હુમા કુરેશીના સરસ અભિનય ઉપરાંત અમુક નવા આયામો આ જાણીતી સિરીઝની નવી સીઝનને રમતી રાખે છે. લંબાઈ વધારે છતાં જેઓ સિરીઝથી પરિચિત હશે તેઓ એને વધુ માણશે. 

કોઈ વેબ સિરીઝ માટે એક, બે નહીં. ચાર સીઝન ટકી જવું એ મોટી વાત ગણાય. સુભાષ કપૂર સર્જિત, સોની લિવની ‘મહારાની’ આવી જ એક સિરીઝ છે. યોગાનુયોગે, બિહારમાં ચૂંટણીના સમયે જ એની ચોથી સીઝન આવી છે. આજે ત્યાં પરિણામો ઘોષિત થવાનાં છે ત્યારે આપણે આ આઠ એપિસોડની સિરીઝ જોયા પછી મનોરંજનની ચૂંટણીમાં શું પરિણામ આવે છે એની વાત કરીએ.

પહેલો એપિસોડ શરૂ થાય છે વડા પ્રધાન શ્રીનિવાસ જોશી (વિપિન શર્મા)ની ડામાડોળ ખુરશી સાથે. જોશીની ગઠબંધન સરકાર એક પક્ષનો ટેકો ગુમાવે છે. એમના સલાહકારો નવા સાથીની શોધમાં રાની ભારતી (હુમા કુરેશી) પર નજર દોડાવે છે. પણ રાની સાર્વજનિક ધોરણે ઘોષણા કરી દે છે, “હું જોશીને કોઈ કાળ ટેકો નહીં આપું.” કારણ ભૂતકાળના વૈમનસ્ય અને, પોતાના પતિ સાથે થયેલી ગોબાચારી રાનીને હજી બરાબર યાદ છે.

રાનીની ઘોષણા વમળો સર્જે છે. સરકાર બચાવવા જોશીના દાવપેચ શરૂ થાય છે. મરણિયા સ્થિતિમાં એ કારાવાસમાં બંધ નેતા નવીન કુમાર (અમિત સિયાલ)ને મનાવવાના પ્રયાસ કરાવે છે. સાત સંસદસભ્યો ધરાવતો નવીન કહે છે સરકાર બચાવું પણ રાનીને પદભ્રષ્ટ કરવા મહેશ્વરી કમિશનનું પત્તું ઊતારીને એની ગાદી હચમચાવી નાખો. જોશી બરાબર એ દાવ ખેલે છે. રાની સંધિ કરવા દિલ્હી જાય છે પણ હડહડતું અપમાન સહન કરીને એણે પાછાં આવવું પડે છે. જોશી હજી વિચારે કે ‘કબૂતરી’ બરાબર જાળમાં ફસાઈ છે ત્યાં રાની વડા પ્રધાનને ચેકમેટ કરતાં બિહારનાં મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું ધરી દે છે. એટલું જ નહીં પણ પોતાના પક્ષની મીટિંગમાં ધડાકો કરે છે કે હવે હું જોશીને પદભ્રષ્ટ કરીને દિલ્હીનો તાજ મેળવું તો હા, બાકી ના.

‘મહારાની’ સિરીઝ એના મૂળ મિજાજાની જેમ આ સીઝનમાં પણ રાજકારણના કડદાની કહાની છે. એમાં વાસ્તવિક પક્ષો અને નેતાઓની છાંટ ધરાવતાં પાત્રો સાથે, કલ્પનીય વળાંકો છે. ચાલીસેક મિનિટ આસપાસના એના એપિસોડ્સ સારા નિર્માણ અને ઠીકઠીક લખાણથી સહ્ય બને છે. સાથે, પ્રસ્થાપિત અને નવા પાત્રોની રજૂઆતથી પ્રવાહમાં નવા આયામો પણ ઉમેરાતા રહે છે. આ વખતે રાનીના વિદેશ ભણતા દીકરા સૂર્યા (દર્શીલ સફરી) અને જોશીની પ્રિયતમા ગાયત્રી (રાજેશ્વરી સચદેવ)નાં પાત્રોથી એ કામ પાર પડે છે.

લગભગ દરેક એપિસોડ દર્શકની ઉત્કંઠા જળવાઈ રહે એ માટે કશુંક નવું પીરસ્યે રાખે છે. એ માટે રાનીના બિહારમાં એની સાથે રહેતા દીકરા જય અને એના ઉદ્યોગપતિ મિત્ર રિશી અગ્રવાલ, દીકરી રોશની (શ્વેતા બસુ પ્રસાદ) સહિતનાં પાત્રો ઉદ્વીપકનું કામ કરે છે. સીઝનના મધ્યભાગ પછી, બિહારની મુખ્ય પ્રધાન બનીને, રોશની કંઈક અંશે ડ્રાઇવિંગ સીટ પર પણ આવી જાય છે. સાથે, તામિલનાડુના સીએમ સુંદરરાજા (પી. નેરુ) સહિતનાં પાત્રો પણ ખરાં.

વેપાર, સત્તા, દોસ્તી, સંબંધો અને ખેંચતાણ, સૌનો સંગમ આ સીઝનમાં સુપેરે કરવાની દિગ્દર્શક પુનિત પ્રકાશે અને લેખકો સુભાષ કપૂર તથી ઉમાશંકર સિંઘે સજાગપણે કરી છે. મુશ્કેલી રિપિટેશનની છે. પહેલેથી જેની ત્રણ સીઝન થઈ ગઈ છે અને જે સિરીઝ રાજકારણ જેવા સતત ખેડાતા વિષયને સ્પર્શે છે એમાં પુનરાવર્તન તો થવાનું જ. અમુક જગ્યાએ લેવાતી ક્રિએટિવ લિબર્ટી પણ ઊડીને આંખે વળગે છે. જેમ કે, વડા પ્રધાન વતી નવીન કુમારને મળવા એમના વિશ્વાસુ જેલમાં જાય અને ત્યાં, કહેવાતી બંધ બારણાની, ગોપિત મીટિંગ વખતે, નવીન કુમારના કારાગૃહ બહાર, ગૌરીશંકર પાંડે (વિનીત કુમાર) સહિત અનેક કેદીઓ ઊંઘતા હોય એ જરા વિચિત્ર લાગે છે. બીજું, પટનાથી દિલ્હીનો પ્રવાસ ખેડીને, જોશીને ક્યાંયનો નહીં રાખવા કૃતનિશ્ચય રાનીના એ માટેના પ્રયાસોમાં એનું પોતાનું યોગદાન ઓછું દેખાય છે.

છતાં, અમુક કારણોસર આ સિરીઝ સહ્ય પણ છે. ખાસ કરીને, આગળ કહ્યું તેમ, હુમા સહિતના કલાકારોનો સંતુલિત અભિનય. વિપિન શર્મા પણ વડા પ્રધાનના પાત્રને અસરકારક બનાવે છે. શ્વેતા બસુ પ્રસાદ બહુ જ અસરકારક છે. રાનીની ભરોસેમંદ સાથી અને સેક્રેટરી કાવેરી તરીકે કની કસ્તૂરી પણ પ્રભાવશાળી છે. એના પાત્રમાં આવતા આરોહ-અવરોહ ભલે ઓછા અગત્યના લાગે પણ કથાનકમાં એમનું સબળ સ્થાન છે. જય તરીકે શાર્દુલ ભારદ્વાજ બહુ સહજ છે. ભલે એનો અને રિશીનો ટ્રેક પ્રમાણમાં નબળો લખાયો છતાં, એની અસર બની રહે છે. સિરીઝના ઉત્તરાર્ધમાં એને ઉપયોગી બનાવીને નવી સીઝનનું બીજારોપણ પણ કરવામાં આવ્યું છે. પ્રારંભિક એપિસોડ્સમાં જ રાનીની વડા પ્રધાનપદું છીનવીને જોશીને કારમો ધક્કો પહોંચાડવાની મનેચ્છાને રમતી કરવાથી સિરીઝ સતત એ પ્રશ્ન ઝળુંબતો રાખે છે કે ખરેખર રાની એના ઇરાદામાં બર આવશે કે પછી…

અંત સુધીમાં સિરીઝમાં બીજા અપેક્ષિત પણ રોચક ટર્ન્સ આવે છે. કાવેરી અને મિશ્રા જેવાં વફાદારો રાનીને તરછોડીને જોશીનાં થઈ જાય છે. રોશનીની અટક થાય છે. રાજકીય, પારિવારિક અને આંતરિક રીતે ઘવાયેલી, એકલી પડેલી રાની હવે શું કરશે, એ પ્રશ્ન સાથે પતે છે આ સીઝન. સરવાળે, પ્રમાણમાં લાંબી છતાં, નિર્માણ, અભિનય અને કંઈક અંશે વ્યવસ્થિત લખાણથી ‘મહારાની’ની સીઝન ચાર જોવાયોગ્ય બની છે. જેમણે આ પહેલાંની સીઝન જોઈ હશે એમને આ સીઝન વધુ ગમશે. અન્ય લોકો આ સીઝન જોઈને કદાચ પાછલી સીઝન્સ જોવા પ્રેરાય.

નવું શું છે

  • પરંપરાગત કલાને જાળવવા સંઘર્ષ કરતા વૃદ્ધ લોક કલાકાર બાબુલી મિસ્ત્રી પર આધારિત સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘દશાવતાર’ આજથી ઝીફાઇવ પર આવી છે. ડિરેકટર સુબોધ ખાનોલકરની આ ફિલ્મમાં ભરત જાધવ, દિલીપ પ્રભાવલકર અને મહેશ માંજરેકર વગેરે છે.
  • અમેરિકન સાયન્સ ફિક્શન એક્શન ફિલ્મ ‘જુરાસિક વર્લ્ડ રિબર્થ’ આજથી જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ છે. સ્કારલેટ જોહાનસન, રુપર્ટ ફ્રેન્ડ, જોનાથન બેઈલી, મહેરશાલા અલી, એડ સ્ક્રીન અને મેન્યુઅલ ગાર્સિયા-રુલ્ફો અભિનિત આ ફિલ્મના ડાટરેકટર છે ગેરેથ એડવર્ડ્સ. જુરાસિક પાર્ક ફ્રેન્ચાઇઝનો આ સાતમો ભાગ છે.
  • અનુરાગ કશ્યપની ક્રાઈમ ડ્રામા ફિલ્મ ‘નિશાંચી’ આજથી એમેઝોન પ્રાઇમ વિડીયો પર જોવા મળશે, પરંતુ આ ફિલ્મ રેન્ટ પર ઉપલબ્ધ છે. ફિલ્મ જોવા માટે, 349 રૂપિયા ચૂકવવા પડશે. આ ફિલ્મમાં ઐશ્વર્ય ઠાકરે, વેદિકા પિન્ટો, મોનિકા પંવાર, કુમુદ મિશ્રા, મોહમ્મદ ઝીશાન અયુબ અને વિનીત કુમાર સિંહ મુખ્ય ભૂમિકાઓમાં છે.
  • તેલુગુ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘તેલુસુ કડા’ આજથી નેટફ્લિક્સ પર આવી છે.  ફિલ્મમાં સિદ્ધુ જોનાલગડ્ડા, રાશિ ખન્ના અને શ્રીનિધિ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. તેલુગુ ઉપરાંત આ ફિલ્મ હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ માણી શકાશે.
  • ગુજરાતી ફિલ્મ આંટી પ્રેન્યોર ગઈકાલથી શેમારૂમી પર આવી છે. આ ગુજરાતી ફિલ્મમાં સુપ્રિયા પાઠક કપૂર એક વિધવાની ભૂમિકા ભજવે છે જે પોતાની હાઉસિંગ સોસાયટીને બચાવવા અને શેરબજારમાં પ્રવેશવા માટે મહિલાઓ સાથે જોડાય છે.

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/14-11-2025/6

Share: