દસેક વરસ પછીના એક દ્રશ્યની કલ્પના કરીએ. ધારો કે ગુજરાતી સ્ટાર ઉત્તમ દેસાઈ (ત્યાં સુધીમાં આ નામનો કોઈક સુપરસ્ટાર હોઈ પણ શકે, રાઇટ?) અથવા સુપરસ્ટાર યશ સોની (ત્યાં સુધીમાં યશ આ સ્તરે પહોંચી જ ગયો હશે, રાઇટ?)ની નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ગુજરાતમાં એ ગુજરાતીમાં અને દેશના અન્ય રાજ્યો માટે, હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ જેવી ભાષાઓમાં પણ રિલીઝ થઈ છે. અત્યારે ગુજરાતી ફિલ્મો પહેલા દિવસે કરોડ-બે કરોડનું કલેક્શન માંડ કરે છે. એ પણ અપવાદરૂપ કિસ્સામાં. 2035માં આ કલેક્શન દસ કરોડે પહોંચી ગયું છે. એ પણ એકલી ગુજરાતી ભાષામાં. અને અન્ય ભાષામાં પણ એ એનાથી વધુ વેપાર કરીને ઝંડા ફરકાવી દે છે. પરિણામ? બોક્સ ઓફિસ કલેક્શનમાં જબ્બર ઉછાળો અને બીજું, એનાથી પણ મહત્ત્વનું કે, ઉત્તમ દેસાઈ અને યશ સોની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ બની ગયા છે.
કોઈને થશે કે આ તો ટાઢા પહોરની ગપ થઈ પણ ના, સિસ્ટમેટિક વિચાર અને માર્કેટિંગના કોમ્બિનેશનથી આવું બિલકુલ થઈ શકે છે. એમાં ઓનલાઇન દુનિયા ઉમેરી દો તો જણાશે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ.
લોકેશ કનગરાજનું નામ મનમાં કોઈ ઘંટડી વગાડે છે ખરું? નથી વગાડતું તો એક હિન્ટ આપી દઉં. લોકેશ એટલે રજનીકાંતની છેલ્લી ફિલ્મ ‘કૂલી’ના દિગ્દર્શક અને સહલેખક. 39 વરસનો આ દિગ્દર્શક હવે ડીસી નામની ફિલ્મથી અભિનેતા તરીકે દેખાવાનો છે. એ પણ લીડ રોલમાં. હવે, આ બે વાતોને સાંકળીએ. દક્ષિણ ભારતીય ફિલ્મોના દમામે ત્યાંના કલાકારો અને ટેક્નિશિયન્સને તારી દીધા છે. એમના ચાહકો સાઉથની એક ભાષાના દર્શકો નથી. મેંગલુરુ, માણાવદર, મુંબઈ, મોહાલી, મેનહટ્ટન, માંચેસ્ટર… જ્યાં જશો ત્યાં એમના ચાહકો મળી આવશે. ઇન ફેક્ટ, અપવાદરૂપ સ્ટાર્સને બાદ કરતાં બોલિવુડના મોટાભાગના કલાકારો પણ એવી લોકપ્રિયતા ધરાવતા નથી જેવી સાઉથના અમુક બીજા કે ત્રીજા સ્તરના સ્ટાર્સ ધરાવે છે. અને સાઉથના કલાકારોની આવી લોકપ્રિયતાનાં કારણોને સમજવા જેવાં છે. સમજીને એ કારણોનું આપણી ફિલ્મોમાં અનુસરણ કરવા જેવું છે. એમ થશે તો ગુજરાતી ફિલ્મો પણ છપ્પનની છાતી ઘરાવતી થઈ શકે છે, રિયલી.
કારણ નંબર એક. ઓટીટી તો ઠીક, એની પહેલાંના સમયમાં પણ સાઉથના સ્ટાર્સે એમની ટેરિટરી બહાર દર્શકોને રિઝવવા પ્રયત્નો આદરી દીધા હતા. એટલે જ કમલ હસન હોય કે રજનીકાંત. ચિરંજીવી હોય કે નાગાર્જુન, સૌએ ક્યારેય તો બોલિવુડમાં નસીબ અજમાવ્યું જ. બીજું, સાઉથના નિર્માતાઓએ પોતાના ક્ષેત્ર બહાર હિન્દી ફિલ્મો બનાવવાનો ક્રમ દાયકાઓ પહેલાં અજમાવવા માંડ્યો હતો. ખ્યાલ ના હોય તો જાણી લો કે રાજેશ ખન્ના અને હેમા માલિનીને ચમકાવતી 1974ની ફિલ્મ ‘પ્રેમ નગર’ના નિર્માતા ડી. રામાનાયડુ હતા. એ ફિલ્મ એમની આ નામની જ તેલુગુ ફિલ્મની રિમેક હતી. એ વરસની જીતેન્દ્ર અને લીના ચંદાવરકરને ચમકાવતી ‘બિદાઈ’ ફિલ્મના લેખક, નિર્માતા, દિગ્દર્શક ટીએલવી પ્રસાદ હતા. એ પણ તેલુગુ ફિલ્મ ‘તલ્લા પેલ્લામા’ની રિમેક હતી. ‘જુલી’, ‘સ્વર્ગ નરક’, ‘સરગમ’ અને એ પછીની અનેક ફિલ્મોને પણ સાઉથ કનેક્શન હતું.
જેમિની સ્ટુડિયોઝ બોલિવુડમાં છેક 1960ના દાયકામાં આદરભર્યું સ્થાન ધરાવતો હતો. મુદ્દે, દક્ષિણ ભારતીય સર્જકો અને કલાકારો પણ, પોતાની ભાષાની મર્યાદા વટાવીને કાયમ સરહદો વિસ્તારતા રહ્યા. એનું પરિણામ સતત વધુ મીઠડું થતું રહ્યું. પછી ડબિંગનો જમાનો આવ્યો. એણે સાઉથની ફિલ્મો સહિત કલાકારોને દેશ-વિદેશમાં જાણીતા કરી દીધા. હવે તો ઓટીટીનો સમય છે. હવે તો સાઉથની ગંજાવર ફિલ્મો બને ત્યારે જ મલ્ટીપલ ભાષામાં બને છે. સાઉથની તાકાત એટલી વધી ગઈ છે કે ના પૂછો વાત. ત્યાંની ફિલ્મોનાં બજેટ બોલિવુડની આંખો વિસ્ફારિત કરી નાખનારા છે. ત્યાંના ટોચના ડિરેક્ટર્સ સાથે કામ કરવા બોલિવુડના સુપરસ્ટાર્સ લાલ જાજમ પાથરે છે. ભલે સાઉથની આ સિદ્ધિ અપ્રતિમ હોય તો પણ ખેદ એ વાતનો કે ભારતની અન્ય ભાષાની ફિલ્મોએ એમની પાસેથી કશું શીખ્યું નથી.
એટલે જ આ લેખની શરૂઆતમાં એક કાલ્પનિક વિશ્વ ખડું કર્યું. હવે નવેસરથી ધારો કે જો ગુજરાતી ફિલ્મો પણ એક કરતાં વધુ ભાષામાં બને તો પરિસ્થિતિ કેવીક થઈ જાય? આપણા માનીતા સિતારાઓ અત્યારે છે એના કરતાં અનેકગણા જાણીતા અને સેલેબલ થઈ જાય. ગુજરાતી ફિલ્મોનાં બજેટ ત્રણ-પાંચ કરોડમાં ટેન્શનમાં મુકાઈ જાય છે એ ત્રીસ-પચાસ કરોડમાં પણ મામૂલી લાગે. એના માટે જરૂરી છે આપણા સર્જકોએ અને કલાકારોએ જરાક વધુ સાહસિક અને ઘણા વધારે સારા વેપારી બનવાની. ગુજરાતીઓની નસોમાં વેપાર દોડે છે એ સાચું પણ કોઈક ગેબી કારણોસર આપણી નસોમાં ફિલ્મી (કે એન્ટરટેઇનમેન્ટ કહેશું તો વધુ ઉપયુક્ત રહેશે) વેપાર કેમ દોડતો નથી?
ગુજરાતીઓએ, કલાકાર-કસબી અને દર્શક તરીકે, સંપીને ભાષા વિશે, સાહિત્ય વિશે, ફિલ્મો વિશે, સંગીત વિશે, જરા વધારે સ્વાર્થી બનવાની જરૂર છે. સાહિત્ય કે સંગીત કે ફિલ્મ માત્ર આનંદની નહીં પણ અભિમાન અને આવક રળી આપતી શક્તિ પણ છે એ વાત આપણે સ્વીકારવી રહી. એવી જ રીતે, અત્યારે પણ ગુજરાતી ફિલ્મો જે બીબાઢાળ ફોરમેટમાં, વાર્તાઓમાં અટવાયેલી છે એણે બહાર નીકળવું પડશે. અર્બન ફિલ્મો જેવું ફૂમતું ઠીક છે પણ ફિલ્મોમાં અર્બન, રૂલ, રિજનલ, ગ્લોબલ, દરેક દર્શકને જીતવાની તાકાત સર્જવી પડશે. આ મામલે ગુજરાતી ફિલ્મો હજી નબળી છે. આ નબળાઈનો ખો હવે કાઢી નાખવા જેવો એટલે છે કે થોડાં વરસો પહેલાં ડચકાં ખાઈ રહેલું ગોલિવુડ આજે ક્યાંય સારી સિચ્યુએશનમાં છે. એટલે જો એનો ફાયદો ઉઠાવીને ઇન્ડસ્ટ્રીનું ક્રાંતિકારી ટ્રાન્સફોર્મેશન હમણાં નહીં થાય તો ક્યારે થશે?
એક દાખલો જોઈએ. ‘વશ’ ફિલ્મનો. વાર્તાથી લઈને ટ્રીટમેન્ટ સુધી ચીલો ચાતરનારી આ ફિલ્મની હિન્દી રિમેક બની. સિક્વલ આવી. કેમ આપણા મેકર્સ આવી ઘણીબધી ફિલ્મો ના બનાવી શકે? અર્બન ફિલ્મના નામે ગુજરાતી ફિલ્મોમાંથી ગ્રામ્યજીવનનો એકડો નીકળી રહ્યો છે. કેમ આપણી ફિલ્મોમાં ગ્રામ્ય અને શહેરી જીવન એકમેક સાથે એકરસ ના થઈ શકે? કેમ ‘હેલ્લારો’, ‘કચ્છ એક્સપ્રેસ’ જેવી અનેક ફિલ્મો ના બની શકે? કેમ મલયાલમ ફિલ્મોની સાદગી, કથાવસ્તુની તાકાત અને તામિલ-તેલુગુ ફિલ્મોનો ભપકો બેઉ ગુજરાતી ફિલ્મોમાં ના ઉમેરી શકાય?
એ કરવા માટે સૌથી પહેલાં ગુજરાતીઓએ એમના મોટ્ટા મગજમાં એક મુદ્દો ફિટ કરવો પડશે કે ગુજરાતી (ગીત-સંગીત, નાટકો અને) ફિલ્મો પણ વેપાર છે. એમાં રોકાણ કરવું જોઈએ અને એમાંથી નફો કમાવા માટે વેપારી કુનેહ કામે લગાડવી જોઈએ. એટલું થશે તો આપણી બોક્સ ઓફિસ ધમધમશે. આપણા સિતારા-કસબીઓ બેહદ લોકપ્રિય થશે, આપણાં સર્જનોને ઓટીટી પર પણ વધુ દામ અને પ્રેમ મળશે અને સરવાળે, ગુજરાતી ભાષાની એવી અદભુત સેવા થશે કે શું કહેવું? આ બધું થઈ શકે છે જો એકવાર ગુજરાતીઓ નક્કી કરે કે પોતાની ભાષાને હળવાશથી નથી લેવી. બસ, એકવાર.
નવું શું છે
- પોલિટિકલ ડ્રામા વેબસિરીઝ ‘મહારાણી’ની પ્રથમ સીઝન 2020માં આવી હતી. હવે તેની ચોથી સીઝન આજથી સોની લીવ પર સ્ટ્રીમ થઈ ગઈ છે. મુખ્ય પાત્રમાં હુમા કુરેશી સાથે વિપિન શર્મા, અમિત સિયાલ, વિનીત કુમાર, શાર્દુલ ભારદ્વાજ અને અન્ય આ સિરીઝમાં દેખાશે.
- ડિરેકટર આદિત્ય સુહાસ જંભાલેની સુપરનેચરલ ડ્રામા-મિસ્ટ્રી વેબસિરીઝ ‘બારામુલ્લા’ આજથી નેટફ્લિક્સ પર આવી છે. જેમાં માનવ કૌલ મુખ્ય ભૂમિકામાં છે.
- ‘દિલ્હી ક્રાઈમ સીઝન 3’ 13 નવેમ્બરે નેટફ્લિક્સ પર આવશે. શેફાલી શાહની વેબ સિરીઝની પહેલી સીઝન નિર્ભયા કેસની આસપાસ ફરતી હતી, જ્યારે બીજી સીઝન ચડ્ડી-બનિયાન ગેંગ પર કેન્દ્રિત હતી. હવે, ત્રીજી સીઝન દર્શકોને માનવ તસ્કરીની દુનિયા વિશે સત્ય બતાવશે. શેફાલી શાહની સાથે, હુમા કુરેશી, રસિકા દુગ્ગલ, રાજેશ તૈલંગ અને આદિલ હુસૈન જેવા કલાકારો પણ આ સીઝનમાં જોવા મળશે.
- જર્મન ટેલિવિઝન સિરીઝ ‘મેક્સટન હોલ’ની સીઝન 2 આજથી એમેઝોન પ્રાઇમ વિડિયો પર આવી છે. પહેલા ત્રણ એપિસોડ તરત જ રિલીઝ થશે, નવા એપિસોડ 28 નવેમ્બરના રોજ ફિનાલે સુધી દર અઠવાડિયે રિલીઝ થશે. નવી સીઝનમાં કુલ છ એપિસોડ હશે, જે પહેલી સીઝન જેટલા જ હશે.





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment