કાશ્મીરના આતંકવાદને કાલ્પનિક પણ સૌથી નોખી રીતે એક કથામાં પરોવે છે આ ફિલ્મ. એ વિચારતા પણ કરી મૂકે છે અને પર્યાપ્ત ઝણઝણાટી પણ કરાવે છે

 “મોમ, પેલી રૂમ તો સાવ ખાલી છે. એને તાળું છે. તો પણ મેં કેરટેકર અંકલને એ રૂમમાં કંઈક ખાવાનું લઈ જતા જોયા છે…”

ડીએસપી રિઝવાન (માનવ કૌલ) અને ગુલનાર (ભાષા સુંબલી)ની દીકરી નૂરી (અરિસ્તા મહેતા) એમના નવાનવા ઘરમાં એને થઈ રહેલા વિચિત્ર અનુભવોની હાર આગળ લઈ જતાં આવું કહે છે. પણ માને એમાં ખાસ રસ નથી કે નથી દીકરીના નિરીક્ષણ પર ખાસ ભરોસો. “બાળક છે નૂરી, એને નક્કી ભ્રમ હશે કે…” અને કેરટેકર ઇકબાલ (ખુરશીદ મીર) તો પરિપક્વ, ગંભીર અને કામથી કામ રાખનારો છે. એ વળી શું કામ…

…અને બારામુલ્લાના આ નવા ઘરમાં રહેવા આવવા સાથે નૂરી અને દીકરા અયાને (રોહન સિંઘ) બીજાં નિરીક્ષણો પણ કર્યાં હતાં. જેમ કે ઘરમાંથી શ્વાનની સખત બદબૂ આવવી, ઘરમાં કંઈક એવું હોવું જે નોર્મલ નથી. પણ શું?

દિગ્દર્શક આદિત્ય સુહાસ જાંબળેએ આદિત્ય ધાર અને મોનલ ઠક્કર સાથે લખેલી નેટફ્લિક્સની ફિલ્મ ‘બારામુલ્લા’ એકવાર જોજો. 2016નો સમયગાળો દર્શાવતી આ થ્રિલરમાં અમુક કમાલનાં તત્ત્વો છે. એવાં જે કાશ્મીરની પ્રલંબ તંગદિલીને, આતંકવાદની સમસ્યાને નવાં પરિપ્રેક્ષ્યમાં પેશ કરે છે. આપણે આ મુદ્દાને આવરી લેતી ફિલ્મ્સ અને સિરીઝ પહેલાં ભલે જોઈ પણ કોઈએ મુદ્દાને આ રીતે મૂક્યો નથી. દર્શક તરીકે આપણને ફિલ્મની કથાના અનપેક્ષિત વળાંકનો ખ્યાલ પણ એવી રીતે આવે છે જે ઝણઝણાટી કરાવી દે.

ડીએસપી રિઝવાન બારામુલ્લામાં નવુંસવું પોસ્ટિંગ મેળવે છે ત્યારે એણે શોએબ (અહમદ ઇશાક) નામના બાળકના ભેદી રીતે ગૂમ થવાના કેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. શોએબ સ્થાનિક એમએલએ અન્સારી (મીર સરવર)નો દીકરો છે. સમી સાંજે જાહેરમાં થઈ રહેલા જાદુના ખેલમાં જાદુગર ઝફર (ગૌરવ પરાશર) શોએબને એક પેટીમાં પૂરીને ગાયબ કરવાનો ઉત્કંઠાભર્યો ખેલ કરે છે અને ખરેખર, જાદુઈ અર્થમાં નહીં, શોએબ ગાયબ થઈ ગયો છે. સવાલ એ છે કે શોએબ આખરે ક્યાં ગયો?

કાશ્મીરમાં પોલીસ અધિકારી તરીકે ફરજરત રિઝવાનનું અંગત જીવન ડામાડોળ છે. કામકાજને લીધે સર્જાતા અંગત પડકારોને કારણે પત્ની, દીકરી, દીકરા સાથેની એની સંવાદિતા તૂટી છે. એમાં વળી વધુ એક ટ્રાન્સફર અને વળી એક નવું ઘર જાણે બળતામાં ઘી હોમાયું. અને નવા ઘરમાં પરિવાર થાળે પડે એ પહેલાં, એક તરફ બાળકોની ઘર તરફ મંડાતી શંકાભરી આંખો અને શોએબના કેસમાં તાગ નહીં મળવા સાથે તપાસમાં સામે આવતી અમુક ભેદી બાબતો. શોએબ પછી બાળકોના ભેદી રીતે ગૂમ થવાનો ક્રમ જારી રહે છે. દરેક વખતે કોઈક બાળક લાપતા થાય કે ટ્યુલિપનું પુષ્પ એ જગ્યાએ ઊગી આવે છે. એવું શું કામ?

ગંભીર, ડાર્ક માહોલને આગોશમાં ભરીને શરૂ થતી ફિલ્મમાં ધીમેકથી બ્લૂમિંગ પેટલ્સ પબ્લિક સ્કૂલ પણ એક પાત્ર બને છે. શોએબ સહિત ગાયબ થનારાં બચ્ચાંઓ આ સ્કૂલનાં સ્ટુડન્ટ્સ છે. રિઝવાનની દીકરી નૂરી પણ ત્યાં જ ભણે છે. શોએબ સહિતનાં બાળકોના ગાયબ થવા પાછળ પેલો જાદુગર તો નથી? કે રિઝવાન પોતે એમાં સંકળાયેલો છે? શંકાની સોય આ રીતે કશેક તકાતી રહે છે. એક સમયે એવું પણ લાગે છે કે કેરટેકર ઇકબાલની આખા મામલામાં સંડોવણી હશે જ પણ…

પડદે પથરાતી કથા જ્યારે નોર્મલમાંથી સઘન અને અટપટી થઈ જાય ત્યારે આવી કોઈક ફિલ્મની કથા સર્જાતી હોય છે. આમ જુઓ તો કાશ્મીર, આંતકવાદ, બાળકનું ગાયબ થવું. બીજી રીતે જુઓ તો એ બધાં પાછળ એક નક્કર, અક્ષમ્ય કારણ જે સામે આવે ત્યારે ધક્કો લાગે. બેશક લાગે. ફિલ્મની ટ્રીટમેન્ટ સજ્જડ છે. થોડીવારમાં એમાં ગળાડૂબ થઈ જાય છે. બિનજરૂરી શોરશરાબા, ચીસો, બરાડા અને લાઉડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક કે ઝટકા, આમાંનું કશુંય લગભગ આ ફિલ્મમાં નથી. છતાં, એ થથરાટ કરાવે છે. અયાનને ફરશની ફાંટમાંથી કોડીનો ડબ્બો મળે અને કોડીઓ લસરતી લસરતી ઘરના બીજા ભાગમાં પહોંચે એ પછી, રહસ્યનો ખ્યાલ આપતી એક ઘટના બને, એ ક્ષણો, દાખલા તરીકે સુપર છે. બાપ-દીકરી વચ્ચેના તંગ સંબંધોની રજૂઆત અસરકારક છે. નૂરીનું આત્મીયતા અને હૂંફ માટે ઘર બહાર નજર ફેરવવું (અને એમાંથી આફતનું નોતરી લેવું) પણ એકદમ વાસ્તવિક છે.

ધીમી અને વિચારતા કરી મૂકતી આ ફિલ્મ છેવટે એવી વાત સામે લાવે છે જે વિસ્ફારિત કરવાને સક્ષમ છે. કાશ્મીરની વરવી વાસ્તવિકતાને હૈયા સોંસરવી ઊતરી જતી શક્યતા કે કહો કાલ્પનિકતા સાથે એ બેહદ અસરકારક રીતે કનેક્ટ કરે છે. એ શું છે એ અહીં જણાવી શકાય નહીં કારણ, તો પછી, ફિલ્મ જોવાનો આનંદ મોળો પડી જાય.

માનવ કૌલ, ભાષા સહિતનાં કલાકારોનો સહજ, સંતુલત અભિનય પણ ફિલ્મની તાકાત છે. બાળકો અરિસ્તા અને રોહન પણ પાત્રમાં ખીલે છે. ફિલ્મના પ્રભાવની એટલી જ ક્રેડિટ લખાણને અને પછી ટેક્નિકલ પાસાંઓને જાય છે. આર્નોલ્ડ ફર્નાન્ડિસની સિનેમેટોગ્રાફી વિષયમાં પર્યાપ્ત વમળો સર્જે છે. શિવકુમાર વી. પાનીકરનું એડિટિંગ ફિલ્મને અસ્ખલિત રાખે છે. શોલ પોલીસ અને ક્લિન્ટન સેરેજોનું સંગીત કથાનક સાથે ખભેખભા મિલાવીને જાય છે. આ બધાંના પરિણામે, પહેલેથી અંત સુધી ‘બારામુલ્લા’ દર્શકને બાંધી રાખે છે. બે કલાકથી જરાક નાની આ ફિલ્મ છેવટે અચંબિત કરતી વિરમે છે. અવશ્ય જુઓ.

નવું શું છે

  • બંગાળી ફિલ્મ ‘પરિણીતા’ પરથી બનેલી હિન્દી રિમેક વેબ સિરીઝ ‘ઝિદ્દી ઇશ્ક’ રાજ ચક્રવર્તી દ્વારા બનાવવામાં આવી છે. આજથી આ સિરીઝ જિયોહોટસ્ટાર પર પ્રીમિયર થશે, જેમાં અદિતિ પોહનકર અને પરમબ્રત ચેટર્જી મુખ્ય ભૂમિકામાં છે.
  • મનોજ બાજપેયી અભિનિત બહુ વખણાયેલી લોકપ્રિય વેબસિરીઝ ‘ફેમિલી મેન સીઝન 3’ આજથી પ્રાઇમ વીડિયો પર આવી છે. આ સિરીઝમાં મનોજ ઉપરાંત, કલાકારોમાં પ્રિયામણી, શારિબ હાશ્મી, શ્રેયા ધનવંતરી, આશ્લેષા ઠાકુર, વેદાંત સિંહા, દર્શન કુમાર, સીમા બિશ્વાસ, વિપિન શર્મા, ગુલ પનાગ અને સંદીપ કિશન જોવા મળશે.
  • ડિરેકટર વિવેક અગ્નિહોત્રીની 1946માં પશ્ચિમ બંગાળમાં થયેલા હિન્દુ નરસંહાર પર આધારિત વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ બેંગાલ ફાઇલ્સ’ આજથી ઝીફાઇવ પર જોઈ શકાશે.
  • રાજ કપૂરની 100મી જન્મજયંતિ ઉજવવા માટે કપૂર પરિવાર વિશેની એક ફેમિલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’ આજથી નેટફ્લિક્સ પર આવી છે. ડિરેકટર સ્મૃતિ મુંધરા અને અરમાન જૈન દ્વારા નિર્મિત આ ડોક્યુમેન્ટરીમાં કપૂર પરિવાર તેમની વારસાગાથા, યાદો અને રાજ કપૂરના પ્રભાવને નિખાલસ રીતે રજૂ કરતા દેખાશે.
  • અમેરિકન સાયન્સ ફિક્શન હોરર ડ્રામા ટેલિવિઝન સિરીઝ ‘સ્ટ્રેન્જર થિંગ્સ સીઝન 5’ નેટફ્લિક્સ પર ત્રણ ભાગમાં રિલીઝ થશે. પહેલા ચાર એપિસોડનો પહેલો ભાગ 26 નવેમ્બરના રોજ રિલીઝ થશે, ત્યારબાદ બીજો ભાગ 25 ડિસેમ્બરના રોજ ત્રણ એપિસોડ સાથે રજૂ થશે, અને સિરીઝનો છેલ્લો ભાગ 31 ડિસેમ્બરના રોજ રજૂ થશે.

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/21-11-2025/6

 

 

 

 

 

 

 

 

Share: