1952થી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું લગાતાર આયોજન થાય છે. 2004થી એનું વેન્યુ ગોવા છે. 2022થી એની સાથે એનએફડીસી પણ સંકળાયું છે. સેંકડો ફિલ્મો અને વિશ્વભરની ફિલ્મ પ્રતિભાઓનો સંગમ કરાવતી આ ઇવેન્ટ હાલમાં જ સંપન્ન થઈ. એના વિશ્વમાં એક લટાર મારીએ

આપણી આસપાસ ફિલ્મો જ ફિલ્મો હોય. એક કરતાં વધારે સ્ક્રીન્સ પર એમનું સ્ક્રીનિંગ સતત થતું હોય. ફિલ્મો માણવા દેશ-દેશાવરથી મહેરામણ ઉમટ્યો હોય. માહોલને ભપકાદાર બનાવવા અનેક પ્રયોજનો થયાં હોય. એવું હોય ત્યારે, ફિલ્મ કે સિનેમા, માત્ર મનોરંજનનું માધ્યમ નહીં રહેતા, અનુભવની અવિસ્મરણીય ગઠરિયા બની જતી હોય છે. 1952થી યોજાતો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કે આઈએફએફઆઈ એટલે આ સંમોહક કલ્પનાને વાસ્તવિકતા બનાવતી ઇવેન્ટ.

આખા એશિયાની એ એકમાત્ર ઇવેન્ટ છે જેને ફિલ્મ નિર્માતાઓના આંતરાષ્ટ્રીય સંગઠન નામે એફઆઈએપીએફની માન્યતા પ્રાપ્ત છે. નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે એનએફડીસીના નેજા હેઠળ એનું આયોજન થાય છે. 1952થી એ નિરંતર યોજાય છે. ઇવેન્ટ 2004થી લગાતાર ગોવામાં યોજાય છે. આ વરસે ઇવેન્ટના છેલ્લા દિવસે રજનીકાંતને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ ઇવેન્ટમાં રણવીર સિંઘ સહિત અન્ય સેલિબ્રિટીઝની હાજરી પણ રહી હતી. ગોવાના પાટનગર પણજીમાં આયોજિત આ ઇવેન્ટમાં આ વરસે 81 દેશોની 240 ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટ સાથે, પાંચેક દિવસ માટે સમાંતર ધોરણે એક બીજી ઇવેન્ટ પણ યોજાય છે. એ છે ફિલ્મ બાઝાર. એની શરૂઆત 2007માં થઈ. આ વરસથી નામકરણ થયું વેવ્ઝ ફિલ્મ બાઝાર. એ હોય છે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા સભ્યો અથવા એમાં પ્રવેશવા થનગનતા નવોદિતો માટે નેટવર્કિંગની ઇવેન્ટ. એમાં જોડાવા માટે ફી ભરવાની રહે છે. જેઓ ફિલ્મજગતમાં છે અથવા પોતાનું સ્થાન બનાવવા ઝંખે છે એમના માટે વેવ્ઝ ફિલ્મ બાઝાર કામની ઇવેન્ટ છે.

આઈએફએફઆઈમાં દર્શાવાતી ફિલ્મોમાંથી શ્રેષ્ઠ ફિલ્મોને સન્માનિત કરવામાં આવે છે. સર્વોત્તમ ફિલ્મને ગોલ્ડન પિકોક એવોર્ડ મળે જેમાં રૂ. 40 લાખનું રોકડ ઇનામ પણ હોય છે. આ વરસે એ એવોર્ડ વિયેટનામની સુંદર ફિલ્મ નામે ‘સ્કિન ઓફ યુથ’ના ફાળે ગયો. હજી એ આપણે ત્યાં ઓનલાઇન ઉપલબ્ધ નથી પણ આવે તો જરૂર જોવાય. ફિલ્માં વાર્તા સેન અને નેમની છે. સેન વ્યંઢળ છે. નાઇટક્લબ સિંગર અને વારાંગના છે. સેક્સ ચેન્જ ઓપરેશન કરાવીને એ સ્ત્રીત્વ પામવા આતુર છે. નેમ એનો પ્રેમી અને અંડરગ્રાઉન્ડ બોક્સર છે. ઘણી ફિલ્મોમાં, પૈસા કાજે બોક્સિંગ રિંગમાં ઊતરીને જીવ જોખમમાં નાખતાં પાત્રો આપણે જોયાં છે, એવું નેમનું પાત્ર છે. સેન અને નેમ બેઉનું લક્ષ્ય છે એટલાં નાણાં એકઠા કરવાં જેથી સેનનું ઓપરેશનનું સપનું સાકાર કરી શકાય. બધું બરાબર ચાલતું હોય છે ત્યાં અંડરવર્લ્ડનો એક શખસ, સેનથી પ્રભાવિત થઈ જાય છે અને…

વિષય ઉપરાંત મેકિંગ અને માહોલની તીવ્રતા ‘સ્કિન ઓફ યુથ’ને જકડી રાખતી ફિલ્મ બનાવે છે. ડિરેક્ટર એશ મેફેર છે. આ પહેલાં એશ ‘ધ થર્ડ વાઇફ’ (2018) અને ‘બિટવિન શેડો એન્ડ શોલ’ (2020) જેવી દમદાર ફિલ્મો આપી ચૂકી છે. આઈએફએફઆઈમાં શ્રેષ્ઠ ફિલ્મ ઉપરાંત અભિનય, નવોદિત દિગ્દર્શક, સ્પેશિયલ જ્યુરી એવોર્ડ, સત્યજિત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અને ઇન્ડિયન પર્સનાલિટી ઓફ ધ યર જેવા એવોર્ડ્સ પણ એનાયત થાય છે. આ વરસે લાઇફટાઇમ એવોર્ડ રજનીકાંતને તો પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ વિક્રાંત મેસીના ફાળે ગયો હતો.

એનએફડીસીના નેજા હેઠળ એક સમયે બેહદ રોચક ફિલ્મોનું નિર્માણ થતું હતું. આજે પણ જેમને માણવી ગમે એવી એનએફડીસીની અમુક ફિલ્મો એટલે ‘જાને ભી દો યારોં’ (જિયો હોટસ્ટાર), ‘મિર્ચ મસાલા’, ‘સલામ બોમ્બે’ (બેઉ જિયો અને પ્રાઇમ વિડિયો), ‘સલીમ લંગડે પે મત રો’, ‘એક ડોક્ટર કી મૌત’ (બેઉ પ્રાઇમ વિડિયો) વગેરેને યાદ કરી શકાય. એ અલગ વાત છે કે ધીમેધીમે એનએફડીસીએ ફિલ્મ નિર્માણમાં સપોર્ટ આપવાનું ઓછું કર્યું. બાકી, આપણને બીજી અનેક એવી ફિલ્મો મળતી હોત જે મેઇનસ્ટ્રીમ કરતાં અલગ અને ઘણા કિસ્સામાં, વધુ વખાણવાલાયક હોત.

આઈએફએફઆઈમાં સૌથી સારી બાબત એટલે ભારતીય દર્શકોને અન્યથા જોવા મળે નહીં એવી ઘણી ફિલ્મો જોવા મળી જાય. એવી ફિલ્મો પણ માણવા મળે જે આ ઉદ્યોગમાં છુપાયેલી પ્રતિભાઓને આપણી સમક્ષ લાવીને આહ્લાદક અનુભૂતિ કરાવે. ‘ગોલ્ડ મેડલ’ નામની એવી જ એક શોર્ટ ફિલ્મ એનો દાખલો છે. ઉજ્જવલ પટેલ નામના મેકરની 33 મિનિટની એ ફિલ્મમાં વાત હતી એવા ટીનએજર્સની વાત છે જેઓ પૂલ પરથી ટ્રેન પસાર થયા પછી, નીચે વહેતી નદીમાં ડૂબકી મારીને એ સિક્કા શોધે જે પ્રવાસીઓએ પાણીમાં નાખ્યા હોય. અને એમાં એક ટીનએજરને પાણીમાંથી મામૂલી સિક્કો નહીં, અત્યંત મૂલ્યવાન સુવર્ણપદક મળે છે! ફિલ્મ હતી મસ્ત.

31 જાન્યુઆરીએ રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ ‘મુક્કામ પોસ્ટ દેવાચં ઘર’ (પ્રાઇમ વિડિયો) પણ ઇવેન્ટમાં ચર્ચાયેલી એક ફિલ્મ હતી. એના દિગ્દર્શક છે સંકેત માને. ડો. ઓમકાર ભાટકર નામના યુવાન મેકરની ફિલ્મ અંગ્રેજી ફિલ્મ ‘ઇક્ત્સુઆર્પોક’ (ધ વેઇટ ઓફ લોન્ગિંગ) નામની અલગ પ્રકારની ફિલ્મનું સ્ક્રીનિંગ પણ થયું હતું. ફિલ્મનું નામ વિચિત્ર છે પણ એ સારી. ભારતીય ભાષાઓની ઘણી ફિલ્મો એમાં હતી. આસામની એક ભાષા  તાઈ ખમતીની ફિલ્મ પણ હતી. ઉપરાંત ટાગાલોગ (ફિલિપાઇન્સ), સ્પેનિશ, રશિયન સહિતની ભાષાઓમાં પણ ફિલ્મો હતી.

ફેસ્ટિવલ અને બાઝાર બે ઇવેન્ટની સહિયારી વાત કરીએ. જેઓ બેઉ ઇવેન્ટ માટે ગોવા ગયા હોય એમના માટે થોડા પડકારો પણ હતા. આ પડકારો સામાન્યપણે એમણે ઝીલવાના હતા જેઓ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોય, જેમણે ફિલ્મો માણવા સાથે નેટવર્કિંગ પણ કરવાનું હોય. કારણ બે ઇવેન્ટ્સનાં સ્થળ એકમેકથી થોડે દૂર હતાં. એક થાય કલા એકેડેમીમાં અને બીજી એક પંચતારક હોટેલમાં. બેઉ વચ્ચે આવજા કરવા વાહનોની વ્યવસ્થા છતાં જેટલી મેદની હતી એની તુલનામાં વાહનો ઓછાં હતાં. વળી એક સમયે એક કરતાં વધુ કાર્યક્રમો હોય એટલે સ્વાભાવિકપણે કોઈક એકમાં હાજરી આપી શકાય. જોકે સરવાળે એક વાત નિશ્ચિત હતી કે આવા ફેસ્ટિવલની આપણે ત્યાં ખાસ્સી જરૂર છે. ફિલ્મ માત્ર મનોરંજનનું માધ્યમ નહીં પણ એક ગંજાવર વેપાર અને જનમાનસને ઘડવા, વાળવા કે ભ્રમિત કરવામાં પણ નોંધપાત્ર યોગદાન આપતું માધ્યમ છે. અમેરિકા હોલિવુડનો પ્રભાવશાળી ઉપયોગ કરીને જગતભારમાંથી સતત નાણાં ઉસેડવા સાથે પોતાની છબિ બનાવવાનું કામ પણ હોલિવુડ થકી કરે છે. વરસે બે હજારથી વધુ ફિલ્મોનું નિર્માણ કરીને (ઓટીટી શોઝ, નાટકો, સિરિયલ્સ વગેરે અલગ) આ ક્ષેત્રમાં સંખ્યાની દ્રષ્ટિએ ભારત નંબર વન પર છે. આપણા આ ઉદ્યોગને આવક અને પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ પણ નંબર વન બનાવવા માટે કામ આવી શકે છે આવા ફેસ્ટિવલ્સ.

નવું શું છે

  • રશ્મિકા મંદાના અભિનિત તેલુગુ રોમાન્ટિક ફિલ્મ ‘ધ ગર્લફ્રેન્ડ’ નેટફ્લિક્સ પર આવી છે. હિન્દીમાં પણ જોઈ શકાય છે. ડિરેકટર રાહુલ રવીન્દ્રન છે.
  • તેલુગુ કોમેડી-ડ્રામા ફિલ્મ ‘ધ ગ્રેટ પ્રી-વેડિંગ શો’ ઝીફાઇવ પર આવી છે. રાહુલ શ્રીનિવાસ લુકાલાપુ લિખિત-દિગ્દર્શિત ફિલ્મમાં તિરુવીર અને ટિના શ્રાવ્યા છે.
  • 2023ની સ્પેનિશ ફિલ્મ ‘ધ નાઇટ માય ડેડ સેવ્ડ ક્રિસમસ’ની સિક્વલ નેટફ્લિક્સ પર આવી છે. સેન્ટિયાગો સેગુરા, અર્નેસ્ટો સેવિલા અને યુનાક્સ કલાકારો છે.
  • આઠ એપિસોડવાળી સ્પોર્ટ્સ ડ્રામા સિરીઝ ‘રિયલ કાશ્મીર ફૂટબોલ ક્લબ’ મંગળવારથી સોનીલિવ પર આવે છે. માનવ કૌલ, મોહમ્મદ ઝિશાન અયુબ સહિતના કલાકારો છે.
  • પારસ અરોરા, સીરત કપૂર, પ્રિયંવદા કાંત અને બબલુ મુખર્જી અભિનિત કોમેડી શો ‘ઘરવાલી પેડવાલી’  (એટલે ઝાડવાળી!) ઝીફાઇવ સ્ટ્રીમ થવા માંડ્યો છે.

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/05-12-2025/6

 

Share: