યુટયુબ પર અત્યારે 853 કરોડ વિડિયોઝ છે અને એમાં દર મિનિટે નવા પાંચસો મિનિટના વિડિયો અપલોડ થયે રાખે છે. શું તમે જાણો છો કે બીજાં ત્રણેક ડઝન પ્લેટફોર્મ્સ એવાં છે જે યુટયુબની જેમ વિડિયોના ખજાના ધરાવે છે?    

ઓટીટીની વાત આવે કે સૌ મોબાઇલ એપ્લિકેશન્સ અને પછી યુટયુબનું અનુમાન સૌથી વધુ લગાડે. ઓટીટી શબ્દ એનો પર્યાયવાચી શબ્દ બન્યો છે. યુટયુબની પ્રચંડ તાકાતને કારણે એવું થયું છે કે એના જેવા અને એનાથી અલગ ઓપરેટ થતાં અન્ય પ્લેટફોર્મ્સ હાંસિયામાં ધકેલાઈ ગયાં છે. વાસ્તવિકતા એ છે કે ઇન્ટરનેટ પર બીજા વિકલ્પો પણ છે જે સૂંડલામોઢે મનોરંજન પીરસે છે. અમુક બેહદ રસપ્રદ છે. લેટ્સ ચેક.

ઇન્ટરનેટ આર્કાઇવ: મનોરંજન, જ્ઞાન, સાહિત્ય, સોફ્ટવેર સહિત અનેક બાબતોના પિપાસુઓ માટે આ એક સર્વોત્તમ સાઇટ છે. એમાં અકલ્પનીય ખજાનો છે. એમાં વિડિયો પણ અસંખ્ય છે. જે ઇન્ટરનેટ યુઝર્સ ક્યારેય જાણ્યે-અજાણ્યે આ વેબસાઇટ પર હોય તો પણ કદાચ તેમને એની ખરી ઉપયોગિતા ખબર ના હોય એ શક્ય છે. આ અમેરિકન કંપનીનો મૂળ મંત્ર છે, સહુ માટે જ્ઞાાન.

સંખ્યામાં જાણીએ તો ૨૦૨૩ની શરૂઆતમાં આ સાઇટ પર ૩.૬ કરોડ પુસ્તકો, ૧.૧૬ કરોડ ફિલ્મો, વિડિયો, ટીવી શોઝ અને ક્લિપ્સ, ૯.૫ લાખ સોફ્ટવેર, દોઢ કરોડ ઓડિયો ફાઇલ્સ… બીજું ઘણુ હતું. સાઇટ પર કોઈ પણ વ્યક્તિ મટિરિયલ અપલોડ અને ડાઉનલોડ કરી શકે છે એ એનો મોટો પ્લસ પોઇન્ટ છે.

ઇન્ટરનેટ આર્કાઇવ ખરા અર્થમાં અન્ય પ્લેટફોર્મ્સથી અલગ છે. એમાં અવેલેબલ ઘણી ફિલ્મો, ઘણાં ગીતો, શોઝ વગેરે કદાચ અન્યત્ર નથી અથવા બીજે એને શોધતા નાકે દમ આવી શકે. ઉદાહરણ લઈએ. ખાસ કરીને કોપીરાઇટ ફ્રી મટિરિયલ્સ. જે ફિલ્મો, ગીતો, પુસ્તકો પરથી નિશ્ચિત વરસો પસાર થયે કોપીરાઇટનો નિયમ નીકળી જાય (મતલબ એ કોઈ પણ કાયદાકીય લપછપ વિના સૌની માલિકીનાં થઈ જાય) એ આ સાઇટ પર મહત્તમ મળે છે. દરેકની ગુણવત્તા પણ શ્રેતમ હોય છે. ઓનલાઇન જોવાની ઝંઝટ પણ નહીં. જે ચાહે એ વ્યક્તિ મનગમતું મટિરિયલ ડાઉનલોડ કરી શકે. ચાર્લી ચેપ્લિનની કોપીરાઇટ ફ્રી ફિલ્મો, દાખલા તરીકે, જોવાની ઇચ્છા હોય તો આ સાઇટ પર સર્ચ કરો. મળે એ બધી ફિલ્મો ડાઉનલોડ કરો અને મનચાહે ત્યારે અને તેટલીવાર જુઓ. અલભ્ય અને અપ્રાપ્ય એવા મનોરંજક ઓપશન્સ માટે ઇન્ટરનેટ આર્કાઇવ બેજોડ છે.

સાઇટ વાપરવી આસાન છે. એમાં સીધું સ્ટ્રીમિંગ નથી. સાઇટ પર સર્ચ કરીને અપેક્ષિત વસ્તુ ડાઉનલોડ કરી લેવાની. ડાઉનલોડ માટે ગુણવત્તા, ફોરમેટ, સાઇઝના વિકલ્પો હોય તપાસી યોગ્ય તે ડાઉનલોડ કરી શકાય. બ્લેક એન્ડ વ્હાઇટના સમયના શ્રે મનોરંજક વિકલ્પો માટે આ કદાચ સૌથી ભરોસાપાત્ર પ્લેટફોર્મ છે.

વિમિયોઃ અમેરિકાની આ કંપની, આવી જ બીજી એક કંપની સાથે મળીને, યુટયુબનો પર્યાય છે. એના વપરાશકર્તાની સંખ્યા બાવીસ કરોડ છે. સબસ્ક્રાઇબર્સ ૧૬ કરોડ છે. એનાં સીઈઓ અંજલિ સુદ નામનાં ભારતીય મૂળનાં અમેરિકન બિઝનેસવુમન છે. માત્ર ૩૯ વરસની વયે તેઓ વિશ્વની એક અગત્યની વિડિયો સ્ટ્રીમિંગ કંપની સંભાળી રહ્યાં છે.

વિમિયોની તુલના યુટયુબથી કરો તો કદાચ એની ખાસ વિસાત કાંઈ નથી. બન્નેની તાકાતમાં આભ-જમીનનો ફેર છે. છતાં, વિમિયોના પોતાના પ્લસ પોઇન્ટ્સ છે. વિમિયો કોર્પોરેટ વિશ્વ વધુ વાપરે છે. એનું ફ્રી સબસ્ક્રિપ્શન યુઝરને અઠવાડિયે માત્ર ૫૦૦ એમબી વિડિયો અપલોડ કરવા દે છે. યુટયુબમાં આવી લિમિટ નથી. એડવાન્સ્ડ સપોર્ટના મામલે વિમિયો યુટયુબ કરતાં વધુ ફેસિલિટીઝ ધરાવે છે. યુટયુબમાં વિડિયો પહેલાં, વચ્ચે અને અંતમાં પણ ઢગલો એડ આવી શકે છે. વિમિયોમાં એડ નથી. દર્શક સીધો અને અસ્ખલિત વિડિયો માણી શકે છે. યુટયુબની વિડિયો પ્રાઇવસી અથવા ચુનંદા લોકોને જ વિડિયો જોવા દેવાની કરતાં વિમિયો આગળ છે. વિમિયોના વિડિયોને માત્ર ચોક્કસ વેબસાઇટ પર જોઈ શકાય એ રીતે સેટ કરી શકાય છે. યુટયુબમાં એ પોસિબલ નથી. ઓડિયો-વિડિયો ક્વોલિટીના મામલે પણ વિમિયો આગળ છે. યુટયુબ અને વિમિયો બેઉમાં અપલોડ કરેલો એક જ વિડિયો જુઓ તો ખ્યાલ આવશે કે વિમિયોમાં એના સ્ટ્રીમિંગની ક્વોલિટી બહેતર છે.

યુટયુબમાં અપલોડ થયા પછી વિડિયોમાં એડિચિંગ કે ચેન્જ શક્ય નથી. બહુબહુ તો વિડિયો ડિલિટ કરી શકાય. વિમિયોના વિડિયોમાં જરૂર પડયે વિડિયો બદલી શકાય અને છતાં, એનું ઇન્ટરનેટ એડ્રેસ એટલે કે યુઆરએલ બદલાતું નથી.

માઇનસ પોઇન્ટમાં વિમિયોના ફ્રી અકાઉન્ટમાં મર્યાદિત સગવડો છે. ગૂગલને લીધે યુટયુબના વિડિયો બેહદ સર્ચેબલ છે, એવું વિમિયોમાં મુકાતા વિડિયો માટે શક્ય નથી.

 

તો પણ, વિમિયોમાં વિશ્વની અમુક શ્રે શોર્ટ ફિલ્મ્સ છે જે યુટયુબમાં ના પણ મળે. સેક્સ, ગેમિંગ જેવી કહેવાતી અસામાજિક બાબતો વિમિયોમાં નથી એટલે એ વધુ સેફ અને પારિવારિક પ્લેટફોર્મ છે. વિમિયોની ટીમની સારા વિડિયો તરીકે માન્યતા મળે એ વિડિયોના સર્જકો, કલાકારો, એન્કર્સ વગેરેનું માન વધી જાય છે. એના થકી એમની કારકિર્દી પણ ઉજ્જવળ થાય છે. કાયમ યુટયુબમાં રાચનારા દર્શકોએ વિમિયોના વિશ્વમાં વિહરવા જેવું છે. જેઓ વ્યાવસાયિક હેતુ વિડિયો અપલોડ કરતા હોય એમના માટે વિમિયોની પેઇડ સવસ વધુ સગવડો, સારી ટેકનોલોજી અને ભરોસેમંદ સપોર્ટ ધરાવે છે એમના માટે વિમિયો અજમાવવા જેવું પ્લેટફોર્મ છે.

ડેઇલીમોશનઃ આ ફ્રેન્ચ કંપનીના પ્લેટફોર્મ પર ૧૮૩ ભાષામાં કોન્ટેન્ટ છે. યુટયુબ અને વિમિયો પછી ભારતમાં એ સૌથી જાણીતું વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. આ પ્રકારના પ્લેટફોર્મમાં સૌથી પહેલા હાઈ ડેફિનેશન વિડિયો સ્ટ્રીમ કરવાનું બહુમાન ડેઇલીમોશનને જાય છે. યુટયુબની જેમ એમાં વિડિયો માટે કમેન્ટ હવે નથી. કયો વિડિયો કેટલી વાર જોવાયો એની સંખ્યા પણ દર્શાવાતી નથી.

ડેઇલીમોશન દુનિયાના ૪૪ દેશો અને વિસ્તારોમાં જોઈ શકાય છે. એ વિવાદોમાં પણ સપડાતું રહ્યું છે. ભારતમાં એના પર  ૨૦૧૨ અને ૨૦૧૪માં પ્રતિબંધ લદાયો હતો. પહેલીવાર કોપીરાઇટના મામલે અને બીજીવાર દેશની કાશ્મીર નીતિની ટીકા કરતા વિડિયો માટે. કઝાખસ્તાનમાં એ ૨૦૧૧થી પ્રતિબંધિત છે.રશિયાએ એના પર ૨૦૧૭થી પ્રતિબંધ મૂક્યો તો ચીન અને નોર્થ કોરિયામાં પણ એ ઉપલબ્ધ નથી.

ડેઇલીમોશનમાં ફિલ્મો, ડ્રામા, શોઝ, સિરિયલ્સનો સારો ખજાનો છે. ઘણા જોકે એની ઘણી બાબતોથી નારાજ પણ છે. એક તો કોપીરાઇટનો ઇશ્યુ. બીજું, એનું હોમ પેજ કે જ્યાં વિડિયો જોવાય પેજ વિચિત્ર છે. સતત આવતી જાહેરાતો દર્શકની મજા બગાડતી રહે છે. વિડિયોની ગુણવત્તા અને સેક્સ સંબંધિત કોન્ટેન્ટ મામલે પણ અહીં બહુ દરકાર નથી. આશરે પાંસઠ કરોડ વિડિયો ધરાવતા આ પ્લેટફોર્મની નબળી નીતિઓ અને વિડિયોની ગુણવત્તા જાળવવાના મામલે પ્રવર્તતી ઉદાસીનતાએ એને મોટી સફળતાથી દૂર રાખ્યું છે. છતાં, યુટયુબ પર નહીં જોઈ શકાતી ઘણી ચીજો એના પર છે.

આ પણ જાણી લો

  • યુટયુબના હરીફ પ્લેટફોર્મ્સની સંખ્યા આશરે ત્રણ ડઝન છે. બધાની નીતિઓ, વિડિયો મૂકવાની અને સ્ટ્રીમ કરવાની શરતોમાં થોડા બહુ ફરક છે.
  • વિડિયોના મહત્તમ સર્જકોનો હેતુ દર્શકો અંકે કરવાનો અને આવક રળવાનો હોય છે. કોર્પોરેટ જગત માટે બનતા ચુનંદા વિડિયો આ હેતુથી અલિપ્ત હોય છે. એવા વિડિયો માટે અનેક કંપનીઓ યુટયુબ સિવાયના પ્લેટફોર્મ પસંદ કરે છે.
  • મોનેટાઇઝેશનના મામલે દરેક પ્લેટફોર્મની અલગ નીતિ છે. ક્યાંક એ કરવું આસાન છે તો ક્યાંક અટપટું.
  • યુટયુબમાં મહત્તમ ૧૨૮ જીબીનો વિડિયો અપલોડ કરી શકાય છે. એન્ગેજ મીડિયા, ઇન્ટરનેટ આર્કાઈવ હિતના પાંચેક પ્લેટફોર્મ્સ પર આવી સાઇઝ લિમિટ નથી.
  • વિડિયો સ્ટ્રીમિંગ કરતી સાત કંપનીઓ સાથે અમેરિકા આવી કંપનીઓ ધરાવતો નંબર વન દેશ છે. ભારતની એક પણ કંપની આ ક્ષેત્રમાં નથી.
  • જેનાં નામ પણ ના સાંભળ્યાં હોય એવાં અન્ય વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સમાં અપારાટ, બિટશ્યુુટ, ગ્લોબો વિડિયો, ગોડટયુબ, મેટાસીડીએન, નિકોનિકો, ઓટિસી, પીઅરટયુબ, ક્યુક્યુ વિડિયો, રમ્બલ, રુટયુબ, સાપો વિડિયોઝ, ટુડોઉ, યુકુ સામેલ છે. ઉપરાંત વિડિયો સહિતની ચીજોના શેરિંગ માટેની કંપની ફ્લિકર પણ ખરી. આ બધાં પ્લેટફોર્મ્સ ભારતમાં જોઈ શકાય એ જરૂરી નથી.
  • એકલા યુટયુબ પર અત્યારે ૮૫૩ કરોડ વિડિયોઝ છે. એમાં દર મિનિટે નવા પાંચસો મિનિટના વિડિયો અપલોડ થયે રાખે છે. બાકીની તમામ વિડિયો સ્ટ્રીમિંગ કંપનીઓના તમામ વિડિયો ગણો તો પણ એમની યુટયુબ સામે મગતરા જેવી વિસાત નથી.
  • યુટયુબની મોનોપોલી સામે સૌથી મોટો પડકાર ફેસબુક ફેંકી શકે તેમ છે છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે વિડિયો સ્ટ્રીમિંગ, મોનેટાઇઝેશન વગેરેની આક્રમક નીતિઓ અખત્યાર કરી છે. એના લીધે ભવિષ્યમાં આ મોરચે એ ગંજાવર પ્રતિસ્પર્ધી બની શકે છે.

(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 20 જાન્યુઆરી 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/20-01-2023/6

Share: