ઓલમોસ્ટ અડધી સદી એન્ટરટેઇનમેન્ટ ઉદ્યોગમાં તેઓ પ્રવૃત્ત રહ્યા. છતાં ક્યારેય કોઈ કોન્ટ્રોવર્સી નહીં કે નહીં દેખાડો. આ ગુજરાતી કલાકારની હાજરીથી હવે આકાશમાં પણ આનંદ પ્રસરશે. અને એમણે ભજવેલાં પાત્રોથી આપણા ચહેરે સદૈવ સ્મિત પ્રસરતું રહેશે

વરસો પહેલાંની વાત. 1996માં સતીષ શાહે ઇન્ટરવ્યુ માટે મને મુંબઈના ટાઉન વિસ્તારમાં જહાંગીર આર્ટ ગેલેરીએ બોલાવ્યો. બપોરનો સમય હતો. પહોંચ્યો કે સતીષભાઈએ કહ્યું, “ચાલ, સમોવરમાં બેસીએ, નાસ્તા સાથે વાતો કરીએ.” પત્રકારત્વમાં એ મારા પ્રારંભિક દિવસો હતા. ‘યે જો હૈ ઝિંદગી’, ‘જાને ભી દો યારોં’, ‘ફિલ્મી ચક્કર’થી સતીષભાઈ ઓલરેડી સ્ટાર હતા. એ મુલાકાત યાદગાર બની સતીષભાઈના મૃદુ અને મીઠડા સ્વભાવથી. કલાકાર આટલા સરળ, મળતાવડા હોય એનો શરૂઆતી અનુભવ મને સતીષભાઈ કરાવ્યો હતો. એટલે એમના વિશે લખવાનું આવ્યું ત્યારે તત્ક્ષણ એ મુલાકાત યાદ આવી ગઈ… મનોરંજનની દુનિયામાં એ પછી અસંખ્ય સિતારાઓને મળવાનું થતું રહ્યું. પડદા પરના અને પડદા પાછળના છતાં, સતીષભાઈ જેવા જૂજ મળ્યા છે.

ઓટીટી પર સતીષભાઈવાળી ફિલ્મો, સિરિયલ્સ અનેક છે. એમાંથી એક નાનકડી યાદી આ સાથે છે. એમના અભિનયની રેન્જ અને વૈવિધ્ય જાણવા માટે આમાંનાં અમુક સર્જનો જોવાં જેવાં છે. દાખલા તરીકે, સોની લિવ પર જોઈ શકાતી સતીષભાઈના અભિનયવાળી અપ્રતિમ સિરિયલ ‘યે જો હૈ ઝિંદગી.’ એ શુક્રવારે રાતે પ્રસારિત થતી. થતું એવું કે શુક્રવારે રિલીઝ થતી નવી ફિલ્મોની બોક્સ ઓફિસનાં કલેક્શન્સ એનાંથી હચમચી જતાં. સતીષભાઈની કરિયરમાં જેણે ટર્નઅરાઉન્ડનું કામ કર્યું.

સિરિયલના મેકિંગની વાત મજાની છે. સિરિયલ બનાવવાની વાત ચાલતી હતી ત્યારે એના નિર્માતાઓમાંના એક મંજુલ સિંહા સતીષભાઈને સંભવિત સ્પોન્સર વિકો લેબોરેટરિઝની મીટિંગમાં લઈ ગયા. સતીષભાઈને એટલે લઈ જવામાં આવ્યા કે સ્પોન્સર કંપનીના અધિકારીઓ સામે સ્ક્રિપ્ટનાં તમામ પાત્રોને એકલે હાથે ચોટદાર રીતે વાંચી શકે એવી તાકાત સતીષભાઈમાં હતી. એમણે એ જવાબદારી સુપેરે નિભાવી અને વિકો બની સ્પોન્સર.

સિરિયલમાં શફી ઇનામદાર, સ્વરૂપ સંપટ, રાકેશ બેદી, સુલભા આર્યા, વિજય કશ્યપનાં પાત્રો નિશ્ચિત હતાં. ત્યારે સિરિયલ્સ આજની જેમ અનલિમિટેડ એપિસોડ્સ સાથે નહોતી બનતી. આ સિરિયલ સાપ્તાહિક હતી. એના પહેલા બાવન એપિસોડ્સમાં સતીષભાઈએ 64 પાત્રો ભજવ્યાં હતાં. કોઈક એપિસોડમાં એમના ફાળે એક કરતાં વધુ પાત્ર આવતાં એટલે એપિસોડ્સની સંખ્યા કરતાં સતીષભાઈનાં પાત્રો વધુ હતાં.

શૂટિંગની વાત કરીએ. થતું એવું કે શૂટિંગ વખતે સેટ પર કલાકારો પહેલાં પહોંચતા અને પછી સ્ક્રિપ્ટનાં એક-બે પાનાં આવતાં, ગરમાગરમ ફાફડાની જેમ. છતાં સિરિયલ અવ્વલ બની. સતીષભાઈએ દર વખતે અલગ પાત્ર ભજવીને રંગ રાખ્યો. પાત્ર સમજીને એમણે દરેક પાત્રને ઇમ્પ્રુવાઇઝેશન થકી આગવો ટચ આપ્યો. કોઈક કલાકાર માટે એક સિરિયલમાં આવું પાત્ર વૈવિધ્ય મળવું એ ઈશ્વરનું વરદાન. એને સતીષભાઈની જેમ જીવી જવું એ સિદ્ધિ.

‘જાને ભી દો યારોં’ વાત પણ ન્યારી હતી. એમાં સતીષભાઈનું પાત્ર સિટી કમિશનર ડિમેલોનું હતું અને પાત્રની ખૂબી? એણે લાશ તરીકે વાવટા ફરકાવવાના હતા! ફિલ્મના દિગ્દર્શક કુંદન શાહ. સતીષભાઈ અને કુંદનભાઈની દોસ્તી બેઉ ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાં વિદ્યાર્થીઓ હતા ત્યારની. વિદ્યાર્થી તરીકે કુંદનભાઈએ સતીષ શાહને લઈને ઇન્સ્ટિટ્યુટમાં ‘બોન્ગા’ નામની ફિલ્મ બનાવી હતી. ચાર્લી ચેપ્લિનને અંજલિ આપતી એ 20 મિનિટની ફિલ્મમાં સતીષભાઈએ એવા ગેન્ગ લીડરનું પાત્ર ભજવ્યું હતું જે ક્યારેય સાચું નિશાન લઈ શકતો નહોતો. લાશ તરીકે સતીષભાઈએ ‘જાને ભી દો યારોં’માં જે પરફોર્મન્સ આપ્યો હતો એ અમર છે. પાત્ર વિશે સતીષભાઈએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કુંદનભાઈએ ફિલ્મની કથા જણાવી અને સતીષભાઈને લાશ તરીકે અભિનય કરવાની વાત કરી. સતીષભાઈએ સૂચન કર્યું કે અચ્છા, આવું હોય તો એક કામ કરીએ, લાશ છેને દરેક દ્રશ્યમાં ચહેરાના એક્સપ્રેશન્સ બદલશે. અરે! લાશ આવું કેવી રીતે કરી શકે? પણ પછી ‘લાશે’ આવું કર્યું અને બોલો, એ લાશ અમર થઈ ગઈ! આ ફિલ્મ જોઈ નાખવાની જિયો હોટસ્ટાર પર.

સતીષભાઈની કરિયર ‘જાને ભી દો યારોં’થી પહેલાં શરૂ થઈ હતી. 1974-76માં એમણે પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યુટના કોર્સ પછી 1978ની સઈદ મિર્ઝા ડિરેક્ટેડ ‘અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન’ ફિલ્મમાં મહેશ નામનું પાત્ર ભજવ્યું હતું. બાબુભાઈ મિસ્ત્રીની ફિલ્મ ‘ભગવાન પરશુરામ’માં એક સંવાદનું પાત્ર ભજવ્યાનો પણ ઇન્ટરનેટ પર ઉલ્લેખ છે. સતીષભાઈનો સંઘર્ષ છ-સાત વરસ ચાલ્યો હતો. એ દિવસોમાં ઘણીવાર તેઓ રાજશ્રી પ્રોડક્શનની ઓફિસ નજીક બેન્ચ પર આખો આખો દિવસ બેસી રહેતા. રાજશ્રી નવા કલાકારોને તક આપતું બેનર હતું. એમ કરીને રાજશ્રીને સોંઘી ફીમાં કલાકાર મળતા અને નવોદિતોને મળતો ડ્રીમ બ્રેક. સતીષભાઈનો સંઘર્ષ 1982 સુધી ચાલ્યો. ‘જાને ભી દો યારોં’ અને ‘યે જો હૈ ઝિંદગી’ અને ઇન્ડસ્ટ્રીએ ફાઇનલી સતીષભાઈની પ્રતિભાની નોંધ લીધી.

મૂળ કચ્છ માંડવીના, જૈન ફેમિલીના, સતીષભાઈનો જન્મ, જીવન બધું મુંબઈમાં. એમના પિતાની પહેલાંથી પરિવાર મુંબઈ વસે. મમ્મી મૂળ સુરતનાં. માતાપિતાનાં ચાર દીકરા અને એક દીકરીમાં સતીષભાઈ સૌથી નાના. મુંબઈની જાણીતી ન્યુ એરા સ્કૂલ અને પછી સેન્ટ ઝેવિયર્સમાં સતીષભાઈએ અભ્યાસ કર્યો. ઝેવિયર્સમાં એમની સાથે શબાના આઝમી અને ફારુખ શેખ ભણે. અમજદ ખાન ઇન્ટર કોલેજ નાટકોના ડિરેક્શન માટે આવે. પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાં પણ શબાના આઝમી અને સતીષભાઈ સાથે હતાં. ત્યાં એમની દોસ્તી કુંદન શાહ, રમણ કુમાર સાથે થઈ જે ભવિષ્યમાં ગાઢ બની. 1982માં સતીષભાઈનાં લગ્ન ગોવાનાં સારસ્વત બ્રાહ્મણ પરિવારનાં મધુમતી સાથે થયાં. પછી કુંદન શાહની ફિલ્મ અને સિરિયલ આવી, સતીષભાઈ લાઇમલાઇટમાં આવ્યા અને આજીવન રહ્યા. પોતાના બાંધા અને દેખાવ વિશે તેઓ સ્પષ્ટ હતા. તેઓ કહેતા કે મારી પર્સનાલિટી એવી કે હીરો તરીકે, વિલન તરીકે તો ઠીક, મારી કલ્પના કોમેડિયન તરીકે પણ કરવી સર્જકો માટે અઘરી. છતાં, સમયે અને સતીષભાઈએ પોતપોતાનું કામ કર્યું અને છેવટે એમણે પોતાનું આગવું સ્થાન બનાવ્યું.

સતીષભાઈએ મરાઠી ફિલ્મો ‘ગંમત જંમત’, ‘વાજવા રે વાજવા’, ‘જમલં હો જમલં’ વગેરેમાં પણ કામ કર્યું. ‘શાંતિ શાંતિ શાંતિ’ નામની કન્નડ ફિલ્મ પણ કરી. ફોટોગ્રાફી એમનો શોખ હતો. સતીષભાઈ કાયમ લો-પ્રોફાઇલ રહ્યા. કોન્ટ્રોવર્સીમાં એમનું નામ ક્યારેય નહીં ડહોળાયું. 2011થી તેઓ ફિલ્મમાં ઓછું દેખાયા કારણ સંતોષ વળે એવું કામ કરવામાં માનતા. ટેલિવિઝનમાં તેઓએ ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’થી પણ અમીટ છાપ છોડી. એ સિવાય ‘કોમેડી સર્કસ’ (જેમાં તેઓ નિર્ણાયક હતા) એમની એક છેલ્લી સિરિયલ. સાવ છેલ્લી સિરીઝ ‘યુનાઇટેડ કચ્ચે’ જે છે ઝીફાઇવ પર.

એમનાં યાદગાર પાત્રોમાં ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’નું ઇન્દ્રવદન સારાભાઈ, ‘મૈં હૂં ના’નું સાયન્સ પ્રોફેસર રસઈ, ‘હીરો નંબર વન’નું પપ્પી, ‘કલ હો ના હો’નું મોટલ માલિક કરસનભાઈ, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું અજિત સિંઘ વગેરે અનેક સામેલ છે. સતીષભાઈ ભલે ઈશ્વરના ચહેરે સ્મિત રમતું કરવા જતા રહ્યા પણ આપણી વચ્ચે તેઓ આવાં અનેક પાત્રોથી કાયમ જીવંત રહેવાના. વી વિલ મિસ યુ, સતીષભાઈ.

બોક્સ મેટર

સતીષ શાહ અભિનિત સર્જનો ક્યાં જોશો?

જાને ભી દો યારોં, વર્સીસ સારાભાઈ, ખીચડી – જિયો હોટસ્ટાર

યે જો હૈ ઝિંદગી – સોની લિવ

ચલતે ચલતે, મૈં હૂં ના, ઓમ શાંતિ ઓમ, કલ હો ના હો – નેટફ્લિક્સ

હીરો નંબર વન, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, સાથિયા, ફના – પ્રાઇમ વિડિયો

હમ આપકે હૈ કૌન, કહો ના પ્યાર હૈ, યુનાઇટેડ કચ્ચે – ઝી ફાઇવ

નવું શું છે

  • ડોમિનિક અરુણ દ્વારા લિખિત અને દિગ્દર્શિત મલયાલમ સુપરહીરો ફિલ્મ ‘લોકાહ ચેપ્ટર 1: ચંદ્રા’ આજથી જિયો હોટસ્ટાર પર આવી છે. આ ફિલ્મ મલયાલમ સાથે તમિલ, હિન્દી, તેલુગુ, કન્નડ, બંગાળી અને મરાઠી ભાષામાં પણ ઉપલબ્ધ છે.
  • ટાઇગર શ્રોફ, સંજય દત્ત, સોનમ બાજવા અભિનિત એક્શન થ્રિલર ફિલ્મ ‘બાગી 4’ આજે પ્રાઇમ વિડીયો પર રિલીઝ થશે. ડિરેકટર છે એ. હર્ષા.
  • સુપર નેચરલ થ્રિલર વેબ સિરીઝ ‘મારિગલ્લુ’ સાત એપિસોડની સિરીઝ આજથી ઝીફાઇવ પર આવી છે. મૂળ કન્નડમાં બનેલી આ સિરીઝ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.
  • ‘ધ વિચર’ એક ફૅન્ટસી ડ્રામા ટેલિવિઝન સિરીઝ છે, જે લૉરેને શ્મિડ્ટ હિસરિચ દ્વારા નેટફ્લિક્સ માટે બનાવવામાં આવી છે. તેમાં હેનરી કેવિલ, અન્યા ચલોત્રા અને ફ્રેયા એલન અભિનય કરે છે. જે ગઈકાલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. જેમાં આઠ એપિસોડ છે.

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/31-10-2025/6

 

 

 

 

 

 

 

Share: