અત્યાર સુધી ભલે ફિલ્મ સ્ટાર્સ લોકહૃદયે એકચક્રી શાસન કરતા રહ્યા હોય, હવે જમાનો બદલાયો છે. એવો કે બોક્સ ઓફિસ પર કાગડા ઊડે છે અને ઓટીટી પર દર્શકો સતત સર્ફિંગ કરે છે. બોલિવુડનો સવાલ છે ત્યાં સુધી ગયા વરસના સુખાંતને ‘ધુરંધર’ની અકલ્પનીય સફળતાએ શક્ય કર્યો. પણ નવું વરસ શરૂ થવા સાથે ફિલ્મોએ ફતનદેવાળિયા પ્રદર્શન શરૂ કરી દીધું છે. હિન્દી તો ઠીક, દક્ષિણમાં પણ નવા વરસની પહેલવહેલી ફિલ્મો પાની કમ પુરવાર થઈ છે. આવું થવાનું એક સશક્ત કારણ ઓટીટીની અસીમ તાકાત છે. મોંઘી ટિકિટ ખરીદીને, પોપકોર્ન-પીણાં પર સેંકડો ખર્ચીને ફિલ્મ જોવા કરતાં ઘેરબેઠા મોજ કરવી લોકોને વધુ ફાવી ગઈ છે. વળી, મોટાં શહેરોને બાદ કરતાં દેશમાં સિનેમાઘરોનું માળખું ફેલાયું નથી. એટલે કરોડો ભારતીયો ચાહે તો પણ સિનેમાઘરને આંબી શકતા નથી. ઓટીટી બેશક એમની પહોંચમાં છે.
ઓટીટી પ્લેટફોર્મ્સે કલાકારોને સ્ટારડમ પૂરું પાડવા માંડ્યું છે એમાં નવાઈ નથી. અમુક કલાકારોએ લોકોમાં પિછાણ ઓટીટીને લીધે કરી છે. અમુકે વળી મોટા પડદે નોંધપાત્ર સફર ખેડ્યા પછી ઓટીટી પર નવી ઇનિંગ્સ આદરી છે. કોઈક એવું પણ છે જે મોટા-નાના પડદે સમાંતર પ્રવૃત્ત છતાં લોકપ્રિયતા અને સફળતા ઓટીટી પર વધુ મેળવી રહ્યું છે. કોણ છે આ કલાકારો?
મનોજ બાજપાયી ઓટીટીના સ્ટારડમની રેસમાં કદાચ સૌથી ઉપર છે. છેલ્લાં ઘણાં વરસથી મોટા પડદા પર એમની કોઈ મોટી ફિલ્મ નથી આવી. છતાં, અત્યારે બાજપાયી કારકિર્દીના વધુ એક રોટક દોરમાંથી પસાર થઈ રહ્યા છે તો એનું કારણ ‘ફેમિલી મેન’ સિરીઝ અને લગાતાર ઓટીટી માટે બનીને એના પર રિલીઝ થનારી એમની ફિલ્મો. એ ફિલ્મોમાંથી ‘ઇન્સ્પેક્ટર ઝેંડે,’ ‘ભૈયાજી,’ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ વગેરેએ મનોજના સ્ટારડમને બળતણ પૂરું પાડ્યું છે.
જીતેન્દ્ર કુમાર ઓટીટીની દેન છે. ‘પંચાયત,’ ‘કોટા ફેક્ટરી,’ ‘બડા નામ કરેંગે’ સહિતની સિરીઝ અને ‘ચમન બહાર,’ ‘જાદુગર’ જેવી ફિલ્મોએ આ કલાકારને નાના પડદાનો રાજા બનાવી દીધો છે. સહજ અભિનય અને સામાન્ય માણસ જેવા દેખાવે જીતેન્દ્રને સૌનો લાડલો બનાવ્યો છે. એવો કે એ લોકપ્રિયતાએ એને મોટા પડદા પર માંસલ રોલ્સ અપાવ્યા છે.
યામી ગૌતમ પણ એવી સ્ટાર છે જેના કામે ઓટીટી પર એના ચાહકોનો વ્યાપ ખાસ્સો વધાર્યો છે. નવાઈ જુઓ કે ગયા નવેમ્બરમાં યામીની ફિલ્મ ‘હક’ થિયેટર્સમાં રિલીઝ થઈ અને સરિયામ નિષ્ફળ રહી. યામી અને ઇમરાન હાશમી જેવાં સિતારા છતાં. જેવી ફિલ્મ ઓટીટી પર આવી કે દર્શકોમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ, “બહુ સારી ફિલ્મ છે, જોવી જ પડે.” નેટફ્લિક્સ પર એ નંબર વન પર પહોંચી ગઈ અને હજી નંબર ટુ પર ટ્રેન્ડ કરી રહી છે. ‘ચોર નિકલ કે ભાગા,’ ‘લોસ્ટ,’ ‘અ થર્સડે,’ ‘દસવી’ વગેરે ઘણી ફિલ્મો થકી યામીએ ઓટીટી પર પોતાનું સ્થાન સુદ્રઢ કર્યું છે. યામી મોટા પડદે પણ પ્રવૃત્ત છે. સાથે જીવનસાથી આદિત્ય ધરના ડિરેક્શનની બીજી ફિલ્મની સફળતાનો આનંદ માણી રહી છે.
જીતેન્દ્રની જેમ જયદીપ અહલાવત પણ ઓટીટીની ઉત્કૃષ્ટ દેન છે. છેક 2008માં (શોર્ટ ફિલ્મ)થી અભિનયની દુનિયામાં એમણે પદાર્પણ કર્યું છતાં. પછી ‘રોકસ્ટાર,’ ‘ગેંગ્સ ઓફ વસેપુર,’ ‘વિશ્વરૂપમ’ સહિત ઘણુ કામ કર્યું તોય, લાઇમલાઇટમાં આવ્યા ‘પાતાલલોક’ સિરીઝથી. 2020ની એ સિરીઝ પહેલાં જોકે ‘રઇસ,’ ‘રાઝી’ જેવી ફિલ્મોમાં પણ અહલાવતે સશક્ત પાત્રો ભજવ્યાં. ‘પાતાલલોક’ જોકે એવી સિરીઝ બની ગઈ જેના પછી આ કલાકારે પાછા વળીને જોવાનો સવાલ જ રહ્યો નથી. તેથી જ તો, પહેલી સીઝનમાં સામાન્ય ફીમાં કામ કર્યા પછી એમને બીજી સીઝનમાં તોસ્તાન મહેનતાણું મળ્યાની વાત હતી.
બોબી દેઓલ અને અભિષેક બચ્ચન બે એવા સિતારા છે જેમને ઓટીટીએ આપેલા ઉપહાર રિમાર્કેબલ છે. બોબીની કરિયરને ‘આશ્રમ’ સિરીઝે નવો ઉપાડ અને ઉઠાવ આપ્યા છે. અભિષેક બચ્ચન ઓટીટી પર નાની છતાં નોંધનીય ફિલ્મો કરવામાં લગાતાર વ્યસ્ત છે. અત્યારે આ બેઉ અભિનેતા ઓટીટીના સ્ટારડમને લીધે દમદાર બન્યા છે એવું કહેવું અસ્થાને નહીં ગણાય.
એવી જ રીતે સાન્યા મલ્હોત્રા અને મોના સિંઘ પણ ઓટીટી પર સરસ મજાનો સમયગાળો માણી રહી છે. સાન્યાની ‘મિસીસ’ ફિલ્મ સાધારણ રહી છતાં એમાં એ સૌથી અગત્યના પાત્રમાં હતી. ‘કટહલ’ પણ ફિલ્મ તરીકે ઠીકઠીક છતાં દર્શકોને રિઝવી શકી હતી. મોનાને ‘બેડ***સ ઓફ બોલિવુડ’થી ખાસ્સો ફાયદો થયો છે. આ ઉપરાંત ઝહાન કપૂર (બ્લેક વોરન્ટ), અવિનાશ તિવારી (ધ મહેતા બોય્સ), હુમા કુરેશી (દિલ્હી ક્રાઇમ) સહિતનાં કલાકારો પણ ઓટીટીને સુંદર દેખાવ કરી રહ્યાં છે.
છેલ્લે ઉમેરી દઈએ શેફાલી શાહનું નામ. ‘જ્યુસ’ (શોર્ટ ફિલ્મ) ‘અજીબ દાસ્તાન્સ,’ ‘જલસા,’ ‘ડાર્લિગ્સ,’અને સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે ‘દિલ્હી ક્રાઇમ’ જેવી સિરીઝથી આપણી સમક્ષ શેફાલીનો એ દોર છે જે એમના પાછલા પ્રભાવશાળી દોરને ઝાંખો પાડી રહ્યો છે. ઓટીટીએ એમની પ્રતિભાને ખરા અર્થમાં ન્યાય આપ્યો છે અન્યથા, બોલિવુડમાં તેઓ નગણ્ય પાત્રોમાં અટવાયેલાં રહી જાત. ઇન ફેક્ટ, આયુષ્માન ખુરાના જેવા સ્ટાર સાથેની એમની ફિલ્મ ‘ડોક્ટર જી’ જે નથી કરી શકી એ ઓટીટીએ એમના માટે કર્યું છે.
ટૂંકમાં, સ્ટારડમ હવે બિગ બજેટ ફિલ્મોની, બે-ચાર હજાર સિનેમાઘરોમાં પ્રદર્શિત થતી ફિલ્મોનું મોહતાજ નથી. હવે એનો એક રસ્તો ઓટીટીથી થઈને પસાર થાય છે.
નવું શું છે
- આનંદ એલ. રાયે ડિરેક્ટ કરેલી ‘તેરે ઇશ્ક મેં’ નેટફિલક્સ પર આવે એટલી જ વાર છે. આ એક મેચ્યોર લવસ્ટોરી છે, જેમાં ધનુષ અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકાઓમાં છે.
- ‘બિર્જ્ટન’ની ચોથી સિઝન નેટફિલક્સ પર ૨૯ જાન્યુઆરીથી સ્ટ્રીમ થવાની છે. બીજા નંબરનો વરણાગી દીકરો બેનેડિક્ટ (લ્યુક આ સિરીઝના કેન્દ્રમાં રહેવાનો છે. એના જીવનમાં એક રહસ્યમય સ્ત્રીનો પ્રવેશ થાય છે અને બધું જ ઉલટપુલટ થઈ જાય છે.
- ‘ધ રેકિંગ કુ’ – આ છે અમેઝોન પ્રાઇમ વીડિયોની આગામી જાસૂસી ફિલ્મનું ટાઇટલ, જેનું સ્ટ્રીમિંગ ર૮ જાન્યુઆરીથી શરૂ થવાનું છે. એકલદોકલ દેશ પર નહીં, પણ આખી દુનિયા પર ખતરો ઝળુંબી રહ્યો છે એવી વાત આ ફિલ્મમાં છે, શેન બ્લેક આ ટિપિકલ એક્શન થ્રિલરના ડિરેક્ટર છે.
- ‘ધ ગેમ ઓફ થ્રોન્સ’ સિરીઝ જે લેખકના પુસ્તક પર આધારિત હતી એ જ્યોર્જ આર. આર. માર્ટિનની લઘુનવલ ‘અ નાઇટ ઓફ સેવન કિંગડમ’ પરથી એ જ ટાઇટલ ધરાવતી સિરીઝ બની છે. ‘ગેમ ઓફ થ્રોન્સ’ના સ્પિન ઓફ જેવો આ શો જિઓ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ ચૂક્યો છે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/23-01-2026/6
#WebSeries #newpost, #bollywood, #motivational, #AmazonMXPlayer, #ZeeTV, #streaming, #trendingpost, #picturechallenge, #PrimeVideo, #instagram, #films, #chinesedrama, #cinema, #instareels, #entertainment, #hollywood, #memes, #ottplatform, #trendingpost, #JioHotstar, #followforfollowback, #bff, #ottreleases2026, #newseries2026, #ottnewmovie, #Taskaree, #emraanhashmi, #nadishsandhu, #JaideepAhlawat, #Manojbajpeyee, #Dhurandhar, #Badsofbollywood, #Yami Gautam, #jitendrakumar, #Emranhasmi, #abhishekbacchan, #bobby deol, #sanya malhotra, #monasingh, #zahan kapoor, #Avinashtiwari, #humaqureshi #NewRelease2026,





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment