વિકિપીડિયા પર રિયલ કાશ્મીર ફૂટબોલ ક્લબનું પાનું છે. આ નામની સોની લિવની સિરીઝનું નહીં, ખરેખરી ફૂટબોલ ક્લબનું. એ કહે છે કે કાશ્મીરમાં 2016માં આ ફૂટબોલ ક્લબની સ્થાપના થઈ. હુલામણું નામ શીની સેહ (એટલે બરફના ચિત્તા). આખા જમ્મુ-કાશ્મીરથી ઉભરેલી એ એકમાત્ર ફૂટબોલ ક્લબ છે જે દેશની ફૂટબોલ લીગમાં કાઠું કાઢી શકી છે. ક્લબ 2022માં ઇન્ડિયન ફૂટબોલ શિલ્ડ જીતી છે. સારી વાત કહેવાય. આ ક્લબની સ્થાપના કાશ્મીર મોનિટર નામના અખબારના તંત્રી શમીમ મેરાજ અને કાશ્મીરી બિઝનેસમેન સંદીપ ચટ્ટુને આભારી છે.
આવી ક્લબનું સર્જન, એનો સંઘર્ષ અને પછી, રાષ્ટ્રીય ફૂટબોલમાં પોતાનું સ્થાન બનાવવાની સિદ્ધિ, ત્રણેય વાતો પહેલી નજરે રોચક છે. એના પરથી વેબ સિરીઝ બનાવવાનો વિચાર રોમાંચક છે. તો પછી જે સિરીઝ બની એ રોચક, રોમાંચક કે જકડી રાખનારી કેમ નથી? મનોરંજનના મેદાનમાં જીતનો ગોલ એ કેમ નથી મારી શકી? છણાવટ કરીએ.
સિરીઝમાં ‘કિક-ઓફ્ફ’થી ‘ગોલ’ સુધીના આઠ એપિસોડ્સ છે. કારકિર્દીથી કંટાળેલો પત્રકાર સોહેલ મીર (મોહમ્મદ ઝિશાન અયુબ) જીવનમાં ચેન્જ શોધી રહ્યો છે. માત્ર પોતાના નહીં, કાશ્મીરી યુવાનોના જીવનમાં પણ. એ માટે એના મનમાં ફિટ થાય છે આઇડિયાઃ એવી ફૂટબોલ ક્લબ શરૂ થાય જે દેશભરમાં નામ કમાય. ક્લબ શરૂ કરવા જોઈએ નાણાં. એ માટે એને મળે છે વેપારી શિરીષ કેમુ (માનવ કૌલ). વિસ્થાપિત કાશ્મીરી પંડિત શિરીષ અરસા પછી માદરેવતન આવીને શરાબની દુકાન ખોલીને થાળે પડી રહ્યો છે. એના હૈયે કાશ્મીર અને કાશ્મીરીઓનું હિત છે. પણ કાશ્મીર કાશ્મીર છે. એનું અહિત ઇચ્છનારા ઘણા છે. સ્થાનિક નેતા નઝીર દર (અધીર ભટ) એમાંનો એક છે. એ કાશ્મીર યુથ ગ્રુપ સંસ્થાના ઓઠાતળે યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. શરાબનો વેપાર એની નજરે હરામ છે. શિરીષ એની આંખમાં કણાની જેમ ખૂંચે છે. એ નઝીર શિરીષના વેપારને પછાડવા મથી રહ્યો છે.
સોહેલ અને શિરીષ જીવ રેડીને રિયલ કાશ્મીર ફૂટબોલ ક્લબ ઊભી કરવા મચી પડ્યા છે. નોકરીવિહોણા, જરૂરિયાતમંદ, ક્યારેક ફૂટબોલથી સંકળાયેલા યુવાનોને તેઓ એકઠા કરે છે. સોહેલનો દોસ્ત (અને કાશ્મીરનો બેસ્ટ ફૂટબોલ કોચ) મુસ્તફા (મુઆઝ્ઝમ ભટ) કોચિંગની જવાબદારી ઉઠાવી લે છે. ફૂટબોલમાં કાશ્મીરનું નામ ઝળકાવનાર અઝલાન (અનમોલ ધિલ્લોન ઠાકરિયા) પણ એમની ટીમનો હિસ્સો બને છે. જોકે મુસ્તફા અને અઝલાન વચ્ચે પુરાણી ગેરસમજણો અને એને કારણે વૈમનસ્ય છે.
ટીમનો મેનેજર અમાન (અભિશાંત રાણા) છે. એ શિરીષનો કર્મચારી અને નઝીરના ગ્રુપનો સભ્ય પણ છે. એની સામે એક પ્રશ્ન સતત ડોળા કાઢી રહ્યો છેઃ કાશ્મીરની ‘ઇઝ્ઝત’ પાછી અપાવી શકે એવી ક્લબના શિરીષની વફાદારી કરવી કે કશ્મીરિયતના નામે ચળવળ કરતા નઝીરની?
ખેર, યેનકેન ટીમ બને છે. ફૂટબોલ લીગમાં સ્થાન મેળવવા મથે છે. સોહેલ-શિરીષ મરણિયા થઈને એક તબક્કે સ્કોટલેન્ડથી ડગલાસ (માર્ક બેનિંગ્ટન)ને કોચ તરીકે બોલાવે છે. અને…
રિયલ કાશ્મીર ફૂટબોલ ક્લબ (આરકેએફસી, જે ટીમના ટી-શર્ટ પર ભૂલથી એરએફકેસી છપાઈ જાય છે)ના લેખનમાં અધીર ભટ, ચિંતન ગાંધી, સિમાબ હાશમી, મહેશ મથાઈ, ધ્રુવ નારંગ, દાનિશ રેન્ઝુ, ઉમંગ વ્યાસ જેવાં ઘણાં નામ છે. દિગ્દર્શનની જવાબદારી રાજેશ માપુસકર અને મહેશ મથાઈએ ઉઠાવી છે. સિરીઝની નબળાઈઓ આ બે મોરચાથી શરૂ થઈ જાય છે. એક તો લખાણ મોળું છે. વાસ્તવિક ઘટના પર આધારિત વાતને જાનદાર રીતે કેમ રજૂ કરવી એ લેખકમંડળી તય કરી શકી નથી. રાહ ભટકેલા કાશ્મીરી યુવાનો, કાશ્મીરનું અહિત કરતા તકસાધુ જેવા નેતાઓના મુખ્ય ટ્રેક સાથે, પારિવારિક, આર્થિક સહિતના ટ્રેક્સને વણવાનો એમણે જે પ્રયાસ કર્યો છે એ નિસ્તેજ છે. લેખન જેટલી જ (કદાચ વધારે) ખામીઓ દિગ્દર્શનમાં છે. પહેલા એપિસોડથી જ સિરીઝ એટલા શાંત અને દિશાવિહીન તોરમાં એ રીતે આગળ વધે છે કે છેવટે સિરીઝનો કોઈ નક્કર ટોન બનતો નથી. ક્લાઇમેક્સ સુધી માત્ર એટલું જ છે કે એક ક્લબ માંડ ઊભી થઈ અને શ્રીનગરમાં એ એક મેચમાં જીત મેળવીને સૌને છક્ક કરી ગઈ. આ આખી પ્રોસેસમાં નથી કોઈ પાત્ર સજ્જડતાપૂર્વક મન પર ચોંટીતું, નથી કોઈ ઘટના, કોઈ ટ્રેક એવી દાદાગીરી કરી શકતા કે એના ધસમસતા પ્રવાહમાં ખોવાઈ જવાનું મન થાય.
ઘણાં પાત્રો, પાત્રોના હાવભાવ, સંવાદ બોલવાની છટા, બધું યંત્રવત્ છે. આ પાત્રો શા માટે એ કરી રહ્યા છે જે બતાવવામાં આવી રહ્યું છે એ પણ નથી સમજાતું. કોઈ રિસાઈ ગયું અને માની ગયું, જતું કેમ રહ્યું અને પાછું આવી ગયું, એ બધું એટલું અ-રસતા સાથે પેશ થાય છે કે એક પોઇન્ટ પછી એનું કશું જ મહત્ત્વ રહેતું નથી. ટીમમાં બે જણ વચ્ચે મનમેળ નથી, અઝલાન કેમ આટલા સુપીરિયારિટી કોમ્પ્લેક્સથી પીડાય છે? ફૂટબોલની તાલીમ થઈ રહી છે પણ દેશી-વિદેશી કોચ કમ ખાલી ઊભા ઊભા વાતું કરે છે, સૂચનાઓ આપે છે અને જાતેપોતે મેદાનમાં ઊતરીને ચમત્કારનો સાક્ષાત્કાર કરવાતા નથી? ટૂંકમાં, બધું બસ ચાલ્યા કરે છે, ચાલ્યા કરે છે.
આ માટે કદાચ દિગ્દર્શન સૌથી મોટી નબળાઈ છે. ઠીકઠીક સ્ક્રિપ્ટને ઘણીવાર દિગ્દર્શનથી અસરકારક બનાવી શકાય છે. અહીં એવું થતું નથી. ઘણાં દ્રશ્યો અપરિપક્વ અને અધૂરપવાળાં છે. એ ભલે ખરાબ ના લાગે પણ એ સારાં નથી એવું બેશક મનમાં નોંધાઈ જાય છે. સરવાળે થાય છે એવું કે માનવ-ઝિશાન જેવા હુકમના બે એક્કા પણ આરકેએફસીને બચાવવા માટે કશું ખાસ ઉકાળી શકતા નથી. એ બેઉનો અભિનય જ્યાં રંગ રાખી શકે નહીં ત્યાં અન્ય, ઓછા જાણીતા અને સાથી કલાકારો શું કરી શકે? આપણે ત્યાં સ્પોર્ટ્સ આધારિત ફિલ્મો, સિરીઝ વગેરે અનેક આવી ગઈ. એમાંની અમુકે બહુ ઊંચા માપદંડ સ્થાપ્યાં છે. હવે રમતગમતની કથા રજૂ કરીને દર્શકને રિઝવવા હોય તો કાં એ માપદંડ આંબવા પડે કાં સાવ નવો પોઇન્ટ ઓફ વ્યુ લાવવો પડે. બાકી અર્થ નથી. આ સિરીઝમાં જો નવો પોઇન્ટ ઓફ વ્યુ કોઈ હોય તો એ એક જ કે એમાં વાત કાશ્મીરની છે. એટલે જ એના માટે સંવેદના ધરાવતા દર્શકો, આમાં નક્કી કાંઈક તો એવું હશે જે હૈયાને સ્પર્શી જશે, એમ વિચારીને આખી સિરીઝ જોઈ લે.
પણ રિયલ કાશ્મીર ફૂટબોલ ક્લબ, ઇન એક સાધારણ સિરીઝ છે. કોઈ જાદુની અપેક્ષા વિના, સોની બદલે ત્રીસની સ્પીડ પર દોડતી ગાડી જેવી સિરીઝ જો જોઈ શકતા હોવ, તો જોવાય. બાકી…
નવું શું છે?
- ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ની ચોથી અને અંતિમ 10 એપિસોડવાળી સીઝન આજથી પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ છે. સિરીઝમાં મુખ્ય ભૂમિકાઓમાં સાયની ગુપ્તા, કીર્તિ કુલ્હારી, બાની જે અને માનવી ગાગરુ સહિત પ્રતીક સ્મિતા પાટિલ, લીસા રે, રાજીવ સિદ્ધાર્થ, અંકુર રાઠી અને મિલિંદ સોમન પણ જોવા મળશે.
- માધુરી દિક્ષીત નૈને અભિનિત અને ડાયરેકટર નાગેશ કુકુનૂરની સાયકોલોજિકલ થ્રિલર વેબ સિરીઝ ‘મિસીસ દેશપાંડે’ આજથી જિયોહોટસ્ટાર પર જોવા મળશે. આ સિરીઝ ફ્રેન્ચ સિરીઝ ‘લા માન્ટે’નું રૂપાંતર છે. સિરીઝમાં સિદ્ધાર્થ ચાંડેકર અને પ્રિયાંશુ ચેટર્જી પણ છે.
- મામૂટી, ગોકુલ સુરેશ, સુષ્મિતા ભટ અભિનિત ‘ડોમિનિક એન્ડ ધ લેડીઝ પર્સ એક મલયાલમ સસ્પેન્સ-કોમેડી-થ્રિલર છે, જે આજથી ઝીફાઇવ પર આવી છે. એના ડિરેકટકર છે ગૌતમ વાસુદેવ મેનન.
- હની ત્રેહાન દિગ્દર્શિત ‘રાત એકલી હૈ’ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી, રાધિકા આપ્ટે, શ્વેતા ત્રિપાઠી અને અન્ય કલાકારો છે. આજથી એ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/12-12-2025/6




Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment