તો નક્કી થઈ ગઈ રિક્શા, આખા દિવસના 800 રુપિયા. સૌપ્રથમ સારનાથ અને ત્યાંથી ઘાટ વિસ્તાર. માફકસરની ઠંડક હતી. શહેર જોવા મન થનગની રહ્યું હતું. હોટેલથી સારનાથનું અંતર લગભગ પોણો કલાકનું હતું. સારનાથને ભગવાન બુદ્ધથી  નજીકનો સંબંધ છે. જૈનોના અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાન પણ સારનાથ નજીક જન્મ્યા હતા. આપણા અશોકસ્તંભનું પણ એ મૂળ સ્થળ છે. ગંગાઘાટ પહેલાં ત્યાં જવાનાં બે કારણ હતાં. એક તો અજવાળામાં એનો જોઈ શકાય અને સાંજે આરતી માટે ગંગાઘાટે પહોંચી શકાય. 

હોટેલથી સારનાથનો રસ્તો ફટાફટ કપાઈ ગયો. સારનાથમાં ભગવાન બુદ્ધે જ્ઞાનપ્રાપ્તિ પછી પોતાના શિષ્યોને સૌપ્રથમ વખત ઉપદેશ આપ્યો હતો. એ ઉપદેશ એટલે ધર્મચક્ર પ્રવર્તન. બૌદ્ધ ધર્મના પ્રચારનો વિધિવત્ પ્રારંભ સારનાથથી થયો હતો. ભગવાન શ્રી શ્રેયાંસનાથના મંદિર સામે અમારી રિક્શા ઊભી રહી. બાબુએ અમને ગાઇડ સૂરજ પટેલના હવાલે કરી દીધા. એના ઇશારે પહોંચી ગયા થાઈ બુદ્ધ વિહાર. આ સ્થળે થાઈલેન્ડના બૌદ્ધ અનુયાયીઓ રહે છે. ત્યાં 2011માં પ્રસ્થાપિત થયેલી ભગવાન બુદ્ધની 80 ફૂટ ઊંચી પ્રતિમા છે. ભારતમાં ભગવાન બુદ્ધની આ સૌથી ઊંચી પ્રતિમા છેે. એનો પરિસર વિશાળ અને લીલોછમ હતો. વારાણસીમાં દેશી-વિદેશી પર્યટકોની નિરંતર આવજા રહે છે. એમાંના થોડા અને દુનિયા આખીના બૌદ્ધ અનુયાયીઓ સારનાથ આવે છે.

અશોકસ્તંભ

દર્શન પછી અમે મૂલગંધકૂટી વિહાર ગયા. ગાઇડે કહ્યું, “અંદર ભગવાન બુદ્ધની જે પ્રતિમા છે એ સોનાની હોવાનું કહે છે. હકીકતમાં એ પથ્થરની છે. એના પર સોનાનો ઢોળ છે.” મૂર્તિ સોનાની કે પથ્થરની હોવાથી શ્રદ્ધા ઓછી ના થાય. પ્રવેશદ્વાર નજીક તાંબાનો વિશાળ ઘંટ હતો. આપણાં મંદિરોના ઘંટથી જુદો, બૌદ્ધ શૈલીનો હતો. જાપાનના શાહી પરિવારે એ ભેટ આપ્યો છે. વિહારમાં પ્રવેશ કરતાં પૂર્વે નજર એક બૉર્ડ પર પડીઃ શોરબકોર ના કરશો. ફોટોગ્રાફી કરો તો વીસ રૂપિયા અને વિડિયોગ્રાફી કરો તો સો રૂપિયા ભેટ ચઢાવશો. ઠીક, બેઉ કરશું અને 120 રૂપિયા પ્રેમથી આપીશું…

વિહારનું નિર્માણ આઠમી સદીમાં થયું હોવાનું કહેવાય છે. ચીની પ્રવાસી હ્યુ એન સંગનાં લખાણોમાં એનો ઉલ્લેખ છે. વિશાળ ઓરડા જેવા વિહારમાં બે બાબતોએ ધ્યાન ખેંચ્યું. ભગવાન બુદ્ધની પ્રતિમા અને ભીંતચિત્રો. આ ભીંતચિત્રો જાપાનીઝ ચિત્રકાર કોસેત્સુ નોસુએ બનાવ્યાં હતાં. ખાસિયત એ હતી કે ત્રણ ભીંત પર એ ચિત્ર અસ્ખલિત દોરેલું હતું. જાપાનીઝ ચિત્રકળાશૈલીમાં ભલે ટપ ના પડે છતાં ચિત્ર સંમોહિત કરનારું હતું.

બૌદ્ધ મંદિરમાં આવેલો વિશાળ ઘંટ

પરિસરમાં જ બોધિવૃક્ષ હતું. શ્રીલંકાથી લાવવામાં આવેલા વૃક્ષના પ્રતિરોપણથી એ વિકસ્યું છે. આ વૃક્ષતળે ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી. પરિસરમાં ડાબી તરફ અસંખ્ય દીવડા હતા. દિવસના અજવાળામાં પણ ગજબ લાગી રહ્યા હતા. બોધિવૃક્ષ નજીક પૂર્ણ કદની પ્રતિમાઓ હતી. ભગવાન બુદ્ધ એમના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હોય એવાં દ્રશ્યો એમાં હતાં. વિહાર પછી દર્શન કર્યાં ભગવાન શ્રી શ્રેયાંસનાથના મંદિરે. એનો પરિસર પણ વિશાળ હતો. લીલોતરી, મોકળાશ અને નિરવતા સારનાથમાં બધે હતી.

બનારસી સિલ્ક સાડીઓના ઉત્પાદનમાં પ્રવૃત્ત સ્થાનિક સંસ્થાની દુકાને પણ ગયા. એમાં એક કારીગર સાડી બનાવી રહ્યો હતો. એને એટલે કદાચ ત્યાં બેસાડવામાં આવ્યો હશે કે મારા-તમારા જેવા જોઈ શકે કે આ સાડી કઈ રીતે બને છે. એક સાડી બનતા અઠવાડિયું લાગે છે. સૌથી સસ્તી સાડી 1,200 રૂપિયાની હતી.

સારનાથમાં છેલ્લું સ્થળ ચૌખંડી સ્તૂપ હતું. બાબુની વર્ઝન મુજબ સ્તૂપ મૂળે સીતામૈયાનું રસોડું હતું, જે ઉપેક્ષિત થયે છેવટે બૌદ્ધો હસ્તક ગયું. ચૌખંડી સ્તૂપની પ્રવેશ ફી પચીસ રૂપિયા હતી. જાળવણી કરેલા બગીચા વચ્ચેના સ્તૂપ નજીક જવાની પરવાનગી નથી. પાછળના ભાગમાં નાનકડી ટેકરી ચઢીને ઉપર જઈ શકાય. ત્યાં થોડો સમય પસાર કરીને શરૂ થયો વારાણસીનો વળતો પ્રવાસ.

થોડીઘણી ભૂખ હોવા છતાં વગર પેટપૂજાએ ગાડું ગબડાવવાનું ઠરાવ્યું. સવારે હોટેલમાં સરખો નાસ્તો કર્યો. સારનાથ અને ગંગાઘાટની વચ્ચે અમારી હોટેલ હતી. અમે ઘાટ પહોંચ્યા ત્યારે સાડાપાંચ થયા. બાબુ અમને એ સ્થળે મૂકી ગયો જ્યાંથી ગંગાઆરતી માણવા હોડી મળતી હતી. અમુક ચિતાઓ બળી રહી હતી. ગંગાઘાટે મોક્ષપ્રાપ્તિ માટે અંતિમ સંસ્કાર સામાન્ય છે. અમુક સ્ત્રીઓ દ્રોણમાં ફૂલ-દીવડા વેચી રહી હતી. ગંગામાં દીવડા સાથેના દ્રોણ વહાવવાની પ્રથા છે. અમે પણ લીધા. જય ગંગામૈયા.

હોડીસવારી માટે એક જણના કેટલા રૂપિયા આપવાના? કોઈકે કહ્યું પચાસ, તો કોઈકે બસો. હોડીવાળાએ સીધી સાડાત્રણસોની માગણી કરી. છેવટે માથાદીઠ બસોમાં સોદો થયો. છ વાગ્યે હોડીએ પ્રયાણ કર્યું. ગણતરીની મિનિટોમાં અમે દશાશ્વમેધ ઘાટ હતા. ઇચ્છા થઈ કે હોડીઓ ઠેકતાં, કિનારે ઊતરીને આરતી માણીએ પણ હોડીવાળો કહે, “આરતી પછી હોડીઓ ઠેકીને પાછા નહીં આવી શકો.” મનમાં થયું કે બાબુએ સીધા દશાશ્વમેધ ઘાટ ઉતાર્યા હોત તો સારું થાત.

ગંગાઆરતી અવિસ્મરણીય અનુભવ છે. હોડીમાં હોવા છતાં દૂર ચાલી રહેલી આરતીથી રોમાંચ અનુભવાઈ રહ્યો હતો. ઉત્કૃષ્ટ ઓર્કેસ્ટ્રાની જેમ પાંચેક પૂજારીઓ લયબદ્ધ આરતી કરી રહ્યા હતા. લાઉડસ્પીકરથી આરતીના શબ્દો વહી રહ્યા હતા. સાંજનું સંમોહિત કરી દેનારું અંધારું હતું. હૈયામાં નાદ હતો, જય ગંગામૈયા…

સમય ક્યાં પસાર થયો એની ખબર ના પડી. ખલેલ ત્યારે પડી જ્યારે હોડી ચલાયમાન થઈ. આરતી પછી હોડીમાં હરીશચંદ્ર ઘાટ ગયા. ત્યાં રાત-દિવસ ચિતા બળતી હોય છે. ઇલેક્ટ્રિક ચિતાની વ્યવસ્થા છતાં લોકો મૃતકને લાકડાંની ચિતામાં વિદાય આપવું યોગ્ય ગણે છે. દસ-બાર ચિતાઓ બળી રહી હતી. નાવિકે કહ્યું, “સવારે આવો કે મધરાતના, આ કાયમનું છે.” હવામાં માંસના બળવાની જે વાસ હતી એ પણ એવું જ સૂચવી રહી હતી. સુરતનું જમણ ને કાશીનું મરણ…

સારનાથ વારાણસી

ત્યાંથી સંકટમોચન હનુમાન મંદિર ગયા. બનારસ હિંદુ યુનિવર્સિટી નજીક આ મંદિર દુર્ગા મંદિર અને નવા વિશ્વનાથ મંદિરના માર્ગમાં છે. 2006ના વારાણસીના બોમ્બધડાકામાં એક ધડાકો આ મંદિરે આરતીના સમયે થયો હતો. પરિસરમાં પ્રવેશતા પહેલાં દરવાજે મોબાઇલ જમા કરાવવાનો હતો. અમે 599 નંબરના લૉકરમાં અમારા મોબાઇલને પુરાવી દઈ આગળ વધ્યા. વેલ-વૃક્ષોવાળા નિર્જન માર્ગેથી મંદિર પહોંચતા સુધીમાં મન બાહ્ય દુનિયાથી કટ થઈ ગયું. ગોસ્વામી તુલસીદાસને જે સ્થળે પહેલીવાર હનુમાનજીનું સપનું આવ્યું એ સ્થળે આ મંદિર છે. હનુમાનજીની મૂર્તિ માટીની છે. મુખ્ય મંદિર સમીપ શ્રીરામ મંદિર છે, જેમાં સીતામૈયા અને લક્ષ્મણજી સહ રામજી બિરાજમાન છે.

ત્યાંથી નીકળીને માર્ગમાં ત્રિદેવ મંદિરે દર્શન કરી અમે ગયા તેલિયાબાગ, જ્યાં બાટી ચોખા રેસ્ટોરાં હતી. બાટી ચોખા ઉત્તર પ્રદેશની એક વાનગી છે. રેસ્ટોરાંનું નામ પણ એ. પોણાત્રણસો રૂપિયાની અનલિમિટેડ થાળી હતી. બેઠકથી લઈને ઇન્ટિરિયર, બધું ધ્યાનાકર્ષક હતું. જોકે સુગંધ અંદેશો આપી રહી હતી કે કદાચ બહુ મજા નહીં આવે. બાટી ચોખાનો સ્વાદ માણવાની ઇચ્છાને લીધે અમે ત્યાં જમ્યા. દાળ, ચટણી, પકોડાં અને પનીરની આઇટમ અને છાશમાં લાજ રહી ગઈ. રહી વાત બાટી ચોખાની, તો ગુજરાતીઓને એ ઝાઝી ખુશ કરી શકે એમ લાગ્યું નહીં. 

વારાણસીની પાનની દુકાન તામ્બુલમ

છેલ્લું ચરણ તામ્બુલમ નામની પાનની દુકાન હતું. શાહરુખ ખાન સહિત અનેક હસ્તીઓ એની ગ્રાહક રહી ચૂકી છે. પાંત્રીસ રૂપિયામાં મસાલેદાર પાન ઠપકારનારી હસ્તીઓમાં અમે પણ નામ નોંધાવી દીધું. પછી શું, થાકેલું શરીર, ભરેલું પેટ, મઘમઘતું મોઢું અને ઊંઘરેટી આંખો. એના સરવાળાનો જવાબ હતોઃ ઝટ ઊંધો.  અમારી હોટેલ ઝીરાસ મૉલ રોડ પર, દૂરદર્શન ટાવર નજીક હતી. જઈને સીધા લંબાવી દીધું, એ વિચાર સાથે કે આવતીકાલે કાશી વિશ્વનાથના ચરણે માથું ટેકવવાનું છે, બીજું ઘણું જોવાનું છે… (ક્રમશઃ)

(15.01.2020)

 

 

Share: