પ્રસ્થાપિત સિતારાઓથી માંડીને નવોદિતો અને આશાસ્પદ કલાકારો સાથેની ઘણી નવી સિરીઝ પાઇપલાઇનમાં છે. આ વરસે એ રિલીઝ થશે. જે સફળ થશે એમની સીઝન્સ પણ બનશેઅહીં આપણે એ સિરીઝની વાત કરી ગયા જેમની નવી સીઝન નવા વરસમાં આવે એવી શક્યતા છે. એની સાથે વાત કરવી રહી બ્રાન્ડ ન્યુ સિરીઝની પણ જે પહેલીવાર આપણી સામે આવવાની છે. એ બધી નવી ફ્રેન્ચાઇઝી છે. આશાસ્પદ છે. આ રહી એવી સિરીઝની વાત.
તસ્કરીઃ આ વાંચતા હશો ત્યારે ઇમરાન હાશમીને ચમકાવતી આ સિરીઝ ઓલરેડી નેટફ્લિક્સ પર આવી ગઈ હશે. ‘હક’ જેવી થિયેટરમાં ફ્લોપ પણ ઓટીટી પર ગાજી રહેલી ફિલ્મ પછી હાશમીનો આ બિગ બ્રેક છે. ક્રાઇમ થ્રિલર ‘તસ્કરી’માં વાત છે મુંબઈ એરપોર્ટના કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ અને દાણચોરોની. નીરજ પાંડે જેવા કાબેમેકરની આ સિરીઝની કથાના કેન્દ્રસ્થાને સુપરિન્ટેન્ડન્ટ અર્જુન મીનાનું પાત્ર છે. ડિરેક્ટર રાઘવ જયરથની સિરીઝમાં હાશમી ઉપરાંત શરદ કેળકર, ઝોયા અફરોઝ, અમૃતા ખાનવિલકર, નંદિશ સંધુ, અનુરાગ સિંહા જેવાં કલાકારો છે. કાયદાની છટકબારીઓ અને ખામીઓનો ઉપયોગ કરીને દાણચોરો કેવીક રીતે પોતાનો વેપાર ચલાવે છે અને અધિકારીઓ કેવી રીતે એમને ઝબ્બે કરવા મથતા રહે છે એ છે સિરીઝનો હાર્દ.
ઓપરેશન સફેદ સાગરઃ નેટફ્લિક્સની આ સિરીઝ પણ આશાસ્પદ લાગી રહી છે. એની જાહેરાત થઈ છે અને આ વરસમાં જ રજૂઆત પણ થઈ જાય એવી પૂરી શક્યતા છે. યુદ્ધ વિશેની આ પિરિયડ સિરીઝની પ્રેરણા 1999નું કારગિલનું યુદ્ધ છે. ભારતીય વાયુસેનાએ ચલાવેલા ઓપરેશન સફેદ સાગરને કેન્દ્રસ્થાને રાખીને એની કથા ઘડાઈ છે. એ મહત્ત્વનું ઓપરેશન એટલે હતું કે મિલિટરીના ઇતિહાસમાં દરિયાઈ સપાટીથી સૌથી ઊંચે એ પાર પાડવામાં આવ્યું હતું. સિરીઝમાં સિદ્ધાર્થ, જિમી શેરગિલ, અભય વર્મા, મિહિર આહુજા વગેરે કલાકારો છે. ડિરેક્ટર ઓની સેન છે જેઓ ‘અસુર’થી નામના કમાયા છે. સિરીઝના ફર્સ્ટ લૂકને નેટફ્લિક્સ રજૂ કરી ચૂકી છે.
ધ રિવોલ્યુશનરીઝઃ પ્રાઇમ વિડિયોની આ સિરીઝ આ વરસે આવશે એ નક્કી છે. એ પણ પિરિયડ ડ્રામા છે. આ નામની જ બેસ્ટ સેલિંગ બુક પરથી એ બની રહી છે, જેના લેખક સંજીવ સન્યાલ છે. તેઓ વડા પ્રધાનની આર્થિક સલાહકારોની કાઉન્સિલના સભ્ય છે. સિરીઝના મૂળમાં આપણી આઝાદીના એ લડવૈયાઓ છે જેમના વિશે સામાન્ય ભારતીયો ઓછું જાણે છે. નિર્માતા-દિગ્દર્શક નિખિલ અડવાણી છે. કલાકારોમાં ભુવન બામ, રોહિત સરાફ, પ્રતિભા રત્ના, ગુરફતેહ પીરઝાદા, જેસન શાહ, પ્રતીક મોટવાણી વગેરે છે. આ એક ખર્ચાળ અને ગ્રાન્ડ સિરીઝ હશે એવું અત્યારે જણાઈ રહ્યું છે.
હનીમૂન સે હત્યાઃ ઝીફાઇવની આ સિરીઝ ઓલરેડી સ્ટ્રીમ થઈ રહી છે. એના થથરાવી મૂકનારા વિષયને લીધે એ લોકચર્ચાનો મુદ્દો બની છે. વાસ્તવિક ઘટનાઓ પર આધારિત સિરીઝમાં એ કિસ્સાઓ આસપાસ કથા ઘુમરાય છે જેમાં લગ્ન પશ્ચાત (હનીમૂન અને આસપાસના સમયમાં) પત્નીઓએ પોતાના પતિને મોતને ઘાટ ઉતાર્યા હોય. અજિતેશ શર્મા અને સચીન્દ્ર વત્સ દિગ્દર્શિત સિરીઝના લેખક સત્યેન બોરડોલોઈ અને મૃણાલિની હવાલદાર છે. અનુરેખા ભગત મુખ્ય કલાકાર છે.
આ સિવાયઃ આ વરસમાં આવનારી જૂની-નવી સિરીઝના મામલે બીજી શક્યતાઓ પણ છે. જેમ કે ‘દિલ્હી ડાયરીઝ’ સિરીઝ દર્શકોને મળી શકે છે. જોકે સત્તાવાર રીતે એની જાણ થવાની બાકી છે. ‘ઓ સાથી રે’ નામની ઇમ્તિયાઝ અલીની સિરીઝ વિશે પણ વાતો થઈ રહી છે. એ આવી શકે છે નેટફ્લિક્સ પર. એમાં કલાકારો અદિતી રાવ હૈદરી, અવિનાશ તિવારી, અર્જુન રામપાલ વગેરે હશે. દિગ્દર્શક છે આરીફ અલી. સિરીઝનો પ્રકાર રોમાન્ટિક છે.
એવી જ રીતે ‘દલાલ,’ ‘મટકા કિંગ’ વગેરે સિરીઝ પણ પાઇપલાઇનમાં છે. ‘મટકા કિંગ’માં પ્રતિભાશાળી વિજય વર્મા લીડ રોલમાં જોવા મળશે. 1960ના દાયકાથી મુંબઈમાં ફૂલ્યાફાલેલા મટકા નામના જુગારની વાર્તા સિરીઝમાં જોવા મળશે. બની શકે છે કે આપણી ધારણા કરતાં આ સિરીઝ વહેલી ઓનલાઇન આવી જાય.
‘દલદલ’ નામની પ્રસ્તાવિત સિરીઝમાં ભૂમિ પેડણેકર લીડ રોલમાં ચમકશે. એમાં એ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસના સ્વાંગમાં અટપટા કેસ ઉકેલશે. ‘સુબેદાર’માં અનિલ કપૂર મુખ્ય પાત્ર ભજવશે. એ એક નિવૃત્તિ આર્મી ઓફિસરનું હશે. એણે લડવાની છે વાસ્તવિક જીવનમાં એક જંગ.
આ થઈ એ સિરીઝની વાત જે બની રહી છે હિન્દીમાં. આ સિવાય ઇંગ્લિશ સિરીઝ અને સાઉથ ઇન્ડિયન સિરીઝ અલગ. જોવા જેવી વાત છે કે સંખ્યા અને ભપકાની દ્રષ્ટિએ મહત્તમ સિરીઝ નેટફ્લિક્સ અને પ્રાઇમ વિડિયોની છે. અન્ય ઓટીટી પ્લેટફોર્મ્સ આ મોરચે હજી ધીમાં છે. મોટું રોકાણ માગી લેતી અને પછી પણ સફળતાની ખાતરી નહીં આપતી સિરીઝ બનાવવા માટે જિયો હોટસ્ટાર, સોની લિવ સહિતનાં પ્લેટફોર્મ્સ ઝાઝો ઉત્સાહ ધરાવતાં નથી.
તો પણ, મનોરંજનના ફુવારા આ વરસેય સતત ઊડવાના છે. એક નહીં તો બીજા પ્લેટફોર્મ પર. સજ્જ રહેજો ભીંજાવા માટે.
નવું શું છે
- 1962ના ચીન-ભારત યુદ્ધ દરમિયાન રેઝાંગ લાની લડાઈ અને તેમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની બહાદુરી પર બનેલી ફરહાન અખ્તર અભિનિત ‘120 બહાદુર’ આજથી પ્રાઇમ વિડીયો પર આવી છે. ડિરેકટર છે રજનીશ ઘાઈ.
- મસ્તી ફ્રેન્ચાઇઝની એડલ્ટ કોમેડી ફિલ્મ ‘મસ્તી 4’ આજથી ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ ગઈ છે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ, વિવેક ઓબેરોય અને આફતાબ શિવદાસાની મુખ્ય ભૂમિકામાં છે.
- ‘કલમકાવલ: ધ વેનોમ બેનીથ’ એક મલયાલમ એક્શન થ્રિલર ફિલ્મ છે. સોની લિવ પર આજથી એ જોવા મળશે. આ ફિલ્મમાં મામૂટી અને વિનાયકન ઉપરાંત ગિબિન ગોપીનાથ, ગાયત્રી અરુણ, રાજીશા વિજયન અને શ્રુતિ રામચંદ્રન પણ સહાયક ભૂમિકાઓમાં છે. તે હિન્દી, તમિલ અને તેલુગુ વગેરે ભાષાઓમાં ઉપલબ્ધ છે.
- હોંગ સિસ્ટર્સ દ્વારા લિખિત 12 એપિસોડવાળી કોરિયન વેબ સિરીઝ ‘કેન ધીસ લવ બી ટ્રાન્સલેટેડ’ આજથી નેટફ્લિક્સ પર જોઈ શકાશે. આ સિરીઝમાં કિમ સુન-હો, ગો યુન-જંગ, સોટા ફુકુશી, લી ઇ-ડેમ અને ચોઈ વૂ-સંગ વગેરે આભિનચ કરતા દેખાશે.
- મલયાલમ ફિલ્મ ‘ભા ભા બા’ આજથી ઝીફાઇવ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ 18 ડિસેમ્બર, 2025ના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેમાં દિલીપ અને મોહનલાલ જેવા કલાકારો છે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ





Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career.
Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!
Leave a Comment