‘સ્ત્રી’ ફિલ્મે તો બધાંના ભુક્કા કાઢી નાખ્યા. બોલિવુડની એ સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ છે. કેમ કરતા? પહેલું અને સૌથી વજનદાર કારણ એટલે ફિલ્મની ગુણવત્તા. ‘સ્ત્રી’માં એ બધું છે કે દર્શકનું દિલ જીતી શકે. બીજી વાત કે એ ચોખ્ખી ફિલ્મ હોવાથી સપરિવાર માણવાની મજા પડે છે. ‘એનિમલ’ જેવું નથી કે પરિવાર સાથે જોતા પડદે ચાલતાં દ્રશ્યોથી સંકોચ થાય. એ અલગ વાત કે એવા કોન્ટેન્ટ પછી પણ એ ફિલ્મ ખૂબ સફળ રહી. છતાં પ્રશ્ન છે કે ‘સ્ત્રી’ શા માટે બોક્સ ઓફિસ પર અકલ્પનીય રાજ કરી શકી?
એક કારણ, ભલે પ્રમાણમાં ઓછું મહત્વનું લાગે પણ છે મહત્વનું, એ કે ફિલ્મને રિલીઝ સમયે નડેલી થોડી સ્પર્ધા પછી એને મોકળું મેદાન મળ્યું. એટલું મોકળું કે હજી સુધી ફિલ્મને હચમચાવી શકે કે થિયેટર બહાર ફગાવી શકે એવી કોઈ ફિલ્મ આવી નથી. નજીકના ભવિષ્યમાં પણ નથી આવી રહી. આલિયા ભટ્ટવાળી ‘જિગરા’ અને રાજકુમાર રાવની ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો’ રિલીઝ થાય ત્યાં સુધી બિગ સ્ક્રીન ઓપન છે. કોઈ અફલાતૂન ફિલ્મ જોવાની દર્શકને લગભગ તક મળવાની નથી. મુદ્દે, ‘સ્ત્રી’ને સમયસૂચકતા ફળી.
બીજી તરફ, કોવિડ અને પછી ઓટીટીએ દર્શકોને તડાકો પાડી દીધો હતો. મોટા ગજાના સ્ટાર્સની ફિલ્મો ત્યારે સીધી ઓટીટીની નાકલીટી તાણતી થઈ ગઈ હતી. પરિસ્થિતિ એ હદે ચિંતાજનક હતી કે ઘણા સ્ટાર્સ બોક્સ ઓફિસનો સામનો કરવો પડે એવી ફિલ્મ સાઇન કરવાથી અળગા થઈ ગયા હતા. રખેને ફિલ્મ ફ્લોપ જાય તો… ઇન ફેક્ટ, અત્યારે પણ બહુ પોસાવવા જેવો ફરક પડ્યો નથી. ઝીણી આંખે જોશો તો સમજાશે કે હજી હમણાં સુધી જેમની ફિલ્મો દર્શકોમાં ઉત્કંઠા જગાડતી હતી એવા ઘણા સ્ટાર્સ મોટા પડદાથી દૂર છે. અમુક તો ઓટીટી પણ અજમાવાને તૈયાર નથી.
બેઉનો તાળો મેળવીએ તો એક સત્ય સામે આવે છેઃ આપણી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી, ખાસ તો બોલિવુડ, એવા ત્રિભેટે છે જ્યાં એક તરફ ખીણ છે તો બીજી તરફ કૂવો.
કોવિડથી ઓટીટીએ મોટે પાયે નાણાં ખર્ચ્યા હતાં. એમણે નિર્માતાઓની ગમે તે ફિલ્મો ખરીદવા સાથે જાતજાતની ફિલ્મો બનાવવાના અઢળક ઓર્ડર પણ આપ્યા હતા. ત્યારે હતું કે ઓટીટી બોક્સ ઓફિસનાં છોતરાં કાઢી નાખશે, એને મરણપથારીએ લઈ જશે. એવું નથી થયું પણ મોટા પડદે આવતી ફિલ્મોની સંખ્યા ચિંતાજનક હદે ઘટી ગઈ છે. પાંચ-સાત વરસ પહેલાં એક સારો શુક્રવાર શોધવા માટે નિર્માતાઓ મચી પડતા હતા. દર શુક્રવારે એવી ફિલ્મો આવતી જેને જોવા દર્શકો આતુર રહેતા. નિર્માતાઓ અને સિતારાઓ સંતલસ કરીને કોની ફિલ્મ ક્યારે આવે એની સમજૂતીઓ કરતા હતા. આજે એની જરૂર રહી નથી. નિર્માતાઓ ચાહે ત્યારે ફિલ્મ લાવી શકે છે. બોલિવુડ ખાલીખમ પડ્યું છે. એટલે તો જૂની ફિલ્મો ફરી મોટા પડદે રિલીઝ કરવાનો દોર શરૂ થયો છે. એ દોરમાં ‘તુંબાડ’ જેવી ફિલ્મોને લાભ થયો છે. સોહમ શાહ સાચું જ કહે છે કે આ ફિલ્મ જ્યારે પહેલીવાર રિલીઝ થઈ હતી ત્યારે એને જોઈતો પ્રેમ એને બોક્સ ઓફિસ કલેક્શન નહોતા મળ્યા.
આમિર ખાન નવી ફિલ્મ કરવાથી દૂર છે. શાહરુખ ખાને બે તગડી ફિલ્મો અને એક ઠીકઠીક ફિલ્મ આપીને ઓફિસના રિવાઇવલમાં યોગદાન આપ્યું છે. સલમાન ખાન ધીમો પડ્યો છે. અક્ષય કુમારની પરિસ્થિતિ પ્રવાહી છે. પોતાની જ સફળ ફોર્મ્યુલાથી પછી અત્યારે એને પોતાને કદાચ ખ્યાલ નથી કે કરવું તો શું કરવું. રાજકુમાર રાવ જેવા અમુક અભિનેતાઓને બદલાતાં સમીકરણોનો લાભ થયો છે. વિકી કૌશલ અને કાર્તિક આર્યન પણ લાભાર્થી છે. બીજી તરફ વરુણ ધવન, અર્જુન કપૂર જેવા થોડા સમય પહેલાં સુધી ગાજનારા ગાયબ છે. એ લોકો તો ઓટીટી પર પણ નથી દેખાતા.
વાત એટલી કે દર્શકોને ઘરના કે મોટા પડદે શું પીરસવું એ વિશે સૌ બેખબર છે. હા અમુક વેબ સિરીઝ આ સમયગાળામાં સફળ થઈ પણ એને અને ફિલ્મોને સીધો સંબંધ નથી. એવી જ રીતે પ્રાદેશિક ફિલ્મો વધુ શક્તિશાળી થઈ છે. દક્ષિણની ફિલ્મો પહેલેથી ડંકો વગાડી રહી હતી. ગુજરાતી ફિલ્મો પણ જામી પડી છે. એ અલગ વાત કે કમાણીના મામલે એ અન્ય પ્રાદેશિક ફિલ્મોથી જોજનો દૂર છે.
જે રીતે બોક્સ ઓફિસ માટે આ સમય પડકારભર્યો છે એ રીતે ઓટીટી માટે પણ નવી દિશા ઠરાવવી કઠિન થઈ છે. એક સમયે કરોડોના રોકાણ કરીને આ પ્લેટફોર્મ્સે હાથ દઝાડ્યા છે. ગુણવત્તા પહેલેથી જ સમસ્યા હતી. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે લાંબા સમયથી ઓટીટી પર એવી કોઈ ફિલ્મ નથી આવી જે બમ્પર કે બિગ હોય. નાના બજેટની ફિલ્મો ખાસ કશું ઉકાળી શકી નથી. આ સ્થિતિમાં દર્શકોને મોટા પડદે અને નાના પડદે માણવાલાયક મનોરંજનનો દુકાળ વર્તાય એ વાજબી છે.
કરવાનું શું? નિર્માતાઓ પાસે જવાબ નથી. કે નથી જવાબ ઓટીટીના સંચાલકો પાસે. સૌ જાણે છે કે મનોરંજનની દુનિયા ક્યારેય અટકી નથી, પણ, કોઈ હાલમાં જાણતું નથી કે મનોરંજનની ગાડીનું એક પૈડું જે ખર્ચના, નિષ્ફળતાના અને ગડમથલના ખાડામાં ફસાયું છે એને બહાર કેવી રીતે કાઢવું.
આ સંક્રમણકાળમાં હિન્દી ફિલ્મોએ નાના અને મોટા પડદા માટેના સર્જનની વ્યાખ્યા ભણવી પડશે. મોટા પડદાની ફિલ્મ મોટા તો નાના પડદાની ફિલ્મ નાના પડદાને છાજે એવી હોવી જોઈએ. ઓટીટીનું મનોરંજન એવું હોવું જોઈએ જે સપરિવાર જોવાલાયક હોય. ભદ્દું અને ખાનગીમાં જોવા જેવું પણ ભલે બનતું. એના પર આપણો કંટ્રોલ નથી. હોલિવુડમાં ખર્ચાળ અને નાના બજેટની, પ્રયોગાત્મક ફિલ્મો વરસોથી સહઅસ્તિત્વ ધરાવે છે. વિશ્વના ઘણા દેશોની ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આ રીતે પોતાની ટકાવી છે. સાઉથમાં મોટી-નાની ફિલ્મો સાથે ટકી છે. ઇરાન, બાંગલાદેશ, દક્ષિણ કોરિયા જેવા દેશોમાં સાધારણ બજેટની સારી ફિલ્મો બને છે. બોલિવુડે બિગ અને સ્મોલ બજેટ ફિલ્મોને સાથે સહઅસ્તિત્વ માણવાની તક આપવી પડશે.
સર્જકોએ પૈસા અને પડદા, બેઉનું સંતુલન શીખવું પડશે. 200-500 કરોડની ફિલ્મના પૈસા સુપરસ્ટાર્સના ગજવાને બદલે પડદે ભવ્યતા ચીતરવા ખર્ચાવા જોઈએ. પાંચ-દસ કરોડની ફિલ્મમાં સર્જનની ચમક હોવી જોઈએ. બોલિવુડને આ તાલમેળ આવડે તો લાભ થશે. ચિક્કાર અને ગુણવત્તાભર્યું મનોરંજન પીરસવાના નામે ઓટીટી પ્લેટફોર્મ્સે આપણી પાસે ભરપૂર લવાજમ લીધાં છે. હવે એના મોવડીમંડળને ખબર નથી કે લોકોને પૈસા વસૂલ મનોરંજન પીરસવું કઈ રીતે. સ્થિતિ ત્યારે બદલાશે જ્યારે તેઓ સેટઅપ ગોઠવવાને બદલે, મળતિયાઓને પ્રસાદરૂપે પ્રોજેક્ટ આપવાને બદલે સારી વસ્તુ પીરસવા કટિબદ્ધ થશે.
એ ચોખ્ખું છે કે આપણે ત્યાં આલિયામાલિયા, પરચૂરણ ઓટીટી પ્લેટફોર્મ માટે ટકી રહેવું લગભગ અશક્ય થઈ જશે. સારા કાર્યક્રમો વગર એમને કોઈ જોશે નહીં અને નહીં જુએ લવાજમ કોઈ ભરશે નહીં. છેલ્લે રહી જશે આંગળીને વેઢે ગણાય એટલાં પ્લેટફોર્મ્સ. જે રીતે મોબાઇલની દુનિયામાં એક સમયે ગણી ગણાય નહીં એટલી કંપનીઓ અને આજે ઇનમીનસાડેતીન કંપની છે, એવું ઓટીટીમાં થશે. જેને આપણે કોન્સોલિડેશન કહીએ એ સ્થિતિ આવી રહી છે. જરાક નજર કરો તો દેખાઈ જશે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાને છે.
નવું શું છે?
● ‘બીબી કી વાઇન્સ’ ફેમ યુટયુબર અને એકટર ભુવન બામની વેબ સિરીઝ ‘તાઝા ખબર’ જાન્યુઆરી 2023માં આવી હતી. એની બીજી સીઝન આજથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી છે.
● વિલ ફેરેલ અને હાર્પર સ્ટીલની ડોક્યુમેન્ટરી ‘વિલ એન્ડ હાર્પર’ આજથી નેટફિલ્કસ પર જોવા મળશે.
● ડિરેકટર વેંકટ પ્રભુન અને એકટર વિજય થલાપતિ અભિનિત ‘ગોટ’ ત્રીજી ઓકટોબરે નેટફિલક્સ પર આવશે.
● શોભિતા ધુલીપાલાની ફેમિલી ડ્રામા ફિલ્મ ‘લવ, સિતારા’ ઝીફાઇવ પર આજથી સ્ટ્રીમ થશે. ફિલ્મમાં સોનાલી કુલકર્ણી, બી. જયશ્રી, વર્જિનિયા રોડ્રીગ્ઝ, સંજય ભુતિયાણી, તમારા ડિસોઝા, રિજુલ રાય છે.
ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 27 સપ્ટેમ્બર 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/27-09-2024/6





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment