ટીવી પર રિયાલિટી શો જોવા કરતાં ઓટીટી પર માણવાનો આનંદ અલગ છે. એનું કારણ ઓટીટીનું ઇન્ટરેક્ટિવ ફીચર છે. આપણાં ઓટીટી પ્લેટફોર્મ્સ એટલે જ એ દિશામાં કૂદકા મારવા થનગની રહ્યા છે  

ઓટીટી પર સૌથી વધુ શું જોવાય છે? હમણાંની વાત કરીએ તો ક્રાઇમ આધારિત શોઝ, થ્રિલર્સ વગેરે. ભવિષ્યની વાત કરીએ તો એ પ્રકાર કદાચ રિયાલિટી શોઝનો હોઈ શકે છે. એવા શો જે માત્ર ઓટીટી માટે બન્યા હોય અને ઓટીટી પર જ એમનું સ્ટ્રીમિંગ થતું હોય. કમ સે કમ એવું વૈશ્વિક ટ્રેન્ડ્સ અને આપણે ત્યાં ઓટીટી રિયાલિટી શોઝની વધતી લોકપ્રિયતા જણાવે છે.

ટીવી અને ઓટીટીના રિયાલિટી શોઝમાં ફરક શો છે?

ટીવીનો રિયાલિટી શો ઇન્ટરેક્ટિવ ઓછો હોય છે. દાખલા તરીકે, ‘કૌન બનેગા કરોડપતિ’માં ઘેરબેઠા દર્શકોને સાંકળવા એકાદ સવાલ પૂછાય અને એનો જવાબ આપનારને એક અથવા બીજી રીતે ખુશ કરાય. ઓટીટીમાં સવાલ પૂછવો મામૂલી વાત છે. એમાં દર્શકને બીજી અનેક રીતે કનેક્ટ કરી શકાય છે. દાખલા તરીકે લાઇવ વોટિંગ કરી શકાય. દર્શકોની કમેન્ટ મેળવીને એમને પણ દર્શાવી શકાય. બીજું ઘણુંબઘું કરી શકાય. એટલે જ, રિયાલિટી શોઝને વધુ માફક આવતું પ્લેટફોર્મ ઓટીટીનું બનવાને રસ્તે છે. ઓટીટી પર એવા રિયાલિટી શોઝ પણ આવી શકે છે જેના માટે ટીવી કદાચ ઉપયુક્ત પ્લેટફોર્મ ના બની શકે અથવા, જેમને ટીવી પર ટેલિકાસ્ટ કરવામાં એટલી મજા નથી. પ્રાઇમ વિડિયો પર આવેલો ઊર્ફી જાવેદવાળો રિયાલિટી શો ‘ફોલો કર લો યાર’ કદાચ ટીવી માટે બની શકત નહીં. એ પણ નવ નવ એપિસોડ્સ સાથે.

આપણે ત્યાં ‘બિગ બોસ’ની બે વર્ઝન્સ છે. એક ટીવી તો બીજી ઓટીટી માટે. જિયો સિનેમા પર હાલમાં ‘લાફ્ટર શેફ્સ’ શો આવ્યો. એણે નોંધપાત્ર સફળતા મેળવી છે. મફતમાં ઓટીટી જોવાની મેન્ટાલિટી સાથે આપણે ત્યાં પેઇડ સબસ્ક્રિપ્શન્સની બોલબાલા પણ વધી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ્સ ગ્રાહકોને એક અથવા બીજી રીતે લલચાવી રહ્યા છે. તેઓ બીજી સર્વિસ સાથે પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન વેચીને પણ ગ્રાહકો હસ્તગત કરી રહ્યા છે. પરિણામે, આ પ્લેટફોર્મ્સ તેજીથી આગળ વધી રહ્યા છે. સાથે વધી રહ્યા છે અખતરા જેનાથી ગ્રાહકોને રાજી રાખી શકાય અને નવા ગ્રાહકો પણ નિયમિતપણે અંકિત કરી શકાય છે.

વાત વરાઇટીની પણ કરીએ. વિશ્વમાં જે પ્રકારના ઓટીટી રિયાલિટી શોઝ બની રહ્યા છે એની સામે આપણે ત્યાં હજી કોઈ જબરદસ્ત ક્રિએટિવિટી આ ક્ષેત્રમાં આવી નથી. ‘બિગ બોસ’ વગેરે પણ આપણા માટે તો વિદેશી દેન છે, કારણ એ તો ‘બિગ બ્રધર’ નામના શોની ઇન્ડિયન આવૃત્તિ છે. અમેરિકામાં જે પ્રકારના શોઝ બની રહ્યા છે એનાથી આપણે જોજનો દૂર છીએ. હાલમાં જ જેની આઠમી સીઝન નેટફ્લિક્સ પર આવવાની છે એવા શો ‘સેલિંગ સનસેટ’ની વાત કરીએ. આ શોના ફોકસમાં લોસ એન્જલેસ અને સેન ડિયેગોના રિયલ એસ્ટેટ બ્રોકર્સ છે. તેઓ સંભવિત ગ્રાહકના અંગત અને વ્યાવસાયિક જીવનમાં ડોકિયું કરે એ આવે છે શોમાં. જરા વિચારો, આપણે આવા શોઝથી કેટલા જોજન દૂર છીએ?

ઇન ફેક્ટ ભારતીય ઓટીટી પ્લેટફોર્મ્સે ખરેખર તો વિદેશી શોઝના અધિકારો લઈને એમની બેઠ્ઠી નકલ જેવા ઓટીટી રિયાલિટી શોઝ બનાવવા કરતાં સ્વદેશી આઇડિયાઝ વિકસાવવાની જરૂર છે. અમુક ઇન્ડ્યિ બાબતો ખરેખર બહુ યુનિક છે. એના પર શો બને તો આપણે ત્યાં જબ્બર સફળતા મેળવે એવી પ્રબળ શક્યતા છે. વત્તા, સ્વદેશી ફ્લેવરવાળા શોઝથી આપણાં ઓટીટી પ્લેટફોર્મ્સનું ખરા અર્થમાં સ્વદેશીકરણ તો અવશ્ય થશે.

ઓટીટી રિયાલિટી શોઝને આપણે સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ સાથે પણ સરખાવીએ. ભારતમાં સૌથી વધુ જોવાતી રમત ક્રિકેટ છે. એની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અને આઈપીએલ જેવી ટુર્નામેન્ટ્સના પ્રસારણના (ટીવી અને ડિજિટલ બેઉ અલગ) મેળવવા કંપનીઓ અકલ્પનીય રકમ ખર્ચે છે. મેચ ચાલતી હોય ત્યારે આ પ્લેટફોર્મ્સ પર દર્શકોનો ધસારો પણ તગડો હોય છે. રિયાલિટી શો જ્યારે આવી ગુણવત્તા સુધી પહોંચે કે દર્શકને એનો દરેક એપિસોડ જોવાની ચટપટી રહે ત્યારે એમાં કરેલું રોકાણ પણ કંપનીઓ માટે જબરદસ્ત વળતર કમાવી આપનારું પુરવાર થશે.

ધારો કે આમિર ખાનનો શો ‘સત્યમેવ જયતે’ આજે બને, અને એ પણ ઓટીટી માટે, તો? તે આ શો હતો એના કરતાં ક્યાંય વધુ મજેદાર બની જાય. એ શો જ્ઞાન અને ચર્ચા બેઉનું પરફેક્ટ કોમ્બિનેશન હતો. આમિરની મહેનતે એને આપણા એક બેસ્ટ શોના સ્તરે પહોંચાડ્યો હતો. આવા શોઝમાં ઓટીટીનું ઇન્ટરેક્ટિવ ફીચર ઉમેરાય અને દર્શકો એમાં સહભાગી થઈ શકે તો શો અલગ જ લેવલ પર પહોંચી શકે.

જોકે આપણા સર્જકોએ રિયાલિટી શોના મામલે ટીવીમાં પણ ખાસ કાંદા કાઢ્યા નથી. આપણે ત્યાં સુપર હિટ થયેલા રિયાલિટી શોઝમાંનાં મોટાભાગના વિદેશી શોઝની નકલ છે. ઓરિજિનલ બનાવવાના મામલે ટીવીની જેમ ઓટીટી પ્લેટફોર્મ્સે પણ ખાસ્સી મજલ કાપવાની છે. એવું થાય તો રંગ રહી જાય.

ક્રિએટિવિટી કહો કે ચિત્રવિચિત્ર વિચારને સાકાર કરવાની ઘેલછા, વિશ્વમાં, ખાસ કરીને અમેરિકામાં અનેક પ્રકારના રિયાલિટી શોઝ બનતા રહ્યા છે. અમુક ઉદાહરણ આ રહ્યાઃ બેસ્ટ ફ્યુનરલ એવરઃ આ શો હતો અંતિમવિધિઓ વિશે. ડલાસમાં એ શૂટ થયો હતો. કેન્દ્રમાં હતો અંતિમવિધિઓ કરાવતો પરિવાર અને સાથે હતી અંતિમવિધિઓ, જે ભપકાદાર હતી અને ખર્ચાળ પણ. કિડ નેશનઃ આઠથી પંદર વરસનાં 40 બાળકો એમાં કેન્દ્રસ્થાને હતા. એમને બિગ બોસની જેમ એક અલાયદા સ્થાને રાખવામાં આવ્યાં હતાં. એમનું કામ હતું પોતાની અલાયદી દુનિયા ઊભી કરવાનું. આ બાળકોને જે અમાનવીય વાતાવરણનો સામનો કરવો પડ્યો (જેમ કે પહેલા રાઉન્ડ પછી નળમાંથી પાણી પણ ના મળે) એ માટે ટેલિકાસ્ટ વખતે એની ખૂબ આલોચના થઈ. એ અલગ વાત કે સમય જતા એ કલ્ટ શો બની ગયો. બ્રાઇડલપ્લાસ્ટીઃ લગ્ન પૂર્વે કન્યા જાતજાતની પ્લાસ્ટિક સર્જરી કરાવે અને એ આખી પ્રક્રિયામાં એના વાગ્દતને ખબર પણ ના હોય કે જેની સાથે એ પરણવાનો છે એ કન્યા છેવટે કેવી દેખાશે, તો કેવું લાગે? આ રિયાલિટી શો આ વિષયનો હતો. એમાં બાર લગ્નોત્સુક કન્યાઓ જોડાઈ હતી. માત્ર શો ખાતર કન્યાઓએ પ્લાસ્ટિક સર્જરી કરવી પડે એ વાતની ખૂબ નિંદા થઈ હતી. પ્લાસ્ટિક સર્જરીને કેન્દ્રમાં રાખીને જોકે ત્યાં ‘ધ સ્વાન’ જેવા અન્ય શોઝ પણ બન્યા છે અને એમની પણ નિંદા થઈ છે. બાયિંગ નેકેડઃ આમાં વળી એવું હતું કે એક રિયલ એસ્ટેટ બ્રોકર માત્ર એમને જગ્યા વેચતો જેઓ નગ્નાવસ્થામાં આવે! રિયલ એસ્ટેટ હતી સ્ત્રી. એ કોન્ટેસ્ટન્ટ્સને એવાં ઘર વેચતી જેમાં વ્યક્તિ નગ્નાવસ્થામાં મોજે રહી શકે. કરો વાત.  નેક્સ્ટઃ બહુ ગાજતી ટિન્ડર જેવી ડેટિંગ કંપની જેવું કંઈક આ શોમાં હતું. આપણો ઇન્ડિયન રિયાલિટી શો સ્વયંવર એની સુધરેલી આવૃત્તિ હતો. નેક્સ્ટમાં સ્પર્ધક માટે પાત્રો સિલેક્શન માટે હતા. એમાંથી કોઈક સાથે ફાવે તો ઠીક, બાકી કહી દેવાનું નેક્સ્ટ. કોઈ ના ફાવે તોય વાંધો નહીં, છેવટે શોમાં ચમકવાનો આનંદ અને ઇનામની રકમ તો હતી જ. નવું શું છે?
  • જે.આર.આર. ટોકિનની નવલકથા ‘ધ લોર્ડ ઑફ ધ રિંગ્સ’ આધારિત ‘ધ રિંગ્સ ઑફ પાવર’ની બીજી સીઝન 29 ઓગસ્ટે પ્રાઇમ વિડિયો પર આવી ગઈ છે.
  • અનુભવ સિંહા દિગ્દર્શિત આઈસી 814ઃ કેદહાર હાઇજેક નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા માંડી છે. ભારતીય ઉડ્ડયનના ઇતિહાસમાં સૌથી વરવા વિમાન હાઇજેકનો કિસ્સો એમાં છે. નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર અને વિજય વર્મા મુખ્ય કલાકારો છે.
  • ‘મુર્શીદ’ સિરીઝમાં ભૂતપૂર્વ ડોન વિશેની છે. આ ડોનને દેશનિકાલ આપવામાં આવે છે. કે. કે. મેનન, તનુજ વિરવાની અને ઝાકિર હુસૈન મુખ્ય ભૂમિકામાં છે. સિરીઝ 30 ઓગસ્ટે ઝીફાઇવ પર આવશે.
  • ‘ઓન્લી મર્ડર્સ ઇન ધ બિલ્ડિંગ’ ત્રણ મિત્રોના જીવન પર આધારિત સિરીઝ છે. એની ચોથી સીઝન 27 ઓગસ્ટથી ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવી છે. સ્ટીવ માર્ટિન, માર્ટિન શોર્ટ અને સેલેના ગોમેઝ મુખ્ય ભૂમિકામાં છે.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 6 સપ્ટેમ્બર 2024 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/30-08-2024/6

Share: