક્રીન હતી, મલ્ટીપ્લેક્સની મોંઘી ટિકિટો નહોતી. ત્યારે થિયેટરમાં ફિલ્મો જોવાનો ક્રેઝ નહોતો. છતાં, આવી સફળતા! ‘શોલે’ જોવા એમેઝોન પ્રાઇમ, યુટ્યુબ, એપલ ટીવી જેવા વિકલ્પો છે. એન્જોય.

પ્યાસાઃ ગુરુદત્તનું સાચું નામ વસંતકુમાર પદુકોણ. તેમના ડિરેક્ટર બનવા પાછળ રસપ્રદ કિસ્સો હતો. ગુરુદત્તને ડિરેક્ટર તરીકે પ્રથમ તક સુપરસ્ટાર દેવ આનંદે આપી હતી. ગોઠવણ એવી હતી કે ગુરુદત્તના દિગ્દર્શનમાં હીરો દેવ રહે અને દેવના નિર્માણમાં ડિરેક્ટર ગુરુદત્ત રહે. બેઉએ ‘બાઝી’, ‘જાલ’, ‘સીઆઈડી’ જેવી યાદગાર ફિલ્મો આપી. પછી વિચારભેદ થયો. ગુરુદત્ત અભિનેતા પણ હતા. 1957ની પ્યાસામાં તેમની ઇચ્છા દિલીપ કુમારને લેવાની હતી. જોકે ડોક્ટરે દિલીપ કુમારને ત્યારે હળવીફુલ ફિલ્મો કરવાની સલાહ આપી હતી. ‘પ્યાસા’માં ગુરુદત્ત જાતે હીરો બન્યા. એ વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં સ્થાન પામી. અગણિત નવા ડિરેક્ટર્સ ગુરુદત્તની ફિલ્મોથી ઘણું શીખ્યા છે. કળાત્મકતા અને વેપાર બેઉનો સમન્વય કરવાની ગુરુચાવી ‘પ્યાસા’ ગણાય છે. એનું સંગીત પણ વિશ્વના ઓલ ટાઇમ ગ્રેટ ફિલ્મ સંગીતમાં આવે છે. ‘પ્યાસા’ માણો યુટ્યુબ. એમેઝોન પ્રાઇમ, ઝેન્ગા ટીવી, એરટેલ એક્સ્ટ્રીમ અને અન્ય પ્લેટફોર્મ્સ પર.

મધર ઇન્ડિયાઃ વાસ્તવિક જીવનમાં પતિ-પત્ની થનારાં નરગીસ અને સુનીલ દત્ત 1957ની ફિલ્મમાં મા-દીકરા હતાં. મહેબુબ ખાન દિગ્દર્શિત ફિલ્મ ઓસ્કરમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ તરીકે નામાંકિત થનારી પ્રથમ ભારતીય ફિલ્મ હતી. વાસ્તવમાં એ ખાનની 1940ની ‘ઔરત’ની રિમેક હતી. નરગીસે ભજવેલું રાધાનું પાત્ર આજે પણ અનન્ય છે. ‘મધર ઇન્ડિયા’ નામ એમ પડ્યું કે અમેરિકન લેખિકા કેથરિન મેયોનું એક પુસ્તક આ નામે આવ્યું હતું. એમાં ભારતીય ગ્રામ્યજીવનને હલકું ચીતરવામાં આવ્યું હતું. એનો સણસણતો જવાબ આપવા ખાને ફિલ્મને એ નામ આપ્યું. આઝાદી પછીના હિન્દુસ્તાનની દેશદાઝ, સંસ્કારો અને પારિવારિક મૂલ્યોને ફિલ્મમાં બખૂબી દર્શાવવામાં આવ્યાં છે. આપણી ફિલ્મોમાં વેસ્ટર્ન ક્લાસિકલ અને ઓર્કેસ્ટ્રાને પ્રથમવાર રજૂ કરવાનું માન આ ફિલ્મ અને સંગાતકાર નૌશાદને જાય છે. ‘મધર ઇન્ડિયા’ પણ જિયો સિનેમા, એમએક્સ પ્લેયર, એમેઝોન પ્રાઇમ, યુટ્યુબ પર જોઈ શકાય છે.

મુગલ એ આઝમઃ ફિલ્મ તવારીખમાં કે. આસીફનું નામ સુવર્ણાક્ષરે અંકિત કરનારી આ ફિલ્મે રિલીઝ સુધી અનેક પડકારો ઝીલ્યા હતા. ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂર, દિલીપકુમાર, મધુબાલા, દુર્ગા ખોટે સહિત સિતારા હતાં. જહાંગીરના દીકરા સલીમ અને નર્તકી અનારકલીની પ્રેમકથા, બાપ-દીકરા વચ્ચે ખટરાગ, અનેક વળાંકો એમાં હતાં. વાર્તાની પ્રેરણા કે. આસીફને 1922માં, નાટ્યલેખક ઇમ્તિયાઝ અલી તાજ લિખિત ‘અનારકલી’ નાટકથી મળી હતી. 1944માં નિર્માણની શરૂઆત થઈ. 1950માં એણે ગતિ પકડી. 1960માં ફિલ્મ આવી. દેશની એ સૌથી ખર્ચાળ ફિલ્મ હતી. ગીત પ્યાર કિયા તો ડરના ક્યાના શૂટિંગ માટે લાહોરના શીશમહેલનો સેટ બનાવાયો હતો. એ ગીત પાછળ રૂ. 10 લાખનું આંધણ કરાયું હતું. એટલામાં ત્યારે આખી ફિલ્મ બનતી. ગીતના શબ્દો અને સંગીતને ફાઇનલ કરતા ગીતકાર શકીલ બદાયુની અને સંગીતકાર નૌશાદે 105 વખત રિવર્ક કર્યું હતું. સૌથી વધુ સિનેમાઘરોમાં રિલીઝ થવાનો રેકોર્ડ ફિલ્મે સ્થાપ્યો હતો. ફિલ્મ ઓનલાઇન જોવા ઝીફાઇવ, જિયો સિનેમા, શેમારૂ મી અને યુટ્યુબ વિકલ્પો છે. 2004માં એ નવા રંગો સાથે રજૂ થઈ હતી. એ વર્ઝન પણ જોઈ શકાય છે.

ગાઇડઃ 1965ની ‘ગાઇડ’ એટલે દેવ આનંદ, એમના ભાઈ દિગ્દર્શક વિજય આનંદ અને વહીદા રહેમાનની ત્રિપુટીએ પડદે લખેલું કાવ્ય. મૂળે દિગ્દર્શન દેવના અન્ય પ્રતિભાશાળી ભાઈ ચેતન આનંદ કરવાના હતા. નસીબને અલગ મંજૂર હતું. આર. કે. નારાયણનની 1958ની આ નામની નવલકથા આધારિત ફિલ્મ આજે પણ મસ્ટ વૉચ છે. ગાઇડ રાજુ અને નૃત્યાંગન બનવા ચાહતી શ્રીમંત મહિલા રોઝીની કથા જકડી રાખનારી છે. ‘ગાઇડ’ હિન્દી પહેલાં અમેરિકામાં ઇંગ્લિશમાં બની હતી. દિગ્દર્શક ટેડ ડેનિયલેવસ્કી હતા. એ સરિયામ નિષ્ફળ હતી. એમાં દેવના અભિનયને વખોડવામાં આવ્યો હતો. હિન્દી ‘ગાઇડ’ બોક્સ ઓફિસ પર ઠીકઠીક રહી હતી. પ્રીમિયરમાં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી પણ હતાં. સમયના વહેણમાં ફિલ્મ દેશની સર્વોત્કૃષ્ટ ફિલ્મોમાં સ્થાન પામી છે. કથાથી લઈને એસ. ડી. બર્મનનું સંગીત, અભિનયથી માંડીને નિર્માણ, દરેક પાસા બહેતરીન હતા. ‘ગાઇડ’ જોવા યુટ્યુબ કદાચ એકમાત્ર વિકલ્પ છે.

 

આ પણ જાણી લો

 

  • ઓટીટી પર બીજી ઘણી ક્લાસિક ફિલ્મો ઉપલબ્ધ છે. જેમ કે ‘દો આંખે બારહ હાથ’ (જિયો સિનેમા, એમએક્સ પ્લેયર, યુટ્યુબ, ઝીફાઇવ), ‘દો બીઘા ઝમીન’ (યુટ્યુબ, શેમારૂ મી), ‘સાહેબ બીવી ઔર ગુલામ’ (યુટ્યુબ), ‘અછુત કન્યા’ (યુટ્યુબ, ઝેન્ગા ટીવી), ‘રાજા હરિશચંદ્ર’ (યુટ્યુબ, ઝેન્ગા ટીવી), ‘બૈજુ બાવરા’ (યુટ્યુબ, શેમારૂ મી), ‘આનંદ’ (એમએક્સ પ્લેયર, યુટ્યુબ) વગેરે. જેને માણવાનું મન થાય એ ફિલ્મનું નામ ઓનલાઇન સર્ચ કરી વિકલ્પો જાણી શકાય.
  • એ શક્ય છે કે ઘણી ક્લાસિક ફિલ્મોની ઓનલાઇન પ્રિન્ટ નબળી હોય, અથવા ફિલ્મ જોતી વખતે ઘણાં કટ્સ વર્તાય.
  • આજે એક પ્લેટફોર્મ તો આવતીકાલે બીજા પ્લેટફોર્મ પર ક્લાસિક ફિલ્મ હોય એનું કારણ જૂની ફિલ્મોના રાઇટ્સ એક કરતાં વધુ કંપની પાસે ના હોય એ છે.
  • નજીકના ભૂતકાળની ક્લાસિક ગણાતી ફિલ્મો, ‘લગાન’, ‘થ્રી ઇડિયટ્સ’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘સલામ બોમ્બે’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જેવી અનેક ફિલ્મો પણ ઓનલાઇન જોઈ શકાય છે.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 17 માર્ચ 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/17-03-2023/6

Share: