આજે વાત કરીએ દુબઈના રસ્તા, વટેમાર્ગુ, ટેક્સીની
ભારતમાં આપણે આડેધડ વાહનો ચલાવવામાં અને મનફાવે તેમ રસ્તા ઓળંગવામાં ગોલ્ડ મેડલિસ્ટ છીએ. વાંક આપણી પછાત વિચારધારાનો અને નહીં સુધરવાના પ્રણનો છે. વસતિનો વાંક કાઢવો યોગ્ય નથી. વસતિ ચીનમાં પણ છે. ત્યાં માર્ગ અને વાહન સંબંધે શિસ્ત છે. શ્રીલંકા આપણાથી પછાત છતાં ત્યાંની માર્ગશિસ્ત આપણને શરમાવે એવી છે. ઉઝબેકિસ્તાન એક રીતે નગણ્ય દેશ છતાં ત્યાં પણ શિસ્ત છે. મને આ દેશોમાં માર્ગશિસ્તનો જાતઅનુભવ છે. બીજા દેશો પણ મેં જોયા છે અને બહુધા એ સૌ આપણાથી સારા છે.
આપણે ઘણી બાબતે નહીં સુધરનારી પ્રજા છીએ. વડા પ્રધાન મોદીએ પહેલીવાર રાષ્ટ્રધુરા સંભાળતા સ્વચ્છ ભારતની હાકલ કરી હતી. એની કંઈક અંશે અસર થઈ પણ, આ કેવું રાષ્ટ્ર જ્યાં સ્વચ્છતા માટે સર્વોચ્ચ પદે બિરાજમાને વિનંતીગંગા વહાવવી પડે? પછી પણ એવી સ્વચ્છતા નથી જ જેના માટે પોરસાઈ શકાય. વાંક સત્તાધીશોનો પણ છે. એક્સપ્રેસવે છતાં દેશમાં એક-બે કિલોમીટર બિલકુલ ખાડા વિનાનો માર્ગ જડતો નથી. મોટાભાગના એક્સપ્રેસવે પ્રદીર્ઘ ટકે એવા નથી. સામાન્ય માર્ગો તો સાવ ક્ષુલ્લક. મુંબઈમાં એટલા વાહિયાત રસ્તા છે કે વાહન અને વટેમાર્ગુ બેઉ સતત ભયના ઓથારતળે રહે. દેશમાં રસ્તાની આવી દયનીય સ્થિતિ હોય ત્યાંથી વિદે
શના ચકાચક, શિસ્તબદ્ધ રસ્તા જોતા એની સરાહના થઈ જાય.
શના ચકાચક, શિસ્તબદ્ધ રસ્તા જોતા એની સરાહના થઈ જાય.યુએઈમાં પહેલો પગ મૂક્યો હતો મધરાત પછી. એ પણ ઓછી વિકસિત અને ઓછી જાણીતી એમિરેટ રાસ અલ ખૈમામાં. મુખ્ય મુકામ દુબઈ હતો. રાસ અલ ખૈમાથી દુબઈ બાય રોડ ઉમ અલ ક્વૈન, અજમન અને શારજાહ એમ ત્રણ એમિરેટ્સ વટાવી હતી. પહેલી રાતે ખ્યાલ આવી ગયો કે આ દેશ માર્ગના મામલે અવ્વલ છે. અબુધાબીથી રાસ એલ ખૈમા વચ્ચે ઈ-311 એટલે શેખ મહમ્મદ બિન ઝાયેદ માર્ગ પથરાયેલો છે. દેશનો એ સૌથી લાંબો મહામાર્ગ મીનમેખ વિનાનો છે.
એમ નહીં સમજતા કે આવા રસ્તા બનાવતા એ દેશને દાયકાઓ લાગ્યા હશે. 1980ના દાયકા સુધી યુએઈમાં રસ્તા બિસમાર હતા. 1980ના દાયકા સુધી દુબઈથી અબુધાબી પહોંચતા ચાર કલાકથી વધુ સમય લાગતો હતો. ત્યારે રસ્તે લક્ઝરી કાર ઓછી અને ટ્રક તથા ઊંટ વધારે હતાં. ત્યારે રેતીને કિનારે વાહન હંકાતાં. પવન ફૂંકાતા વાહન ફસાયું તો કલ્યાણ થઈ જતું. આજે અબુધાબીથી દુબઈ પહોંચતા કલાક-દોઢ કલાક થાય છે. ત્યાં ખરા અર્થમાં 1990ના દાયકાથી માર્ગોની કાયાપલટ થવા માંડી અને એ પણ કેવી!
1997 આસપાસ યુએઈએ વિશ્વકક્ષાના માર્ગ બનાવવા કમર કસી. મેટ્રોની જાળનું પ્લાનિંગ પણ થયું, જેનું બાંધકામ 2006માં શરૂ થયું. આજે કોઈને કહીએ કે પચીસ વરસ પહેલાં ત્યાંના રસ્તા ઇન્ડિયાની જેમ બદતર હતા તો કેવું લાગે?

દુબઈ ફ્લાયઓવર્સ
વાહનો સડસડાટ દોડતાં રહે એ માટે રસ્તાઓનું ખૂબીભર્યું નેટવર્ક દુબઈમાં છે. સિગ્નલ્સ ઓછાં છે. આપણે ત્યાં ટ્રાફિક જામનું એક કારણ આડેધડ અને ગમે ત્યાં લેવાતા ટર્ન્સ અને યુ-ટર્ન્સ છે. ત્યાં એની ગુંજાયેશ નથી. વાહને ટર્ન લેવા ચોક્કસ લેનમાં જ્યાં વ્યવસ્થા છે ત્યાંથી જ વળવું પડે. એના માટે જેટલું એક્સ્ટ્રા ડ્રાઇવિંગ કરવું પડે એ કરવું પડે. યુએઈમાં લેફ્ટ હેન્ડ ડ્રાઇવિંગ છે. આપણા કરતાં એ વ્યવસ્થા જુદી છે. વાહનો માટે ત્યાં લગભગ બધે લઘુતમ (મહત્તમ નહીં) વેગમર્યાદા છે. કલાકે 100 કિલોમીટર સ્પીડનો રસ્તો છે તો 80 કિલોમીટરની ઝડપે વાહન દોડાવી શકાય નહીં. દોડાવો તો દંડ થાય. બે વાહન વચ્ચે સારું અંતર રાખીને વાહન દોડાવવાનું. અંતર ઓછું તો પણ કાયદાનો પ્રહાર થઈ શકે.
ફ્લાયઓવર્સના જાળ થકી દુબઈએ સચોટ ટ્રાફિક મેનેજમેન્ટ પોસિબલ કર્યું છે. રસ્તાઓની ગુણવત્તા એટલી સારી છે કે વાહનમાં ગેસ લઈ જઈ એના પર તપેલી ચડાવીને ચા બનાવવા મૂકો તો શક્ય છે કે એક ટીપું ઢોળાયા વિના ચા બની જાય. અતેશયોક્તિ લાગે તો પણ એ પાકું કે ખાડાવાળા અને અસમતળ માર્ગ ત્યાં ભાગ્યે જ છે.જૂના દુબઈમાં, એટલે કે બર દુબઈ, મીના બાઝાર જેવા વિસ્તારોના સાંકડા માર્ગો પર જરા ટ્રાફિક થાય છતાં, આપણા જેવો નહીં. વીકએન્ડમાં અલ કરામા અને આસપાસના ખાણીપીણી માટેના વિસ્તારોમાં ટ્રાફિક થાય પણ રોજ નહીં. ધર્મેન્દ્રભાઈએ અલ મનખૂલ વિસ્તાર આસપાસના અમુક માર્ગ દર્શાવતાં કહ્યું હતું કે આ વિસ્તારમાં સાંજે સખત ટ્રાફિક થાય છે. એ ટ્રાફિકનાં કારણો હોય છે.
આપણા અને ત્યાંના ટ્રાફિકમાં અંતર છે. યુએઈમાં મનસ્વી ડ્રાઇવિંગ શક્ય નથી. નિયમો ચાતરનારને દંડ અને બ્લેક પોઇન્ટ્સ (ચારથી ચોવીસ) મળે અને એની ચરમસીમા આવે લાઇસન્સ રદ થવા સુધી. આર્થિક દંડ તગડા છે. રૂપિયામાં સમજો તો રૂપિયા 9,000નો દંડ સામાન્ય છે. વાહને શિસ્ત અનુસરવી જ પડે. શિસ્તને લીધે, પીક અવર્સમાં વાહનો એક દિશામાં જતાં હોય ત્યારે, ટ્રાફિક થાય. સિગ્નલ ગ્રીન ઓછો સમય રહે અને વાહનોની કતાર લાંબી થતી જાય. આપણને લાગે આ ટળી શકે તેમ છે. ખાલી રસ્તા છતાં કોઈ વાહન ઝૂઉઉઉમ કરતું કેમ નીકળી જતું નથી એવો પ્રશ્ન પણ થાય. તો પણ, નિયમ એટલે નિયમ.
માર્ગશિસ્ત માત્ર વાહનોને નહીં વટેમાર્ગુઓને પણ લાગુ પડે છે. ઝેબ્રા ક્રોસિંગ વિના માર્ગ ઓળંગનાર માટે પણ સખત દંડ છે. માર્ગ ઓળંગવા ઘણીવાર પા-અડધો કિલોમીટર ચાલવું પણ પડે છે. થાકીને લોથપોથ હાલતમાં માર્ગ ઓળંગવા ચાલવાની ફરજ મને પણ પડી હતી. કાળ ચડતો હતો, સાથે એ પણ સમજાતું હતું કે શિસ્ત કામની છે. ઘણા માર્ગમાં તો ક્રોસિંગ શક્ય જ નથી. તેજ ગતિએ દોડતાં વાહનો વચ્ચે મજાલ છે કોઈ છ, આઠ, બાર લેનના માર્ગને મદમસ્ત હાથીની જેમ ઓળંગવાનો વિચાર પણ કરે? મારે પણ એકવાર ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો, આઈટીના જબરદસ્ત જાઇટેક્સ એક્ઝિબિશનને લીધે. અન્યથા, સમગ્ર પ્રવાસમાં મેં વાહનને ખરાબ રીતે અટવાતાં કે ચાલકને હેરાન થતા નથી જોયાં.
દુબઈમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું એવરેસ્ટ સર કરવા જેવું છે. ત્યાંની ડ્રાઇવિંગ સ્કૂલ્સમાં ફી ભરવા માટે વિવિધ પ્લાન્સ છે. એક છે દોઢ લાખ રૂપિયાથી વધારેનો. આ પ્લાન લેનાર ટેસ્ટમાં ગમે એટલી વખત નાપાસ થાય તો પણ ફરી પૈસા ભરવા ના પડે. અન્યથા, નાપાસ થનારે વારંવાર નાણાં ચૂકવતા રહેવાનું અને પ્રાર્થના કરતા રહેવાની. એવા પણ કિસ્સા જાણ્યા જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે વ્યક્તિએ પાંચ લાખ રૂપિયાનું આંધણ કર્યું હોય. ડ્રાઇવિંગની ટેસ્ટમાં, ઘણાએ જણાવ્યા પ્રમાણે, વ્યક્તિ પાસ થાય કે નાપાસ એનો આધાર અધિકારી પર રહે છે. અધિકારીનો મૂડ ખરાબ હોય ત્યારે નાપાસ થવાનો વારો પણ આવી શકે છે. લોકો સૌથી વધુ નાપાસ થાય છે વાહનને સરખી રીતે પાર્ક કરવાની કસોટીમાં.

એક સુહાની શામ
આવી કડકાઈ અને દંડને લીધે યુએઈમાં વાહનો અને માનવો બેઉ માટે રસ્તા સેફ છે. આપણે ત્યાં નવી કાર પાંચ વરસમાં બુઢ્ઢી લાગવા માંડે એ સહજ છે. ત્યાં (અને બીજા ઘણા દેશોમાં) દસ વરસ જૂની કાર પણ શોરૂમ કન્ડિશન જેવી લાગે છે. પાર્કિંગ માટે પણ સિસ્ટમ છે. ચાલકે પાર્ક કરવાના સ્થળે લાગેલા બોર્ડની સૂચના મુજબ એસએમએસ કરવાનો. એથી પાર્કિંગની નોંધ થઈને ફી વસૂલવા સમયની ગણતરી શરૂ થાય. ક્યુઆર કૉડથી પાર્કિંગ થાય છે. પાર્કિંગ ચાર્જ તગડા છે.ખોટું પાર્કિંગ કર્યું (દાખલા તરીકે માર્કિગ લાઇન પર વાહન) તો દંડ પણ (બસો દિરહામ એટલે 4,500 રૂપિયા) તગડો થાય છે.
અમુક મૉલ્સમાં અમુક કલાક માટે, અલ જદફ જેવા નવા વિસ્તારોના ચોક્કસ ભાગમાં (જ્યાં પાર્કિંગ સિસ્ટમ અમલમાં આવી નથી) મફતમાં વાહન પાર્ક થઈ શકે છે. લોકો નિયમોનો ભંગ કરે નહીં એ માટે આરટીએ ચાંપતી નજર રાખે છે. એની પાસે એવાં કેમેરાસજ્જ વાહન છે જે ફરતાં રહી ખોટી રીતે પાર્ક કરેલાં વાહનોની તસવીરો (કદાચ વિડિયો પણ) લેતાં રહે છે. જાઇટેક્સ એક્ઝિબિશનમાં મેં દુબઈ આરટીએના સ્ટૉલ પર સ્વયંચાલિત વાહન જોયું હતું જે પાર્કિંગ કે ટ્રાફિકના નિયમો તોડનારને દંડવા ઉપયોગમાં લેવાશે. બહુ જલદી એ માર્ગ પર દોડતાં થઈ જશે.
વાહનમાં પ્રવાસ કરનારાએ સીટ બેલ્ટ પણ પહેરવાં ફરજિયાત, ખાસ કરીને આગળની હરોળના પ્રવાસીઓએ. ના પહેર્યો તો પણ દંડ છે. ટેક્સીમાં પણ પ્રવાસીએ નિયમાનુસાર રહેવાનું. પહેલીવાર ટેક્સીમાં બેઠો ત્યારે હોંશીલા સ્વભાવે ડ્રાઇવર સાથે ફોટો લીધો જે બરાબર આવ્યો નહીં. ફરી ફોટો ખેંચતા પહેલાં મેં ડ્રાઇવરને કેમેરામાં જોવા રિક્વેસ્ટ કરી તો એણે કહ્યું, “સર, ફોટો મત ખીંચિયે, ફાઇન લગ જાયેગા!” એ પછી જે બે-પાંચ વાર ટેક્સીમાં બેઠો એ દરેક વખતે મને એ શબ્દો યાદ આવતા રહ્યા હતા.
દુબઈમાં ટેક્સી ખર્ચાળ છે. એકાદ કિલોમીટરનું ભાડું 300-400 રૂપિયા થઈ શકે છે. ઉબર ઉપરાંત હાલા કેબ્સ અને કારીમ (જે હવે ઉબરની માલિકીની કંપની છે) જેવી એપના વિકલ્પો છે. ટેક્સી તરીકે મર્સિડીઝ અને લેક્સસ કાર્સ પણ છે. લેન્ડ ક્રુઝર, કેમરી, પજેરો, પેટ્રોલ, અલ્ટિમા, બીએમડબલ્યુ, કોરોલા વગેરે કોમન છે. હવે ટેસ્લા પણ ઉમેરાઈ છે. એપથી કેબ બુક કરનારે વધારાનો ચાર્જ દેવાનો રહે જે ભાડામાં ઉમેરાય છે. ટેક્સી હાથ દેખાડીને ઊભી રાખો તો બેઝ ભાડું પાંચ દિરહામથી શરૂ થાય. એપથી આવે તો વધી જાય. દુબઈમાં ટેક્સી પર મદાર રાખવાનો હોય તો રોજ મોટી રકમ ખર્ચવા તૈયાર રહેવું. એનો વિકલ્પ મેટ્રો છે, બશર્તે જે વિસ્તારમાં જવું હોય ત્યાં મેટ્રો હોય. બસનું નેટવર્ક ખાસ નથી. સમગ્ર પ્રવાસમાં બસમાં બેઠો નહોતો એટલે એ વિશે ઝાઝું જાણતો નથી. રસ્તા પર ઓછી બસ જોઈ એ પાકી વાત. મેટ્રોની વાત અલગ લેખમાં કરશું. અહીં એ વિશે વધુ લખતો નથી.

ડિલિવરૂ ડિલિવરી બાઇક ઇન દુબઈ
બાઇકનું શું? બાઇક બહુ ઓછા લોકો પાસે હશે. રસ્તા પર દેખાતી બાઇક લગભગ નૂન, તલાબાત, ડિલિવરૂ, કારીમ જેવી ડિલિવરી કંપનીઓની હોય છે. ઇલેક્ટ્રિક પેડલ (કે ડર્ટ) બાઇક્સ અર્થાત્ ઇ-બાઇક્સ છે. નોકરિયાત વર્ગ એ વધુ વાપરે છે. ઘણા પેડલ બાઇક ઘેરથી લઈને નીકળે, મેટ્રોમાં પેડલ બાઇક સાથે પ્રવાસ કરીને કામકાજના સ્થળના સ્ટેશને ઊતરી વળી બાઇક પર ઑફિસે પહોંચે. બાઇક ચલાવતો એક વર્ગ હાર્લી ડેવિડસનની મોંઘી બાઇક્સનો ખરો. એ બાઇક્સના ચાલકોની ઇવેન્ટ્સ પણ યોજાય છે. એમાં ચાલકો માટે રસ્તાની અમુક લેન રિઝર્વ્ડ રહે છે. હાઈ ડેસિબલ શોર કરતાં દોડતી બાઇક્સની વણજાર જોવા લોકો પણ ઉમટી પડે છે.
ટૂંકમાં સમજી લો કે દુબઈમાં વાહનમાં બેઠા કે વટેમાર્ગુ બન્યા, બેઉ ભૂમિકામાં માર્ગશિસ્ત પાળ્યે છુટકો છે.
ટૂંકમાં…
- સાઇન પોસ્ટ હોય, સિગ્નલ હોય કે પછી રોડ માર્ક્સ, એ બધું ચોખ્ખું અને વેલ મેઇન્ટેઇન્ડ હોય છે. આપણા રસ્તા પર સફેદ પટ્ટા કે ઝેબ્રા ક્રોસિંગના ઠેકાણાં નથી હોતાં એવું ત્યાં ભાગ્યે જ દેખાય.
- લેન ડિસિપ્લિન સલામ કરાવે એવી છે. વાહન જે લેનમાં હોવું જોઈએ ત્યાં જ રહે. લેન ચેન્જિંગ કરી શકાય, પણ કાળજીપૂર્વક. ટ્રક જેવાં ભારે વાહનો એમની લેનમાં સખણાં ચાલે. એમને પણ નિયમ તોડવાની આકરી સજા છે.
- યુએઈમાં વાહનોની નંબર પ્લેટ્સનાં વિવિધ કોમ્બિનેશન છે. દુબઈનાં વાહનોની નંબર પ્લેટ્સમાં એક કે બે અંગ્રેજી અક્ષરો અને એકથી પાંચ આંકડા હોય છે. અબુધાબી અને શારજાહની નંબર પ્લેટ્સમાં અંગ્રેજી અક્ષરોનું સ્થાન આંકડા લઈ લે છે, એટલે કે આંકડાઓના બે સેટથી નંબર પ્લેટ બને છે. બાકીની એમિરેટ્સની નંબર પ્લેટ્સમાં એક અંગ્રેજી અક્ષર અને મેક્ઝિમમ પાંચ આંકડાનું કોમ્બિનેશન હોય છે.
- વીઆઈપી કે વીવીઆઈપી નંબર પ્લેટ માટે મોટી રકમ ચૂકવવી પડે છે. સ્થાનિકો ઘણી નંબર પ્લેટ્સ જોઈને અંદાજ કાઢી શકે છે કે આ વાહન કોઈક હસ્તીનું હશે.
- રહેણાક ઇમારતોમાં વાહનની આવજા ડિજિટલ કાર્ડથી થાય છે. સૌએ નિયત જગ્યાએ વાહન પાર્ક કરવાનું હોય છે.
- મૉલમાં વાહન પાર્ક કરતી વખતે પાસેના બોર્ડનો ફોટો ખેંચવો સલાહભર્યો છે. ત્યાંના મૉલ્સ ખાસ્સા મોટા છે. ફોટો ના લીધો તો રિટર્ન આવતા વાહન શોધતા નાકે દમ આવી શકે. ફોટો હોય તો કઈ જગ્યાએ વાહન મૂક્યું હતું એ શોધવામાં તકલીફ પડતી નથી.
- વાહનચાલકો રૂટ માટે રસ્તાના નંબરના આધારે ડ્રાઇવ કરે છે. રસ્તો ચૂકનારે ઘણીવાર બેહદ લાંબો માર્ગ વધારાનો કાપવો પડે એવું અટપટું પણ શિસ્તબદ્ધ રોડ મેનેજમેન્ટ છે.
- અંતરિયાળ વિસ્તારમાં રસ્તો ઓળંગતી વખતે બની શકે કે વટેમાર્ગુ કાયદાની નજરથી બચી જાય. મુખ્ય માર્ગો અને ધમધમતા વિસ્તારોમાં ખોટી રીતે (એટલે ઝેબ્રા ક્રોસિંગ સિવાયની જગ્યાએથી) રસ્તો ઓળંગનારને ઝાલીને દંડ ફટકારવા અધિકારીઓ તહેનાત હોય છે. આ અધિકારીઓ પ્રવાસી જાણીને હળવાશથી વર્તે અને ના પણ વર્તે એ નક્કી નહીં.
- જૂના દુબઈના બજાર વિસ્તારમાં થોડી હળવાશ છે. દંડ ફટકારાય અને કોઈ સ્માર્ટ થવા કહે કે મારી પાસે કેશ નથી તો એના ઇલાજ પણ છે. ટુરિસ્ટના મામલે દંડ કનેક્ટ થઈ જાય પાસપોર્ટ સાથે. યુએઈ છોડવું હોય, પાછા જવું હોય તો દંડ ચૂકવ્યે છુટકો થાય.
- દુબઈના ઘણા ટેક્સી ડ્રાઇવર પાકિસ્તાનીઓ, બાંગલાદેશીઓ છે.
- હેચબેક એટલે કે સામાન્ય માણસની કાર જેવી કાર ત્યાં સાવ ઓછી છે.
- ઠરીઠામ થયેલા સૌ પાસે એકાદ વાહન અવશ્ય હોય છે. કાર સંપન્નતાનું પ્રતીક નહીં પણ જીવન જરૂરિયાતનું એક અભિન્ન અંગ છે.
- પોતાની રીતે દુબઈ ફરવા જનારે ખોટા ખર્ચ ટાળવા ચોકસાઈ રાખવી. શક્ય તેટલું સંશોધન પણ કરવું. જે પરિચિતો પાસેથી સ્થાનિક પ્રવાસના શ્રેષ્ઠ વિકલ્પ જાણી-સમજી શકાય એ સમજી લેવા. કાર-ટેક્સીમાં પૈસાનું પાણી કરવામાં વાંધો ના હોય અને જ્યાં જલદી પહોંચી શકાય ત્યાં પહોંચવામાં પણ બિનજરૂરી સમય વેડફી નાખવામાં વાંધો ના હોય તો ઇટ્સ ઓકે. (ક્રમશઃ)
ફરી મળીએ નવા લેખમાં…
(નોંધઃ આ લેખો દુબઈ પ્રવાસ પૂરો થયા પછી લખાઈ રહ્યા છે. એનો હેતુ ત્યાં જવા ચાહતા લોકોને માહિતી મળે અને લખનારની લેખમાળા તૈયાર થાય એટલો છે)


Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment