ટીવીની નબળી કે સબળી નકલથી પોતાની અલગ ઓળખ ઊભી કરવા ઓટીટીએ લાંબો પ્રવાસ ખેડવાનો છે. ગલગલિયાં કરાવતા કે ગુનાખોરીની દુનિયામાં ડોકિયું કરાવવા સાથે મગજ કુંઠિત કરનારા શોઝની ક્યારેક હદ આવવાની છે. સાથે ઉદય થવાનો છે નોન-ફિક્શન શોઝનો. એવા શોઝ જે જ્ઞાાન પણ પીરસે, મનોરંજન પણ, અને દર્શકને જુદી જ દુનિયામાં લટાર મારી આવ્યાનો સંતોષ પણ કરાવે

વરસ ૨૦૦૦નું હતું. ટેલિવિઝનની દુનિયામાં અનેક સેટેલાઇટ ચેનલ્સ પગપેસારો કરી ચૂકી હતી. એમાં ઝી સામે સોની અને સ્ટાર મરણિયા થઈ લડી રહી હતી. નંબર વન થવાની હોડમાં શું કરવું એની મથામણ હતી. એવામાં ૨૦૦૦ની સાલમાં સ્ટારે એકસાથે બે અખતરા કર્યા. એક હતો ડેઇલી સોપનો, જે હતી ‘ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી.’ બીજો હતો ‘કૌન બનેગા કરોડપતિ’ નામના શોનો. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પહેલીવાર ટીવી પર એ શો લાવ્યો. રમત રમતાં રમતાં, અમિતાભ સામે ખુરશી પર બેસીને, (હંગામી) ટીવી સ્ટાર બનીને, રૂપિયા એક કરોડ ઘેર લઈ જઈ શકવાની તક સૌના માટે અકલ્પનીય હતી. ‘કેબીસી’એ સ્ટારની ગણતરી કરતાંય સારું પરફોર્મ કર્યું. શો સુપર હિટ રહ્યો. પોતાના બે શોઝ થકી સ્ટારે સ્પર્ધામાં હનુમાન કૂદકો મારીને હરીફોને અચંબિત કરી નાખ્યા હતા.

૨૦૨૩માં ટેલિવિઝન માત્ર મેચ્યોર્ડ નથી થઈ ચૂક્યું. ટેલિવિઝન વાસ્તવમાં તો પોતાની ઘરેડમાં અટવાઈને આગળ કેમ વધવું એની મૂંઝવણ પણ અનુભવી રહ્યું છે. છોગામાં, સેટેલાઇટ ચેનલ્સે હવે આપસમાં લડવા સહિત ઓટીટી નામના નવા પડકારને ઝીંક આપવાની છે. સામે પક્ષે, ઓટીટીની મૂંઝવણ છે કોવિડિયા લોકડાઉનમાં પ્રસ્થાપિત થવાની તક મળી એને ટકાવીને વિકસતા રહેવાની. ક્રાઇમ આધારિત, સેક્સ આધારિત, હલકા મનોરંજન પીરસતા શોઝની વણજાર ઓટીટી પર ક્યારની જારી છે. એનાં અમુક અંશે વળતાં પાણી પણ શરૂ થઈ ગયાં છે. હવે જો ઓટીટી પર કંઈક જાદુઈ નથી આવતું તો ઘણાં પ્લેટફોર્મ્સ લથડિયાં ખાઈને પછડાટ ખાઈ શકે છે. સેટેલાઇટ ચેનલ કરતાં ઓછા ખર્ચે કદાચ ઓટીટી પ્લેટફોર્મ શરૂ થઈ શકે છે. એટલે આ વહેતી ગંગામાં હાથ ધોવા ઘણા થનગનભૂષણો, બિલાડીના ટોપની જેમ આવ્યા અને આવતા રહેવાના છે. એમની સામે પડકાર છે ટકી બતાવવાનો.

ઘણા ઓટીટી સંચાલકો માથું ખંજવાળી રહ્યા છે કે ટકવા અને દર્શકો જીતવા કરવું તો શું કરવું?

સૌથી પહેલાં તો, ઓટીટી પર નોન-ફિક્શન શોઝનું ભવિષ્ય ઉજળું છે. જે રીતે કેબીસીએ સ્ટારની તકદીર બદલાવી હતી એમ દમદાર નોન-ફિક્શન શોઝ ઓટીટી પ્લેટફોર્મ્સની તકદીર બદલાવી શકે છે. એની એક ઝલક ઓલરેડી આપણને મળી છે ‘શાર્ક ટેન્ક’થી. સોનીએ આ શો મૂળે એના ઓટીટી પ્લેટફોર્મ સોની લિવને ધ્યાનમાં રાખીને એના માટે જ બનાવ્યો. ઊગતા વેપારમાં કોઈક ધનવાન પૈસા લગાડવા વેપારી સાથે ચર્ચા કરે, વાટાઘાટ કરે, અને રોકાણ કરે, એમાં દર્શકોને જે રસ પડયો છે એણે સોની લિવના હરીફોને પણ અચંબિત કર્યા છે. બદલાયેલા આપણા દેશમાં યુવાનો બિઝનેસમાં ઝંપલાવવા થનગની રહ્યા છે. સ્ટાર્ટ-અપ્સના મામલે, એક અહેવાલ મુજબ, ભારત દુનિયામાં બીજા નંબરનો સૌથી અગત્યનો દેશ છે. એવામાં સ્ટાર્ટ-અપ્સના ફન્ડિંગ માટેનો આ શો ના ચાલ્યો હોત તો નવાઈ લાગત.

નર્યા મનોરંજનવાળા નોન-ફિક્શન શો કરતાં ‘શાર્ક ટેન્ક’ અલગ છે. આવા જે શો આવશે એમાં ભારતીય યુવાનોને અપીલ કરતી વાત હશે તો એ સફળ થાય એની શક્યતા તગડી રહેશે. સફળતાની એવી જ શક્યતા પારિવારિક નોન-ફિક્શન શોઝની છે. નવાઈની વાત છે કે ટીવી પર સુધ્ધાં હજી સુધી કોઈ કરતાં કોઈ સોએસો ટકા પારિવારિક નોન-ફિક્શન શો આવ્યો નથી. ઓટીટી પર જો આ પ્રકારનો કોઈક શો આવ્યો તો એ ચાલવાનો.

‘બિગ બોસ’ અને ‘કેબીસી’ જેવા શોઝ હવે જસ્ટ અનધર શો બનવાને માર્ગે છે. આંકડાઓ જણાવે છે કે કોવિડ પછી એમના દર્શકોની સંખ્યામાં ૩૦ ટકા આસપાસ ઘટાડો થયો છે. આમ પણ, ‘કેબીસી’ જેવી સફળતા એની પાછળ પાછળ આવી પડેલા કોઈ ક્વિઝ શોને ક્યારેય મળી નથી. રહી વાત ‘બિગ બોસ’ની તો એના ચાહકો જેટલા જ એના નિંદકો પણ છે. મુદ્દે, ઓટીટી ભલે વ્યક્તિગત મનોરંજન માટેનું પ્લેટફોર્મ છે પણ એને જોનાર ભારતીયોની અમુક ચોક્કસ અપેક્ષાઓ રહેવાની. એટલે જ, ‘બિગ બોસ’ ટાઇપના શોઝ ઓટીટી પર ગજું કાઢે એ પાંખી શક્યતા છે અને રહેશે. જોકે કંગના રનૌતને લઈને એકતા કપૂરે ‘બિગ બોસ’ના ડિજિટલ કઝિન જેવો ‘લોક-અપ’ નામનો શો બનાવ્યો હતો, જે ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો ને ખૂબ જોવાયો હતો. ઓ શો એકતાના ઓલ્ટ બાલાજી પ્લટફોર્મ ઉપરાંત એમએક્સ પ્લેયર પર પણ સ્ટ્રીમ થયો હતો.

ઉપર કહ્યું તેમ, ઓટીટી વ્યક્તિગત મનોરંજન માટેનું પ્લેટફોર્મ હોવાથી એમાં બીજી અનેક શક્યતાઓ છે. એક છે જ્ઞાાનવર્ધક અને શૈક્ષણિક નોન-ફિક્શન શોઝની સફળતાની. ઓટીટી પર એજ્યુકેશનલ નોન-ફિક્શન શોઝનું ઉજળું ભવિષ્ય છે. લોકડાઉનના સમયમાં ઓનલાઇન એજ્યુકેશન કરોડો વિદ્યાર્થીઓ માટે શિક્ષણ જારી રાખવાનું માધ્યમ બન્યું હતું. હવે આ સગવડ અનેક પ્રકારના જ્ઞાાનોપાર્જન માટે ઉપયોગી સાબિત થઈ રહી છે.

નોન-ફિક્શન શોઝનો વ્યાપ ખાસ્સો બહોળો છે. એમાં ડિસ્કવરી પ્લસ જેવું ઓટીટી પ્લેટફોર્મ પણ આવી જાય છે. શરૂઆતમાં ક્રાઇમ, સેક્સ વગેરે વગેરેની પાછળ હાથ ધોઈને પડી જનારાં ઓટીટી પ્લેટફોર્મ્સ પર આગળ જતાં ડિસ્કવરી પ્રકારના શોઝનું પ્રમાણ વધી શકે છે. એક પ્રકાર ઐતિહાસિક શોઝનો છે જે ફિક્શનની અદામાં બનતા હોય. દાખલા તરીકે, માનવ ઉત્થાનની કથા દર્શાવવા દસ્તાવેજોમાં ઉપલબ્ધ બાબતોનો આધાર લઈ, એમાંથી ફિક્શનની શૈલીમાં શો તૈયાર કરવો. ડિસ્કવરી, એનિમલ પ્લેનેટ જેવી ચેનલ્સે આવા અનેક શોથી પોતાની આગવી જગ્યા બનાવી છે. ડિસ્કવરીના ઓટીટી પ્લેટફોર્મ પર અત્યારે એના ટીવીના શોઝ વધુ છે. આગળ ઓટીટી માટે બનતા શોઝની સંખ્યા વધી શકે છે.

સૌથી મોટો મુ્દ્દો ઓટીટીએ ટીવીની નકલ કરી રહેલા માધ્યમ કરતાં માધ્યમથી અલગ પોતાની ઓળખ ઊભી કરવાનો છે. એની શરૂઆત થઈ ચૂકી છે, પણ મંજિલ હજી દૂર છે. જે ઓટીટી પ્લેટફોર્મ્સ ચીલો ચાતરનારા શોઝ આપશે એના પ્રત્યે દર્શકો વધુ આકર્ષાશે. બિન્જ વોચિંગ એટલે એક બેઠકે આખી સિરીઝ જોઈ નાખતા દર્શકો, પોતાની સગવડે કટકે કટકે મનોરંજન માણતા દર્શકો, અન્ય દર્શકોને પણ, ઓટીટી ત્યારે વધુ માણવાલાયક લાગવાનું જ્યારે તેમને થશે કે આ ટીવી નથી.

આપણે ત્યાં સતત વધતાં ઓટીટી પ્લેટફોર્મ્સ વિશે વિચારીએ. જે રીતે હવે સેટેલાઇટ ચેનલ્સની સંખ્યા ગણવાનો અર્થ નથી એમ થોડાં વરસોમાં ઓટીટી પ્લેટફોર્મ્સની સંખ્યાનું થવાનું. એ સમયે અનેક વિષયો માટે એક્સક્લુઝિવ ઓટીટી પ્લેટફોર્મ્સ હશે. વૈવિધ્ય, ઉચ્ચ કક્ષાની પ્રોડક્શન વેલ્યુઝ થકી આ પ્લેટફોર્મ્સ વફાદાર દર્શકવર્ગને બિલકુલ એવા શોઝ પીરસશે જે માટે તેઓ બન્યા હોય. વાત બસ સમયની છે.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 3 માર્ચ 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ https://epaper.gujaratsamachar.com/chitralok/03-03-2023/6

Share: