હિન્દી ફિલ્મો સામે દક્ષિણ ભારતથી ઊભા થયેલા પડકારથી હિન્દી ફિલ્મના ચાહકો ચિંતામાં છે. આપણે વાત કરીએ બોલિવુડના એક મજાના પાસાની. એ છે એની વૈશ્વિક લોકપ્રિયતા. એવા એવા દેશોમાં આપણી હિન્દી ફિલ્મો લોકોનાં દિલ પર રાજ કરે છે કે આપણને પણ થાય કે કયા બાત હૈ
તમે ગંગુબાઈ કાઠિયાવાડી જોઈ? જોઈ જ હશે. ના જોઈ હોય તો થાઇલેન્ડના લોકોથી પ્રેરણા મેળવો. થાઇલેન્ડમાં આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થયા પછી તરખાટ મચ્યો. કેવો તરખાટ? પચીસમી એપ્રિલે ફિલ્મ સ્ટ્રીમ થવા માંડી. પછીના અઠવાડિયે એણે ટોપ ટેન ફિલ્મોની યાદીમાં સાતમું સ્થાન મેળવી લીધું. વાત એટલેથી અટકી નહીં. પછી એ બની થાઇલેન્ડમાં નેટફ્લિક્સની નંબર વન ફિલ્મ. ત્યાં સોશિયલ મીડિયામાં પણ ફિલ્મે તરખાટ મચાવ્યો છે. એવો કે બસો કરોડ વિડિયોઝમાં ગંગુબાઈ હેશટેગનો ઉપયોગ થયો છે! ફિલ્મ સંબંધિત હજારો વિડિયો, રીલસ, મીમ્સ બન્યાં એ છોગામાં! આ લખાય છે ત્યારે સાત અઠવાડિયાં પછી પણ ગંગુબાઈ ટોપ ટેનની યાદીમાં સજ્જડપણે ચોંટેલી છે.
બોલિવુડની છેલ્લા થોડા સમયથી માઠી દશા બેઠી છે. પ્રોમિસિંગ (જયેશભાઈ જોરદાર) અને ખર્ચાળ (સમ્રાટ પૃથ્વીરાજ) ફિલ્મોનું દર્શકો (બોક્સ ઓફિસ પર) નિર્દયતાથી કાસળ કાઢી રહ્યા છે. આવા અપશુકનિયાળ સમયે સારી વાતથી ટાઢક વળે. એટલે વાત કરીએ બોલિવુડના વૈશ્વિક પ્રભાવની. હિન્દી ફિલ્મોનો અનેક દેશોમાં વિશાળ ચાહકવર્ગ છે. એવા દેશોની યાદીમાં થાઇલેન્ડ પણ સ્થાન જમાવી રહ્યું છે. એટલે વાત કરી ગંગુબાઈની. હવે વાત કરીએ અન્ય દેશોની.
રશિયામાં રાજ કપૂર બેહદ લોકપ્રિય એ જાણીતી વાત. અમેરિકામાં, બ્રિટનમાં, મિડલ ઇસ્ટમાં પણ આપણી (હિન્દી, દક્ષિણ ભારતીય) ફિલ્મો ખાસ્સી જોવાય છે એ સૌને ખબર છે. પાકિસ્તાન ભારતીય ફિલ્મો દર્શાવે તો ત્યાં બોલિવુડ ડંકો વગાડે છે એ પણ ખબર છે. મલેશિયા જેવા દેશોમાં મૂળ ભારતીય અથવા ત્યાં જઈ વસેલા ભારતીયોની સારી વસતિ, તેથી ત્યાં પણ આપણી ફિલ્મોની બોલબાલા છે. આપણે એવા દેશોની, સ્ટાર્સની, ફિલ્મોની વાત કરીએ જેને જાણીને મજા મજાની ફીલિંગથી હૈયું છલકાઈ જાય.
અફઘાનિસ્તાન: અફઘાનિસ્તાનમાં બોલિવુડની લોકપ્રિયતા કાબુલીવાલાના વખતથી. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, એશ્વર્યા રાય, મિથુન ચક્રવર્તી સહિતનાં સિતારાના જબ્બર ચાહકો છે અફઘાની. બિગ બી અને મિથુનની અન્યાય સામેના જંગની, 2000ની સાલ પહેલાંની અનેક ફિલ્મો ત્યાં અપાર લોકપ્રિય છે. આપણી જેમ ત્યાંની પ્રજા પણ અન્યાય, દમન, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે. મઝાર-એ-શરીફ, કાબુલ અને કંદહારમાં શૂટ થયેલી અમિતાભની ખુદા ગવાહ કાબુલનાં થિયેટર્સમાં દસ અઠવાડિયાં હાઉસ ફુલ હતી. આજે પણ એ ફિલ્મ ત્યાં સખત લોકપ્રિય છે. 24 ફેબ્રુઆરી 2018એ શ્રીદેવીનું આકસ્મિક અવસાન થયા પછી અસંખ્ય શોકસંદેશા અફઘાનિસ્તાનથી ઇન્ટરનેટ પર વહ્યા હતા. તાલિબાનના શાસનમાં સિચ્યુએશન બગડી એ બેડ લક છતાં અત્યારે પણ અફઘાનીઓ ચોરીછૂપીથી હિન્દી ફિલ્મો માણે છે. અરે હા, આપણા ઘણા સ્ટાર્સનાં મૂળ આ પાડોશી દેશમાં છે. સલમાન ખાન, સંજય અને ફિરોઝ ખાન, કાદર ખાન, સેલિના જેટલી અને બીજાં પણ.
સોમાલિયા: દોઢ કરોડથી વધુની વસતિવાળા આ દેશમાં હિન્દી ફિલ્મોના ઘણા ચાહકો છે. મોહરા, બાઝીગર, ડર, કયામત સે કયામત તક, મન, કરણ અર્જુન ઉપરાંત 1980ના દાયકાની ઘણી ફિલ્મો સોમાલી ભાષામાં ડબ થઈ હતી. ત્યાં બિગ બી, કિંગ ખાન, મિથુન બેહદ લોકપ્રિય છે. આપણી ફિલ્મોએ ત્યાં પગદંડો 1960માં એ દેશ આઝાદ થયો ત્યારે જમાવી દીધો હતો. હિન્દી ફિલ્મોએ ત્યાં વારંવાર ઇટાલિયન હોલિવુડ ફિલ્મોને મહાત કરી છે. આપણા સ્ટાર્સના ત્યાં હુલામણાં નામ પણ છે. અમિતાભ ઓળખાય છે કાલી ધીરે (મતલબ તાલી અલી) તરીકે, તો અમરીશ પુરી છે ઇન્ધા ગુલુસ એટલે બટન જેવી આંખો! ડિસ્કો ડાન્સર ત્યાંની એક સૌથી સફળ ફિલ્મ. સોમાલી પ્રજાના ચર્ચાના વિષયો, ફેશન અને સ્ટાઇલ પર હિન્દી ફિલ્મોનો પ્રભાવ છે.
1991માં સિવિલ વૉર શરૂ થયા પછી 2012 સુધી દેશ રાજકીય ઉથલપાથલથી ત્રસ્ત રહ્યો. વચમાં ઇસ્લામિક કોર્ટ્સ યુનિયનની સત્તા આવી, જેણે ફિલ્મો પર સમૂળગો પ્રતિબંધ ઠોકી દીધો. 2012થી પરિસ્થિતિ થાળે પાડવા માંડી તો હિન્દી ફિલ્મો ત્યાં ફરી કાઠું કાઢવા માંડી છે. સોમાલિયામાં બોલિવુડની લોકપ્રિયતાનું એક સરસ ઉદાહરણ છે. 2011માં ભારતીય નૌસેનાએ ઘણા સોમાલી ચાંચિયાની અટક કરી હતી. એમાંના એક ચાંચિયાએ ભારત વિશે કહ્યું, “મને ઇન્ડિયા અને બોલિવુડ ગમે છે. મારે એનાં દરેક શહેર જોવાં છે.” આ ચાંચિયા પાસેથી હસ્તગત કરવામાં આવેલી ચીજોમાં હથિયારો સાથે હતી બોલિવુડની ઢગલાબંધ ડીવીડી!
ચીન: ત્યાં વધતી આપણી ફિલ્મોની લોકપ્રિયતા વિશે ખાસ્સું લખાઈ ચૂક્યું છે. ચીનમાં હિન્દી ફિલ્મોની લોકપ્રિયતા આવારા અને કારવાં ફિલ્મો સાથે શરૂ થઈ ચૂકી હતી. 2010થી હિન્દી ફિલ્મો ત્યાં વધુ જમાવટ કરતી થઈ.આમિર ખાનની દંગલે ત્યાં અધધ 1,200 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આમિર ત્યાં બેહદ લોકપ્રિય છે. એને ત્યાં મી શુ એટલે કે અંકલ મી સંબોધે છે. રવીન્દ્રનાથ ટાગોર પછી ભારતના સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે તેનું ત્યાં માન છે. આમિરની સિક્રેટ સુપરસ્ટાર, આયુષ્માન ખુરાનાની અંધાધૂન પણ ત્યાં હિટ હતી.
ગીતો-નૃત્યોમાંથી હિન્દી ફિલ્મો બહાર આવવા માંડી પછી ચીનમાં એ નક્કર સ્થાન બનાવવા માંડી છે. ચીનમાં એક વરસમાં માત્ર 34 (પહેલાં 20 જ હતી) વિદેશી ફિલ્મો રિલીઝ થઈ શકે. એમાં પણ 14 ફિલ્મો થ્રીડી અથવા આઇમેક્સ ફોર્મેટવાળી જ, એ પણ નિયમ! છતાં બોલિવુડ ત્યાં જમાવટ કરે એ ગજબ કહેવાય.
ઇજિપ્ત: મમીઓના આ દેશમાં 1990ના દાયકા સુધી બોલિવુડનું એકચક્રી શાસન હતું. પછી ત્યાંના સાંસ્કૃતિક મંત્રાલયે એવા આકરા નિયમો ઠોકી બેસાડ્યા કે આપણી ફિલ્મો માટે નફો રળવો અશક્ય થઈ ગયો. સ્થાનિક ફિલ્મ ઇન્ડસ્ટ્રી બચાવવા આ પગલું લેવાયું હતું. અમિતાભ અને શાહરુખ, શાહિદ કપૂર અને કરીનાના દીવાના ત્યાં ઘણા છે. આપણી ફિલ્મો ત્યાં મોટા પાયે જોવાય છે ટીવીના માધ્યમથી.
ઇજિપ્તના પ્રમુખ અખબાર-સામયિકોમાં બોલિવુડના સમાચાર-ગોસિપ નિયમિત છપાય છે. વરસો સુધી થિયેટરમાં આપણી ફિલ્મો રિલીઝ નહીં થવા છતાં બોલિવુડ ત્યાં ટક્યું છે. 2013માં ચેન્નાઈ એકસપ્રેસ એલેક્ઝાન્ડ્રિયાનાં દસ થિયેટરમાં રિલીઝ થઈ, જે બોલિવુડ માટે નવી શરૂઆત બની.
નાઇજિરિયા: પશ્ચિમ આફ્રિકાના આ દેશમાં બોલિવુડ ફિલ્મો લોકપ્રિય હોય એની નવાઈ લાગી શકે. ત્યાં ભારતીયોની વસતિ સુધ્ધાં નથી. ત્યાં લોકો 1960ના દાયકાથી હિન્દી ફિલ્મો માણે છે. જૂની ફિલ્મો સાથે પ્રત્યે એમને વધુ લગાવ છે. આશરે 21 કરોડની એની વસતિ છે, મોટા ભાગે મુસ્લિમોની. 1960માં નાઇજિરિયા આઝાદ થયો પછી તાઇવાનીઝ અને સિરિયન વેપારીઓએ આપણી ફિલ્મોનો વેપાર કરવા માંડ્યો. હોલિવુડથી સસ્તા ભાવે ત્યાં હિન્દી ફિલ્મોનું ઇમ્પોર્ટ લાઇસન્સ મળતું હોવાથી વેપારીઓએ રસ લીધો. બસ, પછી નિકલ પડી! નોલિવુડ અને કેનિવુડ તરીકે ઓળખાતી ત્યાંની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વિકાસમાં બોલિવુડનો ફાળો છે. અમિતાભ, આમિર, શાહરુખ ઉપરાંત નાના પાટેકર પણ ત્યાં લોકપ્રિય છે. સ્થાનિક ફિલ્મોની વધતી લોકપ્રિયતાને લીધે છેલ્લા બેએક દાયકામાં ત્યાં બોલિવુડનાં વાળતાં પાણી થયાં છે.
તાઇવાન: બોલિવુડની એક પણ ફિલ્મનું શૂટિંગ તાઇવાનમાં થયું નથી એવું માનવામાં આવે છે. થ્રી ઇડિયટ્સ, દંગલ, પીકે જેવી ફિલ્મોએ ત્યાં મોટી સફળતા મેળવી હતી. આમિર સૌથી લોકપ્રિય સ્ટાર છે. બાહુબલી ત્યાં ખાસ્સી જોવાઈ અને વખણાઈ છે. ઇરફાન ખાનની હિન્દી મિડિયમ પણ. મૂળ તાઇવાનના ફિલ્મ ડિરેક્ટર એંગ લીની લાઇફ ઓફ પાઈને વૈશ્વિક સફળતા મળી એ ઇરફાનની ત્યાંની લોકપ્રિયતા પાછળનું કારણ બની. ત્યાંની સ્થાનિક ફિલ્મો સામાન્યપણે ઇતિહાસ અને હકીકત આધારિત હોય છે. આપની ફિલ્મોનો મસાલો, સોન્ગ, એન્ડ ડાન્સ ત્યાં આકર્ષણનાં કેન્દ્ર છે.
પેરુ: દક્ષિણ અમેરિકાના આ દેશની વસતિ સાડાત્રણ કરોડથી ઓછી. શાહરુખ સૌથી લોકપ્રિય સ્ટાર. પેરુની ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખાસ ધમધમતી નથી. મધર ઇન્ડિયા અને મેરા નામ જોકરે ત્યાં આપણી ફિલ્મોની આગવી ઓળખ ઊભી કરી. 1970ના દાયકાથી સદી બદલાઈ ત્યાં સુધી આપણી ફિલ્મો મોળી પડી. પછી સંચાર થયો. પેરુમાં ભારતીયો ઓછા છતાં માય નેમ ઇઝ ખાન, એક મેં ઔર એક તૂ, ગુઝારિશ, થ્રી ઇડિયટ્સ ફિલ્મોએ સારું કલેક્શન નોંધાવ્યું. ધૂમના ટાઇટલ સોન્ગની સ્પેનિશ વર્ઝન ગાનારી મિઆ મોન્ટ પેરુવિયન છે. એને આપણી ફિલ્મોમાં અભિનય પણ કરવો છે.
બોલિવુડ અને વિવિધ દેશ
- ભારતીય ફિલ્મો દુનિયાના આશરે 90 દેશોમાં રિલીઝ થાય છે. એમાં હિન્દી તથા દક્ષિણ ભારતીય ફિલ્મો અગ્રક્રમે છે. 2006થી સોમાલિયામાં ઇસ્લામિક કટ્ટરવાદી જૂથ અલ શબાબે માથું ઊંચક્યું એ પહેલાં સુધી કેન્યાના મંદુરાથી લોકો સોમાલિયાના બુલો હાવો (બુલેદ હાવો) નગરમાં માત્ર ભારતીય ફિલ્મો જોવા ગેરકાનૂની રીતે પહોંચી જતા. સોમાલિયામાં સૌથી લોકપ્રિય બોલિવુડ સ્ટાર્સ છે શાહરુખ, અક્ષય અને સલમાન. જર્મની, પોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર સહિત અનેક દેશોમાં પણ હિન્દી ફિલ્મો લોકપ્રિય છે. કભી ખુશી કભી ગમ સાથે જર્મનીમાં હિન્દી ફિલ્મો અને એસઆરકે બેઉનો પોપ્યુલારિટી ગ્રાફ વધતો ગયો. પોલેન્ડમાં સલમાન લોકપ્રિય છે. હિન્દી ફિલ્મોને સરહદો વટાવી વિદેશમાં લોકપ્રિય કરનારા સૌથી અગત્યના સ્ટાર્સમાં રાજ કપૂર, અમિતાભ, શાહરુખ અને આમિર છે. સાઉથની ફિલ્મોની વાત કરીએ તો રજનીકાંત છે ગ્લોબલ તલાઇવા. બાંગ્લાદેશમાં હિન્દી ફિલ્મો પર પ્રતિબંધ છે. ભારતીય ફિલ્મો સ્થાનિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કબરભેગી ના કરે એ માટે આ પ્રતિબંધ ઠોકાયો છે. બાંગ્લાદેશી ફિલ્મમેકર્સ હિન્દી અને તામિલ ફિલ્મોની ઉઠાંતરી કરી ગાડું ગબડાવામાં ઉસ્તાદ છે. ઇન્ટરનેટના જમાનામાં આપણી ફિલ્મો ત્યાં દર્શકો સુધી પહોંચે છે ખરી પણ નિર્માતા કશું ખાટતા નથી. આપણી ફિલ્મો પરનો પ્રતિબંધ હટાવવા ઘણા નિષ્ફળ પ્રયાસો થયા છે. બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજિબુર રહેમાનના જીવન આધારિત ફિલ્મનું દિગ્દર્શન શ્યામ બેનેગલ કરી રહ્યા છે. આશા છે આ ઇન્ડો-બાંગ્લા સહનિર્માણથી ભારતીય ફિલ્મો માટે બાંગ્લાદેશ ખુલ્લું થાય. નેપાળમાં 80% બોક્સ ઓફિસ બોલિવુડના ગજવામાં છે. ત્યાંની કોલિવુડ એટલે નેપાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હાલત પણ નબળી છે. જાપાનમાં રાજ કપૂર અને રજનીકાંત બે સૌથી લોકપ્રિય સ્ટાર્સ છે. જાપાનીઝ મહિલાઓ બોલિવુડ નૃત્યની ચાહક છે. ઘણી આપણાં નૃત્યો શીખવા ક્લાસ કરે છે. રશિયામાં આપણી ફિલ્મો સદાકાળ લોકપ્રિય છે. વાત હાલના રશિયાની નથી પણ એક જમાનામાં યુએસએસઆરની પણ છે. એમાંથી છુટા પડેલા દેશોમાં પણ બોલિવુડ લોકપ્રિય છે. 1990ના દાયકા સુધી આપણી ફિલ્મોનો ત્યાં વિશેષ પ્રભાવ હતો. એવું પણ કહેવાતું કે દુનિયામાં ત્રણ પ્રકારની ફિલ્મો હોય છે – સારી, ખરાબ અને ભારતીય. રશિયામાં દેશી ફિલ્મોનું ગેરકાનૂની ડબિંગ કે સબટાઇટલિંગ કરી ઇન્ટરનેટ પર મૂકનારા ગિલિંડરો ઘણા છે. જસ્ટ લાઇક મેરા જૂતા હૈ જાપાની, મિથુનવાળું બપ્પી લહરીનું ગીત જિમી જિમી આજા આજા પણ રશિયામાં અપાર લોકપ્રિય છે. બોલિવુડ જ્યાં છવાયેલું છે એ તમામ દેશો વિશે એક લેખમાં લખવું અશક્ય છે. સંખ્યાની દૃષ્ટિએ સૌથી વધુ ફિલ્મોનું નિર્માણ કરતો દેશ આપણો છે. ભવિષ્યમાં હિન્દી, દક્ષિણ ભારતીય અને દરજ્જેદાર ગુજરાતી અને અન્ય પ્રાદેશિક ફિલ્મો વિદેશમાં વધુ સફળતા મેળવીને દેશનું નામ રોશન કરે, અઢળક વિદેશી હુંડિયામણ કમાઈ લાવે તો નવાઈ નહીં. જેમ આપણે ઓટીટીને લીધે જાતજાતના દેશોનું, ભાતભાતનું મનોરંજન માણતા થયા છીએ તેમ બોલિવુડ પણ નવી સરહદો વટાવીને ઝાઝી લોકપ્રિયતા ગજવે કરવાની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. જે બાબતોની આપણે મશ્કરી કરતા હોઈએ છીએ એ બાબતોએ દેશી ફિલ્મોને (અમેરિકા, બ્રિટન બહાર) ચાહના અપાવી છે. એ બાબતો એટલે ગીતો, નૃત્યો અને અડબંગ લાગતી મસાલા ફોર્મ્યુલા. એમાં ઉમેરી દો ભારતીય એટલે એશિયન ઇમોશન્સ… એમણે જ આપણી ફિલ્મોને વિશિષ્ટ બનાવી છે વિદેશોમાં. ઇન્ટરનેટ, ઓટીટી પ્લેટફોર્મ્સ, ટેકનોલોજીના સંગમથી એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રી ઉજળા ભવિષ્ય તરફ હરણફાળ ભરી રહી છે. એનઆરઆઈ અને એમના વિદેશવાસથી અનેક દેશોમાં ઉછરી રહેલી ભારતીયોની નવી પેઢીથી વિદેશમાં આપણી ફિલ્મો વધુ શક્તિશાળી થઈ છે. હોલિવુડની વૈશ્વિક મોનોપોલી સામે ભારતીય સહિત ચાઇનીઝ અને અન્ય દેશોની ફિલ્મો પણ પડકાર બની શકે છે. જોવાનું એ કે આ પડકારને ભારતીય ફિલ્મો કેમ પહોંચી વળે છે.
(સ્વામી સહજાનંદ મેગેઝિનની કૉલમ ઇન્ટરવલમાં જુલાઈ 2022 એ પ્રસિદ્ધ થયેલો લેખ)





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment