‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મ યાદ છે? 2007ની શાહરુખની એ ફિલ્મમાં અડધું બોલિવુડ ઉમટ્યું હતું. બાદશાહ ખાનની લોકપ્રિયતા અને એના દબદબાનો એ પુરાવો હતો. કટ ટુ 2025. આર્યન ખાન આ અદામાં મનોરંજન જગતમાં પ્રવેશ્યો છે. ફરક એટલો કે ‘ઓમ શાંતિ ઓમ’માં પિતા અભિનેતા હતા. આર્યનના સર્જન, જે વેબ સિરીઝ છે એમાં, દીકરો દિગ્દર્શક છે. એને ઓલ ધ બેસ્ટ કહેવા ટોચના અસંખ્ય કલાકારો, ટેક્નિશિયનો જોડાયા છે. નેટફ્લિક્સ પર સાત એપિસોડની ‘બૅડ્સ ઓફ બોલિવુડ’ આવી ચૂકી છે. શું છે સિરીઝમાં?
બોલિવુડની આંતરિક દુનિયાનો મજેદાર આયનો છે સિરીઝ. ભલે આયનામાં ઝળકતી ઘણી વાતો કાલ્પિનક હોય તો પણ, અનેક વાતો સત્યને પેશ કરે છે. એ માટે આર્યને આધાર લીધો છે એવી કથાનો જેના કેન્દ્રસ્થાને આસમાન સિંઘ (લક્ષ્ય) નામનો ઉભરતો અદાકાર છે. દિલ્હીથી મુંબઈ આવેલા આ કલાકારની પહેલી ફિલ્મ ‘રિવોલ્વર’ હિટ થઈ છે. ઊગતા સૂર્યને પૂજવામાં પાવરધા બોલિવુડ નિર્માતાઓમાં આસમાન ડિમાન્ડમાં છે. નિર્માતાઓમાં એક ફ્રેડી સોડાવાલા (મનીષ ચૌધરી) છે જે એના વડીલોએ સ્થાપેલા પ્રતિષ્ઠિત બેનરનું સંચાલન કરે છે. ફ્રેડી, જેને ઇન્ડસ્ટ્રી મૂવી માફિયા સંબોધે છે, આસમાનને ત્રણ ફિલ્મોના એક્સક્લુઝિવ કરારમાં બાંધે છે. મતલબ આ ત્રણ ફિલ્મો બને ત્યાં સુધી આસમાન અન્ય કોઈની ફિલ્મ ના કરી શકે. આસમાનની દોસ્ત અને મેનેજર સાન્યા (અન્યા સિંઘ) કરારની વિરુદ્ધ છે પણ આસમાન પેલીને અંધારામાં રાખીને કરારબદ્ધ થાય છે. આ પણે સાન્યા એની સ્માર્ટનેસ કામે લગાડીને આસમાન માટે કરણ જોહર (પોતે ભજવે છે આ પાત્ર)ની ફિલ્મ લાવે છે. એમાં આસમાન સામે ડેબ્યુ કરવાની છે કરિશ્મા તલવાર (સાહેર બમ્બા), જે છે સુપરસ્ટાર અજય તલવાર (બોબી દેઓલ)ની દીકરી.
બે મુશ્કેલી સર્જાય છે. આસમાન ફ્રેડી સાથે કરારબદ્ધ છે. કરણની ફિલ્મ કરવાના માર્ગમાં કરાર વિઘ્ન છે. બીજું, અજય તલવાર નથી ઇચ્છતો કે એની દીકરી આસમાન જેવા ન્યુકમર સાથે પદાર્પણ કરે. અજય આ ન્યુકમર વિરુદ્ધ કેમ છે એનાં ગર્ભિત કારણો છે. આ બે વચ્ચે ફ્રેડી માટે પણ, અજય સાથે એક ફિલ્મ બનાવવી જીવન-મરણનો પ્રશ્ન છે. અન્યથા એના બેનરના વાવટા સંકેલાઈ જાય એવી હાલત છે. વળી અજયે ફ્રેડી સામે પૂર્વશરત મૂકી છે કે તું આસમાનને કરણની ફિલ્મથી દૂર કરે તો હું તારી ફિલ્મ કરું બાકી…
ધમાકેદાર ઓપનિંગ સિક્વન્સવાળી ‘બૅડ્સ ઓફ બોલિવુડ’ મસાલેદાર છે. એવી કે એમાં બોલિવુડનું સોંદર્ય, એની ઘાલમેલ, એના કાવાદાવા, ખરા-ખોટા એટિટ્યુડનો અતિશય તડકો છે. આ વાનગી ખાતાં ખાતાં આખા શાક પર તડકો હાવી રહે છે. વાર્તા હોય, પાત્રો હોય, મેકિંગ હોય કે અંજામ, બધી બાબતો હાડોહાડ બોલિવુડિયા છે. કોઈ છોછ, મર્યાદા, ઔચિત્ય કે કોઈ બંધન વિના. ફિલ્મો લાર્જર ધેન લાઇફ હોય છે. આ સિરીઝ, ક્લાઇમેક્સમાં આ માન્યતાને લાર્જેસ્ટ ધેન લાઇફ બનાવીને જંપે છે. ક્લાઇમેક્સ વખતે અચ્છા દર્શકોને, એમની મનોરંજનની વ્યાખ્યા અનુસાર આ સિરીઝ કાં સુખદ આંચકો આપે છે કાં આઘાત કરાવી બેસે છે.
કથા આગળ વધતી જાય એમ અન્ય પાત્રો પ્રવેશે છે. એમાં છે આસમાનનો દોસ્ત-સાથી પરવેઝ (રાઘવ જુયાલ), એનો નિષ્ફળ ગાયક-સંગીતકાર કાકો અવતાર (મનોજ પાહવા), એનાં માબાપ નીતા અને રજત (મોના સિંઘ અને વિજયંત કોહલી), કરિશ્માની મા અનુ (ગૌતમી કપૂર) અને એનો ભાઈ શૌમિક (દિવિક શર્મા). પંદર વરસ પહેલાં કરારબદ્ધ કર્યા પછી જેની કારકિર્દી ફ્રેડીએ રોળી નાખી એવો અભિનેતા જરાજ (રજત બેદી) પણ અગત્યનું પાત્ર છે.
સિરીઝના નામમાં અમુક સ્ટાર્સ ટમટમે છે. એનો અર્થ શું એ વિશે ઘણાએ માથું ખંજવાળ્યું હશે. જેઓ સિરીઝ જોશે તેમને જવાબ ક્લાઇમેક્સ સુધીમાં મળી જશે. એ પહેલાં મળશે મનોરંજનનો હેવી ડોઝ, ભરપૂર ગાળાગાળી, ઓવર ધ ટોપ એક્શન, ઘટનાઓ સાથે. જેની ઝાકઝમાળની બોલબાલા છે એવી બોલિવુડની દુનિયાનાં નજીક દર્શન કરવાતી વખતે સિરીઝ અનેક એવી બાબતોને સ્પર્શે છે જેની સાથે વિવાદ સંકળાયેલા હોય. એમ કરતાં આર્યન ખાન કોઈના બાપની સાડાબારી રાખતો નથી. અરે, ડ્રગ્સના પેલા મામલાને પણ છંછેડે છે જેમાં એ પોતે 2021માં ખરાબ રીતે ભેરવાયો હતો. એન્ટરટેઇનમેન્ટ કે લિયે કુછ ભી કરેગાવાળા શાહરુખના અભિગમને આર્યને અક્ષરશઃ આત્મસાત્ કર્યો છે. સિરીઝમાં સંવાદો, સેટ્સ, સિચ્યુએશન્સ બધું અપેક્ષાઓને વળોટી જાય છે. એક ટિપઃ બાળકો કે કિશોરો સાથે આ સિરીઝ જોવાનું ટાળજો. અન્યથા, બેઉ પક્ષે સંકોચની અનુભૂતિ થશે.
બોલિવુડમાં એવું શું છે જે સિરીઝમાં બારીકીથી રજૂ કરાયું છે? ઘણુંબધું. કલાકારોના સદંતર પાયાવિહોણા નખરા, પોતાની લીટી મોટી ના કરી શકાય તો ક્રૂરતાથી બીજાની લીટી ભૂંસી નાખવાની આદત, બહાર મજાના લાગતા ફિલ્મી પરિવારોની આંતરિક અવદશા, એવોર્ડ નાઇટ્સ, ફિલ્મી વિવેચકોની આછકલાઈ પણ. આ પહેલાંની કોઈ ફિલ્મ કે સિરીઝે આ રીતે બોલિવુડમાં આ રીતે બિનધાસ્ત ઘૂસણખોરી નથી કરી. એટલે જ સિરીઝ આંખો પહોળી કરી જાય છે.
જોકે સાત એપિસોડની આ લાંબી સિરીઝ જોવી સહેલી નથી. કારણ સરસ શરૂઆત અને કલ્પના બહારના ક્લાઇમેક્સ વચ્ચે એ અનેક ઝોલાં ખાય છે. લંબાઈ કઠે એવી છે. સંગીતનું ડિપાર્ટમેન્ટ મોળું છે. અસાધારણ પ્રોડક્શન વેલ્યુઝ, અનેક સુપરસ્ટાર્સના ગેસ્ટ અપીરિયન્સ છતાં, સિરીઝ સતત પકડ બનાવી રાખી શકતી નથી. ઘણી જગ્યાએ ભેજાગેપ લાગે એ હદના ઘટનાક્રમ છે. પણ આર્યનને કદાચ એની જાણ હતી અને એ એના લક્ષ્યમાં વિચલિત થયા વિના બિલકુલ એ રીતે આગળ વધે છે જેમ એણે ધાર્યું હશે.
‘બૅડ્સ ઓફ બેલિવુડ’ છેલ્લે સુધી જોનારને આશ્ચર્ય અચૂક થશે. ક્લાઇમેક્સ એવો છે જે તમામ નબળાઈઓ ભુલાવી દે છે. એ સિવાય જે બાબતો સિરીઝને ફાંકડી બનાવે છે એમાં શિરમોર છે લક્ષ્યનો અભિનય. ‘કિલ’ ફિલ્મ સહિત અન્ય સર્જનોમાં સરસ અભિનય કરનાર આ યુવા કલાકાર માટે સિરીઝ ટર્નિંગ પોઇન્ટ છે. એની સામે ચમકતી સેહર કરતાં બહેતર પાત્ર અને અભિનય અન્ચા સિંઘ અને રાઘવ જુયાલને મળ્યાં છે. બેઉ સરસ છે. સેહર પાત્રોચિત ખરી પણ પ્રભાવશાળી નહીં. બોબી દેઓલ દમદાર છે. રીતે મનીષ ચૌધરી પણ પરફેક્ટ. રજત બેદીને મજાનું પાત્ર મળ્યું છે. કરણ જોહર મુખ્ય પ્રવાહના પાત્રમાં પોતાને જ અસરકારક રીતે સાકાર કરે છે. મહેમાન કલાકાર કરતાં વધુ માઇલેજવાળા પાત્રમાં ઇમારન હાશમી અને અર્શદ વારસી ધ્યાન ખેંચે છે. રહી વાત મોટ્ટા સિતારાઓની, તો શાહરુખ ઉપરાંત આમિર, સલમાન, રણીબર, રણવીર, રાજકુમાર રાવ, સિદ્ધાંત ચતુર્વેદી, અર્જુન કપૂર, રાજામૌલી, ડાયના પેન્ટી, તમન્ના ભાટિયા, સારા અલી ખાન… અનેક જણ છે. ગાયક-સંગીતકાર બાદશાહ જાતે-પોતે પોતાનું પાત્ર ભજવે છે.
મોંઘીદાટ, સ્ટાઇલિશ ‘બૅડ્સ ઓફ બોલિવુડ’ આર્યન માટે શુભ શરૂઆત છે. એણે આ સિરીઝ બિલાલ સિદ્દીકી અને માનવ ચૌહાણ સાથે લખી છે. સંગીત શાશ્વત સચદેવનું છે. ટેક્નિકલી સિરીઝ પાવરફુલ છે અને હોય જ, નવાઈ શી? શાહરુખપુત્રને ઇન્ડસ્ટ્રી આટલી સગવડ તો આપે જ. છેલ્લે, એટલું નક્કી કે આ સિરીઝથી આર્યને આશાસ્પદ આગમન કર્યું છે. જોવાનું એ રહે છે કે અહીંથી એ આગળનો માર્ગ કેવી રીતે કંડારે છે. ત્યાં સુધી, ઓલ ધ બેસ્ટ, આર્યન.
નવું શું છે?
- ડિરેકટર મે માર્ટિનની કેનેડિયન-બ્રિટિશ સિરીઝ ‘વેવર્ડ’ ગઈકાલથી નેટફ્લિક્સ પર આવી છે. સિરીઝમાં આઠ એપિસોડ છે.
- ‘ટૂ મચ ફન વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ નામનો ટોક શો ગઈકાલથી પ્રાઇમ વિડિયો પર આવ્યો છે. એમાં આમિરથી લઈને સલમાન ભાગ લેશે.
- મોહનલાલ અને માલવિકા મોહનનની મલયાલમ રોમેન્ટિક કોમેડી-ડ્રામા ફિલ્મ ‘હૃદયપૂર્વમ’ જિયો હોટસ્ટાર પર આવી છે. ડિરેકટર છે સત્યાન અંતિકડ. ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ અને કન્નડ સહિતની ભાષામાં ઉપલબ્ધ છે.
- બોક્સ ઓફિસ પર ફ્લોપ રહેલી સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ધડક 2’ નેટફ્લિક્સ પર આવી છે. ડિરેકટર છે શાઝિયા ઇકબાલ.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment