નવમા ધોરણમાં ભણતા અભિનેતા બનવાની જે મહત્વાકાંક્ષા કરી એને ધરમ પાજીએ અક્ષરશઃ સાકાર કરી. એવી મસ્ત કે બોલિવુડમાં એમનું નામ પૂરી તાકાત સાથે અને શાશ્વત ધોરણે અંકિત થઈ ગયું

“મા, હું હીરો બનીશ. મુંબઈ જઈશ.”

“ઘેલો થયો છે? તું ઘરનો સૌથી મોટો દીકરો છે. તારા માથે જવાબદારી છે.”

પંજાબના લુધિયાણા જિલ્લામાં, નકશે માંડ મળે એવું નાનકડું ગામ ડાંગોં. એમાં દેઓલ પરિવાર વસે. મોભી કેવલ ક્રિશન શિક્ષક અને પત્ની સતવંત ગૃહિણી. એમને સાત સંતાન. સૌથી મોટો ધરમ. કિશોરાવસ્થાથી ધરમ દિલીપ કુમારનો અને સુરૈયાનો દીવાનો. અરીસા સામે ઊભા રહીને અભિનય કરવાની એને ટેવ. નવમા ધોરણમાં ભણતાં ધરમે પહેલીવાર ફિલ્મ જોઈ. એને થયું, “આ સ્વર્ગ ક્યાં છે જ્યાં આવા સુંદર લોકો રહે છે?” એણે ઠરાવી લીધું કે મારે આ સ્વર્ગ આંબવું છે, હું એ સ્વર્ગનો સભ્ય છું. પણ માને વાત કરી તો એમણે દીકરાના પગ ધરતી પર લાવી દીધા.

સમય વહેતો ચાલ્યો. ધરમ 19નો થયો. 1954માં માબાપે એને પ્રકાશ કૌર સાથે પરણાવ્યો. 1957માં એમને ઘેર દીકરો સની જન્મ્યો. સૌને એમ કે ધરમ ઠરીઠામ થઈ ગયો. 1958માં ફિલ્મફેરે અભિનયની નવી પ્રતિભાઓ શોધવા રાષ્ટ્રીય સ્પર્ધા યોજી. વિજેતાને ઇનામરૂપે મળવાની હતી ફિલ્મમાં લીડ તરીકે ચમકવાની તક. ધરમે ફરી માને વાત કરી. માએ રમૂજમાં કહ્યું, “ભલે, અરજી કર.” માને એમ કે બહુ બહુ તો શું થશે? દીકરો નહીં જીતે અને અભરખા ઓસરી જશે.

એ સ્પર્ધા માટે ધરમ ફ્રન્ટિયર મેલમાં મુંબઈ આવ્યો અને જીતી ગયો. સ્પર્ધામાં આશા પારેખ અને સાધના પણ વિજેતા હતી. સ્પર્ધાને લીધે બિમલ રોય અને ગુરુદત્ત જેવા વિખ્યાત સર્જકોનું ધર્મેન્દ્ર પર ધ્યાન પડ્યું. સુપરસ્ટાર દેવ આનંદે ધર્મેન્દ્રને પોતાના મેકએપ રૂમમાં બોલાવીને એની સાથે ભોજન કર્યું હતું.

વિજેતા થઈને ધર્મેન્દ્ર એવી આશાએ ગામ પાછો ગયો. એને એમ કે ગમે ત્યારે શૂટિંગ માટે બોલાવશે. પણ એવું કશું થયું નહીં. ફિલ્મફેરે ધર્મેન્દ્રને લઈને ફિલ્મ બનાવી જ નહીં. એવામાં એકવાર નિર્માતા શશધર મુખર્જીનું કહેણ આવ્યું. ‘લવ ઇન શિમલા’ ફિલ્મના સ્ક્રીન ટેસ્ટ માટે ધરમ મુંબઈ આવ્યો પણ રિજેક્ટ થયો. મુખર્જીએ ધર્મેન્દ્રને કહ્યું, “અમને હીરો જોઈએ છે, હોકી પ્લેયર નહીં.” એ ફિલ્મથી મુખર્જીએ છેવટે પોતાના દીકરા જોય મુખર્જીને લોન્ચ કર્યો. સ્પર્ધા જીતનારી સાધનાને મળી ફિમેલ લીડ.

હવે પાછા જવાનો સવાલ નહોતો. ધર્મેન્દ્રએ ઠરાવી લીધું હતું કે હીરો તો બનીશ જ. સંઘર્ષ શરૂ થયો. બે પ્રશ્નો હતા. એક તો ફિલ્મોમાં પ્રવેશ અને બીજો, મુંબઈમાં ટકી જવું. એ માટે ધર્મેન્દ્રએ ડ્રિલિંગ કંપનીમાં નોકરી પણ કરી. રહેવા માટે ઘર નહીં તેથી દિગ્દર્શક અર્જુન હિંગોરાનીના ગેરેજમાં રહીને ગાડું ગબડાવ્યું. પણ ધર્મેન્દ્ર જ્યાં પણ ઓડિશન માટે જાય ત્યાં મશ્કરી થતી. સૌ કહેતા કે જઈને કુસ્તી કર, પહેલવાની કર. છેવટે હિંગોરાનીની જ 1960ની ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’માં ધર્મેન્દ્રને બ્રેક મળ્યો પણ નસીબ બે ડગલાં આગળ ચાલ્યું. ફિલ્મ નિષ્ફળતાને વરી. બીજી અને 1961ની ‘શોલા ઔર શબનમ’ની ઠીકઠીક સફળ રહી. 1963ની ‘બંદિની’થી જરા પિછાણ બની અને 1964માં રાજેન્દ્ર કુમાર અને સાયરા બાનુ સાથેની ‘આયી મિલન કી બેલા’થી ઇન્ડસ્ટ્રીએ ધર્મેન્દ્રની નોંધ લીધી. મજાની વાત એ કે ફિલ્મમાં ધર્મેન્દ્ર નકારાત્મક પાત્રમાં હતા.

1969માં બોલિવુડમાં રાજેશ ખન્નાનું આગમન ‘આરાધના’ સાથે થયું. એ સાથે ભલભલા સ્ટાર્સનાં એકાએક વળતાં પાણી થયાં. જે બે અભિનેતા એ પ્રચંડ તોફાનમાં લોકપ્રિયતાની નૈયાને વહેતી રાખી શક્યા એમાંના એક ધર્મેન્દ્ર હતા. બીજા દેવ આનંદ. 1971માં ધર્મેન્દ્રને ચમકાવતી, રાજ ખોસલાની એક્શન સભર ‘મેરા ગાંવ મેરા દેશ’ રિલીઝ થઈ. એણે પ્રવર્તમાન રોમાન્ટિક ફિલ્મોના ટ્રેન્ડનાં ટાયર પંક્ચર કરી નાખ્યાં. સાથે બોલિવુડમાં શરૂ થયો લાંબો ચાલેલો એક્શન ફિલ્મોનો દોર. એમ ધર્મેન્દ્રની કરિયરનો સુવર્ણકાળ શરૂ થયો. એમની ‘સીતા ઔર ગીતા’, ‘રાજા જાની’, ‘સમાધિ’ સહિતની ફિલ્મો હિટ રહી. ધર્મેન્દ્ર નંબર વન બની ગયા. વાત એટલેથી અટકી નહીં. 1973ના વરસમાં ‘લોફર’, ‘ઝીલ કે ઉસ પાર’, ‘જુગ્નુ’ (જે રશિયામાં પણ જબરદસ્ત સફળ રહી) આવી. ‘જુગ્નુ’ની તામિલ અને તેલુગુ રિમેક બની. પછી આવી સાધારણ હિટ ‘કીમત’ અને ‘જ્વાર ભાટા’. વરસ પૂરું થાય એ પહેલાં આવી ‘યાદોં કી બારાત’ અને ‘કહાની કિસ્મત કી’. એ વરસે વિજય આનંદ દિગ્દર્શિત ‘બ્લેકમેઇલ’માં ધર્મેન્દ્ર ચમક્યા, જે બોક્સ ઓફિસે નબળી રહી છતાં, સમય જતાં આનંદની એક સર્વોત્તમ ફિલ્મ લેખાઈ.

1975માં ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન બે સાવ નોખી ફિલ્મમાં દેખાયા. બેઉ હિટ રહી અને બોલિવુડની તવારીખમાં બેઉએ નામ સુવર્ણાંકિત કર્યાં. એક ‘ચુપકે ચુપકે’ અને બીજી, ‘શોલે’, જેણે સિનેમાઘરોમાં 283 અઠવાડિયાં નોનસ્ટોપ પ્રદર્શિત થવાનો રેકોર્ડ બનાવ્યો. એ રેકોર્ડ તોડ્યો છેક 1995માં આવેલી આદિત્ય ચોપરાની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’એ.

રમેશ સિપ્પીએ ‘શોલે’ પછી બહુ ખર્ચાળ અને આશાસ્પદ ‘શાન’ બનાવી હતી. એમાં ધર્મેન્દ્ર અને હેમા માલિની બેઉ હોત. થયું એમ કે ‘શોલે’ના પોતાના પાત્રથી ધર્મેન્દ્ર બહુ ખુશ નહોતા. એમને બસ એમ કે હું આ ફિલ્મમાં ફસાઈ ગયો અને મને ખાસ મહત્ત્વ નહીં મળ્યું. પરિણામે એમણે ‘શાન’ જતી કરી અને હેમાને પણ ફિલ્મ છોડાવી. ‘શોલે’એ વાવટા ફરકાવ્યા છતાં ધર્મેન્દ્રએ ‘શાન’ નહીં કરી. ‘શાન’ પાસેથી ઇન્ડસ્ટ્રીની એટલી ઝાઝી અપેક્ષા રહી કે ના પૂછો વાત. પરિણામે, રોકાણ કરતાં અઢી ગણા કમાયા પછી પણ ‘શાન’ ક્યારેય હિટ ફિલ્મ નહીં ગણાઈ.

ધર્મેન્દ્રની કરિયરનું એક દમામદાર વરસ 1987નું. એ વરસે એમણે સાત હિટ ફિલ્મો આપીઃ ‘ઇન્સાનિયત કે દુશ્મન’, ‘લોહા’, ‘હુકુમત’, ‘આગ હી આગ’, ‘વતન કે રખવાલે’, ‘ઇન્સાફ કૌન કરેગા’ અને ‘ઇન્સાફ કી પુકાર’. સિવાય ‘દાદાગીરી’ પણ આવી જે એવરેજ રહી. બોલિવુડ સહિત ફિલ્મી દુનિયામાં કદાચ કોઈ એક સ્ટારે એક વરસમાં આટલી સંખ્યામાં હિટ ફિલ્મો આપી નહીં હોય.

ધર્મેન્દ્રને પહેલી ફિલ્મ માટે રૂ. 51 મહેનતાણું મળ્યું હતું. અભિનેતા તરીકે નસીબ યારી ના આપે તો ગાડી ચલાવવા માટે ધર્મેન્દ્રએ ફિયાટ ગાડી ખરીદી હતી. જોકે અભિનયની ગાડી ચાલી નહીં, દોડી. એવી કે 300થી વધુ ફિલ્મો એમણે કરી. સરેરાશની વાત કરીએ તો હિટ ફિલ્મોની એમના જેવી સરેરાશ બીજા કોઈ સ્ટારની નથી.

1965માં ધર્મેન્દ્ર અને હેમા માલિની પહેલીવાર એકમેકને મળ્યાં. ત્યારે ધર્મેન્દ્રએ શશી કપૂરને, “કુડી બડી ચંગી હૈ…” એવું કહ્યાનું હેમાએ પોતે લખ્યું છે. કારકિર્દીમાં સિત્તેરથી વધુ અભિનેત્રીઓ સાથે જોડી બની છતાં ધરમ-હેમાની જોડી સૌથી સફળ હતી. બેઉ પ્રેમમાં પડ્યાં. હેમાના પરિવારને બેઉનાં લગ્ન સામે સ્વાભાવિક કારણોસર વાંધો હતો. ધર્મેન્દ્ર પરણેલા હતા અને એમને સંતાનો હતાં. છેવટે જોકે 1980માં બેઉનાં લગ્ન થયાં. એ માટે ધર્મેન્દ્રએ ધર્માંતર કરીને દિલાવર ખાન અંગીકાર કર્યું એવું પણ કહે છે. બીજાં લગ્નથી ધર્મેન્દ્ર બે દીકરીઓ એશાઅને આહનાના પિતા બન્યા.

ધર્મેન્દ્ર ઘણીવાર પોતાનાં એક્શન દ્રશ્યો જાતે કરતા. એમની કરિયરમાં એક એવો દોર પણ હતો કે મીના કુમારી સાથે એમણે હારબંધ ફિલ્મો કરી. કારણ મીના કુમારી ધર્મેન્દ્રથી આકર્ષાઈ હતી. કમાલ અમરોહી સાથેનો એમનો સંબધ તૂટવા પર હતો. એ અરસામાં મીના કુમારી સર્જકો સામે શરત મૂકતા કે ફિલ્મમાં ધર્મેન્દ્ર હીરો હશે તો હું તમારી ફિલ્મ કરીશ. 1965માં પહેલીવાર પ્રથમ ફિલ્મફેર નોમિનેશન છતાં ધર્મેન્દ્રને શ્રેષ્ઠ અભિનેતાનો સૌથી મહત્ત્વનો એવોર્ડ ક્યારેય મળ્યો નહીં. હા, 1991માં એમના નિર્માણવાળી ‘ઘાયલ’ને શ્રેષ્ઠ ફિલ્મનો અને 1997માં એમને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યા ખરા.

આવા આ કલાકારને એમની એક્શન ફિલ્મોએ હી-મેનનું બિરુદ અપાવ્યું. એમણે પડદે માત્ર એકવાર એક અભિનેત્રી સાથે ચુંબન દ્રશ્ય કર્યું. એ હતું ડિમ્પલ કાપડિયા સાથેનું, ‘દુશ્મન કા દેવતા’ ફિલ્મમાં. આવા આ સુપરસ્ટારના જીવન પર બાયોપિક બને તો એમાં કોણ ધરમનું પાત્ર સૌથી સારું ભજવી શકે? ખુદ ધરમજીએ એકવાર એ વિશે કહ્યું હતુું, “એ માટે તો સલમાન સૌથી ફિટ છે. અમારી પર્સનાલિટી અને અદાઓમાં બહુ મેળ છે.” શ્રીરામ રાઘવન દિગ્દર્શિત ‘ઇક્કિસ’ ધર્મેન્દ્રની લગભગ આખરી ફિલ્મ રહેશે. એ રિલીઝ થસે પચીસમી ડિસેમ્બરે.

બોલિવુડ અને દર્શકો તમને કાયમ મિસ કરશે, ધરમ પાજી.

ધર્મેન્દ્ર અને ઓટીટી પ્લેટફોર્મ્સ

પ્રાઇમ વિડિયો અને યુટ્યુબ પર ધર્મેન્દ્રની ઘણી ફિલ્મો ઉપલબ્ધ છે. જેમ કે ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘સીતા ઔર ગીતા’, ‘આંખેં’, ‘બટવારા’, ‘હુકુમત’, ‘ચુપકે ચુપકે’, ‘ફૂલ ઔર પથ્થર’, ‘શોલે’, ‘ધરમ વીર’, ‘અપને’. ‘મેરા ગાંવ મેરા દેશ’ ઝીફાઇવ પર પણ છે. ‘સીતા ઔર ગીતા’ જિયો હોટસ્ટાર પર પણ છે. ‘સત્યકામ’ પ્લેક્સ પર પણ છે. ‘સલ્તનત’, ‘ગુલામી’, યુટ્યુબ પર છે. ‘યમલા પગલા દીવાના’ ઝીફાઇવ, પ્રાઇમ વિડિયો, જિયો હોટસ્ટાર, એમએક્સ પ્લેયર પર છે.

નવું શું છે

  • 2023માં આવેલી પોલિટિક્લ એક્શન થ્રિલર ફિલ્મ ‘રક્તબીજ’ની સિક્વલ ‘રક્તબીજ 2’ આજથી ઝીફાઇવ પર આવી છે.  ઓરિજનલ બંગાળીભાષી આ ફિલ્મ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.
  • ડિરેકટર અને રાઇટર શશાંક ખૈતાનની વરુણ ધવન અને જાહ્નવી કપૂર અભિનિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’  ગઈકાલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે.
  • એક્શન થ્રિલર ફિલ્મ ‘કાંતારા, અ લેજન્ડ ચેપ્ટર 1’ 2022ની ફિલ્મ કાંતારાની પ્રિકવલ છે.  ઋષભ શેટ્ટી દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આ ફિલ્મમાં ઋષભ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ગઈકાલથી પ્રાઇમ વીડિયો પર આવી છે.
  • કોમેડી, સસ્પેન્સ અને હૃદયસ્પર્શી ક્ષણોથી ભરેલી શરાફુદ્દીન, અનુપમા પરમેશ્વરન, વિનય ફોર્ટ અને વિનાયકન અભિનિત  મલયાલમ એક્શન-કોમેડી થ્રિલર ફિલ્મ  ‘ધ પેટ ડિટેક્ટીવ’ આજથી ઝીફાઇવ પર આવી છે.
  • ભારતની શેરીઓથી લઈને કેનેડાના રસોડા સુધી, પ્રિયંકા ચોપરા જોનાસ દ્વારા નિર્મિત ‘બોર્ન હંગ્રી’ એક ડોકયુમેન્ટરી ફિલ્મ છે જે સૅશ સિમ્પસનના અદ્ભુત જીવન પર આધારિત છે, જે એક પ્રખ્યાત રસોઇયા છે, જે આજથી જિયોહોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

 

 

Share: