ગયા અઠવાડિયે ઓટીટી પર આવેલી ફિલ્મોમાંની બે એટલે ‘અબંગ અદિક’ અને ‘લવ કી અરેન્જ મેરેજ.’ એક (મેન્ડરિન ભાષાની) મલેશિયન તો બીજી બોલિવુડિયા ફિલ્મ છે. કેવીક છે બેઉ?
‘અબાંગ અદિક’નો નાયક અનાથ, સરળ, મૂક-બધીર યુવક અબાંગ (વુ કાંગ-રેન) છે. ક્વાલાલમ્પુરના પુદુ વિસ્તારમાં એ નાના ભાઈ અદિક (જેક ટાન) સાથે રહે છે. બેઉ વિરુદ્ધ પ્રકૃતિના છે. અદિક પૈસા માટે ખોટાં કામ અને સ્ત્રી સાથે શયન પણ કરી જાણે છે. આ ભાઈઓ એવી ઇમારતમાં રહે છે જેમાં એમના જેવા જ અન્ય બિનસત્તાવાર શરણાર્થીઓ મલેશિયન ઓળખ વિના રહે છે. કાયદાના પંજાથી પોતાને યેનકેન બચાવતા તેઓ ભયના ઓથારતળે જીવે છે. ઇમારતમાં રહેતી વૃદ્ધા મિસ મોની (ટાન કિમ વાંગ), અબાંગ માટે કૂણી લાગણી ધરાવતી મ્યાનમારની યુવતી શાઓ-સુ (એપ્રિલ ચેન) અબાંગના સ્વજનો સમાન છે. શરણાર્થીઓ માટે ઝઝૂમતી યુવતી, સમાજસેવિકા જિયા (સેરિન લિમ) અબાંગ-અદિકને નાગરિકત્વ અપાવવા પ્રયત્નશીલ છે. એની મદદ અદિકને લગીરેય ગમતી નથી. એને એમ જ છે કે આવા ધમપછાડા કરવા કરતાં લાંચ આપીને નાગરિકત્વ મેળવી લેવું સારું.
એકવાર જિયા અદિકને ઘેર એને નાગરિકત્વ મળવાની ઉજળી શક્યતાના સારા સમાચાર આપવા પહોંચે છે. પહેલેથી જિયાને ધુત્કારતો અદિક પેલી સાથે વિવાદ અને ઝપાઝપી પર ઊતરી આવે છે. એ જિયાના માથા પર જોરથી પ્રહાર કરી બેસે છે અને જિયાનું મોત થાય છે…
કોઈક દેશમાં નાગરિકત્વ વિના રહેવું કેટલું કઠિન હોઈ શકે એ ગંભીર મુદ્દો ફિલ્મમાં સંવેદનશીલ રીતે છેડાયો છે. ફિલ્મનો ટૉન ઘેરો, ઉદાસ છે. ઓછા સંવાદો સાથેની માવજત ચોટદાર છે. જિયાનું મોત અને એ પછીનો વળાંક અસરકારક છે. અબાંગ-અદિકનું બંધુત્વ સરાહનીય રીતે પેશ થયું છે. બેજવાબદાર નાના ભાઈ માટે રોજ રાતે ડાઇનિંગ ટેબલ પર ભોજન રાખવાનો અબાંગનો ક્રમ, એકમેકના કપાળે ઇંડું ફોડીને ખાવાની એમની ટેવ વગેરે બાબતો સ્પર્શી જાય છે. જિયાની હત્યા સુધી ફિલ્મ અસ્ખલિત ચાલે છે. સેકન્ડ હાફમાં થોડી ઢીલી પણ પડે છે. જોકે પછી ફરી પકડ પણ બનાવી લે છે.
ઉત્તરાર્ધનાં અમુક દ્રશ્યો બહેતરીન છે. જિયાના ખૂન પછી ભાઈઓ ઘર છોડીને બસમાં અન્યત્ર જાય છે એ, જેલમાં અબાંગની મદદે બૌદ્ધ સાધુ આવે છે એ, અને ક્લાઇમેક્સ પહેલાં બેઉ ભાઈઓની જેલમાં થતી મુલાકાતનું દ્રશ્ય શિરમોર છે. બૌદ્ધ સાધુ અને ભાઈઓની છેલ્લી મુલાકાતનાં દ્રશ્યોનાં સંવાદો હૃદયસ્પર્શી છે. અદિકને બદલે અબાંગ શું કામ જેલમાં છે એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આ ફિલ્મ જોવી રહી.
વુ કાંગ-રેનનો અભિનય ફિલ્મની મોટી તાકાત છે. વગર સંવાદે એ આંખો અને હાવભાવથી દિલ જીતી લે છે. આ તાઇવાનીઝ અભિનેતાએ કલાકાર બનતા પહેલાં કન્સ્ટ્રક્શનની સાઇટ પર વેલ્ડર અને બારમાં બારટેન્ડર તરીકે સંઘર્ષ સહ્યો છે. જેક પણ અસરકારક છે. સાથી કલાકારો, ટાન, સેરિન અને એપ્રિલ પણ સરસ છે. જિન ઓંગ લેખક-દિગ્દર્શક છે. બેઉ મોરચે એમના નોંધનીય કામથી ફિલ્મ સતત વાસ્તવિક ઘટના જોતા હોઈએ એવો ભાસ કરાવે છે.
ફિલ્મને ભારતીય કનેક્શન પણ છે. ઘણા સહકલાકારો ભારતીય અથવા ભારતીય મૂળના છે. સિનેમેટોગ્રાફી ‘મન્ટો’ જેવી સુંદર ફિલ્મ ફેમ કાર્તિક વિજયની છે. ‘અબાંગ અદિક’ હિન્દી કે અંગ્રેજીમાં ઉપલબ્ધ નથી. સબટાઇટલ્સ સાથે નેટફ્લિક્સ પર માણવા જેવી છે. બે કલાક ખરેખર વસૂલ રહેશે.
એનાથી સાવ વિપરીત અને બે કલાકનું પાણી કરી નાખતી ફિલ્મ લવ કી અરેન્જ મેરેજ છે. ઇશરત આર. ખાન એના દિગ્દર્શક છે. મધ્ય પ્રદેશનું ઓરછા શહેર બેકડ્રોપ છે. વાર્તા વિચિત્ર છે. લવ (સની સિંઘ) અને ઇશિકા (અવનીત કૌર)નાં લગ્ન ઠરાવવા છોકરાનો પરિવાર પહોંચે છે છોકરીના ઘેર. ઇશિકા મોટા મોઢાની, ગુમાની છે. એની મા સુપ્રિયા (સુપ્રિયા પાઠક) પણ લગ્નના મામલે દીકરીના નખરા અને નકારથી વાજ આવી ગઈ છે. ઇશિકા લવને પણ હડધૂત કરે છે અને લગ્નસંબંધ નક્કી થતો નથી. લવ એન્ડ ફેમિલી પાછા નીકળે છે ત્યાં શહેરમાં રમખાણ ફાટી નીકળે છે. એટલે તેઓ પાછા આવે છે પરિસ્થિતિ થાળે પડે ત્યાં સુધી છોકરીવાળાને ત્યાં આશરો લેવા.
કોઈનેય થશેઃ સિચ્યુએશન મજાની છે, આમાં તો ઘણું બધું એન્ટરટેઇનિંગ થઈ શકે. બિલકુલ, પણ ફિલ્મ શરૂ થાય છે ત્યારે જ નબળાઈનો ખ્યાલ આપી દે છે. પહેલું દ્રશ્ય લવના પિતા પ્રેમ (અન્નુ કપૂર)ના આડોશપાડોશની સ્ત્રીઓ સાથેના મીઠડા સંબંધોનું છે. એટલું ફિલ્મી, કૃત્રિમ છે કે ના પૂછો વાત. હવે, આ તરફ છોકરીવાળાને ત્યાં અટવાયા સાથે પ્રેમને ઇશિકાની મા, વિધવા સુપ્રિયા (સુપ્રિયા પાઠક) માટે લાગણી જાગે છે. મુદ્દે, જ્યાં દીકરા માટે કન્યા માગવા ગયો ત્યાં ડોકરો પ્રેમમાં પડે છે. આ ટ્વિસ્ટ સારો છે એવું વિચારતા પહેલાં અટકજો. કારણ લેખક-દિગ્દર્શકને એનો પણ મસ્ત ઉપયોગ કરવા કરતાં વધુ રસ નવી સિચ્યુએશન્સ ઊભી કરીને મામલો બગાડવામાં છે. કેવી રીતે?
ફિલ્મમાં વાંઢાવિલાસ પ્યારે (રાજપાલ યાદવ) પણ છે. સુપ્રિયા એનો બચપન કા પ્યાર છે. જતી ઉંમરે એને સુપ્રિયા સાથે પરણવાના ઓરતા છે. ઘરમાં એક વકીલ પણ છે જે આખો દહાડો કાનમાં ભૂંગળાં નાખીને ફોન પર બબડે રાખે છે અને, સાથેના પાત્રને ભ્રમ થાય કે એ મારી સાથે વાત કરે છે. આવા ગોટાળા થકી રમૂજ સર્જવાનો અહીં કંગાળ પ્રયાસ થયો છે. ઇયરફોનનો આ તુક્કો વળી એક દ્રશ્યમાં પ્યારે-સુપ્રિયા વચ્ચે પણ અજમાવાય છે. આટલું ઓછું હોય તેમ છોકરાવાળા સાથે ઘરમાં ચોર, જુગ્નુ (પરિતોષ ત્રિપાઠી) ઘૂસી જાય છે. ઘરની એક પણ વ્યક્તિ એવી વ્યક્તિ નથી જે આ માણહ ક્યાંથી આવ્યો, શું કામ આવ્યો, કોણ છે એ જાણવાની તસદી લે. એક ફેન્સી નોકરાણી, સુપ્રિયાનો બેવડો સસરો (સુધીર પાંડે), પ્રેમની હમશકલ બહેન (એ પણ અન્નુ કપૂર જ!) અને સાવ અણધાર્યો આવી ચડતો સુપ્રિયાનો મૃત પતિ (ઝાકીર હુસેન) સહિતનાં પાત્રો ઉમેરો એટલે ફિલ્મ કેવીક રગદોળાય છે એનો આઇડિયા આવી શકે છે.
કૃત્રિમતા અને અતિરેકપણું આ ફિલ્મનાં કટ્ટર દુશ્મન છે. થવું એમ જોઈતું હતું કે યુવક-યુવતીના લગ્નની વાત વચ્ચે, એકની મા અને બીજાના બાપ વચ્ચેના બાળપણની લાગણીના તાર સુધી વાત સીમિત રહી જવી જોઈતી હતી. એની આસપાસ ફિલ્મનું માળખું ઘડાયું હોય તો કદાચ વાત મજાની બની રહેત. કોઈ જરૂર નહોતી પ્રેમના પાત્રને છેલબટાઉ બનાવવાની, પ્યારે, વકીલ, ચોર, નોકરાણી વગેરેના ખોટા વઘારની. એનાથી તો ફિલ્મનો કચ્ચરઘાણ વળ્યો છે. એનાથી જ, પાથરેલા પથારાને સંકેલવા પટકથા હવાતિયાં મારતાં મારતાં છેવટે દયનીય બની રહે છે.
પરિણામ એવું ખિન્નતાભર્યું છે કે ફિલ્મ કોઈ મોરચે પોઇન્ટ સ્કોર કરી શકી નથી. અભિનય, દિગ્દર્શન, ગીત-સંગીત… બધું એમાં આવી ગયું. ઝી ફાઇવની આ ફિલ્મ સીધી ઓટીટી પર આવી એ સારું થયું. એને જોવા માટે સમય અને શક્તિ બેમાંથી કશું પણ અરેન્જ કરવાની જરૂર નથી. કારણ ફિલ્મ સાથે દર્શકને જરા પણ લવ થાય એની શક્યતા માઇનસમાં છે.
નવું શું છે?
- નેટફ્લિક્સે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની બીજી સીઝનને લીલીઝંડી આપી દીધી છે. હાલની સીઝનનો છેલ્લો એપિસોડ આવતીકાલે. એટલે કે બાવીસમી જૂને સ્ટ્રીમ થશે. એમાં આવશે કાર્તિક આર્યન.
- સિનેમિક્સ નામની કંપનીનું એ નામનું જ એક ઓટીટી પ્લેટફોર્મ આવી રહ્યું છે. એમાં દેસી-વિદેશી મનોરંજ ઉપલબ્ધ કરાવાશે. શરૂઆત થવાની ધારણા છે આવતા મહિનાથી.
- આયુષ્માન ખુરાનાની લેખિકા-પત્ની તાહિરા કશ્યપ દિગ્દર્શિકારૂપે આવી રહી છે. એની પ્રથમ ફિલ્મ ‘શર્માજી કી બેટી’ પ્રાઇમ વિડિયો પર 28 તારીખથી જોઈ શકાશે. એમાં સાક્ષી તન્વર, દિવ્યા દત્તા અને સંયમી ખેર મુખ્ય પાત્રોમાં છે.
- આ વરસની એક ચર્ચિત અને સફળ હોલિવુડ ફિલ્મ ‘સિવિલ વોર’ 28 જૂનથી પ્રાઇમ વિડિયો પર આવી રહી છે. એલેક્સ ગારલેન્ડ એના લેખક-દિગ્દર્શક છે. કલાકારો છે કર્સ્ટન ડન્સ્ટ, વેંગર મૌરા, કૈલી સ્પીની વગેરે.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 21 જૂન, 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/21-06-2024/6





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment