– વિશ્વમાં સૌથી વધુ રમાતી અને જોવાતી રમત ફૂટબોલ છે. એના વિશ્વ કપની રસાકસીભરી સ્પર્ધા શરૂ થઈ રહી છે. એને ઓટીટી પર જોવા તૈયાર રહેજો.
૬૨ મેચ, ૩૯ દિવસ, આઠ ગ્રુપ, આઠ સ્ટેડિયમ, ૩૨ દેશ અને વિજેતા ટીમને આશરે રૂપિયા ૩૪૪ કરોડ (યસ, બરાબર વાંચ્યું તમે) ઇનામ. ૨૦ નવેમ્બરે એટલે આવતીકાલે બાવીસમા ફીફા વર્લ્ડ કપની શરૂઆત થશે. ફીફા એટલે ફૂટબોલનું વૈશ્વિક એસોસિયેશન, જેનું આખું નામ ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિયેશન છે. રમતગમતના જગતમાં ફૂટબોલ વર્લ્ડ કપથી મોટી કોઈ એટલે કોઈ ટુર્નામેન્ટ થતી નથી. એમાં બીજા અને ત્રીજા ક્રમે આવનારી ટીમ પણ અનુક્રમે રૂપિયા ૨૪૫ કરોડ અને ૨૨૦ કરોડ ઘરભેગા કરશે.
અઢારમી ડિસેમ્બર સુધી આખી દુનિયામાં સૌથી હેપનિંગ સમાચાર ફીફા વર્લ્ડ કપની મેચના, હારજીતના, સંઘર્ષના, કટ્ટર કસોટીના બની રહેવાના છે. વિશ્વના સાડાત્રણ અબજ માણસો ફૂટબોલ રસિયા છે. એના ખેલાડીઓની સંખ્યા અઢી કરોડ (હા, આ પણ સાચો આંકડો) છે. વિશ્વના ૨૦૦ દેશમાં ફૂટબોલ રમાય છે. મતલબ કે લગભગ આખી દુનિયામાં.
કતારમાં રમાનારો ફૂટબોલ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ આરબ દેશમાં યોજાઈ રહેલી પ્રથમ આવૃત્તિ છે. સમગ્ર એશિયામાં ફૂટબોલ વર્લ્ડ કપ યોજાઈ રહ્યો હોય એવા આ માત્ર બીજો અવસર છે. આ પહેલાં ૨૦૦૨માં દક્ષિણ કોરિયા અને જાપાનમાં આ સ્પર્ધા યોજાઈ હતી. નોંધનીય વાત એ પણ કે કતાર આ વખતે એકમાત્ર એવો દેશ છે જે પહેલીવહેલી વખત ફૂટબોલ વર્લ્ડ કપ રમવા ક્વાલિફાઈ થયો હોય.
ભારતમાં ફૂટબોલ વર્લ્ડ કપ માટેનો માહોલ ક્રિકેટ જેવો બેશક નથી. છતાં ક્રિકેટઘેલા ભારતમાં પણ ફૂટબોલ રસિયા ઓછા નથી. ૨૦૧૪ના ફૂટબોલ વર્લ્ડ કપને ભારતમાં દસ કરોડ લોકોએ માણ્યો હતો. ક્રિકટ પછી એ દેશની સૌથી લોકપ્રિય રમત છે. ઉત્તર-પૂર્વ ભારતમાં એ વિશેષ લોકપ્રિયતા ધરાવે છે. કોલકાતા તો ક્રિકેટની જેમ ફૂટબોલ પાછળ રીતસર ઘેલું છે. અન્ય મોટાં શહેરોમાં પણ ફૂટબોલના કરોડો દીવાના છે. કતારમાં આ ટુર્નામેન્ટ શરૂ થવા સાથે પછી ફૂટબોલની વાતો કરનારા અને એની મેચ જોનારા ભારતીયો સર્વત્ર દેખાવા માંડશે.
આ સ્પર્ધાને માણવા માટે આપણી પાસે અમુક ઓપશન્સ છે. એમાં ઓટીટી પણ છે. થેન્કફુલી ઓટીટીનો ઓપ્શન ફ્રી છે. ટેલિવિઝનની વાત કરીએ તો ભારતમાં આ ટુર્નામેન્ટ ટેલિકાસ્ટ કરવાના અધિકાર મુકેશ અંબાણીની માલિકીની વાયાકોમ નેટવર્ક ૧૮ પાસે છે. એની સ્પોર્ટ્સ ૧૮ અને સ્પોર્ટ્સ ૧૮ એચડી ચેનલ્સ પર મેચોનું પ્રસારણ થવાનું છે. મોબાઇલ અને ઓટીટી પર મેચ જોવી હોય તો ચિંતા નથી. એન્ડ્રોઇડ અને આઈઓએસ (એપલ) મોબાઇલ પર ટુર્નામેન્ટની મેચો ઉપલબ્ધ છે. જોવા માટે જોઈએ બસ જિયો સિનેમા એપ, કેમ કે તમામ મેચ સ્ટ્રીમ થવાની છે એના પર. મુદ્દે, ટીવી હોય કે સ્ટ્રીમિંગ, બેઉ રીતે ભારતમાં ટુર્નામેન્ટના પ્રસારણના અધિકાર રિલાયન્સ પાસે છે.
ટેલિવિઝન અને ઓટીટી માટે રમતગમત દર્શકોને ગજવામાં કરવાનું એક અમોઘ શ છે. ભારતમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે. એની ટુર્નામેન્ટ્સના અધિકારો મેળવીને ટેલિવિઝન ચેનલ્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ તરી ગયાં છે. આઈપીએલ ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારે એના સ્વદેશી પ્રસારણના અધિકારો સોનીએ હસ્તગત કર્યા હતા. એ સાથે સોની સડસડાટ કરતીક ટોચની એક સેટેલાઇટ ચેનલ બની હતી. સોની પાસે આ અધિકારો ૨૦૦૮થી ૨૦૧૨ વચ્ચે અને પછી ૨૦૧૬ સુધી હતા. માત્ર દર્શકોની સંખ્યા નહીં પણ આઈપીએલને લીધે સોનીને થતી જાહેરાતોની આવક પણ કૂદકે ને ભૂસ્કે વધી હતી.
૨૦૧૭થી ૨૦૨૨ વચ્ચે સ્ટારે આઈપીએલ પ્રસારણના અધિકારો ખરીદ્યા હતા. એણે ચૂકવેલી કિંમત સોનીએ પહેલાંના કરાર વખતે આપેલી કિંમત કરતાં ૧.૫૮ ગણી હતી. સ્ટાર પાસે એ સમયે આઈસીસીની મેચ સાથે ભારતીય ટીમ જે અન્ય મેચ રમે એના પ્રસારણના અધિકારો હતા જ. આઈપીએલના પ્રસારણના હકો સાથે એણે એક ગાળા માટે ક્રિકેટ મેચના ભારતીય પ્રસારણ પર આડકતરી મોનોપોલી મેળવી હતી.

૨૦૨૩થી ૨૦૨૭ માટે આઈપીએલના રાઇટ્સ થોડા મહિના પહેલાં એનાયત થયા. એમાં સ્ટાર, જે હવે ડિઝનીનો હિસ્સો છે, એણે ટીવી પ્રસારણના અધિકારો જાળવી રાખ્યા. સ્ટ્રીમિંગના અધિકારો મુકેશભાઈની વાયાકોમ ૧૮ કંપનીએ હસ્તગત કરી લીધા. આ પહેલાંના પાંચ વરસ માટે બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ મળીને જે રકમ આઈપીએલને મળી હતી એનાથી નવા કરારમાં બમણાથી વધુ રકમ મળી હતી. મેચદીઠ સમજવું હોય તો સ્ટારે આઈપીએલની એક મેચના ટેલિવિઝન બ્રોડકાસ્ટ માટે આશરે ૬૦ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. ડિજિટલ સ્ટ્રીમિંગ માટે વાયાકોમ ૧૮એ મેચદીઠ આશરે બાવન કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ તોસ્તાન રકમે આઈપીએલને વિશ્વની બીજી સૌથી મોંઘી લીગ ટુર્નામેન્ટ બનાવી છે. અમેરિકાની એનએફએલ એટલે નેશનલ ફૂટબોલ લીગ તથા ઇંગ્લેન્ડની ઇંગ્લિશ પ્રીમિયર લીગના પ્રસારણ માટે મેચદીઠ ચૂકવાતી રકમ પછી આ સૌથી તગડી રકમ છે.
આટલા ફૂટબોલ વત્તા ફીફા જ્ઞાાન પછી તૈયાર થઈ જાવ વર્લ્ડ કપને માણવા. આ વર્લ્ડ કપમાં વિજેતા થવા માટે ડાર્ક હોર્સ ગણાતા દેશોમાં આર્જેન્ટિના, સ્પેન, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને બ્રાઝિલ છે. ફ્રાન્સ ૨૦૧૮માં આ ટુર્નામેન્ટ જીત્યું હતું. ફ્રાન્સે ક્રોએશિયાને ૪-૨થી હરાવ્યું હતું. ૧૯૯૮માં જીતેલા વર્લ્ડ કપથી ફ્રાન્સ બીજી વખત ફૂટબોલ વિશ્વવિજેતા બન્યું હતું. આ વખતે કોણ શિરમોર રહે છે એ જાણીશું ૨૦ નવેમ્બરથી શરૂ થતી સ્પર્ધામાં.
આ પણ જાણી લો…
• ભારતમાં ફૂટબોલ વર્લ્ડ કપની મેચ જોવાનો સમય બપોરે સાડાત્રણ, સાંજે સાડાછ, રાતે સાડાનવ અને રાત્રે સાડાબાર છે. નોકઆઉટ રાઉન્ડની મેચનો સમય રાતે સાડાઆઠ છે.
• પહેલી એપ્રિલ ૨૦૨૨ના રોજ કતાર ફૂટબોલ વર્લ્ડ કપના મેસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું હતું. એનુ નામ લદઇબ છે. લ’ઇબ એટલે કુશળ ખેલાડી. ટુર્નામેન્ટ શરૂ થવા સાથે આ લ’ઇબનાં મીમ્સ, જીઆઈએફ, પોસ્ટર્સ વગેરે મોબાઇલ અને સોશિયલ મીડિયા પર મોટા પાયે ફોરવર્ડ થવા માંડશે.
• વર્લ્ડ કપની ફાઇનલ મેચ ૧૮ ડિસેમ્બરે કતારના દોહાથી ૬૦ કલોમીટર દૂર આવેલા લુસૈલ સ્થિત સ્ટેડિયમમાં રમાશે. સ્પર્ધાની ૧૦ એટલે કે સૌથી વધુ મેચ આ સ્ટેડિયમમાં થવાની છે. લુસૈલ આઇકોનિક ફૂટબોલ સ્ટેડિયમની ક્ષમતા ૮૦,૦૦૦ છે. ફૂટબોલ વર્લ્ડ કપ ફાઇનલ પછી સ્ટેડિયમની બેઠક ક્ષમતા ઘટાડીને અડધી એટલે ૪૦,૦૦૦ કરી નાખવામાં આવશે.
જે જગ્યા ખાલી થશે એનો ઉપયોગ શાપ્સ, કેફે, એથ્લેટિક, એજ્યુકેશનલ સુવિધાઓ, હેલ્થ ક્લિનિક વગેરે માટે થશે.
• સ્પર્ધાની પહેલી મેચ ૨૦ નવેમ્બરે યજમાન કતાર અને ઇક્વેડોર વચ્ચે રમાશે.
• જિયો પર થનારું મેચોનું સ્ટ્રીમિંગ ફોર-કે એટલે કે વિડિયોના સર્વોચ્ચ ગુણવત્તાના રિઝોલ્યુશનમાં થશે.
• જેમની પાસે જિયોનું સિમ કાર્ડ નથી તેમણે ચિંતા કરવાની જરૂર નથી. જિયો સિનેમા કોઈ પણ મોબાઇલ ઓપરેટરની સેવા ધરાવતા યુઝર્સ ડાઉનલોડ કરી શકે છે.
• ૧૯૩૦માં પહેલીવાર ફૂટબોલ વર્લ્ડ કપ યોજાયો હતો એમાં ઉરુગ્વે જીત્યું હતું. ૨૦૧૮માં યોજાએલી છેલ્લી સ્પર્ધામાં ફ્રાન્સ જીત્યું હતું.
• ફૂટબોલ રમતા દેશોનું રેન્કિંગ ફીફા જાહેર કરે છે. એમાં ભારત હાલમાં ૧૦૬મા સ્થાને છે. આ વરસે ૧૬ ઓગસ્ટથી ૨૬ ઓગસ્ટ વચ્ચે ફીફાએ ભારતીય ફૂટબોલ એસોસિયેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એનું કારણ ભારતીય એસોસિયેશનમાં ફૂટબોલ બહારનાં પરિબળોની દખલ હતી. એને લીધા ભારતમાં યોજાનારી અંડર-૧૭ મહિલાઓના ફૂટબોલ વર્લ્ડ કપ યોજાવા સામે પ્રશ્નાર્થચિહ્ન મુકાઈ ગયું હતું. પછી ભારતે ઘટતું કર્યું, પ્રતિબંધ ઉઠાવાયો અને ૧૧ અને ૩૦ ઓક્ટોબર વચ્ચે એ સ્પર્ધા દેશમાં યોજાઈ હતી.
• પહેલીવાર સ્પર્ધામાં ઊતરવા પાત્ર ઠર્યો હોય એવો યજમાન દેશ બનીને કતારે એક સિદ્ધિ હાંસલ કરી છે. આ પહેલાં ૧૯૩૪માં આવું ફ્રાન્સના મામલે થયું હતું જે યજમાન દેશ હતો અને સ્પર્ધામાં રમવાને પાત્ર ઠર્યો હતો.
• આ વર્લ્ડ કપમાં ઘણા મહત્ત્વના દેશ ક્વાલિફાઇંગ રાઉન્ડમાં બહાર ફેંકાઈ ગયા છે. સૌથી મોટો અપસેટ ઇટાલીની બાકાતી છે, જે ચાર વખત ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ઇટાલીને ક્વાલિફાઇંગ મેચમાં પછાડનાર દેશ નોર્થ મેકેડોનિયા હતો. એવી જ રીતે ચીલી, કોલમ્બિયા, પેરુ, ન્યુ ઝીલેન્ડ, ઇજિપ્ત, પનામા, આઇસલેન્ડ, સ્વિડન, નાઇજિરિયા, કોન્ગો, માલે જેવા દેશો પણ ક્વાલિફાઇંગ રાઉન્ડમાં બહાર ફેંકાયા હતા.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 18 નવેમ્બર 2022 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ https://epaper.gujaratsamachar.com/chitralok/18-11-2022/6
Share: